દિવ્યચક્ષુ/૨૮. દર્દીઓનો મેળો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૮. દર્દીઓનો મેળો

બોલે બોલે છે ગિરિઓમાં
ઢેલડ ટહુકો કરે;
મારે અંતર ઊછળે અંકોર
જીવન ઝોલે ચઢે.

−ન્હાનાલાલ

જનાર્દને આંખ ઉઘાડી. કોઈ યોગી પોતાના ભૂતકાળને ધ્યાનાવસ્થામાં નિહાળતો હોય એમ એને લાગ્યું. સ્થળ પરિચિત હતું, અને નજીક બેઠેલી પ્રગલ્ભા ?

કામ ક્રોધ લોભના ચુરા કર્યા !

ધના ભગતના ગીતનું ચરણ તેના કાનમાં હજી ગુંજી રહ્યું હતું. દેહથી મુક્ત બનેલો જીવાત્મા પોતાના ભૂમિશાયી શબને તટસ્થપણે નિહાળતો હતો. દેહ એક વખત તેનો હતો એટલું જ માત્ર કુતૂહલ તેને હતું. દેહનાં કાર્યો સાથે હવે તેને કશો સંબંધ નહોતો; એ દેહને દાટે કે બાળે તેની પરવા નહોતી.

તેણે શું પાપ કર્યું હતું ? પોતાના કાર્યને તે કદી પાપ માની શક્યો નહોતો. પુરુષ અને સ્ત્રી વચ્ચે પ્રભુએ આકર્ષણ સરજ્યું. એ આકર્ષણના સ્થૂળ આવિષ્કારમાં પાપ કયે સ્થાને હોય ? સમાજ શા માટે તેમાં વચ્ચે આવે ? શા માટે તે મનસ્વી કાયદા ઘડે ? શા માટે એ મનસ્વી કાયદાઓ સહુ પાસે પળાવવાનો સમાજ આગ્રહ રાખે ?

તેણે નિખાલસપણે સમાજના કાયદાનો ભંગ કર્યો; પરંતુ તેણે ધાર્યું હતું એટલો સમાજ નિર્બળ નહોતો. સમાજ સામે બંડ ઉઠાવતાં સમાજ ડરીને પાછો હઠશે એમ ધારવામાં તેણે ભયંકર ભૂલ કરી હતી. સુશીલા સાથે લગ્ન કરવાની પરવાનગી નહિ મળે તો સુશીલાને ખુલ્લી રીતે લઈ જવાની દૃઢ વૃત્તિ કાર્યમાં પરિણામ પામી નહિ. સુશીલાથી ખુલ્લી રીતે ઘર છોડી જવાય એમ નહોતું. તેણે નિશ્ચય કર્યો કે સુશીલાને છૂપી રીતે લઈ જવી પરંતુ બહુ ઝડપથી તેને સમજાયું કે તેનો નિશ્ચય એ માત્ર બડાઈ જ હતી; તેનાથી સુશીલાને છૂપી રીતે પણ લઈ જવાય એમ નહોતું. ઘર, સમાજ અને રાજ્યની અખંડ ઉઘાડી આંખ ચારે પાસ અનિમિષ પહેરો રાખી રહી હતી, એ પહેરો ચુકાવવાનું તેની પાસે કંઈ જ સાધન નહોતું. ઊલટું તેને સમજાયું કે પ્રયત્નમાં નિષ્ફળતા ઉપરાંત તેનો વિનાશ સમાયેલો હતો. તેને પોતાના વિનાશની પરવા નહોતી; પરંતુ સમાજે સુશીલાના વિનાશ માટે કરી રાખેલી તૈયારી તે જોઈ શક્યો. સુશીલાને વિનાશ તે સહી શકે એમ નહોતું. સુશીલાનો વિનાશ અનિવાર્ય છે એમ પણ તેને ખાતરી થઈ; અને એ વિનાશમાંથી તેને બચાવી શકાય એવું કશું પણ સાધન નથી એમ પણ તેને નક્કી થયું. તેના હૃદયમાં પશ્ચાત્તાપની એક ભયંકર જ્વાળા સળગી.

સમાજનું બળ સમજ્યા વગર, કાર્યના પરિણામની ભયંકરતાનો વિચાર કર્યા વગર, પરિણામથી પોતાની પ્રિયતમાને બચાવવાનો એક પણ સાધનનો અબાવ હોવા છતાં, તેણે જે કાર્ય કર્યું તે ભલે પાપ ન હોય; પરંતુ તે ભયંકર ભૂલ હતી જ. એવી ભૂલ કરવાનો તેને અધિકાર હતો ખરો? એવી ભૂલ અને પાપના પરિણામમાં કોઈ ફેર હતો ખરો ! એવી ભૂલ કરવી એનું જ નામ પાપ નહિ ? ભૂલ અને પાપમાં તફાવત કેટલો ? સંકુચિત દૃષ્ટિનું પાપ એ ઉદાર દૃષ્ટિની ભૂલ !

પશ્ચાત્તાપે તેને સળગાવી મૂક્યો. સમાજને ભસ્મીભૂત કરવાની તેણે કાંઈ કાંઈ યોજનાઓ કરી, અને અસ્તિત્વમાં હતી તેવી યોજનાઓનો આશ્રય લીધો. સમાજ સામે તેણે ભયાનક યુદ્ધ આદર્યું. પરંતુ તેમાંય તેને છેવટે એટલું જ જણાયું કે પોતે જગતના ક્લેશમાં વધારો કર્યે જાય છે. માનવી અને માનવી, માનવી અને સમાજ, સમાજનો એક વર્ગ અને બીજો વર્ગ, એક અગર બીજે બહાને કુટિતાભરી યુદ્ધપરંપરામાં સ્પષ્ટ કે ગપ્ત રહેલા સમાજ તરફ તેને સહજ અનુકંપા ઉત્પન્ન થઇ, અણે એ એ અનુકંપામાંથી આત્મભોગના ઉપલા પગથિયા ઉપર ચડી જોતાં તેને જણાયું કે યુદ્ધ નહિ પણ અહિંસા, વેર નહિ પણ પ્રેમ, સ્વાર્થ નહિ પરંતુ પરમાર્થ, એ જ સમાજસુધારણાના સન્માર્ગો છે. કરેલાં સનાતન વ્રત એ સમાજસુધારકનાં આવશ્યક વ્રત છે એમ તેની ખાતરી થઇ. એ વ્રત ધારણ કરી દેશસેવાનો મહાયજ્ઞ આરંભી બેઠેલા ગુજરાતના એક મહાતપસ્વીની પ્રખર તપશ્ચર્યા એણે દૂરથી જોઈ. એ માર્ગમાં તેના વ્યથિત હૃદયને શાતા વળી, અણે તેના પ્રાયશ્ચિત્તનું ફળ દેખાયું. જે સ્થળે તેને અને સમાજને પ્રથમ વિરોધ થયો તે જ સ્થળેથી સુધારણાનો આછો પણ સાચો પ્રયત્ન તેણે આદર્યો અને એ પ્રયત્નને તેને એવે માર્ગે દોર્યો કે જેમાંથી તેની વિશુદ્ધ બનેલી આંખોએ સુશીલાને જોઈ છતાં વિકાર અનુભવ્યો નહિ.

બેમાંથી કોઈ જ બોલ્યું નહિ. બોલવાની ઇચ્છા હતી પણ બોલાયું નહિ. આસપાસ માણસો ફરતાં હતાં તેને લીધે જાણે બોલાતું નહોતું એમ બંનેને લાગ્યું. ખરેખર તો બંનેને બોલવાની ઇચ્છા છતાં એકે બોલ જડયો નહિ. પોતપોતાને દોષ દઈ એકબીજાની ક્ષમા પામી ચૂકેલાં, એક રહેવા સરજાયલાં; પરંતુ સમાજે સદાયનાં વિખૂટાં પાડેલાં. આ ભૂલથી ભરેલાં પુરુષ-સ્ત્રી અગ્નિજ્વાળામાં તપીને તપશ્ચર્યાની ભૂમિકા ઉપર ભેગાં થયાં ત્યારે તેમને કાંઈ પણ બોલવાપણું રહ્યું નહોતું.

બંનેએ પરસ્પર થોડી વાર ટગરટગર જોયા કર્યું. જૂના હૃદયથડકારનો ભણકાર સંભળાયો, અને સંયમની શાંતિમાં પાછો સમાઈ ગયો.

‘તમનેયે વાગ્યું છે કે ?’ નૃસિંહલાલનો ઘાંટો સાંભળાયો. પોતાનો પુત્ર પોલીસના મારથી બેભાન બની ગયો હતો એવા સમાચાર સાંભળી દોડી અવેલા પોલીસ-અમલદારે જનાર્દનની પણ ખબર પૂછી.

‘વધારે નહિ.’ સુધીલાએ કહ્યું. ઋષિના તપોવનમાં કોયલ ટહુકી; પરંતુ એ કોયલ હૃદયને દેહ તરફ ઘસડી જતી નહોતી; પોતાના ટહુકાથી અવકાશને એક બનાવી દેતી કોયલ હૃદયને ચિદાકાશના મુક્ત વાતાવરણમાં ઊડવા પ્રેરતી હતી.

જનાર્દન સૂઈ રહ્યો. નૃસિંહલાલે કહ્યું :

‘આટલું ઓછું છે ? પાટો તો પાઘડી જેવો બાંધ્યો છે !’

‘એ જ અમારી પાઘડી ! હા, પણ તમે કંદર્પને જોયો ? કેમ છે એને ?’

‘એ અને અરુણ બંને પડયા છે ખાટલામાં. સમજે નહિ તેને શું કરીએ? ભોગ એના ?’

‘તમે કાંઈ આજ દેખાયા નહિ.’

‘હું તો, ભાઈ ! રજા ઉપર રહ્યો છું.’ નૃસિંહલાલે કહ્યું. લાઠીમારનો હુકમ પોતાના જ પુત્ર સામે શી રીતે આપી શકાશે તેની મૂંઝવણમાં પડેલા એ પોલીસ-અમલદારે કોઈ બહાને રજા ઉપર ઊતરી જવું યોગ્ય ધાર્યું હતું.

એક પાસ ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટમાં કાયમ થવાનો લોભ હતો; પરંતુ તે સામે પુત્રનું માથું ફોડવા આજ્ઞા આપવાની ફરજ હતી. તેમણે લોભ જતો કર્યો.

‘વાહ ! તમે આવ્યા હોત તો અમારી અહિંસાને તમે ઓળખી શક્યા હોત.’

અહિંસાથી કાંઈ પણ બની શકે એમ માનવા નૃસિંહલાલ તૈયાર નહોતા. તેઓ બોલ્યા :

‘એ બધું તૂત રહેવા દઈ ઈશ્વરભજનમાં પડો તો તમારો ઉદ્ધાર થાય અને આ જુવાનિયાઓ કંઈ ભણેગણે અને ધંધે લાગે!’

‘હું જે કરું છું તે ઈશ્વરભજન છે.’

ધનસુખલાલ ત્યાં આવી પહોંચ્યા; નૃસિંહલાલને જોતાં બરાબર તેઓ ઘૂરકી ઊઠયા :

‘શું નૃસિંહલાલ ! તમારી તે કાંઈ પોલીસ છે ! આવો ઘાતકી માર તે મરાય ?’

‘ત્યારે શું કરીએ ? ભાઈબાપુ કર્યે આ લોકો માને એમ છે ?’

‘ન માને માટે માર મારવાનો ?’

‘ત્યારે સાહેબ ! તમે જ કહોને કે એમ બીજું શું કરીએ ? લાઠીથી નહિ માને તો ગોળીબાર કરવા પડે.’

‘સરકારની બુદ્ધિ જ બહેર મારી ગઈ છે ! તમે એવું શું કરો છો કે જેથી લોકોને તમારી સામે થવું પડે છે ?’

‘એ અમારો વિષય નહિ. અમે તો સિપાઈભાઈ; હુકમ થાય તેનો અમલ કરીએ.’

‘અમે પોલીસનો દોષ કાઢતા જ નથી.’ જનાર્દને વચમાં કહ્યું.

‘તમે માથાફોડ મૂકો ને ! બધું મૂળ તમારું. શું કરવા આવાં સરઘસો કાઢીએ ? વળે કાંઈ નહિ અને મારા ખાવાનો. હવે એ ધંધો મૂકી દો !’ ધનસુખલાલે જનાર્દનને દબાવ્યો.

‘જો મૂકી નહિ દે તો જેલમાં જવું પડશે.’ નૃસિંહલાલે કહ્યું.

‘કેદનો ભય હવે મિથ્યા છે.’ પાછળથી આ વાતચીત સાંભળતા સાક્ષર વિમોચને પોતાની ગૌરવભરી વાણીમાં નૃસિંહલાલની ધમકીનો ઉત્તર આપ્યો.

સહુની દૃષ્ટિ સાક્ષર તરફ વળી. પોતે લખે અગર બોલે તે પ્રત્યેક વાક્ય દુનિયાએ સંગ્રહી રાખવું જોઈએ એવી તેમની માન્યતા હતી.

‘કાલ સુધી તો તમે મશ્કરી કરતા હતા, આજે કેમ ફરી બેઠા ?’ નૃસિંહલાલે પૂછયું.

‘સત્યાગ્રહનો આવો શિષ્ટ પ્રયોગ નિહાળતાં કયા સહૃદય સજ્જનું હૃદય આંદોલિત ન થાય ? મારા હૃદયનો પલટો આજ પ્રભાતમાં જ લઈ ગયો.’ સાક્ષર વિમોચન બોલ્યા.

‘આ ભાઈ કોણ છે ? શું કરવાને આટલું લાંબું બોલતા હશે ?’ ધનસુખલાલે માહિતી પૂછી.

‘એ સાક્ષર વિમોચન છે. આજ સવારના બધાની સારવાર કરે છે.’ કોઈકે માહિતી આપી.

‘અને હું ડિંડિમ બજાવીને સત્તા સમક્ષ રોશન કરું છું કે હવેથી પ્રત્યેક હફતે પતાકાવંદન થશે જ.’ વિમોચને બોલી રહીને આંખ એક પાસ ફેરવી. રંજન બારણામાં ઊભી રહી આ બધી વાતચીત સાંભળતી હતી. ‘કહ્યું કથે તે શાનો કવિ ?’ એ સિદ્ધાંતનું અનુસરણ વિમોચન બરાબર કરતા હતા.

‘ડિંડિમ શું ?’ ધનસુખલાલે પૂછયું.

રંજને નૃસિંહલાલની પાસે આવી કહ્યું :

‘આપ કશી જ વાત ન કરશો. અહીંથી બધું સંભળાય છે અને ડૉક્ટરસાહેબ કહે છે કે આ વાત સાંભળ્યાથી કંદર્પભાઈના માથામાં ફરીથી લોહી આવે છે !’

‘હેં !’ કહી નૃસિંહલાલ ગભરાઈને દોડયા.

રંજન પણ કંદર્પ પાસે આવીને બેઠી; પરંતુ તેની આંખ વારંવાર અરુણ તરફ વળતી. બેભાન થયેલા સૈનિકો હવે ભાનમાં આવી ગયા હતા. ઘણા તો પ્રથમથી ભાનમાં હતા. જેમને થોડું વાગ્યું હતું તેમને ઘેર જવા માટે પણ સગવડ હતી; ધનસુખલાલ અને કૃષ્ણકાંતની મોટરોનો ઉપયોગ થઈ શકે એમ હતું. કેટલાક તો માત્ર ધક્કામુક્કીમાં ગબડી પડેલા. તેમને પણ ઘાયલ ગણી ઉતાવળમાં લાવવામાં આવ્યા હતા, એટલે અડધ ઉપરાંત ઘાયલ યોદ્ધાઓ ઘેર જઈ શકે એવા હતા.

કંદર્પને લઈ જવા નૃસિંહલાલે અને અરુણને લઈ જવા સુરભિએ આગ્રહ કર્યો; પરંતુ ધનસુખલાલ કોઈ પણ દર્દીને ખસેડવાની વિરુદ્ધ હતા, અને તેઓ વરુદ્ધ હોય તે બાબતમાં બહેસ કરવાની કોઈની મગદૂર નહોતી.

‘તમે એક ઑર્ડર્લી વધારે બેસાડજો – અમારી સારવાર બરાબર ન લાગતી હોય તો. તમારે પોલીસ-અમલદારને શું ? અને તમને આવતાં કાંઈ વાર થવાની છે ? મોટર ચાર વખત વધુ દોડાવજો. આ વખતમાં જેટલું માગશો એટલું ભથ્થું સરકાર આપશે.’

અરુણને લઈ જવાનો આગ્રહ કરતી સુરભિને ધનસુખલાલે ધમકાવી કાઢી :

‘સુરભિવહુને કેમ આટલો બધો મમત છે ?’ તેમણે પૂછયું. વર્તમાન સ્ત્રી-જગત ‘વહુ’ના જાહેર સંબોધનથી મૂંઝાઈ જાય છે. એ શબ્દોચ્ચારથી તેની નાજુક રસિકતાને આઘાત પહોંદતો લાગે છે. વડીલોનો લાડકોડભર્યો એ શબ્દ ધીમે ધીમે અપ્રિય થતો ચાલ્યો છે; ધનસુખલાલ જેવા કોઈ જૂના સંસ્કારને ચીવટાઈથી વળગી રહેનાર વડીલો જ તેના ઉચ્ચારણનો આગ્રહ રાખે છે. શબ્દોના પણ -માનવીની માફક – વારાફેરા હોય છે.

‘એમના ભાઈને હરકત નહિ પડવા દઈએ.’ તેમણે કહ્યું.

‘પણ મારો જીવ ન રહે.’ સુરભિએ કહ્યું.

‘ત્યારે તમે અહીં રહો. અમારે ત્યાં તમારો સાહેબશાહી શોખ પૂરો નહિ પડે એટલું જ.’

‘બહેન ! મારી પાસે કોઈની જરૂર નથી. બેચાર દિવસમાં ઠીક થશે એટલે હું ચાર દિવસ તારે ત્યાં આવીશ.’ અરુણે કહ્યું.

‘અને ભાભી! હું અહીં છું ને ?’ રંજને કહ્યું.

સહુ કોઈ રંજન તરફ જોઈ રહ્યાં. અંઘોળ અને દેવસેવાની ઝીણામાં ઝીણી વિગતો પાળતા ઘરમાં ચોવીસે કલાક આ મડમ મનાતી યુવતી કેમ રહી શકશે ?

‘તારે મન હોય તો જા ને ? વખત-બેવખત આવી જજે. અહીં તું કંટાળી જઈશ.’ પુષ્પાએ – કદી ન બોલે એવી પુષ્પાએ વિવેક કર્યો.

‘કંટાળું શા માટે ? બધાને પાટા બાંધવા અને દવા આપવી તે તારાથી નહિ પહોંચાય. અને હું તો મોટીબહેન કહેશે એટલી વાર નાહીશ અને અબોટિયાં પહેરીશ.’ રંજને જવાબ આપ્યો.

‘હા-હા-હા’ અબોટિયાં પહેરેલી રંજનનો ખ્યાલ આવતાં ધનસુખલાલ હસી પડયા. ‘એ ઠીક છે; એને રહેવા દો. ઘડી જંપીને બેસશે નહિ અને એવી વાતો ખૂટશે નહિ; પુષ્પા અને સુશીલાને પણ ગમશે.’

રંજન ઘરમાં રહે એ પુષ્પા અને સુશીલા બંનેને ગમે એવું હતું; પરંતુ પુષ્પાએ પિતાની દરખાસ્તને જરા પણ ટેકો આપ્યો નહિ. જરા કડકાઈ ભરી આંખે તે રંજન સામે જોઈ રહી; રંજન પણ તેના સ્વભાવ પ્રમાણે હસતું મુખ રાખી પુષ્પા સામે જોઈ રહી. ક્ષણ-બે ક્ષણ બંનેએ પરસ્પરની સામે જોયું. બંનેને લાગ્યું કે બહેનપણીઓ દુશ્મન તો નથી બની ગઈ ?

‘હું પણ અહીં જ છું; ફિક્ર ન કરશો.’ એક પાસથી સાક્ષર વિમોચન બોલી ઊઠયા. ઉર્દૂફાર્સી શબ્દોના ઉચ્ચાર પણ અતિશુદ્ધ રહે તેની સાક્ષરો કાળજી રાખે છે. ફિક્રને કોઈ ફિકર કહે તો તેમને ઝટકો લાગે છે.

‘નહિ નહિ, આપનો અમૂલ્ય સમય શા માટે અહીં બરબાદ કરવો ? દર્દીઓની સેવા સ્ત્રીઓને સોંપો અને આપની સાહિત્યસેવા ચાલુ રાખો.’ રંજને કહ્યું.

‘સાહિત્યસેવા ઘણીખરી; આજ સુધી કરી. થોડી દેશસેવા પણ કરી લઉ.’ વિમોચને જણાવ્યું. થોડું કર્યે ઘણું માની લેવાનો વિવેક સાહિત્યઉપાસકો કરી લે છે, એ ખુશી તવા જેવું છે. દર માસે એક કવિતા, એક લેખ કે એક વાર્તા લખનાર સાક્ષર આખા ગુજરાતી સાહિત્યને ટકાવી રાખ્યાનું અભિમાન લે તો તેને તે લેવા દેવું જોઈએ. સાક્ષર વિમોચને તો પુસ્તકો પણ પ્રગટ કર્યાં હતાં. તેમણે ઘણી સાહિત્યસેવા કરી એવું કહેનાર અનેક માનવીઓ હતાં. એ બધાને ખોટા કહેવરાવી પોતાની સાહિત્યસેવાને અલ્પ ગનાવવાનું જૂઠાણું સેવવાનું તેમને પ્રયોજન શું ? સાક્ષરો ખોટો વિવેક કદી નહિ કરે !

રંજને સમજી લીધું કે આ સાક્ષર પોતાની દેશસેવા રંજનને બતાવવા માગે છે. દેશસેવા પણ અનેક હેતુને લઈને થાય છે; તેથી જ સેવ્ય કરતાં સેવકોની સંખ્યા ઘણી વધી જાય છે. રમવા માટે એક રમકડું ભલે કહ્યું એમ ધારીને રંજને વિમોચનની હાજરી માગી લીધી, પરંતુ આજ તેને સ્પષ્ટ થયું કે તેની દેશસેવા પણ શુદ્ધ તો નથી જ; કોઈક વ્યક્તિની પાછળ તે ઘસડાય છે.