જનાન્તિકે/સોળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સોળ

સુરેશ જોષી

ભારે રસિક ચર્ચા જામી હતી. હું ઉત્સાહપૂર્વક દલીલ કર્યે જતો હતો. સહેજ થંભી જઈને મેં મારા અવાજનું અનુરણન સાંભળ્યું ને મને એમાં કોઈક અજાણ્યાનો અવાજ ભળી ગયેલો લાગ્યો. મારા અવાજમાં ભારે ચાલાકીથી, બખોલ પાડીને, કોઈક એનો ઉચ્છ્વાસ ભેળવી દેતું હતું. આથી મારો અવાજ સહેજ વધુ ફૂલેલો, સ્ફીત, લાગતો હતો. એના કાકુઓના મરોડને આ ઉચ્છ્વાસ સહેજ બરડ બનાવી દેતો હતો. ઉદ્ગારને છેડે આવતો કંપ એને કારણે ખોખરો બની જતો હતો. આથી મને વહેમ ગયો. મેં સામેના આયનામાં જોયું. મારું શરીર પણ મને સ્ફીત લાગ્યું. એમાં હું એકલો નહોતો, એમાં કોઈક બીજું, હળવેથી પ્રવેશીને ધીમે ધીમે પોતાનું વિસ્તારતું હતું. એને કારણે પેલી બાળપોથીની વાર્તામાંની ચોમાસાની દેડકીની જેમ મારી કાયા ફૂલેલી લાગતી હતી. મારો વહેમ દૃઢ થયો. મેં મારી પાસે પડેલા ફૂલને સ્પર્શ કરી જોયો. મને લાગ્યું કે જાણે હું ફૂલને સીધું સ્પર્શી શકતો નહોતો. એ સ્પર્શ મને એક બીજા સ્પર્શના માધ્યમથી થતો હતો. એ માધ્યમનું વ્યવધાન મારા બધા જ સ્પર્શસુખને પરોક્ષ બનાવી દેતું હતું. દૃષ્ટિનું પણ એવું જ લગભગ પારદર્શી આવરણ દૃષ્ટિની આડે છવાઈ ગયું હોય એમ લાગ્યું. જાણે મારી આંખ બીજી કોઈક આંખમાં જોઈને જ દુનિયાને જોઈ શકતી હતી. પછી મેં મારા ઉચ્છ્વાસને સાંભળ્યો, બે ઉચ્છ્વાસની વચ્ચે એક અજાણ્યો થડકાર વરતાયો. વાત પાકી થઈ. કોઈ વણનોતર્યું આવીને ભરાઈ ગયું છે. એ કોઈ કોણ તે વિશે મનમાં લવલેશ શંકા નથી; ને એથી જ એનું નામ હોઠે આણવું જરૂરી ગણતો નથી.