દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૦૬. મોતના ભય વિષે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦૬. મોતના ભય વિષે

કુંડળિયા


ડર રે દુનિયાદાર નર, ગાફલ ન ફર ગમાર,
કાળ મહા વિકરાળ છે, ખુદ તુજને ખાનાર;
ખુદ તુજને ખાનાર, જાણ ખાધો કે ખાશે,
નાસી શકે તો નાશ, પછી પસ્તાવો થાશે;
દાખે દલપતરામ, રામ ભજી આજ ઉગર રે,
શ્રી હરિનું લે શરણ, મરણથી મનમાં ડર રે.
ખાધા પૂર્વજ પુરુષને, તું ગણ તેનાં નામ,
પિતા પિતામહના પિતા, તે ક્યાં ગયા તમામ;
તે ક્યાં ગયા તમામ, જબર થઈ કોઈ ન જીત્યા,
પચ્યા કાળને પેટ, હતા નહતા થઈ વીત્યા;
દાખે દલપતરામ, નહીં રહિયા નિર્બાધા,
કાળે એમ કરોડ, પુરુષ પૂર્વજને ખાધા.
તારા તારી હેડીના મિત્ર ગયા કઈ મરદ,
તોપણ તું તેનું કશું દિલમાં ન ધરે દરદ;
દિલમાં ન ધરે દરદ, ગરદ થઈ ગયો ગુમાને,
ભૂલી ગયો નિજ ભાન, વિષય રસ વારુણિ પાને;
દાખે દલપતરામ, માની મન બોધ અમારા,
સ્નેહી ગયા સંભાર, તારી હેડીના તારા.
કંઈ રાજા રાણા ગયા, ગયા કંઈક કંગાલ,
કઈ પૂરા પંડિત ગયા, ગયા મૂર્ખ નિર્માલ;
ગયા મૂર્ખ નિર્માલ, રહ્યા તે નહિ રહેવાના,
એક દિવસ અણચિંત, જગત છોડી જાવાના;
દાખે દલપતરામ હોય, દુર્બલ કે તાજા,
સરખે માથે સર્વ કોણ રાણા કે રાજા.
સુખમાં કાઢ્યા સર્વ દિન, કે દુઃખમાં દિનરાત,
સપનાંતર સમ સર્વ તે, વિસરી જાશે વાત;
વિસરી જાણે વાત, નિત્યા દિન જુઓ વિચારી,
કદી દીધો ઉપવાસ, જમ્યા કદી સુખડી સારી;
દાખે દલપતરામ, આજ ન મળે રસ મુખમાં,
તેમ ગયા તે ગયા, દિવસ દુઃખમાં કે સુખમાં.
સુખે ગયેલા સમયનું, તજો અહંપદ આપ,
દુઃખે ગયેલા દિવસનો, શો કરવો સંતાપ;
શો કરવો સંતાપ, પાપ કે પુણ્ય પકડશે,
જેનો જરૂર જવાબ, પૂછતાં દેવો પડશે;
દાખે દલપતરામ, લેખી દિન તેજ લખેલા,
નહિ બીજા નોંધાય, દુઃખે સુખે ગયેલા.
(સમાપ્ત)