દલપત પઢિયારની કવિતા/પુણ્યસ્મરણ
Jump to navigation
Jump to search
પુણ્યસ્મરણ
અમને કોની રે સગાયું આજ સાંભરે.
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે...
કોની રે સગાયું આજ સાંભરે
કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો,
આઘે લે’ર્યુ ને આંબી કોણ ઊઘડે...
કોની રે સગાયું આજ સાંભરે
આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,
ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ;
અમને દાદા દેખાય પેલી ડેલીએ...
કોની રે સગાયું આજ સાંભરે
માડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે,
ખરતાં હાલરડાં ઝૂરે રે અધ્ધર ટોડલે;
ઊંચે મોભને મારગ કોણ ઉતરે...
કોની રે સગાયું આજ સાંભરે
કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,
આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખજલિયું પડાવો,
આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ...
અમને સાચી રે સગાયું પાછી સાંભરે.’’’