જાળિયું/કમળપૂજા (નયામાર્ગ : ઓક્ટો. -નવે. 1990)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કમળપૂજા

હજી તો માંડ છ મહિના થયા હશે આ સોસાયટીમાં આવ્યા ને. એટલામાં તો ચૌદેય ભુવનનાં દર્શન થઈ ગયાં. આમ તો અહીં આટલે દૂર કોણ મકાન ખરીદે? પણ વિજુભાઈ એમના મિત્ર. ભારે આર્થિક કટોકટીમાં. મકાન વેચ્યા વિના ઉગારો નહોતો. વાત જાહેર હોવાથી જે કોઈ ઘરાક આવે તે પાણીના મૂલે મકાન પડાવી લેવાની ગણતરી રાખે. છેવટે જેટલા મળે એટલામાંય વેચવા વિજુભાઈ તૈયાર થઈ ગયા. જેઠાલાલે જાણ્યું ત્યારે થયું કે આપણેય મકાન તો લેવું જ છે. શા માટે વિજુભાઈવાળું જ ન લઈએ? – અને એમણે ચાલતા બજારભાવથી એક પૈસો પણ ઓછો આપ્યા વિના એ મકાન ખરીદી લીધું. રસ્તા પર આવેલું મકાન બધાને ગમ્યું. સહુને પોસ્ટકાર્ડ છપાવીને જાણ કરી દેવામાં આવી કે હવેથી 26, ઈશ્વરનગર સોસાયટીના સરનામે અમે મળીશું. વિપુલ, માધવી અને મંજુલાબહેન રાજી થયાં. જેઠાલાલને તો એ વાતનો જ સંતોષ હતો કે હવે મંજુલાને ઘરનાં ઘરનો અભરખો પૂરો થશે. વિજુભાઈ અહીં રહેતા ત્યારે આ ત્રણેય અવારનવાર આવતાં. એ વખતે તો એ મહેમાન લેખાતાં એટલે કોઈનેય ખૂંચવાનો સવાલ નહોતો. પણ હવેની વાત જુદી. જેઠાલાલ મકાનના માલિક તરીકે અહીં કાયમને હિસાબે રહેવાના એ જાણ્યું કે તરત સોસાયટીની આંખમાં કણું પડ્યું. રસ્તા ઉપરથી જે કોઈ નાનું-મોટું નીકળે તે નેઈમપ્લેટ જોઈને મોટા અવાજે જેઠાલાલ ટી. પંડ્યા, બી.એ. (ઑનર્સ) એલએલ.બી. એમ વાંચતું જાય. જેઠાલાલે એકાદ-બે વખત એમને ટોકવાનો પ્રયત્ન કર્યો પણ લાગ્યું કે વધારે ચાળે ચડશે એટલે પછી આંખ આડા કાન કરવાનું નક્કી કર્યું. રહેવા આવ્યાને બીજે દિવસે બહાર ખુરશી નાંખીને જેઠાલાલ છાપું વાંચતા હતા. અચાનક એક ડોસો આવી ઊભો. છાપામાં એનો કાળો પડછાયો પડ્યો ને જેઠાલાલે નજર ઊંચી કરી. છાપું સંકેલી લેતાં બોલ્યા. ‘આવો મુરબ્બી, શું કામ હતું?’ ‘કામ? કામ તો કંઈ નો’તું. આ તો તમને જોયા તે થિયું કે કો’ક નવીન રે’વા આયવું લાગે સે…હારા માણહનો પાડોશ હઉને ગમે...ઈમાંય વાણિયાબામણ તો મળે જ ચ્યાં? આ ડોસો શું જાણવા માગતો હતો એ જેઠાલાલ બરાબર સમજ્યા. એમણે ચોખવટ કરી : માફ કરજો કાકા! અમે તો હરિજન છીએ! આટલું બોલતાં એમનાં રૂંવાડા ઊભા થઈ ગયાં. હશે ભૈ ઈ તો... પરજાના રાજમાં કંઈ થોડી કોઈને ના કે’વાય સે? જીની ગાંઠે રૂપિયો હોય ઈ લઈ હકે...હંધુંય લઈ હકે...ને જલમ લેવો કંઈ આપડા હાથમાં થોડો સે… વાંહેમોરનાં જેવાં કરમ...ઈ પરમાણે ભગવાન જે નાત આલે ઈ લેવી પડે…આટલું બોલતામાં તો એમણે પગ ઉપાડી લીધા… થોડા દિવસમાં જ જેઠાલાલને ખબર પડી કે આખી સોસાયટી આપણી વિરુદ્ધ છે. ‘કેમ છો મજામાં?’નો પણ વહેવાર રહે એમ નથી. વિપુલ અને માધવીને હજુ જૂના ઘરનો મોહ છૂટ્યો નહોતો. એ બંને તો કૉલેજ સિવાયનો લગભગ સમય એ બાજુ જ કાઢતાં. જરાક અનુકૂળતા મળે કે તરત સાઇકલ ઉપાડે. જેઠાલાલ તો ખાદીનાં સફેદ પેન્ટ-શર્ટ પહેરીને ઑફિસે ચાલ્યા જાય. આવી બાબતોને બહુ દાદ ન આપે, મૂંઝવણ બધી મંજુલાબહેનને. અરીસા જેવું ઘર થઈ જાય પછી બપોરે એ એકલાં હોય. શેય સમય ન જાય. આજુબાજુવાળાં સામાન્ય વાતનો પણ જવાબ ન વાળે. આવવા-જવાની ને વાટકી વહેવારની તો વાત જ ક્યાં? એમને કંટાળો ને એકલતા ઘેરી વળ્યાં. જૂના ઘરે તો રોજ બપોર થાય ને મહેફિલ જામે. ધાણીની જેમ વાતો ફૂટે. જ્યારે અહીં તો બપોર થાય ને મોઢામાં જાળાં વળવા લાગે. ઊંઘી ઊંઘીનેય કેટલું ઊંઘાય? આટલા દિવસ થયા પણ કોઈનો મેળ બેસતો નહોતો. જેઠાલાલ મકાન ટ્રાન્સફર કરાવવાની ચિંતામાં, છોકરાંઓનો પગ ઘરમાં ટકતો નહોતો ને મંજુલાબહેન એકલતાને ઓગાળી શકતાં નહોતાં. સહુનાં મન ઉપર ઝિમેલો ચટકા ભરતી હતી. જેઠાલાલ વિચારતા હતા કે પોતાને નામે મકાન કરવામાં શેની લાંચ આપવાની? સોસાયટીને વાંધો શું? બહુ તો એની જે ફી થતી હોય એ લઈ લે! પણ એમના કોઈ વિચારો કારગત નહોતા થતા. તલાટી કે સરપંચ બેમાંથી એકેય કોઠું આપતા નહોતા. એમને વાંધો એટલો જ આ સોસાયટી બ્રાહ્મણ વાણિયા ને પટેલોની છે. એમાં હરિજન ન સમાય! એક વખત વિપુલ અને માધવી એકબીજા સામે બૉલ ઉછાળતાં રમતાં હતાં. થોડી વારે એક-બે બીજાં છોકરાં પણ ઉમેરાયાં. તરત સામેવાળાં બહેનનો અવાજ આવ્યો, ‘એ ય બંટુડા, તમેય એમની હાર્યે રમવા મંડ્યાં? ઘરમાં આવો ને બેહો ભણવા. ઈમને તો નંઈ ભણે તોય નોકરી તિયાર છે. આ તો અનામતવાળાં…તમે માગી ખાશો તોય ભેળું નૈ થાય…!’ આ સાંભળીને બેય છોકરાં આભાં જ બની ગયાં. તરત બૉલ લઈને ઘરમાં ઘૂસી ગયાં. વિપુલે તો માથાના વાળ જાણે ખેંચી કાઢવા ન હોય એમ વાળમાં મુઠ્ઠીઓ વાળીને પછી દીવાલે હાથ અફળાવ્યા. શનિ-રવિની રજા આવી કે તરત મંજુલાબહેનના મનમાં સળવળાટ થયો. ચાલોને અંબાજી જઈ આવીએ! હમણાં ઘણા વખતથી નથી ગયાં...થોડું ફરી આવીએ તો મન હલકું થાય...બધાં ગયાં. બે દિવસે પાછાં આવ્યાં ત્યારે બારીઓના બધા જ કાચ તૂટી ગયેલા. જેઠાલાલે કહ્યું કે કોઈ કશું બોલશો નહીં...બધું થઈ પડશે. પણ મંજુલાબહેન ફફડી ગયાં. ઘરમાં જુવાન છોકરી ને આજુબાજુમાં કોઈ આપણું નહીં...અવાજ કરીએ તોય કોઈ સાંભળે એમ નથી. કાલ સવારે કંઈ વધારે હેરાનગતિ થાય તો? એમણે જેઠાલાલ સામે જોયું. એમના ચહેરા પરની ચિંતા પ્રગટ હતી. ગાંસડી એક કપડાંનો ઢગલો થયો હતો. મંજુલાબહેને નળની રાહ ન જોઈ. બધાં કપડાં ધબધબાવી કાઢ્યાં. ટાંકીનું તળિયું આવી ગયું. માધવીએ કહ્યું પણ ખરું, ‘મમ્મી! તેં બધું પાણી ખતમ કરી દીધું. હવે મારે કેવી રીતે નહાવું?’ ‘થોડી વાર રહી જા. હમણાં નળ આવશે.’ માધવીને મજાક સૂઝી, ‘નળ તો એ રહ્યો બાથરૂમમાં. એમાં પાણી આવશે એમ કહેવાય!’ ‘સારું, પાણી આવશે એમ કહેવાય! લ્યો બસ? તમે બધા બહુ ભણ્યાં તે હું તમારી આગળ ઊણી!’ નળ આવે ત્યાં સુધી શું કરવું? માધવીએ ઘરમાં બે-ચાર આંટાફેરા લગાવ્યા ટેપરેકૉર્ડર ચાલુ કર્યું, ઘરની બહાર રસ્તા ઉપર ટણકટોળી જામી હતી. પિયા તો સે, નૈનાં લાગે, રે…ગીત આવ્યું નેનૈ માધવી મહોરી ઊઠી ઝનક ઝનનનનીં, સાથે જ એ ઝૂમી ગઈ...અનાયાસ જ એના હાથ-પગ અરે આખું શરીર નર્તનની મુદ્રા ધારણ કરી બેઠું. અચાનક બહારથી ખિખિયાટા સંભળાયા. ‘આ ગરોડોં હંમણાંનો બૌ ફાટ્યોં સ્ નંઈ!’ ‘ફાટ્યો નંઈ દિયોરનોં ધુમાડે જ્યોંસ…ઘરમાં એકલી એકલી નાચસ્ તોણેં ઓંય બાર આઈન્ નોંચ ન્...એમેય મજો લઈ...!’ ‘રવા દે’ લ્યા, બોંમણની સોડીન્ ઈમ ના કે’વાય!’ ‘બોંમણ? હઅન્, આ બોંમણ ખરોં પણ ઈમનો…! આપડોં નંઈ...બઉ મોટી બોમણવાળી ના જોઈ ઓય તો...!’ બહાર વરંડામાં ઊભેલા વિપુલે આ સાંભળ્યું. એના હાથમાં ઝણઝણાટી આવી ગઈ. ઘડીવારમાં જઈને બધાને પૂરા કરી દેવાનું મન થયું. પણ એ ચૂપ થઈ રહ્યો. એણે ઘરમાં આવીને માધવીવાળી બારી બંધ કરી દીધી. માધવી એનો ગુસ્સો પામી ગઈ. એણે ટેપરેકૉર્ડર બંધ કર્યું. થોડી વારે બાથરૂમમાં સુસવાટા શરૂ થયા. માધવીએ બરાબર કાન માંડ્યા. ધૂનમાં ને ધૂનમાં એણે પહેરવાનાં કપડાં ને ટુવાલ બાથરૂમમાં લટકાવ્યાં. સુસવાટા વધવા લાગ્યા. એ અદબવાળીને ઊભી. એની નજર નળ ઉપર ખોડાઈ. હવે એક-બે નહીં સહસ્ર ફેણાં ફૂંકવતી હતી. એની અદબ તંગ થઈ…થયું કે હમણાં પાણી આવ્યું...એના આખા શરીરનો ભાર પગના અંગૂઠા ઉપર આવી ગયો. અદબ વધુ તંગ થઈ ને આંખો નળ ઉપર ત્રાટક કરતી હોય એમ ખેંચાઈ રહી. થોડી વારના ફુત્કાર પછી અચાનક જ ફઅઅઅઅ... કરતો નળ ઓક્યો. માધવીના હાથ લટકી પડ્યા. જોયું તો બંને હાથ તો જાણે ખાલી જ ખાલી. ફરી એક ફુત્કાર અને કોગળો પાણી તરત ફૂંકવાટા બંધ. જાણે કે કાલિયદમન થઈ ચૂક્યું હતું. સૂસવવાનો અવાજ પણ ધીમે ધીમે શોષાઈ ગયો. મંજુલાબહેને બૂમ પાડી. ‘તું ક્યારની ઊભી ઊભી શું કરે છે? નાહી લે કે નહીં, જલદી પાર આવ!’ ‘અરે! મમ્મી આ નળ તો ગયો…હવે કદાચ પાણી નહીં આવે!’ ‘એક તો પાણી છે નહીં ને નળ નહીં આવે તો શું થશે?’ બબડતાં બબડતાં મંજુલાબહેન રસોડામાં ગયાં. ત્યાંનો નળ ચાલુ કર્યો. ત્યાંય એ જ સ્થિતિ! ઘડીવાર સહુ મૂંઝાઈ ગયાં. પણ પછી તરત મંજુલાબહેન બોલ્યાં, જો તો પચ્ચીસ નંબરમાં પાણી આવે છે કે? માધવીને બદલે વિપુલ દોડતો ગયો. જોયું તો ત્યાં ટ્યૂબ લઈને લાંબી ધારે બગીચાને પાણી પવાતું હતું. ફોર્સ પણ ગજબ! પાણી છાટનારનો હસતો ચહેરો જોઈને વિપુલ રાળ રાળ થઈ ગયો. જેઠાલાલ પંચાયતની ઑફિસે તપાસ કરવા ગયા. સરપંચ દારૂ પીને ઊંધમૂંધ પડ્યા હતા. એમને વાત કરવાનો કશો અર્થ ન જણાતાં તલાટીની રાહ જોતા બાંકડે બેસી રહ્યા. અહીં રહેવા આવ્યા પછી પંચાયતની ઑફિસે પહેલી જ વાર ને તેય ફરિયાદ લઈને આવવાનું થયું! એવું જેઠાલાલ વિચારતા હતા ત્યાં જ તલાટી આવ્યા. પ્રશ્નસૂચક નજરે એમણે જેઠાલાલ સામે જોયું એટલે જવાબ મળ્યો કે ઈશ્વરનગર, છવ્વીસ નંબરમાંથી આવું છું. અમારે ત્યાં પાણી બિલકુલ નથી આવતું. ગઈ કાલ સાંજથી બંધ છે. પાણી વગર... ‘તે હું શું કરું? તમારી પાઇપલાઈન જ ક્યાંક લિકેજ ન હોય! પહેલાં તપાસ કરાવી લો. પછી કમ્પ્લેઈન લખી આપો. જોઈશું થઈ જશે ચાર-પાંચ દિવસમાં!’ ‘પણ…’ ‘પણ ને બણ ગામ આખાને પાણી આવે ને તમારે ઘેર જ ન આવે? આ તો કૌતુક કહેવાય! જા…વ પહેલાં તપાસ કરાવી આવો!’ જેઠાલાલના બધા વિચારો નમાયા થઈને રહી ગયા. લૂતે લમણે પાછા આવ્યા. તપાસ કરાવી તો ખબર પડી કે પચ્ચીસ નંબરવાળાએ કંઈક રિપેરિંગ કરાવ્યું ત્યાર પછીથી અહીં પાણી બંધ થઈ ગયું છે. ફરી પંચાયત ઑફિસ. લેખિત ફરિયાદ. જેઠાલાલે થોડી અંગતતા લાવીને તલાટીને કહ્યું, ‘ઘરમાં સવારનું કોઈ નહાયુંય નથી, પીવાનાં તો બે માટલાં ભર્યાં છે પણ વાપરવાનું તો ટીપુંય નથી! બને તેટલું વહેલું કરી આપો તો સારું...!’ જવાબમાં તલાટી ખંધું હસ્યો. ‘હા. સાહેબ. તમારું બને તેટલું વહેલું કરી નાખશું! પણ સરપંચને કાને જરા વાત નાંખતા જાવ...!’ જેઠાલાલની સ્થિતિ બાઈ બાઈ ચાળણી જેવી થઈ ગઈ…સરપંચ કહે, ‘ભૈ મું સું કરું? બધોં વહીવટ તલાટી જાણે…મું તો શઈ કરી આલું જ્યોં કૌં ત્યાં...ચમનાજી કુલાજી…!’ જેઠાલાલ એક મિનિટ પણ ત્યાં ઊભા રહી શક્યા નહીં. રસ્તે આવતાં પચીસ નંબરવાળા કાંતિભાઈ મળ્યા. એ પંચાયત ઑફિસે જતા હોય એમ લાગ્યું. એમણે પૂછ્યું, ‘પંડ્યા સાહેબ ક્યાં જઈ આવ્યા?’ ‘પંચાયત ઑફિસે. અમારે ત્યાં પાણી નથી આવતું તે ફરિયાદ કરવા...’ ‘તે ઈમાં ફરિયાદ હું કરવાની? મેં હજાર રૂપિયા ખવરાવ્યા ને બે ઈંચની પાઈપલાઈન કરાઈ લીધી. ગામ આખાને એકની ને આપડે બેની! ફુવારા દેતું પાણી આવે… તમેય થોડી પૂજા ચડાવી દ્યો ને એટલે પાર આવે!’ કહીને એ ચાલતા થયા. જેઠાલાલના મગજ પર મીઠાનાં હળ ફરી વળ્યાં. કાંતિભાઈએ શાનું રિપેરિંગ કરાવ્યું હતું એની હવે જાણ થઈ. પાણી નહીં આવવાનું રહસ્ય પણ સમજાયું. નરમઘેંશ થઈ ગયા. થયું કે હરિજનનો દૂરીજન સાથે કેમ મેળ બેસશે? પણ તરત સભાન થઈ ગયા. આ તો હડહડતો અન્યાય કહેવાય. ભલે ગમે તે થાય, આવું સહન ન કરાય... એ ત્યાંથી જ પાછા ગયા. પંચાયત તરફ… કાંતિભાઈ તલાટીને પૂછતા હતા, ‘પેલો પોથીપંડ્યો અહીં આવ્યો’તો? ‘હા, અરજી આપી ગયો છે. શું કરવું છે? એ હાળો ઝાંપડો સરકારમાં ઑફિસર છે. કંઈક જેક બેક લગાડશે તો? તમારે તો ઠીક ભલા માણસ, મારે નોકરી કરવાની કે નહીં?’ ‘અરે તલાટી! તમારે ફિકર કરવી નહીં. હું બેઠો છું ને! આપડે ઠેઠ મિનિસ્ટર હુધી…ઈ ચોપડીચુંબકને બરાબર સીધીનો કરી દ્યો! આવાઁ ન્ તો લાંબી કહે ધવરાવો ઈ જ લાગનાઁ...હાળાઁ ગરોડોં...વાઁણિયો બોંમણ ને પટેલોની વચ્ચે રે’વું છે...ઈનું નોંમેય ટાંસફેર નથ્ કરવું...બધોંન્ ધધેડી પૈણાઈ દીધી! શોશાયટીની ઈમપરેશનનું સું?’ સરપંચ માંડ આટલું બોલ્યા ને પછી ઢીલા થઈને પડ્યા. બીજો દિવસ. ન ગયા ઑફિસે જેઠાલાલ કે ન ગયા છોકરાં કૉલેજે. આજુબાજુનાંને બેય ટાઈમ ફૂલ પાણી મલે ને અહીં કોગળા જેટલુંય નહીં! આખું ઘર પાણી વિના હમચી ખૂંદવા લાગ્યું. નાહ્યાંધોયા વિના ચારેયનાં શરીર ચટપટતાં હતાં. કોઈને કંઈ કામ સૂઝે નહીં. મંજુલાબહેનનાં તો હાજાં જ ગગડી ગયાં. ભગવાનનો દીવોય થયો નહીં. ઘરમાંથી બે-ત્રણ વાર કચરો કાઢ્યો પણ પોતાં કઈ રીતે કરવાં? કપડાં સાબુના પાણીમાં બોળી રાખે ને કદાચ પાણી ન આવે તો ગંધાઈ ઊઠે, એ કરતાં ભલે પડ્યાં મેલાં! વિપુલ તો નહાવા માટે સાઇકલ લઈને પહોંચી ગયો એના ભાઈબંધના ઘેર. આખું ઘર મણમણના ભાર હેઠે દબાતું હતું. કોઈ કોઈની સાથે વાત કરવાનીય હિંમત કરતું નહોતું. પંખીઓને પાણી પીવા માટે છજા નીચે લટકાવેલા કૂંડામાં પાણી નાંખવાનું મંજુલાબહેનને યાદ આવ્યું. જોયું તો કૂંડું સાવ ખાલી. ‘બિચ્ચારાં પંખીડાં…’ એવું બોલતાં એ પાણિયારે ગયાં. લોટો પાણી ભરતાં એમનો જીવ થોથવાયો. જાત ઉપર નફરત થઈ આવી. પછી વિચાર આવ્યો કે એક લોટામાં શું? જીવ તો બધાંનો સરખો. એમણે કૂંડામાં પાણી રેડ્યું. પાણીનો અવાજ આવતાં જેઠાલાલે મોઢું બહાર કાઢ્યું, જોયું ને પાછા ચોપડીમાં ગરકાવ થઈ ગયા. માધવી બોલી પડી : ‘મમ્મી! પાણી છે નહીં ને તું પાછી એમાં ક્યાં નાખે છે...?’ મંજુલાબહેનની આંખો તગતગી ગઈ. ગળું ખોંખરતાં બોલ્યાં, ‘એમ પાણી જેવી વાતે મન ટૂંકું ન કરીએ…પંખીડાં નિસાસો નાંખીને પાછાં જાય...! જાય…!’ માધવીએ અમસ્થો જ આંટો લગાવ્યો ને પાછી હતી ત્યાં બેસી ગઈ. બાજુવાળાએ બાથરૂમમાં એક સાથે ત્રણ-ચાર ડોલ પાણી ઢોળ્યું હોય એવો ગટર-ખાળકૂવાનો અવાજ આવ્યો. સૌના જીવ અધ્ધર થઈ ગયા. ગરમી ખૂબ લાગતી હતી. પંખો પણ જાણે કશું કામ નહોતો આપતો. માધવીથી રહેવાયું નહીં. એણે મૌન તોડ્યું : ‘મમ્મી! હું બાજુવાળાને ત્યાંથી એકાદ-બે ડોલ લઈ આવું?’ ‘આપણે કદી ત્યાં ગયાં નથી, કદાચ...’ ‘પાણીની તે કોઈ ના કહેતું હશે? જવા તો દે!’ માધવી ડોલ લઈને નીકળી. જેઠાલાલને એનું આ રીતે જવું ન ગમ્યું. મૂંગા રહ્યા. થોડી વારે માધવી ખાલી ડોલે પાછી આવી. એનો ચહેરો રડમસ થઈ ગયો. પળવારમાં તો ધ્રુસકે ચડી ગઈ. જેઠાલાલ અને મંજુલાબહેન એને છાની રાખવાને બદલે ગુસ્સે થઈ ગયાં, ‘પણ છે શું? મોઢામાંથી કંઈ ફાટીશ કે પછી ભેંકડો જ તાણ્યા કરીશ?’ માધવી રડતાં રડતાં જ બોલી, ‘એ લોકો કહે છે…કહે છે કે...અમારે આખી ટાંકી નથી અભડાવવી…!’ જેઠાલાલે ખાલી ડોલ બાથરૂમમાં જઈને પછાડી. ધડામ એવો અવાજ આવ્યો. હવે મંજુલાબહેનથી ન રહેવાયું. ‘તમે સિદ્ધાંત સિદ્ધાંત ક્યાં સુધી કર્યા કરશો? કહું છું કે જઈને તલાટીના મોંમાં હજાર રૂપિયા ડૂચી આવો! આમ પાણી વિના તે શે રે’વાય? નહીં તો પછી તાબડતોબ ક્યાંક ભાડે મકાન લઈ લો. આંબેડકરનગરમાં તો કોઈ ના નહીં કહે ને? ગમે તેમ તોય આપણાં...’ જેઠાલાલ તાડૂક્યા, ‘ખબરદાર જો એવી વાત કરી છે તો…હું અરજી આપી આવ્યો છું…જોઉં છું કેટલા દહાડા પાણી નથી આવતું! કોઈને ચાર પૈસાય આપવાના શેના?’ સહુ ચૂપ થઈ ગયા. થોડી વાર પછી વિપુલ આવ્યો. એના શરીરમાંથી સાબુની સુગંધ આવતી હતી. એ નાહેલો હતો. એટલે વધુ દેખાવડો પણ લાગતો હતો. એક પળમાં જ એ વાતાવરણ પામી ગયો. ચુપચાપ અંદરના ઓરડામાં ચાલ્યો ગયો. માધવીએ એની સામે તિરછી નજરે જોયું. એને થયું પોતે આ રીતે કોઈ બહેનપણીને ઘેર નહાવા ન જઈ શકે! પણ થયું ના. આ દિવસોમાં કેમ કરીને જવું? બહેનપણી જાણે તોય ન ગમે. એ શરમથી સંકોચાઈ ગઈ. બફારામાં સાંજ ઢળી. પોતાનાં શરીરનીય વાસ આવે એટલો પરસેવો બધાંને થયો હતો. સહુએ લુસલુસ ખાધું ને પથારીમાં પડ્યાં. દરેકને ખાતરી હતી કે બાકીનાં ત્રણ જાગે છે. કોઈની આંખમાં ઊંઘ નહોતી. અચાનક મંજુલાબહેન ઊઠ્યાં. જેઠાલાલના પલંગ પાસે ગયાં. બેય છોકરાંના જીવ તાળવે ચોંટી ગયા. ઘર નીરવ હતું. બાજુવાળાંની ગટરમાં વળી એકાદ ડોલ પાણી ઢોળાયું. ક્યાંય સુધી એનો અવાજ આવતો રહ્યો. મંજુલાબહેને જેઠાલાલના માથે હાથ ફેરવ્યો. જેઠાલાલે ઉંહકાર કર્યો. મંજુલાબહેન ધીમેથી બોલ્યાં, ‘કહું છું, તમે કોઈના પૈસા ખાવ નહીં એ તો સમજ્યા, પણ ખવરાવવામાં શો વાંધો? પાણી વિના મિનિટેય ચાલે એમ નથી. તમારા સિદ્ધાન્ત આડે બીજાંનો તો વિચાર કરો...’ જેઠાલાલ આંખો ફાડીને તાકી રહ્યા. મંજુલાબહેન અવાજ બદલ્યા વિના બોલ્યા જતાં હતાં, ‘કહું છું, માધવીને આજે ત્રીજા દિવસ છે…એનું માથું ધોયા વિના નહીં ચાલે…કપડાં ધોયા વિના છૂટકો નથી...ઘરમાં એક ટબૂડીયે પાણી નથી. બિચ્ચારી છોકરીને…તમે સવારે ઊઠીને સરપંચ ને તલાટીને જે પૂજા ચડાવવી પડે એ ચડાવી દો ને! એમ માનશું કે એટલા રૂપિયા પડી ગ્યા’તા...!’ જેઠાલાલને થયું કે પાણીમાં મુઠ્ઠીઓ ભરવા કરતાં...પણ ના આટલી અમથી વાતમાં ઝૂકી જવું? આજે આ પ્રોબ્લેમ ને કાલે બીજો...લાંચ આપવાનું તો કેમ બને? એ ઊભા થયા. એક ગ્લાસ પાણી પીધું. માધવી સૂતી હતી એ બાજુ ગયા. એ આટલી ગરમીમાંય ટૂંટિયુંવાળીને પડી હતી. જેઠાલાલ ઊભા ઊભા જ ધ્રૂજી ગયા. એમની નજર સામે સરપંચ અને તલાટી અટ્ટહાસ્ય કરી રહ્યા હતા. પોતે ઊભા છે પણ લાગ્યું કે કોઈએ બેય પગ બાંધીને એમને ઊંધા લટકાવી દીધા છે, એ તરફડિયાં મારવા લાગ્યા. રૂઠેલા દાનવો ભોગ માગી રહ્યા છે...પૂજા માગી રહ્યા છે. કદાચ કમળપૂજા! એમણે પલંગ તરફ જવા પગ ઉપાડ્યા. ફરી એક નજર માધવી પર...અને બારી-બારણાં બંધ હોવા છતાં એમણે એક જોરદાર વંટોળિયાનો અનુભવ કર્યો. એમનું મન મૂંઝાઈ મર્યું ને એમનાં ખાદીનાં સફેદ વસ્ત્રો જાણે કે ધૂળ ધૂળ થઈ ગયાં...જેઠાલાલ સવાર થવાની રાહ જોતાં પલંગમાં બેસી રહ્યા.