તારાપણાના શહેરમાં/ન રહી
Jump to navigation
Jump to search
ન રહી
સભાનતાની ક્ષિતિજોમાં… વેદના ન રહી
હવે તો વાત રહી ગઈ છે વારતા ન રહી
નિકટ થવાનું રહ્યું નહિ કે દૂરતા ન રહી
તને મળ્યા પછી તો કોઈ શક્યતા ન રહી
બધાની લાગણી છે ભીંતની તિરાડ સુધી
ઉઘાડું ઘર થયું તો કોઈ આવજા ન રહી
અજાણ્યો સ્પર્શ વિખૂટો પડી જીવી ન શક્યો
નગરથી દૂર જઈને હવા, હવા ન રહી
રહી રહીને વિખરાઈ ગઈ તમામ ક્ષણો
નિરાંત થઈ કે સમયની કોઈ સભા ન રહી
વિચારતો જ રહ્યો તારી વાતનો વિસ્તાર
હું મારું નામ લખું એટલી જગા ન રહી