દૃશ્યાવલી/અમેરિકન દૃશ્યાવલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અમેરિકન દૃશ્યાવલી
૧. ફિંગરલેક્સ વિસ્તાર

અમેરિકાના વેસ્તાલ નામના સસ્કોહાના નદીને કાંઠે ગીચ ઝાડીવાળી પહાડીના ઢોળાવ પર વસેલા ગામની રમણીય શાંતિ – જ્યારે જ્યારે એનું સ્મરણ થાય છે ત્યારે – ચેતનામાંથી બુંદબુંદ થઈ ઝમે છે. એની હરિયાળીનું અંજન આંખે અંજાયેલું છે. નગરજીવનના ઘોંઘાટ અને કોલાહલથી જ્યારે અકળાઈ જાઉં છું ત્યારે સાન્ધ્ય વેસ્તાલની સ્મૃતિનો ઐકાન્તિક દ્વીપ મારી આસપાસ રચી લઉં છું અને એના લગભગ નિર્જન માર્ગો પર કોઈ સ્વજન સાથે દબાયેલા અવાજમાં વાતો કરતો કે એકાકી ચૂપચાપ ચાલું છું..

વેસ્તાલ ન્યૂયૉર્ક બોલતાં તો અમેરિકાના પ્રવેશદ્વારરૂ૫ આ મહાનગરની ભૌમિતિક, ચોસલાં પર ચોસલાં ગોઠવેલાં હોય એમ, ગગનગામી થતી ઇમારતો વચ્ચેની સડક પર વામન રૂપ ધરી ચાલતા હોવાની અનુભૂતિ ઊભરાય છે. હડસન અને આટલાન્ટિકની સંનિધિમાં વસેલું આ મહાનગર અવશ્ય રમણીય પણ છે, છતાં એ રાજ્યના ઉત્તરાંચલની સુષમા અને શાંતતા (મરાઠી પર્યાય શાંતિનો સુષમાના અર્ધઅનુપ્રાસમાં) તો સ્પર્શી જાય – જો કેટલાક દિવસો ત્યાં રહી પડો તો.

અમને એવી અનુકૂળતા હતી. આરતી અને પુલિન વેસ્તાલમાં જઈ વસ્યાં છે. બન્ને આઈ.બી.એમ. નામની કમ્પ્યૂટરની આંતરરાષ્ટ્રિય

ખ્યાતિપ્રાપ્ત કંપનીમાં કામ કરે છે. એમનો આગ્રહ હતો કે અમારે વેસ્તાલમાં કેટલાંક અઠવાડિયાં રહેવું. ન્યૂયોર્ક નગરનું સમ્યક્ દર્શન કરાવી પ્રીતિબહેન (પ્રીતિ સેનગુપ્તા) છસાત કલાક ડ્રાઇવ કરી વેસ્તાલ લઈ આવ્યાં. આખો માર્ગ લીલોછમ. વચ્ચે આવે નાનાં ગામ. છેલ્લે એક મોટું નગર બીંઘમટન, પછી સસ્કોહાના નદી. પછી ઢોળાવ ચડતાં આવે વેસ્તાલ.

આરતીના ઘરની પાછળ જ ઊંચે ઊંચે જતી આક્ષરિક અર્થમાં વૃક્ષવેલીઓને લીધે દુર્લંઘ્ય ટેકરી છે, જ્યાંથી ઘણી વાર હરણાં આરતીના ઘરના પાછલા કંપાઉન્ડમાં ઊતરી આવે. ટેકરીના ઢાળ પર હોવાથી વાંકાચૂંકા માર્ગોની બન્ને બાજુએ માત્ર એક કે બહુ બહુ તો બે મજલાવાળાં ઘર, અને એ દરેક ઘર આગળ કંપાઉન્ડ વૉલ વિનાની વૃક્ષોની છાયાવાળાં હરિયાળી લોનના આંગણાથી શોભતું ગામ.

સ્પેનની વિશિષ્ટ ભૂચિત્રણા જ જેની ચેતનામાં ભરેલી હતી એવા સ્પૅનિશ કવિ લૉર્કાએ ‘ન્યૂયૉર્કમાં એક કવિ’ એવો કાવ્યસંગ્રહ એમણે આપ્યો ત્યારે નગરજીવનની વિભીષિકાથી ત્રસ્ત હોવાનો ભાવ પ્રધાન બની ગયો છે. જો આ ગ્રામાંચલોમાં ફર્યાં હોત તો અહીંની રાજ્ય સરકારે પ્રચલિત કરેલ સૂત્ર અમારી જેમ બોલી ઊઠ્યાં હોત : ‘આઇ લવ ન્યૂયૉર્ક’. લવ શબ્દને સ્થાને હૃદયનું લાલ રંગનું પ્રતીક વ્યવહિત કરવામાં અમેરિકી સંસ્કૃતિનો હળવો સ્પર્શ છે.

આ વેસ્તાલ તો બ્રુમ કાઉન્ટિ (કાઉન્ટિ એટલે આપણી ભાષામાં જિલ્લો, કદાચ તાલુકો કહી શકીએ)માં છે. પણ એની નજીકમાં યેટ્સ, ઑન્ટારિયો, સેનેકા, છાયુગા, ટોપીન્સ, શ્યુલર, ટ્યુબેન, લિવિન્ગ્સટન, મોનરો કાઉન્ટિઓ છે. આ નામાવલિ તો એટલા માટે આપી કે આ એક અતિ રમણીય વિસ્તાર છે, લાંબાં લાંબાં અને ઊંડા સરોવરોનો વિસ્તાર છે. નકશામાં માનચિત્ર જોઈએ તો કોઈ વિરાટની આંગળીઓ જાણે! એટલે આ સમગ્ર અંચલનું પ્રાકૃતિક નામ કોઈ કલ્પનાશીલે આપી દીધું છે: ફિંગર લેક્સ રિજિયન.

અગિયાર જેટલાં સરોવરો છે. ઓછામાં ઓછી ત્રણ માઈલની લંબાઈથી ચાલીસ માઈલની લંબાઈવાળું છાયુગા સરોવર છે અને ઓછામાં ઓછી ૬૬ ફૂટની ઊંડાઈથી સેનેકાની ૬૩ર ફૂટની ઊંડાઈ છે. (અહીં માઈલ ફૂટનું પ્રચલન છે. મીટર કિલોમીટરનું નહીં.) આ બધાં કંઈક અજબ રીતે આ તરફના ભૂપૃષ્ઠની રચનાપ્રક્રિયા વખતે બની ગયાં છે. કેટલોક વિસ્તાર હજી અમેરિકન ઇંડિયનોના સાંસ્કૃતિક વારસાને ધારી રહેલો છે.

આ વિસ્તાર ગ્રામીણ અમેરિકન સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. ગ્રામીણ માત્ર ગ્રામજીવનના અર્થમાં. અહીં ગ્રામજીવન અને નગરજીવનની સુવિધાઓ વચ્ચે અંતર નથી. પણ વ્યવસાયના અર્થમાં ગ્રામજીવનની પેદાશો પર આધારિત વ્યવસાયો સ્વાભાવિક રીતે ખીલેલાં છે. દ્રાક્ષની વાડીઓનો આ વિસ્તાર એટલે વાઇનરી. દ્રાક્ષમાંથી વિવિધ પ્રકારના આસવો બનાવવાનો ઉદ્યોગ ખીલ્યો છે. ઢોરને ચરવાનાં લીલાંછમ મેદાનો છે. એટલે ડેરી ઉદ્યોગ ખીલ્યો છે. પરંતુ આ ગ્રામાંચલોમાં જ ક્યાંક આઈબીએમની વિરાટ ફૅક્ટરી હોય કે કૉનિંગની જગપ્રસિદ્ધ ગ્લાસ ફૅક્ટરી હોય, કે પછી કૉર્નેલ યુનિવર્સિટી જેવું વિદ્યાધામ હોય; પરંતુ આંખોમાં જે શોભા વસી જાય છે તે તો આ સરોવર-વિસ્તારની. આ વિસ્તારમાં નાનકડી નદીઓ છે, ઝરણાં છે, ઊંચા ઊંચા ડુંગરા પરથી પડતા જલપ્રપાતો છે. ક્યારેક આપણે ભૂલી જઈએ કે આપણે યંત્રસંસ્કૃતિપ્રધાન ધનાઢ્ય દેશના કોઈ એક અંચલમાં ભમી રહ્યાં છીએ.

આ વિસ્તારોમાં ભમવાની રીત અમે એવી રાખી કે, બસ નીકળી પડવું – એકાદ સરોવરના વિસ્તાર ભણી. ક્યારેક કાંઠા પર આવેલી વાઇનરીમાંય જવું, ક્યારેક ઝરણાની ધારે ધારે પહાડનાં ચઢાણ ચઢવાં, ક્યારેક નજીકના ખેતરમાં સ્ટ્રૉબેરી પિકિંગ, ક્યારેક નજીકના પાર્કમાં બાર્બેક્યુ પર મકાઈ ડોડા શેકવા અને પાર્કની બેન્ચો પર બેસી જમવું, ક્યારેક સરોવરમાં સાંજટાણે નૌકાવિહાર કરવો; અને એમ ધીમે ધીમે આ ફિંગર લેક્સ વિસ્તારના સૌન્દર્યને પામવું. થોડા દિવસોમાં જ કહેવું પડ્યુંઃ આઇ લવ ન્યૂયૉર્ક.

તો આવી એક દિવસની ભ્રમણકથા છેઃ અમે નીકળી પડ્યાં – આરતી, પુલિન, અનિલાબહેન અને હું. અમને બધાંને ચાલવું-રઝળવું ગમે. પાછું આરતી-પુલિનને અમને અમેરિકન ભૂમિચિત્રણાનું સૌન્દર્ય બતાવવાનો ઉમંગ. આરતીએ તો અત્યારથી જ હઠ પકડી હતી કે, ‘હવે સપ્ટેમ્બરમાં ફૉલ – પાનખર શરૂ થશે. એનું સૌન્દર્ય જોયા વિના તમને નહીં જવા દઈએ. અદ્ભુત હશે એ દિવસો ભોળાભાઈ! આ આખું જે લીલુંછમ દેખાય છે, તે ધીમે ધીમે રંગો બદલતાં લીલું લાલ બનતું જશે. પ્રકૃતિનો કેવો તો કાયાકલ્પ થાય છે તે તમે જોતા જ રહી જશો.’ અમે રોકાઈ શક્યાં નહોતાં. આરતીએ એક પત્ર સાથે પછી આવાં થોડાં લાલપીળાં પણ મોકલેલાં.

અમે ઇથાકા એટલે કે છાયુગા સરોવર-વિસ્તાર ભણી જવા નીકળ્યાં. એ જ સરોવર સૌથી લાંબું છે. પહોળું તો આંગળી જેવું. અમારી પ્રિય થઈ ગયેલી પેલી સસ્કોહાનાનો પુલ પાર કરી નીકળ્યાં. બે લીલીછમ પહાડીઓ વચ્ચેથી પસાર થતો માર્ગ – પણ વિસ્તાર છે ખેતીવાડીનો. ઘણાં ખેતરોમાં ફાર્મહાઉસ, જ્યાં ધાન ભરવાના ઊંચા કોઠાર અને ડેરી હોય. ગાયો ચરતી જોઈ એવું લાગે કે ભારત ભલે ગોપૂજક દેશ હોય પણ ભૂખી ગાયો તો ભારતવર્ષમાં જ છે. વચ્ચે વચ્ચે નાનાં ગામ અને આજે શનિવાર હોવાથી કેટલીક જગ્યાએ ‘ગરાજ સેલ’ ચાલતું હતું. પોતાના ઘરની અનુપયોગી વસ્તુઓ પોતાના ઘર આગળ જ વેચવા ગોઠવી હોય. ઘરવખરીની ચીજો, કપડાં હોય, ક્યારેક આખા ઘરનું ફર્નિચર હોય. કાઢી નાખી નવું લાવવાનું હોય. અમેરિકન માનસ જૂનાનું નહિ, નવાનું આગ્રહી લાગે.

રસ્તે આવ્યું ઐતિહાસિક ‘ઓવિગો નગર’. અમેરિકામાં કોઈ નગર ઐતિહાસિક એટલે કેટલું ઐતિહાસિક? છેક ૧૫૯રમાં તો સભ્ય દુનિયાને અમેરિકા જેવો ખંડ હોવાની જાણ થયેલી. ઓવિગોનો ઇતિહાસ બહુબહુ તો સો વર્ષ પાછળ જતો હશે. વળી પાછાં ખેતર, મકાઈનાં ખેતર. આરતી કહે જુલાઇની ચોથી આવશે એટલે મકાઈના છોડ ઢીંચણ જેટલા ઊંચા આવી જશે. પુલિન કહે : અહીંની મકાઈની મીઠાશ બીજે ન મળે. મીઠુંમરચું ભભરાવવાની જરૂર ન પડે. ત્યાં એક ફાર્મ આવ્યું. ‘આયર્ન કૅટલ ફાર્મ’ નામ વાંચ્યું. ત્યાં લખ્યું હતુંઃ તમારી જાતે સ્ટ્રૉબેરી વીણી લો. ઓહ, આ તો પેલું જાણીતું – ચેરી પિકિંગ કે સ્ટ્રૉબેરી પિકિંગ. ઇંગ્લૅન્ડમાં શેક્સ્પિયરના ગામે જતાં ચેરી પિકિંગનું પાટિયું જોયેલું. વળતાં ચેરી વીણીશું એમ વિચારેલું, પણ વળતાં તો સાંજ પડી ગયેલી, એટલે આ વખતે તો અમે જતી વખતે જ રોકાઈ ગયાં. ફાર્મને થડેથી સ્ટ્રૉબેરી ખરીદો તો અમુક ભાવે, તમે પોતે ખેતરમાંથી વીણી લો તો સાવ સસ્તા ભાવે. વીણતાં વીણતાં ખાવાં હોય એટલાં ખાવાની છૂટ.

અમે જોયું કે, ઘણાંબધાં હાથમાં ફાર્મને શેઢે પડેલી બાસ્કેટો ઊંચકી લઈ સ્ટ્રૉબેરી વીણતાં હતાં, નીચા નમી નમી. અમે પહેલાં તો બાસ્કેટમાં વીણવા કરતાં લઈ લઈને મોઢામાં મૂકવા લાગ્યાં. લાલલાલ. અમે ચાર જણાએ ખાસ્સાં સ્ટ્રૉબેરી વીણી લીધાં. ખેડૂતનો દીકરો છું, પણ કેટલાં બધાં વર્ષો પછી ખેતરના છોડવાની હારમાં ચાલતો હતો, અને તે પણ છેક આ અમેરિકાના ફિંગર લેક્સ વિસ્તારમાં! બેરી એટલે બોર. અમારા ગામડાગામમાં કેટલીક બોરડીઓ ઝૂડેલી તે યાદ આવ્યું. આ સ્ટ્રૉબેરી. પિકિંગ એ તો જુદી જ ચીજ.

વળી પાછાં ખેતરોમાં વચ્ચેના માર્ગેથી આગળ ઊપડ્યાં. આ જ એનફિલ્ડ ગ્લીન આગળ ટ્રેમનનો વિશાળ સ્ટેટ પાર્ક. ત્યાં ગાડી પાર્ક કરી. પાર્કના એક ખૂણામાં ઝરણું વહી આવતું હતું. અમે એના ઊગમની દિશામાં ચાલ્યાં. ઊંચે જવાનાં પગથિયાં, બાજુમાં ખીણમાં વહેતું ઝરણું – નાનામોટા કૂદકા લગાવતું. પ્રત્યેક કૂદકો એટલે એક ધોધ. એવા નાનામોટા ઘણા ધોધ. પછી જોયો લ્યૂસિફર ધોધ – ૧૧૨ ફૂટ ઊંચેથી પડતો, પણ બે કટકે થઈને. એનાં પાણી શ્વેત ફીણ ધારણ કરતાં હતાં.

આજે આકાશ સ્વચ્છ હતું. થોડાં સફેદ વાદળ હતાં એટલું. આટલું ભૂરું આકાશ અહીં આપણને ચોમાસામાં દેખાય. લીલી પહાડીઓ, ઊંચે ઊંચે જતાં વૃક્ષો અને નીલ આકાશ. – અને આ ઝરણું. એણેય પોતાની પાણીની ધારથી પોતાનો માર્ગ કોતરતાં કોતરતાં આ ખીણની રમ્ય-ભવ્ય રચના કરી છે. જે પથ્થરો, ખડકો કોતરાતા ગયા છે, એ જાણે મંદિરનાં જુદાં જુદાં થર. જૂનું મંદિર પાણીના પવનના સપાટાથી ક્ષીણ થતું ગયું છે. આરતીએ કહ્યું કે, અનેક ફિલ્મોના બૅકડ્રોપ તરીકે આ કોતર વપરાય છે. બાજુમાં જીવનની જયઘોષણા કરતાં પીળાં ફૂલો ખીલ્યાં છે. વહેતા ઝરણાની બન્ને બાજુએ ચાલવાનો માર્ગ છે. બીજાં પણ ઘણાં પ્રવાસીઓ હતાં. ઘણાંખરાં તો શોર્ટ્સમાં. એક લગભગ સદ્યપ્રસૂતા નાના બચૂડિયાને લઈને આવેલી. પેટે ભરાવી દીધેલું. ઘણાં તો ઝરણામાં પ્રવેશે – ચાલે. ઠેર ઠેર ન્યૂ પૉઇન્ટ્સ. ધોધ સામે કેટલાકે કૅમેરા ગોઠવેલા.

છ માઈલની પદયાત્રા ખીણનાં જુદાં જુદાં રૂપ, ઝરણાનાં જુદાં જુદાં રૂપ બનાવતી ગઈ. આ પણ કેન્યન, ગ્રાન્ડ નહિ, પણ રમ્ય તો ખરી.

ફરી ગાડીમાં સવાર થયાં. આ વખતે બટરમિલ્ક પ્રપાત. દૂર મોટરમાંથી જ ધોધ દેખાયો. છાશ જેવો ધોધના પ્રવાહનો રંગ. ક્યારેક ધોધ રૂપે, ક્યારેક પ્રવાહ રૂપે તે પાંચસો ફૂટની ઊંચાઈએથી આવે છે. અહીં તો કેટલાં બધાં ગોરિયાં સૂર્યસ્નાન કરી રહ્યાં હતાં. ખુલ્લી ગોરી કંચન કાયાઓ! આ ધોધ જાણે લપસણી પરથી સરકતો હતો!

સાંજે અમે છાયુગા સરોવરને કાંઠે ઊભાં હતાં. સફેદ સઢવાળી અનેક તરણીઓથી લાંબું લાંબું એ સરોવર નૌકાવિહાર માટે આમંત્રણ આપતું હતું. આ છાયુગાને કિનારે જ વિખ્યાત કૉર્નેલ યુનિવર્સિટી છે.
૨. કૉર્નેલ પરિસર

વેસ્તાલ ગામ બે લીલીકાચ પહાડીઓના ઢોળાવ પર પથરાયેલું છે. એક સાંજે ફરવા નીકળ્યો ત્યારે સૂર્ય પશ્ચિમની પહાડી પર પહોંચ્યો હતો, પૂર્વની પહાડીઓની ઊંચાઈઓ પર સૌમ્ય તડકો રમતો હતો અને ત્યાં ચંદ્ર પ્રતીક્ષા કરતો હતો – ચાંદનીને પોતાના અંગ પરથી મુક્ત કરવાની. આ પહાડીઓની ધારે ધારે સસ્કોહાના વહે છે. થોડેક જ દૂર ઓસ્તીનિંગો પાર્ક પાસે ચેનાન્ગો નદી બન્ને કાંઠે છે. એ મળે છે તો સસ્કોહાનાને.

આ ચેનાન્ગોને કાંઠે એક સાંજે ઢાળ ઊતરતાં જોયું: એક અમેરિકન એક મોટી માછલીને કાંઠે પકડી રાખવા મથતો હતો, બાજુમાં ખુલ્લા ઊજળા પગવાળી એની પત્ની એને મદદ કરતી ખિલખિલ હસતી જતી હતી. તરફડતી માછલી જોઈ આરતી કહે : નથી જોવું. પણ મારા માનસપટ પર એ દૃશ્ય કોઈ ચિત્રકારના ચિત્રની જેમ અંકિત થઈ ગયું છે : વેગથી વહેતાં જળ, મોટી ભીની છૂટવા તડપતી માછલી, પાસે ખુલ્લા પગ, ઢળકતી છાતી, ખિલખિલ હાસ્ય!

કોઈ વાર એકદમ અંધારું થયે વેસ્તાલના માર્ગો પર ચાલવા નીકળીએ. ફળિયાના સ્વચ્છ માર્ગોની બન્ને બાજુના ઊંચા થતા ઢોળાવ પરનાં બધાં ઘર ચૂપ. અંદર દીવા બળે, કોઈ જીવ દેખાય નહિ. સંભળાય એવી ભરીભરી શાંતિ. જાણે આ શેરીઓમાં ચાલ્યા જ કરીએ, ચાલ્યા જ કરીએ.
*

ફિંગર લેક્સ વિસ્તારની પરિચય પુસ્તિકાઓમાં ટોમ્પકિન્સ કાઉન્ટિ, શ્યૂલર કાઉન્ટિ, બ્રુમ્સ કાઉન્ટિ વિસ્તારોના પ્રાકૃતિક સૌન્દર્યનાં એવાં મોહક વર્ણન. મનમાં થાય કે આ બધે જ – આ બધાં સરોવરોના વિસ્તારોમાં – ભમીએ. કૅમ્પિંગ, ફિશિંગ, હાઇકિંગ, બોટિંગ…. આ શબ્દાવલિ છે આ વિસ્તારને માણવાની. બીજી શબ્દાવલિ છે : સ્ટ્રોલ, શૉપ, ડાઇન, રિલૅક્સ… કદાચ બસ ‘માણવું’ એ એક જ ક્રિયાપદમાં બધું આવી જાય. એ છે અમેરિકન સરેરાશ માનસિકતા.

એક બપોર અમે શ્યૂલર કાઉન્ટિમાં આવેલા સેનેકા લેક વિસ્તારમાં પહોંચી ગયાં. ખાસ એક કાર્યક્રમ – તે અહીંની વાઇનરિઓ જોવાનો. સરોવરકાંઠેનાં ખેતરોમાં દ્રાક્ષની વાડીઓ જ વાડીઓ, અને વાડી વચ્ચે હોય દ્રાક્ષમાંથી જુદી જુદી જાતનો દારૂ બનાવવાની નાનકડી ફૅક્ટરીઓ ફૅક્ટરી ભારે શબ્દ છે – સૉફ્ટ શબ્દ જ જોઈએ, વાઇનરિ જેવો.

લાંબું સરોવર આંખને ખેંચતું હોય, એમાં તરતી સેઇલ બોટતરણીઓ – હંસીનીઓ જેવી લાગતી હોય. કિનારે રીતસરની વાડીઓ. વાઇનરિમાં જાઓ એટલે સ્વાગત હસીને થાય. પુલિન જુદા જુદા વાઇનના આસ્વાદ જાણે એટલે એ કહે કે અમુક વાઇન. સાકી નાનકડી પ્યાલી ભરીને આપે. ‘વાઇન-ટેસ્ટિંગ’. દ્રાક્ષની વેલો પર દ્રાક્ષ લચકે ને લચકે બાઝી પડી છે. હજી કાચી છે. આરતી વળી કહે : ‘સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી રહી જાઓ. અહીંના ‘ફૉલ’ – પાનખર-નો અનુભવ તો કરો. અદ્ભૂત બદલાતાં રંગોની છટા જોઈ તમે પાગલ થઈ જશો. આ દ્રાક્ષમાં પણ બરાબર રસ ભરાશે. પાકેલી દ્રાક્ષની સુગંધથી વાતાવરણ તરબતર થઈ જાય છે.’ હું કલ્પના કરી રહ્યો : પાનખરના રંગ અને રસ બદલતી દ્રાક્ષની પક્વ ગંધ…. અમે ત્રણેક વાઇનરિમાં વાઇન-ટેસ્ટિંગ કરતાં ભમ્યાં. આરતી અને અ. દ. માત્ર જ્યૂસ પીએ. વચ્ચે સેનેકાનાં જળ ઝબકી જાય. છાયુગા સરોવરને કાંઠે પણ આવી વાઇન ‘ટ્રેઇલ’ છે. ફિંગર લેક્સ વિસ્તારને એટલે તો ‘વાઇન કન્ટ્રિ’ કહે છે – અમેરિકામાં કેલિફોર્નિયા પછી દ્રાક્ષ ઉગાડનાર સૌથી મોટો વિસ્તાર.
*
વેસ્તાલથી નાયગરાને માર્ગે આવે છે ચેમુંગ નદીને કાંઠે વસેલું કૉર્નિંગ. કૉર્નિંગ કોઈ પ્રકૃતિની સુષ્મા-સ્થલી નથી. એ તો પ્રસિદ્ધ છે વિશ્વમાં વખણાયેલી એની ગ્લાસ-ફૅક્ટરીથી. ફિંગર લેક્સ વિસ્તારનું કૉર્નિંગ એક ઘરેણું છે. ગ્લાસ-નિર્માણમાં છેલ્લામાં છેલ્લી શોધ એટલે કૉર્નિંગ. અત્યારે તો ગ્લાસ ફાઇબર પણ તૈયાર કરે છે. કૉર્નિગની ઘરવપરાશની ક્રૉકરી મોંઘી, પણ ફૅશનેબલ લોકોમાં મોભાની વસ્તુ બની ગઈ છે આજકાલ.

કૉર્નિંગનું ગ્લાસ મ્યુઝિયમ એટલે મનુષ્યજાતિએ કાચ બનાવવાનો અને એનો ઉપયોગ કરવાનો પ્રારંભ કર્યો ત્યારથી માંડી કેવાં કેવાં રૂપમાં એ કળા વિકસતી ગઈ છે એના વિશ્વભરમાંથી એકઠા કરેલા નમૂનાનો અદ્ભુત સંચય – વિભાગવાર ગોઠવણી. વિભાગવાર વચ્ચે દશ-પંદર મિનિટની ફિલ્મ. ફિલ્મ જોયા પછી મ્યુઝિયમમાં ગોઠવેલ કાચની પ્ર-ગતિનો ઇતિહાસ વધારે સમજાય. મ્યુઝિયમ જોતાં થયું કે આમાં ભારતવર્ષમાંથી ગ્લાસનો કેમ કોઈ નમૂનો આ સંગ્રહકર્તાઓને મળ્યો નથી? હા, એક નમૂનો કાચની હાંડીનો હતો. બીકાનેરના મહારાજાના લગ્નપ્રસંગે બનાવાયેલી. જોકે તે ભારતમાં બની નહોતી.

કૉર્નિંગની કાચની બનાવટો વિષે કહેવાય છે : mixing sand with imagination…

–તો કૉર્નિંગ એટલે કાચની કવિતા એમ કહેવાય?

‘હૉલ ઑફ સાયંસ ઍન્ડ ઈન્ડસ્ટ્રી’માં ગ્લાસની ટેક્નૉલોજી અને સ્ટ્યૂબેન ગ્લાસ ફેક્ટરીમાં કારીગરો કાચની કવિતાની રચનાપ્રક્રિયા દેખાડે છે.
*
આરતી અને પુલિનની સાથે આઇ.બી.એમ. કંપનીમાં કામ કરતા બૉબ (રૉબર્ટ) આરતી-પુલિનના મિત્ર છે. આ અમેરિકન મિત્રને ભારતીય દર્શન અને સંસ્કૃતિમાં ઘણી રુચિ છે. એક સાંજે એની સાથે ઘણી ચર્ચા થઈ. ખાસ તો કર્મસિદ્ધાંત અંગે. ભગવદ્ગીતા એણે વાંચી છે. ભૂરી આંખો ધરાવતા બૉબે છૂટાછેડા લીધેલા છે. આમ એકલો રહે છે, પણ એની એક મિત્ર છે – દાના. બન્ને જુદે જુદે સ્થળે કામ કરે છે, પણ શુક્રવારે સાંજે બન્ને ભેગાં થાય. રવિવારે છૂટાં પડે. મિત્રતા છે, પણ લગ્ન કરતાં નથી. બૉબે એક વાર પ્રસ્તાવ કર્યો : આપણે કૉર્નેલ યુનિવર્સિટી-કૅમ્પસ પર એક દિવસ જઈએ.

અમેરિકામાં પણ યુરોપની જેમ જ યુનિવર્સિટી-કૅમ્પસમાં જવાનું મળતાં રાજી થઈ જવાય. આપણે મન જાણે તીર્થસ્થળ. પણ યુરોપમાં ઘણીખરી યુનિવર્સિટીઓ પથ્થરોનાં નગર વચ્ચે હવે આવી ગઈ છે. એ સદીઓ-જૂની છે. ઑક્સફર્ડ કે હાઇડેલબર્ગ કે રોમ કે ફ્રાન્સની સોરબોન. અમેરિકાનાં બધાં યુનિવર્સિટી કૅમ્પસ એ તુલનામાં નવાં જ કહેવાય. વિશાળ જગ્યા અને સુનિયોજિત. લૉસ એન્જલિસમાં ડૉ. વિક્રમ કામદારે કૅલિફૉર્નિયા સ્ટેટ યુનિવર્સિટીનો ત્યાંનો વિસ્તાર બતાવી પ્રતિક્રિયા જાણવા માંગી. તો મેં કહ્યું : જો ફરી કદી મનુષ્ય અવતાર મળે તો હું આ કૅમ્પસનો વિદ્યાર્થી થવા ઇચ્છું છું.

કૉર્નેલ યુનિવર્સિટી પણ અમેરિકાની પ્રસિદ્ધ યુનિવર્સિટી છે. એ યુનિવર્સિટીનાં સાહિત્યવિવેચનનાં કેટલાંક પ્રકાશનો પણ જોયેલાં. આ યુનિવર્સિટી ફિંગર લેક્સ વિસ્તારમાં. નગરનું નામ તો ઇથાકા. પ્રાચીન ગ્રીકનગરનાં ઘણાં નામ અહીંનાં શહેરોએ લીધેલાં છે. ઇથાકા નામ તો આવે છે હોમરના ‘ઑડિસિ’માં. છાયુગા સરોવરને અડીને ગામ અને યુનિવર્સિટી છે.

એક બપોર પછી અમે નીકળી પડ્યાં. પુલિન આવી શકે તેમ નહોતા. આરતી, અનિલાબહેન, બૉબ અને હું. આકાશ ખુલ્લું હતું. પેલી સખી જેવી બની ગયેલી સસ્કોહાનાનો પુલ પાર કરી ખુલ્લાં ખેતરોના વિસ્તારો વચ્ચેથી માર્ગ જતો હતો. બૉબ કૉર્નેલિયન હતા. કૉર્નેલિયન એટલે કૉર્નેલનો છાત્ર. એ કહે ઃ એક એઝરા કૉર્નેલ નામના માણસે આ યુનિવર્સિટીની સ્થાપના કરેલી. ટેલિગ્રાફના વ્યવસાયમાં લાખો કમાયેલા તે એમને યુનિવર્સિટી સ્થાપવાનો વિચાર આવ્યો. ‘Where any person can find instruction in any study.’ કોઈ પણ વિદ્યાશાખામાં ભણનારને ત્યાં સુવિધા મળી રહે. આજે ૨૦૦૦ જેટલા અભ્યાસક્રમો શિખવાડાય છે.

રસ્તે કંઈ કેટલીક વાતો થતી ગઈ. ઇથાકાને બાજુએ રાખીને અમે ટેકરીઓના ઢોળાવ પરના યુનિવર્સિટી કૅમ્પસ પર પગ મૂક્યો. ઢાળઢોળાવો જાળવીને યુનિવર્સિટીની જુદી જુદી ઇમારતો રચાઈ છે. ઇમારતોનું સ્થાપત્ય પ્રસન્નકર. વૃક્ષવીથિકાઓ અને હરિયાળાં મેદાન. ચર્ચ પણ હોય જ.

અમે યુનિવર્સિટીના ગ્રંથાલય અને પ્રકાશનવિભાગમાં ગયાં. બૉબની ભીતિ હતી તે સાચી પડી. બહાર નીકળવાનું જલદી મન નહિ થાય. પુસ્તકો, અવનવીન પ્રકાશનો. બૉબે અમારી વતી અનુમતિ માગી. યુનિવર્સિટીનાં પોતાનાં કેટલાં પ્રકાશનો! તોદોરોવનાં કેટલાંક પુસ્તકો– The Poetics of Prose, Symbolism and Interpretation, The Fantastic આદિ પર તો નજર ચોંટી ગઈ. નવા નવા કાવ્યસંગ્રહો જોયા. યુનિવર્સિટી-ગ્રંથાલયનું શતાબ્દીવર્ષ ચાલે છે. ૧૮૮૯ના ઑક્ટોબરમાં તેની શરૂઆત થયેલી. તેનું પુરાણું ટાવર-કૅમ્પસ વચ્ચે શોભે છે.

છેવટે બહાર નીકળ્યાં ખરાં. પછી જુદી જુદી ફૅક્ટરીનાં મકાન જોતાં ચાલ્યાં. ત્યાં ગોલ્ડવિન સ્મિથ હૉલની ઇમારત પાસે ઊભાં. જરા દૂર છાયુગા સરોવરની અણી દેખાતી હતી. ઇમારતને સમાંતર વૃક્ષવીથિ – Walkway – હતી. ત્યાં એક તખતી હતી : The trees along this walk are planted for Cornellians as a gift from the class of ૧૯૩૪ Men.

અરે વાહ, ઉત્તમ વિચાર! યુનિવર્સિટીના છાત્રો આવો રચનાત્મક વિચાર અમલમાં લાવે તો? એ વૃક્ષવીથિકાઓ વચ્ચે આગ્રહપૂર્વક ચાલ્યાં.

કૅમ્પસ પરથી નીચે નગર દેખાય. આ બાજુએ ટેકરીઓ પર આછાં વાદળ. લીલોતરીભર્યા કંપાઉન્ડમાં છાત્રછાત્રાઓની આછીપાતળી આવન-જાવન. તેમની અદેખાઈ ન આવે?

કૅમ્પસની આર્ટ ગૅલરીમાં ભારતનાં પણ કેટલાંક શિલ્પ છે, જેમાં એક છે : પ્રેમપત્ર લખતી યક્ષિણી. અનેક ચિત્રકૃતિઓ જોઈ. પણ જાણે બધું ભૂલી જવાયું છે. જે ચિત્ર ભુલાયું નથી અને સપનામાં પણ સાંભરે એવું છે, તે તો આ આર્ટ ગૅલરીની બાલ્કનીને છેડેથી જોયેલું, દૂર ઊભે પટે વિસ્તરેલું છાયુગા સરોવર. એનું અનિર્વચનીય સૌન્દર્ય છે. થોડી ક્ષણો એ તરફ જોતાં ઊભાં જ રહ્યાં. ઊતરતી સાંજની એમાં રહસ્યાત્મકતા ઉમેરાઈ હતી.

યુનિવર્સિટીની દક્ષિણે ટેકરીઓની વાંકાઈ પરથી એક વિપુલ જળભાર લઈ ઝરણું વહી રહ્યું છે. ઝરણાની પેલે પાર પણ યુનિવર્સિટી- વિસ્તાર છે. નદી ઉપર લાકડાનો સેતુ બાંધવામાં આવેલો છે. આ જળસ્રોત અને એના પર ઝૂકેલી ઝાડીએ કૉર્નેલ યુનિવર્સિટીના કૅમ્પસની શોભા વધારી મૂકી છે. અમે સેતુ પર ઊભાં રહી નીચે જળમાં નહાતાં છાત્ર-છાત્રાઓને જોઈ રહ્યાં.

યુનિવર્સિટીમાં નાટ્યવિભાગે નાટકો ભજવવાની જાહેરાતો કરી છે. આજે પણ શેક્સપિયરનું એક નાટક ‘મિડસમર નાઇટ્સ ડ્રિમ’ ભજવાશે. અમે જે રેસ્ટોરાંનાં પ્રાંગણમાં કૉફી પીવા બેઠાં, બરાબર તેની સામે નાટ્યવિભાગની ઇમારત હતી. યુનિવર્સિટી કાફે, શૉર્ટ્સ પહેરેલી છાત્રાઓ અને છાત્રોનાં હાસ્યવિનોદ અને ચર્ચાઓથી જીવંત. થોડી વાર તો અમે પણ એમાંનાં એક બની ગયાં. શો મુક્ત આનંદ!

બૉબની દાના ઇથાકામાં બૉબને મળવાની હતી. અમે કૅમ્પસ પરથી નગરમાં ગયાં. અમેરિકાનાં આ નાનાં નગરો હંમેશાં ગમી જાય. એના માર્ગો પર ચાલવાનું ગમે. આ તો આધુનિક ઇથાકા હતું. પણ મને તો હોમરના ઑડિસ્યૂસ અને પેનેલપિનું સ્મરણ થઈ આવતું હતું.

દાના આવી. બૉબને દાનાને સોંપી અમે વેસ્તાલ આવવા નીકળી પડ્યાં. લાંબું છાયુગા સરોવર અમારી પાછળ લંબાતું આવતું ગયું, છેક વેસ્તાલ સુધી.
૩. નાયગરા

આ ક્યાંથી ગગડાટ? અંબર મહીં ના મેઘખંડેય કો
કે માઝા મૂકી સિંધુરાજ ધસતો આવી ચઢ્યો આ દિસે
કે વિંધ્યાચળને વને ગરજતા સો કેસરી સામટા?
પ્હાડોયે ધડકે ભરાય, ફડકે ફાટી પડે દિગ્ગજો..

ના, આ તો સુરપાણનો નિકટના પહાડો થકી ધોધવો
વેગી વારિ પ્રવાહ સાથે ભૂસકો મારી ધસી આવતો…

કવિ પૂજાલાલની ‘સુરપાણનો ધોધ’ કવિતા ભણાવનાર શિક્ષકે આ શાર્દૂલવિક્રીડિતની પંક્તિઓને જાણે કે શ્રાવ્યદૃશ્ય બનાવી દીધી હતી. અમે જાણે કોઈ પ્રચંડ ધોધની ગર્જનાઓ સાંભળી રહ્યા છીએ અને પછી એને ધસી આવતો જોઈ રહ્યા છીએ એવો અનુભવ થયો હતો. વર્ષો વહી ગયાં…

વિશ્વવિખ્યાત નાયગરા ધોધની દિશામાં અમારી મોટરગાડી દોડી રહી હતી, ત્યારે જાણે કે ચેતનાના અતલાન્તમાંથી જોર કરીને આ શાર્દૂલવિક્રીડિત ધસી આવ્યો. મને થયુંઃ આ ક્યાંથી? ક્યાં તે સુરપાણનો ઘરેલુ ધોધ અને ક્યાં નાયગરા?

પરંતુ ધોધનું કલ્પનાચિત્ર પૂજાલાલની આ પંક્તિઓથી કોણ જાણે કેવી રીતે ચિત્ત પર રચાઈ ગયેલું કે એથી અલગ પાડીને આ ધોધ પણ જાણે જોઈ શકાશે નહિ કે શું? એક પ્રચંડ કૌતુક મનમાં હતું. પ્રથમ વાર તાજમહાલ જોવાની પૂર્વેક્ષણો યાદ આવી ગઈ. તાજમહાલનાં ચિત્રો જોઈ, કાકાસાહેબનો નિબંધ વાંચી તાજની માનસછવિ એવી અંકિત થયેલી કે તાજનિકટ જતાં સમગ્ર ચેતના તાજોન્મુખ બની ગયેલી, પછી જ્યારે સંગેમરમરની એ આકૃતિ નજર સામે ખૂલી કે થયુંઃ આ જોઈ નહોતી?

નાયગરાની તસવીરો જોઈ હતી, પણ ધોધ વિષે કવિતા તો પૂજાલાલની વાંચી હતી. નાયગરાની નિકટ જતાં હતાં તેમ તેમ એ કેવી રીતે ખૂલશે એની ઉત્કટ પ્રતીક્ષાનો ઉદ્વેગ આજુબાજુની દૃશ્યાવલી ભણી પણ અને સહપ્રવાસીઓની હળુહળુ વાતો ભણી પણ વિમનસ્ક કરી દેતો હતો.

આવું થતું હોય છે. સમગ્ર ચેતના જ્યારે આમ કોઈ વ્યક્તિ કે વસ્તુ વિષે સૂચ્યગ્ર બની જતી હોય છે ત્યારે અસ્વસ્થ કરતી વ્યાકુળતા વિસ્મય સાથે ભળેલી હોય છે. એક શનિવારે જ્યારે વેસ્તાલથી નાયગરા જવાનો કાર્યક્રમ ઘડ્યો તે પછી જાણે ચિંતા રહેવા લાગી હતી કે, ત્યાં જઈશું ત્યારે હવામાન કેવું હશે? વરસાદ તો નહિ પડે ને? પછી તો ટી.વી.ની વેધર ચૅનલ પર શુક્રવારે હવામાનની આગાહી સાંભળી કે, રાતે આકાશ ખુલ્લું થશે અને ન્યૂયૉર્ક રાજ્યના બફેલો નગર વિસ્તારમાં દિવસ mostly sunny રહેશે. એ નાયગરાનો વિસ્તાર.

તાજમહાલની જેમ નાયગરા ધોધને પણ વિશ્વની એક અજાયબી ગણવામાં આવે છે – એક માનવસર્જિત છે, બીજી પ્રકૃતિસર્જિત. નાયગરા મૂળે તો નદીનું નામ છે. લેક એરીમાંથી એ નીકળે છે અને પ૩ કિલોમીટર દોડી એ લેક ઑન્ટારિયોમાં ભળી જાય છે. એ રીતે તો ૧૩૦૦ કિલોમીટર દોડતી ક્યાં આપણી નર્મદા ને ક્યાં આ નાયગરા? નર્મદાનો એક પ્રચંડ ભૂસકો તો જબલપુર પાસે ધુંવાધારનો, બીજો તે સુરપાણનો. પણ નર્મદાને તો ૧૩૦૦ કિલોમીટરમાં પોતાનાં વિવિધ રૂપ બતાવવાનો ભરપૂર અવકાશ મળ્યો છે. કેટલેક સ્થળે સાગર જેવા વારિઓઘ તો અનેક સ્થળે રૅપિડ્ઝ. નાયગરામાં પણ રૅપિડ ઘણા, પણ જે કારણે આ નદી વિખ્યાત છે તે તો આ ટૂંકી દોડમાં એણે જે ભૂસકો માર્યો છે તેથી. એ ભૂસકો એ જ નાયગરા ધોધ.

નદી તરીકે નાયગરા અમેરિકાના ન્યૂયૉર્ક રાજ્ય અને કૅનેડા ઑન્ટારિયો વચ્ચે પ્રાકૃતિક સરહદ પણ રચે છે. અમેરિકાની સરહદમાં પણ નાયગરાનો એક ભૂસકો છે, કૅનેડાની સરહદમાં બીજો ભૂસકો. એટલે સમ્યક્ રૂપે જોવા કૅનેડામાં જવાનું પ્રવેશપત્ર પણ અમે મેળવી લીધું હતું.

નાયગરા ધોધ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો હશે એની ભૂસ્તરશાસ્ત્રીઓએ – ભૂગોળવિદોએ વૈજ્ઞાનિક કલ્પના કરી છે. એમનું એમ કહેવું છે કે, ભૂપૃષ્ઠની રચના વગેરે જોતાં આ ધોધની વય ૧૨૦૦૦ વર્ષની તો ઓછામાં ઓછી છે. એ જ્યારે પ્રથમ અસ્તિત્વમાં આવ્યો હશે ત્યારે કોણ જોનાર હશે? અથવા એને પહેલો જોનાર કોણ હશે? એ જ પેલો એકાકી ન રમી શકતો વિભુ હશે, જે એનો રચયિતા છે? ન ઉકેલી શકાતાં પરમ વિસ્મયોને માનવમન આવી કોઈક દાર્શનિક કવિતામાં રૂપાંતરિત કરતું હશે શું?

અમારે નાયગરા કૅનેડાની હદમાંથી જોવો હતો, એટલે સીમા પર ચાલુ ગાડીએ જ પાસપૉર્ટ બતાવ્યો કે ધસી ગયાં જાણે. ત્યાં એકાએક ગાડીમાંથી નજર પડી… નાયગરા ધોધ… પુલિને ગાડી ધીરી કરી હતી. અમે જોઈ રહ્યાં, સૌ જાણે પોતપોતાની રીતે. મારી કલ્પનામાં આ ધોધ સાથે એક રહસ્યનું તત્ત્વ ભળી ગયેલું, મને થયું, એની સાથે આ પ્રથમ પ્રત્યક્ષ દર્શનનો સંવાદ રચાતો નથી શું?

હજુ અમે ગાડીમાં હતાં. પહેલાં અસંખ્ય પ્રવાસીઓથી ઊભરાતા આ નગરમાં યોગ્ય પાર્કિંગ શોધી લેવાનું હતું. જોઈએ – પછી તો અમે છીએ અને નાયગરા છે. અમે જરા આગળ ગયાં કે અહો, આ જ તો પેલો બીજો નાયગરાનો હૉર્સ-શૂ ધોધ!

હવે તો ગાડી જલદી પાર્ક કરી આ ધોધની નિકટ પહોંચી જવા વ્યગ્ર બની જવાયું. પુલિને અમને ઉતારી દીધાં. કહ્યું : અમે આવીએ છીએ. તમે જાઓ.

બરાબર હૉર્સ-શૂની સામે જઈ ઊભાં રહી ગયાં. સ્તંભિત! જળની આ તે કેવી લીલા? નાયગરા નદીનાં વિપુલ વારિ વેગથી ધસતાં આવે છે અને એક વિશાળ અશ્વનાળના આકારમાં એકદમ પડતું મૂકે છે અને માત્ર શ્વેત ફીણ બની જાય છે. વારિનું માત્ર શ્વેત રૂપ ને ઘેઘૂર ગર્જન. હજારો વિસ્મિત નેત્રોથી એ પિવાઈ રહ્યું છે. છેક નિકટ જઈ પહોંચીએ છીએ. એનાં સીકરોની ફરફર ચહેરા પર છંટાવા દઈએ છીએ.

પછી તો માત્ર નાયગરાનો ધોધ અને હું. જાણે હું એને પહેલી વાર જોઉં છું. હું નદીને પણ જોઉં છું. નદી ધોધ બની જાય છે તે જોઉં છું. ધોધ જલસીકરોનું વાદળ બની જાય છે તે જોઉં છું. જોઉં છું, જોઉં છું, નમું છું.

દિવસ સુંદર છે. આજે વધારે સુંદર છે. સૌ પ્રવાસીઓ પણ સુંદર લાગે છે.

કદાચ આવો અનુભવ સૌ જોનારાઓનો હશે, એટલે તો કદાચ નાયગરા ‘હનિમૂન સિટી’ બની ગયું છે. નાયગરાની ઉપસ્થિતિમાં મધુરજનીઓનો અનુભવ મધુરતમ બની જતો હશે.

ઇન્દ્રધનુ રચાઈ ગયું છે. ગોળાકાર ખીણનો સેતુ જાણે! એ નામનો અહીં એક માનવસર્જિત સેતુ પણ છે – રેઇનબો બ્રિજ. આ જળપ્રપાત અને આ ઇન્દ્રધનુ – દુઃસહ સુંદર, ભવ્ય અને રમ્યનો કેવો સંયોગ! એને જોઉં છું ત્યાં તો કેટલાં વારિ વહી ગયાં અને બાર હજાર વરસથી દિવસરાત આમ વહી રહ્યાં છે…

પછી તો જુદે જુદે સ્થળેથી નાયગરા સાથે ત્રાટક રચ્યાં.

અમેરિકન પ્રપાત ભણી ગયાં. હવે એ પણ બરાબર. પ્રથમ નજરની નિરાશા ક્યાં જતી રહી? એ સીધો પડી રહ્યો છે, છેડે જરા પ્રચંડ ધાર ખંડિત થઈ શોભા વધારે છે.

આ ધોધ કોઈ ઝીલી શકે? શિવજી?

જરા હસવું આવી ગયું.

આ અદ્ભુતનું દર્શન અભિભૂત કરતું જાય છે. અહીંની આદિમ પ્રજાઓને અમસ્તું જ નહોતું થયું કે, આ પ્રચંડ વારિ જ્યાં પડે છે તે કોઈ દેવતાનું નિવાસસ્થાન હોવું જોઈએ. એટલે તો વસંતઋતુની શરૂઆત થાય કે એ દેવતા માટે એક સુંદર કુમારિકા પસંદ કરવામાં આવતી, એને નવવધૂની જેમ મૃગચર્મ અને ફરમાં સજાવી એક નાનકડી હોડીમાં બેસાડવામાં આવતી. ધોધને ઉપલાણેથી એ હોડીને વહાવી દેવામાં આવતી!

અશ્વનાળ ધોધમાંથી જે જલસીકરોનું વાદળ રચાય છે એને ‘મેડ ઑફ ધ મિસ્ટ’ – ધુમ્મસ કુમારિકા – કહેવામાં આવે છે. એવું નામ પેલા આદિવાસીઓએ આપ્યું છે કે સભ્ય અમેરિકનોએ? સંભવ છે પેલી દેવતાને ધરવામાં આવેલી કુમારિકા પછી આ ‘મેડ ઑફ ધ મિસ્ટ’ બની ગઈ હોય. – લોક-કલ્પનામાં.

પરંતુ અહીં ‘મેડ ઑફ ધ મિસ્ટ’ માત્ર કલ્પના નથી. એ નામની બોટમાં પ્રવાસીઓને બેસાડી સામા પ્રવાહમાં છેક ધોધની નિકટ લઈ જવામાં આવે છે. આવો રોમાંચક અનુભવ કોણ જવા દે? અમે ચાલતાં ચાલતાં આ રાઇડ લેવા ગયાં, તો ત્યાં તો લાંબી લાઇન. અમને થયું : ઘણી વાર લાગશે. આરતી-પુલિને તો ઘણી વાર આ સવારી માણેલી.અનિલાબહેન માટે ધોધની બીજી વારની યાત્રા હતી, પણ ‘મેડ ઑફ ધ મિસ્ટ’ કદાચ પ્રથમ વાર. અમારે બહુ ઊભાં રહેવું પડ્યું નહિ. ટિકિટો લઈ એક લિફ્ટ દ્વારા નીચે ઊતર્યાં. થોડું ચાલ્યાં. બોટ આવી. બોટમાં પ્રવેશતા દરેકને એક એક વાદળી જૅકેટ આપી દેવામાં આવ્યું. બોટમાં બધાં સરખાં લાગે. બોટ ઊપડી અશ્વનાળ ધોધ ભણી.

અદ્ભુત અનુભવ. જેમ જેમ ધોધની નિકટ જતાં ગયાં તેમ તેમ રોમાંચની માત્રા વધતી ગઈ. બધાં પ્રવાસીઓ આનંદની ચિચિયારીઓ પાડી ઊઠતાં. નજીક, હજી નજીક – હવે બોટ ખસી શકતી નથી – પણ જલસીકરોએ સૌને ભીંજવી દીધાં છે. બોટમાંથી ધોધ ભણી નજર શી રીતે કરવી?

એક ચક્કર લઈ બોટ પાછી ફરી, ધીરે ધીરે.

જૅકેટ ઉતારી જેવાં અમે લિફટ ભણી જતાં રહ્યાં કે ‘મેડ ઑફ ધ મિસ્ટ’નાં બીજાં પ્રવાસીઓ આવી રહ્યાં હતાં, અનિલાબહેન કહે : ‘ત્યાં જુઓ, સ્વામી સચ્ચિદાનંદ છે.’ અમે મળ્યા. પરસ્પર અભિવાદન કર્યું. સ્વામીજી અરૂઢ સંન્યાસી છે, એટલે આ અનુભવ એ જરૂર લે જ. નીચલાણે અમે નદીકિનારેના ખડકો ઉપર બેસી પાણીમાં પગ બોળી પ્રપાત જોતાં જ રહીએ છીએ. સાંજ પડતી હતી. અમે વળી પાછાં અશ્વનાળ પ્રપાતની નજીક જઈ બેઠાં. આવેશ શમી ગયો હતો. પણ અહીં બેસીને આંખ અને કાન દ્વારા – રૂપ અને શબ્દમાં – સર્વેન્દ્રિયોથી પ્રપાતને પામું છું. વળી ત્યાં રચાયાં છે ઇન્દ્રધનુ. અશ્વનાળના બે છેડા વચ્ચે એ સેતુ રચી રહ્યાં છે.

સાંજે મોડે સુધી તડકો હતો. અમે નાયગરા ગામમાં જવાનો વિચાર કર્યો. આ ગામમાં ઊંચાં ઊંચાં ટાવર્સ છે: સ્કાયલોન ટાવર, યલો બગ વગેરે. પરંતુ જેમ હરકી પૌડી આગળ બિરલા ટાવર વરવું લાગે છે તેમ આ નાયગરા ધોધની નિકટ આ ટાવર્સ વરવા લાગે છે. છતાં એ છે.

અંધારું થતાં ધોધનાં પાણી પર રંગબેરંગી પ્રકાશ ફેંકાવા શરૂ થયા. મને થયુંઃ પણ આ શા માટે? પ્રકૃતિને પ્રકૃત કેમ રહેવા દેવામાં નથી આવતી? આ સમયે પણ અસંખ્ય પ્રવાસીઓ છે. આંકડા છે કે વરસેક-દહાડે અગિયાર કરોડ કરતાંય વધારે પ્રવાસીઓ નાયગરા જોવા આવે છે!

રાત તો પડી છે, ને તોય અવિરામ પડ્યું જાય છે ધોધ, પડ્યે જાય છે. જ્યારે સૌ પ્રવાસીઓ પોતપોતાના સ્થળે પહોંચી જશે, જ્યારે મધુરજની ઊજવતાં યુગલો એકબીજાની સોડમાં લપાઈ જશે, ત્યારેય આ ધોધ અવિરામ પડ્યે જશે.
૪. સહસ્રદ્વીપ-ઉદ્યાન

કોઈ ભુલાઈ ગયેલા સ્વપ્નનો સ્મૃતિમાં રહી ગયેલો અદ્ભુત જળ-ભૂમિ-મય લૅન્ડસ્કેપ!

હજાર ટાપુ અધરલોકમાં જાણે જોયા છે. અદ્ભુત, થોડા રહસ્યમય. હજાર ટાપુ. હજારથી પણ વધારે ટાપુઓનો એક પુંજ, એક વિરાટ નદીમાં. ના, આ ટાપુ દરિયાના નથી, અયુત વર્ષો પહેલાં ત્યાં દરિયો અવશ્ય હતો, પણ આજે તો નદી છે. સેન્ટ લૉરેન્સ નામે રાક્ષસી નદીમાં આ હજાર ટાપુઓ આવેલા છે. બ્રહ્મપુત્રમાં એક વિરાટ માઝુલી ટાપુ છે. જે ટાપુ પર નાનીમોટી અનેક વસ્તીઓ છે. માઝુલી ટાપુ પર ચાલતાં એકદમ લાગે નહિ કે આપણે સરિતાના જળથી વીંટળાયેલા કોઈ ટાપુ પર છીએ. પણ એ તો એક ટાપુ, પણ આ તો હજાર ટાપુ.

હજાર ટાપુની વાત જુદી છે. જાણે ટાપુની જ વસ્તી! ભાતભાતના આકારોથી શોભતા, એકબીજાની નજીક છતાં એકબીજાથી અસ્પૃષ્ટ, આધુનિક મનુષ્યની નિયતિ જેવા. ‘નદી કે દ્વીપ’ નામની અજ્ઞેયજીની નવલકથામાં એવું આવે છે, એક એક મનુષ્ય, એક એક અલગ ટાપુ જેવો.

એકદમ વાત સ્પષ્ટ થઈ ગઈ આ હજાર દ્વીપ જોતાં. આ દ્વીપ અને આ સેન્ટ લૉરેન્સ નદીનાં જળ એક સ્થળે અમેરિકા-કૅનેડાને જોડે છે – એમ પણ કહેવાય કે છૂટાં પાડે છે. અમેરિકા-કૅનેડાની સીમારેખા સેન્ટ લૉરેન્સના આ હજાર ટાપુઓ વચ્ચે થઈને જાય છે. આ બે રાષ્ટ્રો વચ્ચે એવી સંવાદિતા છે. સરહદની અથડામણો નથી. દુનિયાનો સૌથી ટૂંકો આંતરરાષ્ટ્રીય પુલ અમેરિકાની હદના એક નાવિકોન ટાપુને અને કૅનેડાની હદના એક ટાપુને જોડે છે.

નાયગરા જોતાં જેમ માત્ર એક ઉદ્ગાર નીકળે : અદ્ભુત! ગ્રાન્ડ કેન્યન જોતાં જેમ એક ઉદ્ગાર નીકળે ઃ અદ્ભુત! તેમ અમેરિકામાં એ હજાર ટાપુઓ જોતાં બોલી પડાયઃ અદ્ભુત! બસ અદ્ભુત! સાચે જ આ બધી પ્રકૃતિની અદ્ભુત લીલાઓ છે, જેમ આપણો હિમગિરિ.

ન્યૂયૉર્ક નગરની આભઊંચી અટ્ટાલિકાઓ અને ત્યાંની ચહલપહલ જોયા પછી ન્યૂયૉર્ક રાજ્યની ઉત્તરપૂર્વમાં લગભગ ૨૦૦ માઈલ દૂર સસ્કોહાના (આદિવાસી અમેરિકન નામ લાગે છે) નામની રમણીય નદીને કાંઠે વસેલા વેસ્તાલ ગામમાં અમે થોડા દિવસ આરતી અને પુલિન શાહને ત્યાં રહ્યાં. આરતીએ અગાઉથી કહી રાખેલું કે તમે આવશો એટલે આપણે થાઉઝન્ડ આઇલૅન્ડ્ઝ જઈશું જ, જઈશું. નાયગરા તો અહીં આવનાર બધાં જ જાય છે, પણ થાઉઝન્ડ આઇલૅન્ડ્ઝ બહુ જણા જતા નથી. આપણે જઈશું. એક શનિ-રવિએ નાયગરા જોઈ એવું લાગેલું કે આ ઈશ્વરનું જ એક વિરાટ દર્શન છે. જળની કેવી તો લીલા! હજાર ટાપુ પણ જળની જ લીલા.

જુલાઈ મહિનો હતો. વહેલી સવારે અમે વેસ્તાલથી નીકળ્યાં. એ વખતે ઘણું ધુમ્મસ હતું. હવામાન ખાતાની આગાહી તો સ્વચ્છ આકાશની હતી, પરંતુ સસ્કોહાના તો જાણે ધુમ્મસ ઓઢીને વહેતી હતી. બીંઘમટન નગર વટાવી આગળ નીકળ્યા પછી, થોડી વારમાં તડકો નીકળ્યો. ત્યાં વળી ગાઢ ધુમ્મસ જોયું. પુલિને ગાડીનાં વાઇપર્સને ચાલુ કર્યાં. એ ધુમ્મસ નહિ, વરસાદ હતો. અનેક મોટરગાડીઓ, સપ્તાહાન્ત માટે જતી હતી. અમને ચિંતા થઈ કે હજાર ટાપુઓમાં નૌકાયાત્રા થશે કે નહિ. મોટરગાડીની ગતિ પણ ધીમી કરવી પડી. અમે સુરદાસની કવિતાની વાતો કરતાં હતાં, ત્યાં બાલકૃષ્ણની નટખટ લીલાનું પદ આવતાં જ આરતીને રાજ (એનો ત્રણ વર્ષનો પુત્ર, ભારતમાં એની નાની પાસે હતો.) યાદ આવ્યો અને એની આંખમાંથી આંસુ વરસ્યાં, પણ થોડી વાર.

ટેકરીઓનો વિસ્તાર, પછી ખેતરોનો વિસ્તાર. સિરેકુયસના પાદરેથી પસાર થયાં. વરસાદ અહીં નહોતો. હવે અમે હજાર ટાપુઓના વિસ્તાર પાસે પહોંચવામાં હતાં. પુલિન કહે : પહેલાં જમી લઈએ. એક પાર્કમાં અનેક પ્રવાસી વિખરાયેલાં હતાં. અમે પણ એક સ્થાન શોધી લીધું.

પછી જેવાં ઍલેક્ઝાન્ડિઆ પહોંચ્યાં કે વિશાળ જળવિસ્તાર અને એમાં તરતી નાનીમોટી નૌકાઓ અને હોડીઓ. હજાર ટાપુઓનું સૌન્દર્ય તો આ જળ વચ્ચે કલાકો સુધી નૌકાવિહાર કરીએ તો પ્રકટે. આરતી – પુલિને કહ્યું કે, અમે તો થોડાં અઠવાડિયાં પહેલાં એક વાર આખો દિવસ આ પાણી પર વિતાવ્યો છે. તમે બંને જાઓ.

અંકલ સામ કંપનીની એક બોટ ઊપડવામાં હતી, હું અને અનિલાબહેન બેસી ગયાં. અનેક યાત્રીઓ. મોટા ભાગનાં આ તરફનાં લોકો. નાયગરા જેવા સ્થળે ભારતીયો દેખાય, પણ અહીં અમને કોઈ દેખાયું નહિ.

થોડી વારમાં તો બોટે લંગર ઉપાડ્યાં. એ સાથે ગાઇડની વાક્ધારા પણ શરૂ થઈ. જેવી પ્રવાહ વચ્ચે બોટ આવી કે આ સેન્ટ લૉરેન્સનો વિરાટ જળરાશિ જોઈ ચકિત. નદીનાં આટલાં જળ! વાત એમ છે કે, વિશાળ ઑન્ટારિયો સરોવરમાંથી આ નદી નીકળે છે. અને ત્યાં તો એ ઘણી પહોળી છે અને ત્યાં જ આ હજાર ટાપુ છે.

આ નદીનું સેન્ટ લૉરેન્સ નામ કંઈ એનું ખરું નામ નહિ હોય. એ નામ તો એક જાક કાર્ટિઅરે ઈ.સ. ૧૫૩૪માં આપેલું. કોઈ સસ્કોહાના જેવું રેડ ઇન્ડિયન નામ જરૂર હશે. છેક ૧૪૯૨માં તો કૉલમ્બસે અમેરિકા પર પગ મૂકેલો, પછી તો આ બધા વિસ્તારનો ઇતિહાસ, ખાસ તો હજાર ટાપુઓ પરના અધિકારનો ઇતિહાસ અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચેની લડાઈઓનો છે. ભારતમાં પણ અઢારમી સદીનો ઇતિહાસ એ જ છે ને? પરંતુ અમેરિકાની આ ભૂમિ પરની એ લડાઈમાં આદિવાસી ઇન્ડિયનો સાફ થઈ ગયા, (‘ઇન્ડિયન’ નામ પણ ભ્રાન્તિમાંથી નહિ કે પોતે ‘ઇન્ડિયા’માં પગ મૂક્યો છે?) અનેક ટાપુઓનાં નામ ફ્રેન્ચ છે. હવે મૂળ નામોની શોધ ક્યાં કરવી?

કારણ કે આ ટાપુઓનું નિર્માણિ હજાર – બે હજાર વરસની વાત નથી. લાખો-કરોડો વરસનો સમય-વિસ્તાર છે. ભૂગોળશાસ્ત્રીઓએ હિસાબ કાઢેલો છે – સમયનો અને રચનાનો. કરોડ વર્ષ પહેલાં હજાર ટાપુઓનો પાયો રચાયેલો…! આપણી તો કંઈ કલ્પના પણ ન પહોંચે. પહેલાં સમુદ્ર હતો, પછી ખસી ગયો, પછી આવ્યો, વળી પાછો બરફ જામી ગયો. બરફના ગ્લૅશિયર ખસતા ગયા અને એમણે જ બધા ભૂખંડ કોરી કાઢ્યા. પછી પાણી હટતું ગયું, વળી વધતું રહ્યું પણ ટાપુ રહ્યા. સામાન્ય રીતે નદીના ટાપુ ધોવાઈ જતા હોય છે, કાંપરેતીમાંથી બનેલા હોય છે. પણ હજાર ટાપુ તો જાણે અડગ, અવિચલ છે.

અમારી નૌકા આ ટાપુઓ વચ્ચે ફરી રહી છે. ગાઇડ ટાપુઓનાં નામ કહેતો જાય છે, પણ નામ યાદ રહે? એ સમજાવે છે કે, આ ટાપુનો આકાર ડેવિલની ભઠ્ઠી જેવો છે એટલે એનું નામ ‘ડેવિલ્સ ઓવન’. આ ટાપુનો આકાર હૃદય જેવો છે એનું નામ ‘હાર્ટ આઇલૅન્ડ’ આ ટાપુ પર એક કૅસલ છે તેથી ‘કૅસલ આઇલૅન્ડ’, આ ‘હનિમૂન આઇલૅન્ડ!’ જમણી બાજુ નજર કરીએ, ત્યાં ડાબી બાજુ ટાપુ. ડાબી બાજુ જોઈએ ત્યાં જમણી બાજુ… હર્યાભર્યા ટાપુઓ વચ્ચે કોઈ ભુલભુલામણીનો મારગ.

એક ટાપુ – ‘કમ્ફર્ટ આઇલૅન્ડ’. એક નાનકડું મકાન છે અને આજુબાજુ થોડી હરિયાળી છે. પછી ચારેકોર પાણી. આવા ટાપુ પર રહી પડીએ તો? આપણે પણ ટાપુ બની જઈએ – લોકાન્તરથી અસ્પૃષ્ટ. કેટલીય બોટો અને સ્પીડબોટોમાં પ્રસન્ન માનવીઓના ચહેરા. રૂમાલ ફરકાવે, અભિવાદન કરે. કપડાં તો ઓછાં પહેરવાનાં.

ટાપુઓ વચ્ચે ભૂરા જળની આ નદી ક્યાં શોધવી? ટાપુને કાંઠે ઘર હોય, અંદર ઘર હોય, હરિયાળી વચ્ચે ઘર હોય. દરેક ટાપુનો ઇતિહાસ હોય પાછો. હજાર ટાપુ, હજાર ઇતિહાસ. ના, હજાર નહિ; એક હજાર સાતસો અને ત્રણ ટાપુઓનો એટલી જ સંખ્યામાં ઇતિહાસ. આ દરેક ટાપુ જાણે ગ્રીનલૅન્ડ. ક્યાંક ચારપાંચ ટાપુઓ પડોશીઓ જેમ નજીક હોય. બોટ જરા ધીમી થઈ. અમેરિકા-કૅનેડાની જળસરહદ અને દુનિયાનો ટૂંકામાં ટૂંકો આંતરરાષ્ટ્રીય પુલ. જાણે રમકડાંનો પુલ! આ ટાપુને કાંઠે જો નૌકા નાંગરે તો ત્યાં પહોંચી જવાની ઇચ્છા થાય.

છેવટે એક ટાપુ પર અમે ઊતર્યાં. એ ટાપુ તે બોલ્ટ કૅસલ ટાપુ. જ્યૉર્જ બોલ્ટ નામના એક માણસે પોતાની પત્નીને ભેટ આપવા આ ટાપુ પર ઈ.સ. ૧૯૦૦માં એક કિલ્લો ચણાવવો શરૂ કરેલો, પણ પત્નીનું અવસાન થતાં એ અધૂરો રહી ગયો છે. માણસને કેવી કેવી ખ્વાહેશો હોય છે? પણ ઈશ્વરની ખ્વાહેશો હશે ને? માણસને નમ્ર બનાવવાની. અનેક ચમકતા ચહેરા આમતેમ જોવા મળતા હતા આ ટાપુ ઉપર. અમને તો માનવસર્જિત ઇમારતોમાં એટલો રસ નહોતો, જેટલો પ્રકૃતિસર્જિત સૌન્દર્યના ટાપુઓમાં ટાપુ અને જળ.

વાદળછાયો દિવસ રહ્યો, પણ વરસાદ પડ્યો નહિ એ સારું હતું. સ્વચ્છ તડકો હોત તો વળી જુદો મિજાજ હોત આ સૌન્દર્યલોકનો. મેઘલા દિવસમાં મિજાજ જુદો. એવું થાય? દુનિયામાં બધાં કામકાજ છોડી એકાદ ટાપુ પર રહી પડીએ. શું રૉબિન્સન ક્રુઝો…

પણ ક્યાં? ઇન્દુ અને અશોક મૉન્ટ્રિયલથી આવી ગયાં હશે અને કિનારે રાહ જોતાં હશે. અહીંથી હું બારોબાર મૉન્ટ્રિઅલ જવાનો હતો અને અનિલાબહેન, આરતી, પુલિન, સૌ પાછાં વેસ્તાલ. બોટમાં બેસી, જ્યાં ટાપુ પર રહેવાની કલ્પના આવી, કે આ વિચારે નક્કર ભોંય પર લાવી દીધાં.

એ વખતે તો નક્કર ભોંય પર ઊતર્યાં. પણ પછી દિવસો વીતી ગયા છે અને મહિના પણ. સમયને આટલે અંતરે ઊભા પછી હવે હજાર ટાપુનો લોક કલ્પનાલોક જ લાગે છે – એક સ્વપ્નલોક. સ્વપ્ન જાણે ભુલાઈ ગયું છે. એ લોકની ભુલભુલામણીમાં મારી નૌકા ઘણી વાર વહેતી હોય છે. કોઈ ટાપુ પર કેમ એ નાંગરતી નથી?
૫. લાસ વેગાસમાં ‘યુધિષ્ઠિર’

અમેરિકન સંસ્કૃતિનું એક અન્ય પ્રતીક જોવું હોય તો જવું લાસ વેગાસ. કોણ નથી જાણતું કે, આખી દુનિયામાં પ્રસિદ્ધ એવું એ જુગારનગર છે! ત્યાં રાત પલટાઈ જાય છે દિવસમાં, અને દિવસ લગભગ રાતમાં. કરોડોની ઊથલપાથલ એક રાતમાં થઈ જતી હશે. કોઈ રાતોરાત રંક બની જાય છે અને કોઈ રાતોરાત રાય. આપણા જેવા ફૂંકી ફૂંકીને ચાલનારા રહે છે ઠેરના ઠેર.

લાસ વેગાસ મરુભોમકા જેવા નેવેડા રાજ્યમાં એક રણદ્વીપ જેવું છે. માનવસર્જિત લૉસ એન્જેલિસની દક્ષિણ પૂર્વમાં જતાં ઉજ્જડ ટેકરીઓ અને વેરાન ભોમકા. ઘણી વાર રાજસ્થાનનો લૅન્ડસ્કેપ લાગે. ટેકરીઓના વળાંકે ગામ, પણ આખા ગામમાં એક પણ વૃક્ષ નહિ એટલું રુક્ષ. માર્ગનું નામ ગ્રીન રિવર ડ્રાઇવ છે, પણ અહીં નથી કોઈ નદી, નથી કશું ગ્રીન. ભૂરા ઉજાડ રંગની ટેકરીઓનું સૌન્દર્ય માઈલોના માઈલ. ટેકરીઓ નજીક આવે, દૂર સરકી જાય. વળી વચ્ચે આવે સપાટ ધરતી. શશિ મોટરગાડી ડ્રાઇવ કર્યે જાય છે. હવે આવશે ડેથવેલી. આવું અપશુકનિયાળ નામ સાંભળીને ચમકી જવાય, પણ આ તો રણભૂમિ છે. આ રણભૂમિનાય કેટલાક વિસ્તારને એના અસલ રૂપમાં જાળવી રાખવામાં આવે છે – ‘ડેઝર્ટ કૉન્ઝર્વેશન એરિયા.’ ત્યાં સાહસિકોને કેમ્પિંગ વગેરેની વ્યવસ્થા છે. સપ્તાહાન્ત છે. કેટલી બધી ગાડીઓ લાસ વેગાસ તરફ દોડી રહી છે!

હવે પહાડીઓની રચના બદલાતી જાય છે. કેલિડોસ્કોપમાંથી જોઉં છું. શું? સાંજ પડવામાં છે. એક વિચિત્ર માનસિક અવસ્થા છે. લાસ વેગાસ શા માટે જાઉં છું? અમેરિકન સંસ્કૃતિનો એક પહેલુ (આસ્પેક્ટ) જોવા? એક કૌતુક છે. અમેરિકા આવનાર પ્રવાસી લાસ વેગાસ જાય, જુગારનું નગર જોવા, જુગાર રમવા પણ. દરેક માણસમાં ક્યાંક એક જુગારી બેઠેલો હોય છે, કોઈ સાવધાનીપૂર્વક દાવ ખેલે છે, કોઈ અંધાધૂંધ.

નાનપણમાં તીનપત્તાંનો જુગાર ખેલ્યો છે; પણ પૈસાથી નહિ, દીવાસળીની પેટીની છાપોથી. જુદી જુદી છાપનું મૂલ્ય જુદું જુદું. ઘોડાની છાપ બરાબર રૂપિયો. કપાસ છાપ અડધો રૂપિયો. પંચવટીની છાપ પાંચ રૂપિયા. આ છાપ માટે ઘણી વાર ઘરમાં ચાલુ દીવાસળીનું ખોખું પણ લઈ લીધું છે. પછી તો જુગાર સાથેનો પરિચય છાપાના સમાચાર દ્વારા. તો કેટલાક વિશ્વવિખ્યાત પ્રશિષ્ટ જુગારીઓનો પરિચય સાહિત્ય દ્વારા.

કેટલાકને આપણે બધા ઓળખીએ છીએ. તેમાં એક છે યુધિષ્ઠિર. મહાભારતના આ સ્થિરમતિ યુધિષ્ઠિરને માટે જુગાર એમની નબળાઈ. પાછું રમતાં તો આવડે નહિ. વ્યાસે શકુનિને મુખે કહેવડાવ્યું છે કે, ‘દ્યુતપ્રિયશ્ચ કૌન્તેયો ન સ જાનાતિ દેવિતુમ્.’ દ્યુત-જુગારપ્રિય છે યુધિષ્ઠિર, પણ એ રમત એને આવડતી નથી. છતાં રમે છે. કહે છે : ‘આહૂતો ન નિવર્તેયમ્’. મને કોઈ જુગાર રમવા બોલાવે તો ના નહિ પાડું. ક્ષત્રિય છે યુધિષ્ઠિર! પણ એમાંથી તો કેટલું બધું થયું! આખું મહાભારત સર્જાયું. આપણે જાણતા નથી? કેટલા બધા જુગારીઓના જીવનમાં જુગાર કોઈ ને કોઈ પ્રકારનું ‘મહાભારત’ સર્જે છે.

આપણને આશ્ચર્ય થાય કે સતત હારવા છતાં દરેક દાવમાં શકુનિ ‘જિતમ્’ એમ બોલવા છતાં અઢાર અઢાર વખત પાસા ફેંકતા ગયા. કદાચ આ જુગારીનું માનસ છે, હારવાથી વધારે ઉગ્રતાપૂર્વક રમવું. દ્રૌપદીને ધૃતરાષ્ટ્રે આપેલા વરદાનથી ફરી પાછું બધું પામ્યા ત્યાં ફરી પાછું જૂગટું – અને વનમાં ગયાં. પેલા વિરાટને ત્યાં છદ્મવેશમાં પણ રમત પાસાની. આપણને થાય : મહાભારતની લડાઈ એ પણ એક મોટો જુગાર નહિ?

નળરાજા પણ એના ભાઈ પુષ્કર સાથે જુગાર રમેલો. પણ એના શરીરમાં કલિયુગે પ્રવેશ કરેલો. જુગારી માત્રના શરીરમાં કે મનમાં કલિપ્રવેશ થતો હોય છે. પણ જુગારી આપણા જેવા ‘અરસિક’ને કહેશેઃ ‘તમારું કામ નહિ. તમે શું જાણો એનો આનંદ?’ યજુર્વેદમાં એક જુગારીની આત્મોક્તિ છે, જેમાં પાસા ફેંકતાં થતા અવાજની મોહિનીના આકર્ષણની એણે વાત કરી છે. વૈદિક આર્યોની તો આ પ્રિય રમત હતી.

જુગારીની માનસિકતાની એક રસિક ઘટના પેલા પ્રસિદ્ધ નાટક ‘મૃચ્છકટિક’ (માટીની ગાલ્લી)માં આવે છે. જુગાર રમતાં રમતાં સંવાહક નામનો, નાટકના નાયક ચારુદત્તનો એક જૂનો સેવક દસ સુવર્ણમહોરો હારી જતાં, જુગાર-અડ્ડાના અધીક્ષકની નજરથી છટકી ભાગી જાય છે. માથુરક એની પાછળ પડે છે. સંવાહક એક ખાલી દેવળના ગર્ભગૃહમાં સંતાઈ જાય છે. ત્યાં દેવતાની મૂર્તિ નથી, એટલે એને સ્થાને સ્થિર મૂર્તિ બનીને ગોઠવાઈ જાય છે. ત્યાં માથુરક અને એના સાથીઓ આવી પહોંચે છે. આટલામાં જ ક્યાંક ગયો છે. તો ક્યાં ગયો પેલો? ‘મૂર્તિ’ને પેલાએ ઠમઠોરી જોઈ, પણ પેલો મૂર્તિ જ બની ગયેલો. પછી માથરકે યુક્તિ કરી. ત્યાં ને ત્યાં બીજા જુગારી સાથે બેસીને પાસા ખેલવા માંડ્યો. પાસાનો અવાજ સાંભળતાં પેલી ‘મૂર્તિ’થી રહેવાયું નહિ અને પકડાઈ જવાની બધી બીક છોડી રમવા કૂદી પડ્યો. માથુરકની યુક્તિ સફળ થઈ. પાસાનો અવાજ થાય, પછી સાચો જુગારી કેમ કરી ચૂપ રહે?

પણ આપણે ક્યાં એવા કશા જુગારના આકર્ષણમાં છીએ કે આમ લાસ વેગાસ ભણી ધસ્યા જઈએ? મને વિચાર આવ્યો કે, લાસ વેગાસમાં જો શકુનિ આવી જાય તો બધા જુગારીઓનું ધન હસ્તિનાપુર અર્થાત્ આજની દિલ્હીમાં લઈ આવે. યુધિષ્ઠિર તો અહીં પણ હારી જાત. ‘લાસ વેગાસમાં શકુનિ’. કોઈ છાપામાં ધ્યાન ખેંચી રહે એવું મથાળું નથી લાગતું?

લાસ વેગાસમાં અમારી મોટર પ્રવેશી. સૂરજ તો ઢળી ગયો હતો. આથમણી ઉજ્જડ ટેકરી ઉપરના આકાશમાં ત્રીજ-ચોથનો ચંદ્ર પણ દેખાયો અને તેની જોડે એક તારો. હવે ધીમે ધીમે ભૂરા આકાશમાં તારા પ્રકટશે, પણ લાસ વેગાસમાં જોતજોતામાં ઝળાંહળાં થતા દીવાઓ પ્રકટતા હતા, જાહેરાતોમાં ઊઘડતાં બંધ થતાં, આંખોને આંજી દેતાં અજવાળાંથી ક્યાંક અદૃષ્ટ રહેલા સૂરજના તડકાનો ખંડ તો આ નગર પર પથરાયો નથી એવી ભ્રાન્તિ થાય.

અગાઉ મેં મરુભોમમાં રણદ્વીપ સાથે આ નગરને સરખાવ્યું, પણ એ રણદ્વીપ નથી, રણદ્વીપમાં તો સાચેસાચનું જળ હોય છે, સાચેસાચની ખજૂરીની હરિયાળી હોય છે. પણ આ તો મૃગજળ છે. માયા મરીચિકા છે. રાત પડી ગઈ હતી, પણ માત્ર ઘડિયાળમાં. અમે તૈયાર થયાં. દીપિકા લોસ એન્જેલિસના ઘરેથી ખાવાનું લાવી હતી. નાનો દર્શિત સાથે હતો, પણ શશિ કહે : ‘અંકલ! આજે આપણે ઘરનું નહિ ખાઈએ. આ નગરનો તમને ‘ફીલ’ – સ્પર્શ નહિ થાય.’ અમે બહાર નીકળ્યાં. ચમકચમક થતા સમગ્ર માર્ગ પર કસીનોનાં નામો. રોશની જ રોશની. આ કોઈ મયદાનવે રચેલું તો નગર નથી ને? વાસ્તવનું જગત લોપ પામતું હતું. લાગે કે, આ જે છે, તે ખરું છે. આટલાં આટલાં લોકોની આવનજાવન. લોકો જાણે સજી સજીને નીકળી પડ્યાં છે. જાણે કોઈએ જુગાર રમવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે અને એ સૌ જાણે યુધિષ્ઠિરની જેમ ‘આહૂતો ન નિવર્તેયમ્’ – મને નિમંત્રણ આપ્યું છે, તો હું ના નહિ પાડું – કહેતાં ઊતરી પડ્યાં છે શું?

રસ્તા ઉપર જેમ જેમ આગળ વધતાં ગયાં, તેમ તેમ પ્રકાશથી જાણે અતિ પ્રકાશની દુનિયામાં જતાં હતાં. પ્રકાશની? કે પછી અંધકારની? આ બધાં જે સાથે ચાલે છે કે સામે મળે છે તે બધા જુગારીઓ છે? – સુંદરીઓ? આ પ્રૌઢાઓ? પ્રૌઢો, વૃદ્ધો, યુવાનોયુવતીઓ – બધાં ક્યાં જઈ રહ્યાં છે? અમે એક સ્પૅનિશ રેસ્ટોરાંમાં પ્રવેશ્યાં. શાકાહારી વાનગી-મકાઈની રોટલીમાં ચીઝ મેળવીને બનાવેલી મસાલેદાર વાનગી. ભાવવાનો બહુ સવાલ નહિ.

બહાર નીકળ્યાં ત્યારે કસીનોનું આ નગર માયાવી બની ગયું લાગ્યું. આકર્ષણની અદ્ભુત જાળમાં તમને ખેંચવાના એના પેંતરા છે. ફ્રાન્સના મોન્ટે કાર્લોના કસીનોમાં પ્રવેશ કરેલો, પણ કૌતુકથી. વળી ત્યારે દિવસ હતો. દીપ્તિએ થોડું ખેલી લીધેલું. અમે બીજાં અલિપ્ત રહ્યાં હતાં. પરંતુ અહીં? શશિ કહે : તમારે રમવું જ પડશે, નહિતર અહીં આવ્યાનો અર્થ શો?

આ એક પ્રસિદ્ધ કસીનો ‘સર્કસ સર્કસ’માં અમે પ્રવેશ કર્યો. વિરાટ ખંડમાં અસંખ્ય સ્લૉટ મશીનો – જાતજાતનાં ઑટોમૅટિક. બધી સૂચનાઓ હોય. જાતે રમવા બેસી જાઓ. દીપિકાએ મને છુટ્ટા ૨૫ ડૉલરના ક્વાર્ટરના સિક્કાનો ડબ્બો ભરીને આપ્યો. હું એક મશીન આગળની બેઠકમાં ગોઠવાયો. આખા કસીનોમાં ખડંગ ખડંગ ખણ, ખણ, ખણના જ અવાજ. કોઈએ હજી ક્વાર્ટર – બે ક્વાર્ટર નાખી હૅન્ડલ હલાવ્યું નથી કે બસ દલ્લો. ખણ ખણ ખણ સિક્કા ખર્ચે જાય છે, મિડાસની જેમ એના ચહેરા પર ચમક આવી જાય. પણ કોઈ સિક્કા પર સિક્કા સેરવે જાય છે, એનો ભરેલો ડબ્બો ખાલી થઈ જાય છે. સ્લૉટ મશીન બધું ગળી જાય છે. મારી આ બાજુમાં એક વૃદ્ધા છે. બેત્રણ ડબ્બા ભરીને બેઠી છે. મેળવે છે, ખૂએ છે, મેળવે છે, ખૂએ છે. એના ચહેરા પર કોઈ ફેર નથી. રમ્યે જાય છે. કદાચ સવાર સુધી રમશે. એને જીવનનો એ જ આનંદ છે. પણ આપણે કોણ છીએ એના વિષે રિમાર્ક કરનાર?

મેં પહેલા ક્વાર્ટરથી શરૂઆત કરી. ત્રણ સિક્કા ગયા. કંઈ ન આવ્યું. ચોથો સિક્કો ગયો, ખણ ખણ ખણ ખણ… હું ચકિત થયો. ખર્ચે જ જાય છે. દશ-બાર સિક્કા ખર્યા. પછી તો ચઢસ વધતો ગયો. ત્યાં ધીમે ધીમે સિક્કા ઘટતા ગયા, ઘટતા ગયા, પણ આ વખતે તો જરૂર મળશે, આ વખતે તો જરૂર. પણ સૂચન આવે : હજી સિક્કો નાખો… આ ડોશીને તો ઢગલો થતો જાય છે. વિચાર આવે – છેવટે તો કોઈકના ખોયેલા ને? પણ અહીં એવો વિચાર અવાસ્તવિક છે. અહીં તો ચારેકોર ખણ ખણ ખણ છે.

છુટ્ટા પૈસા પૂરા થયા. હવે મારી પાસે આખા ડૉલર હતા. ત્યાંથી ઊભો થઈ બીજા એક મશીન આગળ. મેં જોયું કે આખા ખંડમાં બરાબર રમત જામી છે. ત્યાં ખૂણાના કાફેમાં સંગીત ગવાય છે અને નૃત્ય ચાલે છે. એક બીજા મશીન આગળ જઈ ઊભો, તેમાં ડૉલરથી રમવાનું હતું. મશીનમાં કાચની પાર ડૉલરના સિક્કાના ઢગલેઢગલા પથરાયેલા હોય, ઢાળમાં. ઉપરથી સતત ચાલતી સ્વયંચાલિત ઠેસીઓથી ઠેલાય… ધીરે ધીરે ઘણા ઢાળને કિનારે આવીને અટક્યા હોય. તમે ડૉલર નાખો એટલે ઉપર જઈ પડે. એ ઠેલાય, એની સાથે અટકી રહેલા ડૉલર પણ ઠેલાય અને અંદર પડે. એ પડે એટલા તમારા, બહાર આવી જાય.

મેં રમવા માંડ્યું. એક ડૉલર નાખ્યો, ત્રણ મળ્યા. પછી તો નાખતો ગયો. બરાબર કિનારે આવે છે, આવે છે ને અટકી જાય છે. પડે છે, પડે છે, પણ ક્યાં? હજી એક વધારે ડૉલર, હજી એક વધારે. કદાચ આ વખતે બધા જ પાછા મળી જશે. હવે મને સમજાતું હતું કે યુધિષ્ઠિરે એક વખત નહિ, બે વખત નહિ, ત્રણ વખત નહિ, અઢાર અઢાર વખત સતત હારવા છતાં કેમ પાસા ફેંક્યા અને બધું દાવમાં મૂકતા ગયા! સંભવ છે કે છેલ્લા દાવમાં પણ સામટી જીત થઈ જાય. મને પાછા જેટલા ડૉલર મળતા હતા, તેથી વધારે હારતો જતો હતો. મને આમ રમતો જોઈ આજુબાજુ ટોળું થઈ ગયું. ત્રણચાર ડૉલર પડે એટલે ચિચિયારીઓ પાડે બધા. પછી તો બસ – દીપિકા મને ડૉલર આપી રહી, હારજીત, જીતહાર. હું યુધિષ્ઠિર બની જતો હતો… હા, અહીં માત્ર ડૉલર જ હોડમાં મૂકવાના હતા. ખાલી થઈ ગયો!

હવે બસ. દીપિકાએ પણ સો ડૉલર ગુમાવ્યા હતા. ખણ ખણ ખણ અવાજ કાનોને ઉન્મત્ત કરતો હતો. હજારો માણસો રમી રહ્યા છે. લક્ષ્મી આ ખિસ્સામાંથી પેલા ખિસ્સામાં ઠલવાય છે. હજી તો રાતનો એક છે, આખું કસીનો ચૂર છે.

બીજા કસીનોમાં ગયાં. હવે રમવા નહિ, જોવા. અહીં સાચે જ લક્ષ્મીજીની મૂર્તિ છે. ધનની દેવી લક્ષ્મીજી અહીં? અહીં જ એમનું સ્થાન છે. શેષશાયી વિષ્ણુની પગચંપી કરતાં કરતાં લાસ વેગાસના કસીનોમાં આવી ગયાં છે, પણ અહીં જ એમને વધારે ફાવે ને?

ડ્યુન્સનો કસીનો પણ જબરદસ્ત. જાતજાતની રમતો છે. ક્યાંક પાનાં રમાય છે. બાજુમાં નૃત્યો ચાલે છે, સંગીત બજે છે. દારૂ પીરસાય છે. ખણ ખણ ખણ ખણ… ડૉલરનો ખણખણાટ આ બધા અવાજને વ્યાપી વળે છે. ઉપરના માળે જાઓ, ત્યાં જુદી રમતો છે. તેથી ઉપર જાઓ, ત્યાં જુદી. આટલા બધા લોકોમાં જુગારી વસે છે! લાસ વેગાસમાં રાત્રિ રમણે ચઢી હતી.

સવારે અવશ્ય લાસ વેગાસના પૂર્વાકાશમાં સૂરજ ઊગ્યો હતો. અલક્ષિત.
૬. ગ્રાન્ડ કેન્યન
‘સ્થાવરણાં હિમાલયઃ – સ્થાવરોમાં હું હિમાલય છું.’ એમ પોતાની ચરાચરવ્યાપી ઉન્નતોન્નત વિવિધ વિભૂતિઓનો અર્જુનને પરિચય આપતાં શ્રીકૃષ્ણ એ સૂચિમાં ઉમેરી શક્યા હોત કે, નદી-કોતરોમાં હું ગ્રાન્ડ કેન્યન છું. કેન્યન એટલે કોતર, ગ્રાન્ડ કેન્યન એટલે ભવ્ય નદી-કોતર, અથવા કવિ ઉમાશંકર કહે છે તેમ ભવ્ય નદી-ખીણ, પણ ગ્રાન્ડ કેન્યન પણ હવે વિશેષ નામ થઈ ગયું છે. ઉત્તર અમેરિકાના ઍરિઝોના રાજ્યમાં કૉલોરાડો નદીએ દર હજાર વર્ષે જ ઇંચની સરેરાશથી કરોડ કરોડ વર્ષના કાલપટામાં આ વિરાટ કોતર ઘડી કાઢ્યું છે. હજી નદી કૉલોરાડો તો સક્રિય છે, કે પછી કાલદેવતા!

કાળ જાણે કરમાં નદીસ્રોત-ટાંકણું લઈને
ક્ષણક્ષણ
કરતો તક્ષણ-કર્મ
લાખ લાખ વરસ રહ્યો ઘડતો આ શિખરવૈભવ.

કવિ ઉમાશંકરના આ રૂપક કરતાં ભાગ્યે જ અન્ય રીતે આ ભવ્ય નદી-કોતરની રચનાનો વિસ્મયબોધ પ્રકટ થઈ શકે.

લાસ વેગાસથી સવારે નીકળ્યાં, ત્યારે મનમાં મિત્રોએ અને કવિ ઉમાશંકરે ભાવભીની રીતથી દોરેલી ગ્રાન્ડ કેન્યનની તસવીર ઊભરતી હતી. તમે જાઓ છો, જાઓ છો, આછી ઝાડીવાળી સપાટ સમતલ ઉષર લાગતી ભૂમિનો વિસ્તાર ખૂટતો નથી; ત્યાં એકાએક એક વળાંકે આવીને ઊભો – જુઓ છો તો નજર સામે અદ્ભુતોમાં અદ્ભુત જાણે ગ્રાન્ડ કેન્યન! અગાઉથી કોઈ પૂર્વાભાસ નથી, એકાએક વિરાટનો આવિર્ભાવ. એવું કંઈક..

રિયો કૉલોરાડો સ્પૅનિશ લાડકું નામ – નદી કૉલોરાડોને તો પહેલાં રસ્તે આવતાં જોઈ, રુક્ષ ડુંગરાળ પ્રદેશમાં. હુવર ડૅમથી એનાં ભૂરાં પાણી એક તરફ વાંકાચૂંકા સરોવર રૂપે પહાડો વચ્ચે ઘેરાઈ શોભા ધારણ કરી રહ્યાં હતાં અને એ જ સરોવરમાંથી આગળ વહી જતાં હતાં કૅલિફૉર્નિયાના અખાત ભણી. ત્યાં તો આ નદી એટલી ટેમ– પાળેલી લાગે છે કે એણે જ વન્યા બનીને પેલું કોતર કંડારી કાઢ્યું હશે એમ માની જ ન શકાય. મોટરગાડીમાંથી ઊતરી અમે એનું અભિવાદન કરી લીધું.

નેવાડા રાજ્યમાંથી ઍરિઝોનામાં પ્રવેશ કર્યો ત્યારે બપોર થવા આવ્યા હતા. વેરાન ભોમકા ઉપર સુંવાળી સડક અંતહીન હોઈ મોટરગાડી દોડ્યે જતી હતી. કેટલી વાર હશે ગ્રાન્ડ કેન્યન પહોંચવામાં? પણ પછી હરિયાળી ઝાડી શરૂ થઈ, પાઈનનાં વૃક્ષો પણ દેખાયાં. ત્યાં ગાડી ધીમી કરી શશિએ એક વળાંક પાસે તેને ઊભી રાખી કે સામે…

અવાક્! આ ગ્રાન્ડ કેન્યન! આંખો ભરાઈ ગઈ. વિરાટની મુખોમુખ.

મોટરમાંથી ‘ઝલાયા’ની જેમ નીચે ઊતરું છું, બરાબર ધરતી જ્યાંથી નીચે ઊતરી પડી છે એ કોર ઉપર ઊભો રહી નજર પસારું છું. અરબી સમુદ્ર, હિંદ મહાસાગર અને બંગાળનો ઉપસાગર જે ભૂમિબિન્દુએ મળે છે ત્યાં, કન્યાકુમારીના સાગરસંગમે જઈ ઊભા રહેતાં જે અનુભવ; કેદારનાથના શિખરે ચઢી અફાટ બરફનો વિસ્તાર નજરે પડતાં જે અનુભવ; લાખો ગૅલન જળ લઈ નદી એકાએક જાણે ઊંચાઈએથી પડતું મૂકી ધોધરૂપ બની ગઈ છે એ નાયગરાને જોતાં જે અનુભવ; એવો આ ગ્રાન્ડ કેન્યનના પ્રથમ દર્શનની ક્ષણનો અનુભવ. ‘આંખ થાકીને વિરમે રે, ‘વિરાટ’ ‘વિરાટ’ વદી.’

ઉપર આકાશમાં નજર ગઈ. કૉલોરાડોનાં પેલાં ભૂરાં જળ જેવું અનંત ભૂરું આકાશ, જેમાં થોડા શ્વેત અબ્રખંડો પણ તરતા હતા. નજર ઊતરતાં માત્ર ગ્રાન્ડ કેન્યન. એ કેન્યનની ખીણોમાં થઈ અથડાતો પવન અમારાં અને અમારી જેમ વિસ્મયાભિભૂત ઊભેલા પ્રવાસીઓનાં વસ્ત્રોને ફરફરાવતો હતો. માઈલો-વ્યાપી ગેરુરંગી કેન્યન ઉપર તડકા-છાંયડાની રમત ચાલતી હતી.

‘જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા…’

ફરી કવિ ઉમાશંકરનું સ્મરણ થયું. તમે પણ અહીં ક્યાંક ઊભા હશો કવિ. અદનું સ્મરણ થયું. એમણે એનાં અનેક શબ્દચિત્રો દોરેલાં. કાલિદાસે કહેલું : રમ્યાણિ વીક્ષ્ય. ભવ્યાનિ વીક્ષ્ય – ભવ્યો જોઈને – પણ એવી અનુભૂતિ. ‘જોવાં’તાં કોતરો.’ મેં પણ જીવનમાં સૌથી પહેલાં સાબરનાં જ કોતરો જોયેલાં – મહુડી પાસે વહેતી સાબરનાં. ત્યાં એ શ્વભ્ર(કોતર)વતી નામને સાર્થક કરે એવાં કોતર છે, વિસ્મયકર લાગ્યાં હતાં શિશુ આંખોને ત્યારે. અત્યારે આ સામે છે તે પણ કોતર ગ્રાન્ડ કેન્યન. દૃષ્ટ દૃષ્ટવ્યમ્. આ ક્ષણે હવે એ દૃશ્યને આંખમાં ભરી પાછા ફરી ક્યાંય સુધી નજરનિક્ષેપ કર્યા કર્યો. ‘કાંગાલ નયન યેથા દ્વાર હતે આજે ફિરે ફિરે’ – આ વિરાટનાં દર્શન ઝીલવાની કંગાળ આંખોની ક્ષમતા કેટલી?

જાણે આવેગ શમ્યો. હવે ભવ્ય કોતરની દક્ષિણ ધારે ધારે દર્શનબિન્દુઓએ ઊભા રહેતાં રહેતાં એની વિવિધ ભંગિમાઓ જોવાની હતી. પણ એ બધી કેમ જોવાય? ત્રણસો માઈલ લાંબી આ ભવ્ય નદી – ખીણના સામસામા છેડા ક્યાંક નવ માઈલ તો ક્યાંક ચાર માઈલ પહોળા. વચ્ચે ગહન તળિયાની સપાટીએથી રચાઈ આવ્યાં છે જાતજાતનાં શિખરો, સ્તંભો, ભૂખંડો. ખરેખર તો એમ કહેવું જોઈએ કે, નીચેથી નહિ, ઉપરથી નીચે રચાતાં ગયાં છે. આપણાં ભવ્યરમ્ય ઇલોરાના કૈલાસમંદિરની જેમ કૈલાસમંદિરને તો એના સ્થપતિએ એક વિરાટ શિલાખંડમાં પહેલાં જોઈ લીધું, પછી એનું ઝીણું ઝીણું તક્ષણકર્મ.

ગ્રાન્ડ કેન્યનનો કોણ સ્થપતિ છે? આ એક પ્રસ્તરીય ભૂમિખંડને કૉલોરાડો કોતરતી ગઈ છે, કોતરતી જાય છે. પવન અને પાણીએ સાથ આપ્યો છે, ગરમીએ અને ઠંડીએ સહાય કરી છે. સંવૃત્તિ-નિવૃત્તિની યુગવ્યાપી લયલીલામાં રચાતી ગઈ છે આ કેન્યન. પણ આપણી નજરે તો એવું લાગે કે આ બધું પાતાળલોકમાંથી સ્વયંભૂ પ્રકટ થયું છે. અહીં સાચે જ છે : વિષ્ણુ, બ્રહ્મા, શિવ, જરથુષ્ટ્ર, જ્યૂપિટર. આ નામકરણ કોની, કયા ભૂસ્તરશાસ્ત્રીની વિશાળ દૃષ્ટિના પરિચાયક છે? અહીં વિષ્ણુ-બ્રહ્મા-શિવ? એલિફન્ટાની ગુફામાં કોઈ શિલ્પીએ કંડારેલાં સર્જન, સ્થિતિ અને લયના અધિદેવ – ત્રિદેવ તે અહીં તો વિરાટ પ્રકૃતિ રૂપે જાણે કંડારાઈ ગયા છે. સર્જનહારના પણ સર્જક કોણ? શું કાલદેવતા?

હે કાલદેવતા! કેટલાં વરસ લાગ્યાં આ શિલ્પો કંડારાતાં? હજાર? ભૂસ્તરવિદો જવાબ આપશે? નહિ. લાખ? નહિ. કોટિ કોટિ. આટલી પ્રદીર્ઘ ધૃતિ? હવે રવિ ઠાકુરની ‘નૈવેદ્ય’ની એ કવિતા નવા સંદર્ભમાં સમજાય છે. ‘હે રાજેન્દ્ર! ‘તવ હાતે કાલ અન્તહીન.’ તારા હાથમાં કાલ અનંત છે, રાજેન્દ્ર. રાત્રિ અને દિવસ આવે છે અને જાય છે, યુગયુગાન્તરો ફૂલની પેઠે ખીલે છે અને ખરે છે. એક પુષ્પની કળીને ખીલવવા માટે સેંકડો વર્ષો સુધી તારી સાધના ચાલ્યા કરે છે.’

સામે હું જે ખીણમાં પ્રકટેલા વિવિધ આકારો જોઈ રહ્યો છું તેના એક એક ઇંચ માટે કૉલોરાડોને સેંકડો વરસ લાગ્યાં છે. કેટલા બધા પ્રવાસીઓની આંખોમાં કૌતુક ઊભરાય છે! ગ્રાન્ડ કેન્યનની ધારે ઊભે છે અને નિહાળી રહે છે. એક સ્થળે આ પ્રવાસીઓને વિનંતી છે કે, ગ્રાન્ડ કેન્યન બળકટ કાઠું ધરાવે છે, ખ્યાલ રાખવો. ૧૯૧૯માં અહીં ૪૫,૦૦૭ પ્રવાસીઓ આવેલા, પણ હવે વરસદહાડે ૩૮,૦૦,૦૦૦ પ્રવાસીઓ આવે છે! એમનો ઘસારો પણ લાગી જાય.

પ્રથમ દર્શનથી થયેલી ઉત્તેજના જરા રિલૅક્સ થઈ, હળવી થવા દીધી. શશિની વહુ દીપિકા ઘેરથી ઘણી ખાદ્યપેય સામગ્રી ગાડીની ડિકીમાં ભરી લાવી છે. નાનો દર્શિત પાછો અમારી સાથે હતો. ક્યારેક મારે ખભે બેસીને એ ઊંચે થવાનો આનંદ લેતો, આસપાસ નિહાળતો.

અમે હવે જુદાંજુદાં દર્શનીય બિન્દુઓ પરથી જોતાં હતાં. ગ્રાન્ડ વ્યૂ પરથી કેન્યનમાંનાં વિવિધ શિખરોની ઊંચીનીચી હારો જોવાય. જ્યૂપિટર ટેમ્પલની બાજુમાં વિષ્ણુ, કૃષ્ણ અને રામમંદિર, રાણી શીબા અને રાજા સૉલોમનનાં મંદિર. દૂરથી નજર ફેરવવાની. કોતરમાં કોતરો. કેટલાંક તડકામાં, કેટલાંક છાયામાં. ક્યાંક રણદ્વીપની જેમ ગેરુઆ ખડકની કેડ્યમાં લીલીછમ ઝાડી ઊગી આવી છે. જરા કાન માંડો તો તમરાંનો એકધારો અવાજ સંભળાય. પણ સમગ્રપણે સ્તબ્ધતા. યાત્રીઓ આવે છે અને જાય છે, ચઢે છે અને ઊતરે છે; આશ્ચર્યના – ઉલ્લાસના અવાજો કરે છે, પણ માઈલોવ્યાપી કેન્યનની સ્તબ્ધતા એટલી ઘન અને વિશાળ છે કે તે અટલ રહે છે.

યારી પૉઇન્ટથી કેન્યન પર આથમતા સૂરજમાં બદલાતા વિવિધ રંગોની લીલા જોતાં સૌ ચૂપચાપ ઊભાં હતાં. ભવ્ય નદીખીણ ભવ્યતર બનતી જતી હતી. ત્યાં એક સ્થળેથી નદી કૉલોરાડોની પાતળી ધાર હજારો ફૂટ નીચે વહેતી જોઈ. ચુપચાપ શાંત વહી રહી છે સાંજ વેળાની એ નદી. દેખાઈ ખરી.

શશિએ અગાઉથી અહીં ગ્રાન્ડ કેન્યન વિલેજની થંડરબર્ડ લાઉન્જમાં અમારે માટે ઊતરવાનું આરક્ષણ કરાવી રાખેલું. ધીમે ધીમે ગામમાં આવ્યાં, તો યૌવન અને ઉલ્લાસથી ગામ ભરેલું લાગે. અમારા ઓરડા. કેન્યનને કાંઠે. વાહ! બારી ઉઘાડી, તો સામે જ કેન્યન. રાતે ડાયરીમાં લખ્યું છે :

૫ ઑગસ્ટ, ૧૯૮૯.

થંડરબર્ડ : ફીડ હાર્વે ધ ગ્રાન્ડ કેન્યન નૅશનલ પાર્ક લૉજ. બ્રાઇટ ઍંજલ.

થોડાં પગલાં દૂર ગ્રાન્ડ કેન્યન છે. એમાં અંધકાર ઝમ્યો છે. વારંવાર વિચાર આવે છે, આ ભવ્ય રૂપો કંડારાતાં કેટલા લાખ-કરોડ વીતતાં ગયાં છે? આખો દિવસ એ રૂપો જોઈ થયેલી ઉત્તેજના શાંત બની છે. અત્યારે કેન્યન પર સપ્તર્ષિ એટલા નીચા લાગે છે કે જાણે બ્રહ્મા-વિષ્ણુ-શિવને પ્રણિપાત કરવા ઉપરથી કૂદકો મારવા તત્પર ન થયા હોય! વૃશ્ચિકનો દંશ પણ તેજસ્વી લાગે છે.

કાલે રાતે તો આકાશ હતું કે નહિ એ જોવાનો વિચાર પણ કેમ નહોતો આવ્યો? આકાશના બધા તારા ધરતી પર ઊતરી આવ્યા હોય તેવું ઝળાંઝળાં હતું. વિશ્વવિખ્યાત કસીનો – જુગારનું નગર લાસ વેગાસ.

રણભોમકામાં સુવર્ણમૃગ! – કે માયામૃગનું નિર્માણ! આખી રાત નગરનાં અનેક જુગારખાનાંઓમાં ડૉલરના ખણખણાટ, હજારો સ્લૉટ મશીનોમાંથી ખરે છે : ખણ ખણ ખણ ડૉલર. બીજી બાજુ, નાચ, રૂપલીલા, જુગારની મોજમઝાથી મનુષ્યનિર્મિત એ આકાશ હતું. સવાર સુધી જાગતું નગર હતું.

પણ આજ તો કોઈ આદિમ જગતમાં છું. આકાશ આકાશ છે, ધરતી ધરતી, તારા તારા, અંધકાર અંધકાર. અંધકારને મોં છુપાવી ફરવું પડતું નથી. ગ્રાન્ડ કેન્યનમાં એ જ પ્રકૃત અંધકારને, આકાશને, એ ખીણને એના યુગયુગવ્યાપી આયખામાં આ માણસ નામના પ્રાણીનો પરિચય તો જાણે હમણાંનો છે. કોઈએ રમૂજભર્યો હિસાબ તારવ્યો છે કે, ધારો કે ગ્રાન્ડ કેન્યનના બે અબજ વર્ષોના સ્કેલને જો દિવસરાતના ચોવીસ કલાકના પ્રમાણમાં ફેરવીએ તો માણસ મધરાત થયાની છેલ્લી સેકંડનોય પંચમાંશ બાકી રહ્યો છે ત્યારે ત્યાં પહોંચ્યો છે! હજી તો કૉલોરાડો નીચે ઊતરતી જશે. વળી લાખો વરસ, પણ વળી પાછું ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું થાય છે કે સંભવ છે, બીજાં લાખો વરસ પછી આ ભવ્ય નદી-કોતર ન રહે, કૉલોરાડો ફરીથી ધીમે ધીમે સપાટી પરથી વહેતી થાય.

થાકી જવાય છે. આ બધી ગણનાઓથી. હવે જરા કેન્યન પર એક નજર કરી લઉં, અંધકારમાં..

એકાએક જાણે સવાર થઈ ગયું. સાત વાગી ગયા. બારીનો પરદો હટાવ્યો તો સામે ગ્રાન્ડ કેન્યન પર તડકો પથરાઈ ગયો હતો. કેન્યન પર ધીમે ધીમે થતા સૂર્યોદયના બદલાતા રંગો જોવાનું સપનું રોળાઈ ગયું પ્રમાદને લીધે. પૂર્વ તરફનાં કોતરોમાં કાચો તડકો હતો, ઉપર તરફના કોતરોમાં આછું ધુમ્મસ.

થન્ડરબર્ડના પહેલે માળેથી ઊતરી જાઉં છું અને કેન્યનની ધારે ધારે શરૂ થતી ટ્રેઇલ પર ચાલવા લાગું છું. સૂરજ ભૂરા આકાશમાં જરા ઊંચે આવ્યો છે. કેન્યનમાં એક ભેખડ વચ્ચે ઊંચી ઊભી છે, ચારે કોર નિરાધાર. એના પર એક ચટાપટા વિનાની ખિસકોલી પૂંછડી વાળી આગળના બે પગે (હાથે?) કશુંક મોઢામાં મૂકતી, પાછલા બે પગે ઊભી રહી છે, પૂંછડી હલે છે. તડકો ખાય છે? અચલ ગ્રાન્ડ કેન્યન પર ચંચલ ખિસકોલી! ક્યાંક કોઈ પંખીનો નાજુક અવાજ છે, જે આ વિરાટ ફાટી બોખની શૂન્યતામાં જાણે આશ્વસ્તિ રૂપ છે. મનમાં કશીક પ્રસન્નતા છે, પણ Where are you dear Colorado? ત્યાં ઊંડી ખીણમાં તું વહે છે, પણ અહીંથી આંખોને અદૃષ્ટ.

વળી એ જ ખિસકોલી, એની ઊંચી-નીચી થતી પૂંછડી, અને ત્યાં એ જ રીતે જાણે વાળની સખ્ત બાંધેલી ચોટલી હલાવતી કૂદતી જાપાની કન્યા અને એનો સાથી. એ જુદી જુદી જગ્યાએ બેસી જુદી જુદી મુદ્રામાં ફોટા પડાવે છે. હું ગ્રાન્ડ કેન્યનને એવી ભૂમિકામાં જોઉં છું.

એક ખિસકોલી અને ગ્રાન્ડ કેન્યન
એક કન્યા અને ગ્રાન્ડ કેન્યન
એક ખિસકોલી અને એક કન્યા

એમની પ્રસન્નતામાં ભાગ પડાવી હું ટ્રેઇલ પર આગળ ચાલતો જાઉં છું. ત્યાં એક જગ્યાએ પ્રવાસીઓને સૂચના આપી છે : ‘વન્ય પ્રાણીઓને વન્ય રહેવા દો. એમને કશું ખાવાનું નાખશો નહિ. તમે ખાવાનું નાખશો તો એ પોતાનો કુદરતી અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક પોતે મેળવવાની તાકાત ખોઈ બેસશે.’

અહીં કેન્યનની આજુબાજુના વિસ્તારમાં ઘણાં પાઈન છે. વ્યવસ્થાપકોએ કેન્યનનું વાતાવરણ જાળવી રાખવાની સૂઝ બતાવી છે. ઝાડના થડિયામાંથી કોતરી કાઢેલી બેન્ચ હોય. જે હોટલમાં અમે ઊતર્યાં છીએ તે કંઈ સિમેન્ટ-કૉંક્રીટની બહુમાળી ઊંચાઈથી ગ્રાન્ડ કેન્યનમાં વરવું રૂપ ધરી ઊભી નથી; તે તો આ કેન્યન વિસ્તારમાં વસતા ઇન્ડિયનોની સંસ્કૃતિ અને પ્રાકૃતિક પરિવેશ સાથે સમતુલા રચે છે. કોઈ અમેરિકન ઇન્ડિયનનું ઘર હોય એમ અણઘડ લાગતા થાંભલા, ટેકા, મોભ. એ માટે તો સ્થપતિએ ખાસ કરેલી ડિઝાઇન. એટલે અહીં મકાનો કે વસાહત કેન્યનના જુગજુગ જૂના વાતાવરણ પર આક્રમણ કરતાં નથી, સંવાદિતા રચે છે. હું કેન્યન પર ઉજ્જ્વળ થતાં તડકો અને પરિવર્તિત રંગરૂપદૃશ્ય જોતો હોટલ પર પાછો આવું છું. ઘણા પ્રવાસીઓ કેન્યનમાં જુદી જુદી ટ્રેઇલ પરથી નીચે ઊતરે છે, કેટલાક કૉલોરાડોના પ્રવાહમાં નૌકાયાત્રાનું સાહસ કરે છે. એને કાંઠે એક માઈલ ઊંડે કૅમ્પિંગ કરે છે, કેન્યનના અંતરંગ સૌંદર્યને માણે છે. આપણે તો આ દિગંત-પ્રસારી વિરાટ દર્શન પણ પર્યાપ્ત છે.

વળી પાછા ગાડી લઈને યાવાપાઈ પૉઇન્ટ પર. અહીં એક મ્યુઝિયમ છે, જે કેન્યનના અભ્યાસીઓને – જિજ્ઞાસુઓને ઘણી સામગ્રી પૂરી પાડે છે. અહીંથી ખીણની ભવ્યતા પૂરેપૂરી જાણે પ્રમાણી શકાય એટલી એની પહોળાઈ દૃષ્ટિગોચર થાય છે. એક સ્થળેથી જોયું કૉલોરાડો. એના પ્રવાહનો નીચે નીચે નીચે રચાયેલો ત્રિકોણ, ઉપર પેલાં દેવશિખરોની પંક્તિ.

દક્ષિણની કોર ઉપર છેક છેવાડે ડેઝર્ટ-વ્યૂ છે. ત્યાં હોપી ઇન્ડિયન–આદિવાસીઓએ બાંધેલું એક ટાવર છે. ટાવરમાં એ આદિમ હાથે દોરાયેલાં ચિત્રો આપણને ભીમ બેટકાની ગુફાઓમાં લઈ જાય. બન્નેની આદિમતા જુદી. ટાવર પર ચઢીને જોયું તો ઉત્તર તરફ મરુભોમકાનું દૃશ્ય, તો વળી નાની કૉલોરાડોની ઊંડે વહેતી ભૂરી પાતળી ધાર પણ. આગળ જઈ એ કૉલોરાડોમાં ભળી જાય છે.

બપોર પછી ગ્રાન્ડ કેન્યનને આંખોમાં ભરીને નીકળ્યાં. એરિઝોનાના ઉજ્જડ પહાડો અને રણભૂમિ જેવા વિસ્તારમાંથી વેગથી પસાર થતાં કેન્યનના વિચારો આવતા હતા. ગ્રાન્ડ, સાચે જ ગ્રાન્ડ! ત્યાં થંડરબર્ડ હોટેલમાંની વિઝિટર્સ બુકમાં એક પ્રવાસીએ લખેલા શબ્દો યાદ આવ્યા : ‘ધ વર્ડ ગ્રાન્ડ ઇઝ નૉટ સફિશિયન્ટ’ – આ ‘ભવ્ય’ વિશેષણ પર્યાપ્ત નથી. એનું કહેવું કેટલું બધું વાજબી છે!
૭. રેડવુડ્ઝ

અરણ્યમાં રહેતા આપણા ઋષિઓએ ઈશ્વરને વૃક્ષની ઉપમા આપી છે : वृक्ष इव स्तब्धो दिवि तिष्ठत्येक, કદાચ હિમાલયમાં ઊંચાં સ્તબ્ધ દેવદાર વૃક્ષોને રોજ જોતાં જોતાં ઈશ્વરની વાત કરવાની આવી, તો આ ઉપમા સહેજે સૂઝી આવી હશે – જેમ દોડતી સરિતાઓને જોઈ ગાયોની ઉપમા.

આવી કોઈ ઉપમા પ્રશાંત મહાસાગરને કિનારે સાન ફ્રાન્સિસ્કોથી ઉત્તરે ઑરેગોન જતા માર્ગે ઊભેલાં રેડવુડનાં જંગલોમાંથી પસાર થતાં કોઈક સહૃદયની મુગ્ધતામાં આકાર પામે તો નવાઈ નહિ, એવું લાગેલું.

થોડા મહિનાઓ પહેલાં આપણા પ્રસિદ્ધ ફોટોગ્રાફર અશ્વિન મહેતાએ સાન ફ્રાન્સિસ્કોથી મોકલેલું એક ફોટોકાર્ડ જોતાં પાછળ પત્ર રૂપે લખેલી એમની પંક્તિઓ વાંચવાનું ભૂલી ફોટામાંના વિરાટ રેડવુડનાં થડિયાં વચ્ચે પુષ્પિત રોડોડ્રેનડનનાં રંગીન ફૂલો જોતો રહ્યો. થોડી વાર પછી તો માત્ર મારી નજર એ તસવીર પર હતી અને હું પહોંચી ગયો યુ. એસ. ૧૦૧ નંબરના હાઈવે પર. કદાચ એનું બીજું નામ રેડવુડ હાઈવે, જ્યાંથી એક સ્થળે જરા અંદર વળતાં ડ્રાઇવ થ્રુ રેડવુડ પાર્કમાં પ્રવેશતાં રેડવુડનું અડાબીડ જંગલ.

ગગનચુંબી વૃક્ષ એટલે કેટલું ઊંચું તે આ રેડવુડનાં ઊંચે ને ઊંચે ગયેલાં વૃક્ષો જોતાં સમજાય. એવા એક ગર્વોન્નત રેડવુડ પાસે ઊભા રહી એને થડિયે હાથ ફેરવી ઊંચે નજર કરતાં ઉદાત્તનો અનુભવ.

આકાશમાં ૩૧૫ ફૂટ પ્રવેશી ગયેલા એ રેડવુડનો ઘેરાવો જ ૨૧ ફૂટનો હતો. ગૌતમ બુદ્ધને જે બોધિવૃક્ષ નીચે સંબોધી પ્રાપ્ત થઈ તે હજી આજેય હોત તો આ રેડવુડને પોતાની વયનો સહોદર મળ્યો હોત. ગંગોત્રીથી ગોમુખ ચાલતાં જતાં ભાગીરથીને કાંઠે વયોવૃદ્ધ દેવદારુ વૃક્ષો જોતાં આવો રોમાંચ થયો હતો, પણ પેલું રેડવુડ જે શૅન્ડલિયર ટ્રી તરીકે ઓળખાય છે, તે તો દેવદારુનું અગ્રજ.

અમેરિકાના પૂર્વ કિનારે એટલે કે આટલાન્ટિક(અતલાન્ત મહાસાગર)ને કાંઠે ન્યૂયૉર્ક જેવા મહાનગરોમાં માનવનિર્મિત ગગનચુંબી ઇમારતો છે, તો પશ્ચિમ કિનારે એટલે કે પૅસિફિક-પ્રશાંત-મહાસાગરને કાંઠે જાણે કે આદિકાળમાં સ્વયં ઈશ્વરે વાવેલાં (એવો ભાવ એક કવિતામાં છે) આ ગગનચુંબી રેડવુડ છે. આમેય સાન ડિયાગોથી ઓરેગાંન સુધીનો આ આઠસો માઈલનો કિનારો પ્રાકૃતિક સાગરીય સૌંદર્યથી ભરપૂર છે. એ કિનારાની આસપાસ સાનફ્રાન્સિસ્કો, લોસ ઍન્જેલિસ (જ્યાં પ્રસિદ્ધ રમ્ય સ્થળ હોલીવુડ છે) જેવાં નગરોથી શોભતા કૅલિફૉર્નિયા રાજ્યની સમૃદ્ધિને લીધે એ ‘ગોલ્ડન કોસ્ટ’ તરીકે ઓળખાય છે. ખુદ કૅલિફૉનિયા સુવર્ણ રાજ્ય તરીકે ઓળખાય છે. મારે સુવર્ણ શબ્દ વચ્ચે નહોતો લાવવો. ભૌતિક રીતે સમૃદ્ધ અમેરિકાની તો શી વાતેય કરવાની હોય ભલા! પણ જે પ્રાકૃતિક પ્રાગૈતિહાસિક સૌંદર્ય આ કાંઠે છે તેણે તો વિશ્વના પ્રકૃતિપ્રેમીઓને ઘેલું લગાડ્યું છે. એવો કોઈ ઉત્તમ તસવીરકાર નહિ હોય જેણે આ કાંઠે આવેલા ‘બિગ સૂર’ તરીકે જાણીતા સ્થળના ફોટોગ્રાફ લેવાની ઇચ્છા ન કરી હોય. પ્રકૃતિ એના નિરાગસ રૂપમાં અહીંના સાગર, પહાડ અને અરણ્યાદિમાં વિલસે છે.

આ બધાં સ્થળોએ જવાનું તો બને એમ નહોતું, પણ દરિયા અને બંધુરભૂમિના એ નૈકટ્યના ભૂવિસ્તારને થોડો નજરોમાં પણ ભરી શકાય એવા ખ્યાલથી મેં લૉસ ઍન્જેલિસથી સાન ફ્રાન્સિસ્કો જવા વિમાનને બદલે ગ્રેહાઉન્ડની બસમુસાફરી પસંદ કરી હતી, પણ અફસોસ! એ બસ દરિયાકિનારાના ઊંચાનીચા, વાંકાચૂંકા પ્રવાસીપ્રિય માર્ગોથી નહિ, પણ અંદરના સીધા માર્ગેથી જતી નીકળી. ચલો, તો એ આપણા ભાગ્યમાં નહિ હોય!

મારા એક મિત્ર વિઠ્ઠલ પટેલ ઉત્તર કૅલિફૉર્નિયાના આર્કેટા શહેરમાં હમ્બોલ્ટ સ્ટેટ યુનિવર્સિટીમાં વર્ષોથી ગણિતના પ્રોફેસર છે. હું અમેરિકા ગયો છું એવી ખબર પડતાં ઘેર અમદાવાદ એમના ભાઈ ઈશ્વરભાઈનો સંપર્ક કરી મારા ત્યાંના વેરએબાઉટ્સ મેળવી સાન ફ્રાન્સિસ્કોમાં ડૉ. મનોજ દેસાઈને ત્યાં હું ઊતરેલો, ત્યાં ફોન રણક્યો : હું આવું છું, તમને લેવા – તમારે આર્કેટા આવવાનું છે.’ હું તો ચકિત!

વહેલી સવારે આર્કેટાથી ઊપડી ત્રણસો માઈલથીય વધારે ગાડી ચલાવી એ સાનફ્રાન્સિસ્કો આવી પહોંચ્યા. બાજુના યુનિવર્સિટીનગર બર્કલીમાં એ ભણેલા. અહીંની બધી ભૂગોળની ખબર. વિઠ્ઠલ કહે: ‘મારે તમને સાનફ્રાન્સિસ્કોથી આર્કેટા સુધીનો ભૂમિમાર્ગ, પૅસિફિકના કેટલાક સીસ્કેપ્સ (દરિયાઈ ચિત્રણાઓ) અને ખાસ તો રેડવુડનાં જંગલો બતાવવાં છે.’ ગણિતનો પ્રસિદ્ધ અધ્યાપક વિઠ્ઠલ પોતે એવો પ્રકૃતિપ્રિય. કેટલાં વર્ષો પછી મળતો હતો! મોઢા પરથી હાસ્ય તો છલકાતું રહે. એ વાતો કરતો રહ્યો : અહીંના સમુદ્રની, જંગલની વચ્ચે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં અમે સાથે રહેતા એ દિવસોની વાત જરા ઝબકી જાય એટલું. ક્યાંક બર્કલીમાં ભણવાની મથામણની પણ વાત આવી ગઈ.

સાનફ્રાન્સિસ્કો તો દુનિયાનાં સુંદર નગરોમાંનું એક હશે. એની વાત તો પછી, પણ એને વિષે રડ્યાર્ડ કિપ્લિંગની ઉક્તિઓ અહીં જ યાદ કરી લઉં. એણે કહ્યું છે કે સાન ફ્રાન્સિસ્કોનો એક જ દોષ છે. તે એ કે એને છોડવું અઘરું છે. સમુદ્રકાંઠેની ટેકરીઓ પર વસેલા આ નગરનો ઉત્તર તરફનો પુલ પસાર કરી અમે ઉત્તરાયણ કર્યું. ઑગસ્ટ મહિનાનું અનુકૂળ હવામાન, ઉત્સાહમાં ને ઉત્સાહમાં વિઠ્ઠલ એક વાર તો માર્ગ પણ ભૂલી ગયો, પણ અમારે તો ભમવાનું જ હતું ને!

અમેરિકનો પણ ખરા છે! રસ્તે જતાં માણસ ક્યાંય ઊતરે નહિ, તોય આસપાસની પ્રકૃતિ તમારી નજરોને સમૃદ્ધ કરે. યુરોપમાં પણ આવા ઘણા માર્ગ. ફ્રૅન્કફર્ટથી શરૂ થતો પેલો રોમાંટિક રોડ અને રાઈનને કાંઠે કાંઠે જતી વાંકીચૂંકી રેલવે. નદી છેક સુધી નજરમાં રહે. આ રેડવુડ હાઈવે પણ એવો. આપણે ભૂલી જઈએ કે અમેરિકા જેવા આધુનિક દેશમાં છીએ. મોટરગાડીમાં દોડવા જતાં આરણ્યક બની જાય આપણું મન. વિઠ્ઠલ કહે : ‘કેટલીય વાર કેટકેટલી ઋતુઓમાં આ માર્ગે આવ્યો છું; દરેક વખતે જાણે નવો જ અનુભવ!’

ત્યાં મુખ્ય માર્ગથી માર્ગ જરા ફંટાયો અને જોયું તો રેડવુડ! માત્ર રેડવુડ! દિવસનો પ્રકાશ જાણે અળપાતો લાગ્યો. એક મિસ્ટીરિયસ છાયાપ્રકાશ. વિઠ્ઠલ ઘણાં વૃક્ષોને ઓળખતો. ગાડી ઊભી રાખે. અમે રસ્તાથી જરા અંદર જઈ, એ વૃક્ષનું નૈકટ્ય અનુભવીએ. એમ કરતાં અતિપ્રસિદ્ધ શૅન્ડલિયર ડ્રાઈવ-થ્રુ ટ્રી નજીક પહોંચી ગયા. અરે, માર્ગ તો જતો હતો એ રેડવુડના વિરાટ થડ વચ્ચેથી. એટલું પહોળું થડ હતું કે મોટર આવી જઈ શકે એટલો માર્ગ કોતરી શકાય અને કોતરી કાઢ્યો છે (આ પણ થોડું અમેરિકી માનસ!), પ્રવાસીઓ આ તરફ વધારે આવે એથી.

આ વૃક્ષરાજને તો પ્રણામ કરવા જોઈએ. નીચે ઊતરી એમની જરઠ કાયા ઉપર હાથ ફેરવ્યો. ત્યાં મારી નજર પડી – કોઈ ગુનેગારની ડોકમાં પાટિયું લટકાવ્યું હોય એમ વૃક્ષમાંથી કોતરેલા મોટરમાર્ગની બરાબર ઉપર જડેલા બોર્ડ પર :

શૅન્ડલિયર ટ્રી
ઊંચાઈ ૩૧૫ ફૂટ, વ્યાસ ૨૧ ફૂટ
ડ્રાઇવ-થ્રુ-ટ્રી પાર્ક
ઈ. સ. પૂર્વે ૪૦૦થી

મને થયું કે આ તો વૃક્ષરાજનું અપમાન છે. આ પાટિયું ઉખાડી ત્યાં વૃક્ષની સ્વાભાવિક ત્વચાને ફૂટવા દેવી જોઈએ અને આ વિગતો બાજુમાં લખવી જોઈએ. અંદરથી મોટર પસાર થાય એવો માર્ગ કોરી કાઢવો એ પણ એક જાતની બીભત્સતા જ. ભલે ત્યાં ઊભા રહી પ્રવાસી સૌ ફોટા પડાવે. આ રેડવુડ ચક્રવર્તીને આરપાર વિક્ષત કરી એના રાજત્વને ખંડિત કર્યું છે. રાજદેહ પર કોઈ ક્ષતિ ન હોવો જોઈએ, ટચલી આંગળીએ પણ નહિ.

લગભગ અઢી હજાર વર્ષથી આ ધરતીમાંથી ફૂટી, ત્યાં જ ધ્યાનમાં ઊભું રહી તપ કરે છે આ રેડવુડ. ફ્રેંચ કવિ વાલેરીએ ક્યાંક કહ્યું છે કે, દુનિયામાં ખરેખર કોઈ તપસ્યારત હોય તો તે માત્ર વૃક્ષ. આ વૃક્ષરાજ તપસ્વીમુનિથી ઓછાં છે? નમોનમઃ |

તે પછી તો આસપાસના વિસ્તારમાં અમે ભમવા લાગ્યાં. કેટલા બધા તપસ્વીઓ ઊભા છે! એક જગ્યાએ આ ઊંચાં વૃક્ષોને એકસાથે ઊભાં જોઈ કોઈને કવિતા સૂઝી છે તે બાજુમાં લખેલી છે. કવિએ એવો ભાવ વ્યક્ત કર્યો છે કે, આ રેડવુડનાં વૃક્ષો તો ખુદ દુનિયાના સર્જનહારે વાવેલાં છે, અને હે પાન્થ! જો તારે આ વૃક્ષોના જેવા સીધા, સાચા અને સુન્દર થવું હોય, જગતને પણ દેવાલય જેવું બનાવવું હોય, તો જરા નીચે નમ, ઘૂંટણિયે પડ, કેમ કે, God stands before you in these trees – આ વૃક્ષો રૂપે, હે પાન્થ! સ્વયં ઈશ્વર તારી સામે ઊભો છે. આ કવિ તો આપણા આરણ્યક ઋષિ નજીક પહોંચી ગયા – વૃક્ષ ઇવ સ્તબ્ધો–

અમે જરા અરણ્યમાં ઊંડા ઊતરતા ગયા. ભેજભીનાશમાં તમરાંના સૂર. ક્યાંક તડકો પડે છે, પણ વધારે તો છાયા. ત્યાં અરણ્ય વચ્ચે એક નદી વહી જતી હતી. અમે નદીમાં પણ ઊતર્યા અને છેક એના પાતળા પ્રવાહ સુધી પહોંચ્યા. આ પટમાં આવીને ઊભા તો ઉપર ખુલ્લું આકાશ દેખાયું અને અહીંથી અંદર એકબીજાની સ્પર્ધામાં ઊંચે ને ઊંચે ગયેલાં વૃક્ષોને જોવાનો પરિપ્રેક્ષ્ય મળ્યો. રાત ઊતરતી હશે ત્યારે આ સરિતાનાં જળ અને વૃક્ષોનાં પર્ણ વચ્ચે મૂંગો સંવાદ ચાલતો હશે.

વળી પાછા વૃક્ષો નજીક ગયાં. પાસપાસે ઊભાં છે વિરાટ વૃક્ષો. કેટલી હશે એમની વય? મને મહાભારતના ભીષ્મ, દ્રોણ અને કૃપાચાર્ય કેમ સાંભરી આવ્યા? તમરાંના અવાજમાં એ તપ કરે છે. એમની નજીક ગયા. એમને પ્રણામ કર્યા. બાથે ભીડ્યા. અડોઅડ ઊભી અમારી ‘ઊંચાઈ’ માપી. એ કેટલે ઊંચે ગયાં છે, તે જોવા ડોક પાછળ નમાવી, પણ કેટલી નમે? ઉપરનાં બધાંની ડાળીઓ એકબીજામાં ભળી લીલા છત્ર રૂપે બની ગઈ હતી. ત્યાં એક સ્થળે ધરતી પર બેત્રણ રેડવુડ આડાં પડેલાં. કદાચ સદાકાળ માટે સૂતાં રહેશે. માતા ધરતીએ હજી ઝાલી રાખવાનો પ્રયત્ન કર્યો છે, હજી મૂળિયાં ધરતીમાં છે. ના, રેડવુડ કદીય મરતું નથી, માત્ર રૂપાંતર પામે છે. આડા પડેલા થડિયામાંથી વળી પાછા અંકુર ફૂટે છે. રેડવુડ અમર વૃક્ષ છે.

સાંજનો સમય. અરણ્યના આછા અંધકાર ઉપર ક્યાંક ઑગસ્ટના ભૂરા આકાશના ખંડ. નદી પર તડકો. અમે જ્યાં ઊભા હતા ત્યાં આવવા તડકાને અતિ વાંકા વળીને આવવું પડે. પછી તો અમે જંગલની બહાર નીકળ્યા. નદી સાથે આવી. વળાંકોવાળો પર્વતીય છાયાળુ શીતલ માર્ગ.

લગભગ અંધારું થયે અમે આર્કેટા શહેરમાં પ્રવેશ કર્યો. યુનિવર્સિટી કૅમ્પસ વટાવી ૫૮૦, કૅલિફૉર્નિયા એવેન્યૂ, વિઠ્ઠલનું ઘર. લતિકાએ સ્વાગત કર્યું. મને ઊતરવા આપેલા ખંડની પાછલી બારી વિઠ્ઠલે ખોલી, તો પાછળ જંગલ.

વિઠ્ઠલને કહ્યું : ‘આહ! જંગલ અહીં પણ. આ બારી માટે તારી અદેખાઈ આવે છે.’
૮. શેક્સ્પિયર, ન્યૂયૉર્ક અને હડસન

ઇંગ્લેન્ડમાં શેક્સ્પિયરના વતન સ્ટ્રેટફર્ડ અપોન એવનમાં રવિવાર સિવાય રોજ એવનને તીરે બબ્બે થિયેટરોમાં શેક્સ્પિયરનાં નાટકો ભજવાતાં હોય છે, પણ અમે જે દિવસે સ્ટ્રેટફર્ડ ગયાં તે રવિવાર હતો! ઝાડીઝૂક્યા એવનને કિનારે ફરતાં સ્ટ્રેટફર્ડની શેરીઓમાં ભમતાં શેક્સ્પિયરનો જન્મ ક્યાં થયેલો એ જૂના ઘરના આંગણામાં, રસોડામાં મેડી પર આદરભાવે પગલાં માંડતાં શેક્સ્પિયરમય થઈ જવાયું હતું, પણ છેક દુનિયાના આ મહાન નાટકકારના ગામમાં આવ્યાં છતાં એનાં નાટક જોવાના કોડ અધૂરા રહી ગયા! એ માટે જ જાણે ફરી જવું પડશે. પણ એમ કંઈ જવાય છે!

ન્યૂયૉર્કમાં જે દિવસે ઉતરાણ થયું એ જ દિવસે રાત્રે પ્રીતિબહેને (પ્રીતિ સેનગુપ્તાએ) કહેલું કે, દર ગુરુવારે અહીંના સેન્ટ્રલ પાર્કમાં આ દિવસોમાં શેક્સ્પિયરનું નાટક ખુલ્લા રંગમંચ પર ભજવાય છે, તે આપણે જોવા જઈશું. ન્યૂયૉર્ક જોવાની ઉત્તેજના હતી. ત્યાં તો અતિ ઉત્તેજનાની વાત.

પહેલી જુલાઈ હતી. ભારતમાં તો ઠેર ઠેર ઘનઘોર વર્ષના દિવસો હશે, પણ ન્યૂયૉર્કનું આકાશ સ્વચ્છ હતું. વ્હાઇટ પ્લેઇન્સના પ્રીતિબહેનના નિવાસેથી નીકળ્યાં. ન્યૂયૉર્કના સેન્ટ્રલ પાર્કમાં નાટક ભજવાય છે. આજે નાટક હતું: Twelfth Night.

પણ એ પહેલાં બ્રોડવે સ્ટ્રીટ પર આવેલી બેન રેમાંડ કંપનીમાંથી અમેરિકાની યાદગીરી માટે થોડી સાડીઓની ખરીદી કરવાની હતી. હું વિચારતો હતો : કેવી વિડંબના છે! અમેરિકાથી સાડી ખરીદવાની! ત્રણ વાગ્યે એ દુકાન બંધ થવાની, એટલે પહેલાં ત્યાં પહોંચી જવું એમ વિચાર્યું. રાત્રે નાટક જોવાનું. એટલે મોડું તો થવાનું એ ખ્યાલથી સૅન્ડવિચ તૈયાર કરી લીધી હતી અને બીજી થોડી ખાદ્યસામગ્રી પણ.

વ્હાઇટ પ્લેઇન્સથી ન્યૂયૉર્ક ખાસ્સું દૂર છે, પણ આખો માર્ગ હરિયાળીથી પ્રસન્નકર છે, પછી તો વિરાટે હડસનને કાંઠે – રિવર ડ્રાઇવને માર્ગે બેન રેમાંડમાં પહોંચી ગયાં. ન્યૂયૉર્ક આવાં આવાગમનોમાં પરિચિતતા કેળવતું હતું. બેન રેમાંડમાં અહીં આવતા ગુજરાતીઓ જાય જ. ત્યાં કામ કરતો નિગ્રો સેલ્સમૅન પણ અમને આશ્ચર્ય પમાડતો એક સાડી બતાવતાં બોલ્યો : ‘બહુ સરસ છે, લઈ લો.’

પ્રીતિ કહે: ‘આપણે ખરીદેલી સામગ્રી કારમાં નહિ રાખીએ. કદાચ કાચ તૂટે.’ અહીં કારના કાચ તોડીને ખાસ તો નિગ્રો કારમાંની સામગ્રીની ઉઠાંતરી કરતા હોય છે. પછી તો કેટલીક ગાડીઓ પર એવી ચીપકાવેલી સૂચના પણ જોઈઃ ‘કારમાં કંઈ નથી, રેડિયો પણ નથી. કાચા તોડશો નહિ.’

બ્રોડવે એટલે તો નાટકોનો વિસ્તાર. અહીં એકાદ નાટક તો જોઈશું. નાટક જોવાનું અહીં મોંઘું પડે આપણને. ૩૦-૪૦ ડૉલરની તો ઓછામાં ઓછી ટિકિટ. આપણે હિસાબે તો છસ્સો-સાતસો રૂપિયા થઈ જાય! આપણી ટેવ જાય નહિ, ડૉલરનો રૂપિયામાં અનુવાદ કરીને જોવાઈ જ જાય. હડસનના કિનારે કિનારે અમે સેન્ટ્રલ પાર્કમાં આવ્યાં. નેચરલ હિસ્ટરી મ્યુઝિયમ સામે ગાડી પાર્ક કરી પાર્કમાં પ્રવેશ કર્યો. ન્યૂયૉર્ક જેવા નગર વચ્ચે આવડો વિશાળ પાર્ક!

પાર્ક સહેલાણીઓથી રંગીન હતો. કેટલેક સ્થળે ફૂટબૉલ અને બેઝબોલની રમતો પણ ચાલતી હતી. આ તરફ દરેક ઝાડ નીચેની હરિયાળી પર બેચારનું ઝુંડ પાથરણું પાથરી નાસ્તા આદિની સામગ્રી સાથે બેઠેલું હોય. પ્રીતિ કહે : ‘આ બધાં શેક્સ્પિયરનું નાટક જોવા આવેલાં છે. આજે અહીં જે નાટક ભજવાવાનું છે, તેની કોઈ ટિકિટ નથી હોતી, પણ પ્રવેશપત્ર લાઇનમાં ઊભા રહી લેવું પડે છે; પછી સવા છ વાગ્યે ટિકિટ, વહેલા તે પહેલા એ ધોરણે. લગભગ ત્રણ વાગ્યે તો અમે આવી ગયેલાં. તપાસ કરી. પ્રવેશપત્ર માટે પણ નંબર અપાઈ ગયા છે. અરે! આટલા વહેલા! આજે હર વખત કરતાં પાર્કમાં વધારે લોકો છલકાયા લાગે છે. હવે?

હવે અમારે સ્ટૅન્ડબાઈમાં પ્રયત્ન કરવાનો. અમારા જેવા તો બહુસંખ્ય જનો હતા. સૌ પડ્યાં પડ્યાં ચોપડીઓ વાંચતાં બિઅર પીતાં રાહ જોતાં હતાં. આ પણ દૃશ્ય.

અમે પણ એક ઝાડ નીચે પાથરણું પાથર્યું. પછી ‘Twelfth Night’ નાટક અંગે વાત નીકળી. ડૉ. અનિલા દલાલ તો અંગ્રેજીનાં જ પ્રોફેસર ને? એમણે તો નાટકના આરંભની ડ્યૂકને મોઢે બોલાતી પંક્તિઓ શરૂ કરી :

If music be the food of love, play on, Give me excess of it…

નાટક જોવાની અમારી ઉત્તેજના વધતી ચાલી, પણ એક દુશ્ચિંતા પણ મનમાં પેઠી : પ્રવેશ તો મળશે ને? આટલાંબધાં લોકોને શેક્સ્પિયરનું આજે આટલાં વર્ષે પણ ઘેલું લાગે છે. રિવરસાઈડ શેક્સ્પિયરની. શેક્સ્પિયરનાં સમગ્ર નાટકોની એક એક પ્રતિ એક વાર કવિ ઉમાશંકરે રઘુવીરને, ચંદ્રકાન્ત શેઠને અને મને એકસાથે ભેટ આપતાં અક્ષર પાડેલા તે યાદ આવ્યા: એક આત્માની યાત્રાનો આલેખ.

પ્રીતિ કહે : ‘આ નાટકમાં બેત્રણ સ્ટાર ઍક્ટરો ભાગ લઈ રહ્યા છે એનું પણ એક આકર્ષણ છે. દિગ્દર્શક છે જોસેફ પાપે. ‘Dela courte Theatre’ની પ્રયોજના, અર્ધ ઓપનએર. એના વિજ્ઞાપનનું ચિત્ર પણ ગમી ગયું. એક બાજુ બીજના ચંદ્રની કોરમાં મનુષ્યાકૃતિ, સામે એ ફિગર અને ઉપર ભૂરા આકાશમાં તારા. શિયાળાની રાત્રિઓમાં આપણે ત્યાં ગામડાંઓમાં ભજવાતી રામલીલાની રાત્રિઓ યાદ આવી જાય.

સાંજ ઢળતાં લાઇન થવા લાગી. ટોળેટોળાં ધીમે પગલે લાઇન ભણી. અમે પણ જોડાયાં. આ ટોળાં જોતાં લાગે : ‘અત્ર ભવતિ વિશ્વ એકનીડમ્.’ વળી પાછું થયું? કેટલાં બધાં શેક્સ્પિયરપ્રેમીઓ! લાઇન સરકતી ચાલી. આ પણ એક દૃશ્ય.

એક જણ ૫૦ સેન્ટમાં નાટકનો સાર વેચતો લાઇન આગળથી આમતેમ પસાર થતો હતો. ત્યાં લાઇનમાં ઊભેલી એક ચબરાક છોકરીએ વાતે વળગાડ્યો. એ વાતે વળગી ગયો. પ્રીતિ કહે : ‘જોયું, સાર વેચવાનું ભૂલી ગયો!’

અમારી પાછળ પણ લાંબી હાર હતી. વ્યવસ્થા સાથે જોડાયેલી એક છોકરીએ આવીને જાહેરાત કરી કે જેમની પાસે નંબરો નથી. તેઓ પણ સ્ટેન્ડબાઈ માટે રાહ જોઈ શકે. અમને આશાનું કિરણ દેખાયું.

પણ પછી જેટલી ટિકિટો અપાતી, તેટલી અપાઈ ગઈ. ફરી પેલી છોકરી દેખાઈ : ‘હવે નાટક શરૂ થશે, એ પછી ટિકિટો લીધેલમાંથી જેટલાં લોકો નહિ આવે, એટલી જગ્યાઓ ઉપર જ પ્રવેશ મળશે.’ અમને થયું એવું કોણ મૂરખ હોય કે પ્રવેશપત્ર મળ્યા પછી અહીં શેક્સ્પિયરનું નાટક ન જુએ! છતાં ઊભાં રહ્યાં – ‘hoping against hope.’ અમારી જેમ ઘણાં હજુ ઊભાં જ હતાં.

ત્યાં પેલી છોકરી વાળ ઉછાળતી ફરી આવી : ‘now there are little chances.’

શેકસ્પિયર, શું તમારી સાથે અમારો યોગ નહિ થાય? પછી તો ચાલતાં ચાલતાં થિયેટરનાં દ્વાર પાસે જઈ ઊભાં રહ્યાં. રોમિયો-જૂલિયટનું આલિંગનબદ્ધ મુદ્રામાં અદ્ભુત શિલ્પ છે.

પ્રવેશપત્ર ન મળ્યું, મન મનાવ્યું કે આ મહાન સર્જકને માટે તો આવી કંઈકેટલીય પ્રતીક્ષાઓ કરવી પડે. વિદેશયાત્રા દરમિયાન એકાદ તક તો જરૂર મળશે. જેમને પ્રવેશ મળ્યો, એ જાણે સ્વર્ગલોકમાં પ્રવેશ્યાં હોય તેમ તેમનાં ભાગ્ય વખાણી અમે પાર્કની બહાર આવ્યાં.

હવે અમારી પાસે સમય હતો. ઘેર જવાની ઉતાવળ હોય ભલા? પ્રીતિબહેને ગાડી હડસનને કાંઠે હંકારી. ત્યાં ૭૯ સ્ટ્રીટ બોટપિયર ડોક ઉપર. જોયું તો અંદર રોમન પ્રેક્ષાગાર જેવા ખુલ્લા આકાશતળેના ખંડમાં સંગીતનો કાર્યક્રમ ચાલતો હતો. નિગ્રોની મંડળી હતી. મુખ્ય ગાનારને માથે વાદળી ટોપી, ડિલે રંગીન પહેરણ, નીચે ચારણ જેવો ઝૂલતો ઢીલો સુરવાલ. ટોપીમાંથી માથાના વાળની ગૂંથેલી લટો બહાર ઝૂલતી ઊછળતી હતી. એ નાચતો નાચતો મસ્ત બની ગાતો હતો. એને સાથ આપનારમાં એક ચારેકોરથી વાળ કપાવેલો નિગ્રો હતો. એક, માથે સ્ટ્રો હૅટ રાખી ઝૂમતો હતો, બીજાં બધાં મળી આઠનવ જણ હશે. બધાં મસ્ત બની ગાતાં હતાં અને તાલે તાલે ઝૂમતાં હતાં. એક તરુણ શ્રોતાને તો શું થઈ આવ્યું કે, પોતાની પાસે ઊભેલી પોતાની મિત્રને આખી ને આખી ઊંચકી લીધી અને નાચવા લાગ્યો. પેલીએ પણ એની કમર ફરતે પગ વીંટાળી દીધા હતા અને ઝૂમ્યા કરતી હતી. વચ્ચે વચ્ચે બન્ને જણ એકબીજાને ચૂમતાં જતાં હતાં. ઊભેલામાંથી બીજાં ઘણાં પણ નાચતાં હતાં. સંગીતનો લય જ એવો હતો. પ્રીતિના પગ પણ નર્તનથી થનગનવા લાગ્યા.

એક ગાન શરૂ થયું : ‘Say you you you’; અને પછી તો જાણે પેલી ગાયકમંડળી અને શ્રોતાઓ બધાં ગાનમાં જોડાયાં. પેલો પ્રેમિકાને ઊંચકીને નાચનારો હજી થાકતો નહોતો. અસ્તમિત તડકામાં આખું દૃશ્ય આંખ-કાનને તરબોળ કરતું હતું.

પછી અમે ધીરે ધીરે સંધ્યાટાણે વધારે રમણીય બનેલી હડસનને કાંઠે થઈ, બ્રોડવે થઈ, સ્પૅનિશ કૉલોનીને માર્ગેથી વ્હાઇટ પ્લેઇન્સ પાછાં આવ્યાં. શ્રી ચંદન મશાયે ઉદ્ગાર કર્યો : ‘So early?’

નાટક જોવા મળ્યું હોત તો મધરાત થઈ હોત.
*

હડસનને ન્યૂયૉર્ક નગરને પાદરેથી વહેતી જોઈ. તે એનું એક રૂપ; પણ બીજે દિવસે સાંજે વ્હાઇટ પ્લેઇન્સથી ફેરી કે એવા કંઈક નામવાળા નાનકડા ગામની નજીકની હડસનને કાંઠે ગયાં. ટેકરીઓ પરથી જતો ઊંચોનીચો માર્ગ, મોટરગાડી ક્યાંક ગીચ ઝાડી વચ્ચેથી જાય, ક્યારેક વચ્ચે આવતાં બીજાં ગામનાં ઘરોની પછીતેથી. અમેરિકન ગામ. વસ્તીમાં નાનાં અનેક ઘર છૂટાંછવાયાં એટલું. દરેક ઘર આગળ મોટર. ક્વચિત્ બોટ આદિની તો નવાઈ હોય જ નહિ. રસ્તા પહોળા અને સ્વચ્છ. પ્રીતિબહેન ડ્રાઇવ પણ સરસ કરે. હોડીની જેમ ગાડી સરકતી જાય. એ પોતે સૌંદર્યમાર્ગનાં યાત્રી હોવાથી આવાં બધાં સુંદર સ્થળો અમને બતાવવાની એમને ખૂબ હોંશ.

લગભગ છ વાગ્યે હડસનને કાંઠે આવી પહોંચ્યાં. આ તો હડસન કે વહેતો સાગર! વિરાટ પટમાં બન્ને કાંઠે છલોછલ વહેતી વન્યરૂપા. પશ્ચિમ તરફ ગિરિમાળા, આ તરફ પાર્ક, રેસ્તોરાં અને ચાલવાનો માર્ગ. એ પછી અવરજવર.

અમે એકદમ નજીક પહોંચી જળ હાથમાં લઈ આંખે અડકાડી ખડકાળ કાંઠે બેસી ગયાં. મને યાદ આવી ગુવાહાટી પાસે વહેતી બ્રહ્મપુત્ર. બ્રહ્મપુત્રની જેમ આ પણ નદ. ત્યાં પ્રીતિ કહે : આ અમેરિકાની ગંગા!

પર્વતશ્રેણીની પશ્ચાદ્ભૂ આ વિરાટ નદને શોભે. દૂર બિઘમટન તરફ લઈ જતા પુલની કમાન દેખાતી હતી. આ બાજુ ન્યૂયૉર્ક નગર. જાણીતા બ્રિજ આછા ધુમ્મસમાં અદૃશ્ય.

હડસનના સ્વચ્છ કિનારે છલછલ થતાં પાણીમાં પગ ઝબકોળી બેઠાં.

વિશાળ પટમાં અનેક સેઇલ બોટ – મોટરબોટ તરતી હતી. ધીમે ધીમે સૂરજ ઢળવા લાગ્યો. એની લાલાશ પાણીમાં હલબલતી હતી. પાણીના રંગો બદલાવા લાગ્યા. જાંબલી ઝાંય. ફોટો લેવાની ઇચ્છા થઈ જ આવે. ડો. અનિલાએ ક્લિક કરી જ લીધું. ત્યાંથી પસાર થતા એક સજ્જને હસતાં હસતાં કહ્યું : ‘લાવો તમારા ત્રણેનો ફોટો લઉં.’ અમે પોઝ આપ્યો.

ગઈ કાલે આ જ ટાણે ન્યૂયૉર્કના મેનહટનમાંથી હડસનને જોઈ હતી. આજે અહીં છલછલ યૌવના મોહિનીરૂપ બની ગઈ હતી. પ્રીતિને કંઠેથી રવીન્દ્રસંગીતની પંક્તિઓ સહજરૂપે ગુંજવા લાગી. અમને ત્રણેને રવીન્દ્રનાથ પ્રિય. એ સંધ્યા, એ હડસન, એ ગાન.

સૂર્ય વધારે લાલ થયો. ટેકરીઓ છાયાચિત્ર જેવી બનવા લાગી. એક પંજાબી પરિવારની ત્રણ બહેનો નદીકાંઠા પરની બેન્ચ પર આવીને બેઠી. ઉઘાડા બદનવાળો એક પ્રૌઢ કોઈ તોફાની આખલાને નાથવાની મુદ્રામાં વારંવાર વેગથી મોટરબોટ દોડાવતો પુલ પાસે પહોંચી જતો અને પાણી ઉછાળતો પાછો આવતો. જરા નજીકમાં જ એક બોટમાં બે મિત્રો લંગર નાખી બેઠા હતા. બોટ પાણીમાં સ્થિર છતાં કસમસાતી હતી અને પેલા બે બિયર પીતા હતા.

દૂર એક સેઇલ બોટ પૂરું સફેદ સઢ ફરકાવી હડસનનાં પાણી પર મંદાક્રાન્તા ગતિએ સરતી હતી. હડસનના પ્રવાહ પર એક પાંખ ખોસેલું પતંગિયું, એકદમ “poetic દૃશ્ય. એમાં વળી એ સેઇલ બોટ હડસનનાં પાણી પર અસ્તાયમાન સૂરજના લાલલાલ લાંબા લાંબા પ્રતિબિંબિત પટ્ટામાંથી પસાર થઈ ત્યારે તો સામે જાણે કવિતા રચાઈ ગઈ. પાણીમાં એ લાલ પટ્ટાની ઝાંય બદલાતી રહી. કિનારા પરનાં છલકછલક પાણી એ સ્તબ્ધ ક્ષણોમાં સ્તબ્ધતા ભરતાં હતાં.

સૂર્ય લાલ પક્વ બિંબ બની ગયો. એકદમ રાતો લાલ. પહાડીના મસ્તકે મુકુટ બની થોડી વાર શોભી રહ્યો, પછી ઊતરી ગયો પહાડીની પેલે પાર.

પછી આકાશનો અને હડસનનાં પાણીનો રંગ એક થતો ગયો. ક્યાંક એક પંખી રહી રહીને વિદાયની વાણી બોલવા લાગ્યું…
૯. દેન્દુર : ચીની પંડિતનું ઘર : પેપ્સિકો પાર્ક

ન્યૂયૉર્કના પેલા વિશાળ સેન્ટ્રલ પાર્કને અડકીને મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ છે. એ વિસ્તારમાં એટલાં બધાં મ્યુઝિયમ છે કે રસ્તાનો એ વિસ્તાર મ્યુઝિયમ માઈલ નામે ઓળખાય છે. મ્યુઝિયમમાં પ્રવેશ-ફી સાડાચાર ડૉલર છે, પણ જેને જેટલી આપવી હોય તે આપે. અમે એક એક ડૉલર પ્રવેશ-ફી આપી અંદર ગયાં. અનેક દર્શનાર્થીઓ.

કોઈ પણ મ્યુઝિયમમાં જાઓ એટલે જાણે એ આ ભૂતળ પર ન હોય એવા લોકમાં પ્રવેશ, એવા સમયમાં પ્રવેશ. જાણે અનેક દેશની માનવસંસ્કૃતિનાં હજારો વરસ એકસામટાં એક સ્થળે. યુરોપમાં કલાનાં બહુ બધાં મ્યુઝિયમ જોયાં હતાં એટલે પ્રીતિએ જ્યારે કહ્યું કે, મેટ્રોપૉલિટન મ્યુઝિયમ અને બીજું મ્યુઝિયમ ઑફ મૉડર્ન આર્ટ તમારે જોવાં જ જોઈએ. ત્યારે એટલું બધું કુતૂહલ પ્રકટ કરેલું નહિ.

પરંતુ મ્યુઝિયમના પસંદગીના વિભાગો જોતાં થયું કે આ અનુભવ ચૂકી જવાત – જો પ્રીતિએ વિશેષ આગ્રહ ન કર્યો હોત. સૌથી સમૃદ્ધ તો ઇજિપ્તની પ્રાચીન સંસ્કૃતિનો વિભાગ. પરંતુ એ બધાંનું વર્ણન કરવા બેસીએ તો પાનાં ભરાય. પણ એક-બે વસ્તુઓ જે મનમાં ઊંડે ઊતરી ગઈ તેનો નિર્દેશ કરું.

એક, તે દેન્દુર ટેમ્પલ. ક્યાં તે બે હજાર પહેલાંની મિસરની નદી નાઈલ અને ક્યાં એક બાજુ સાગર. એક બાજુ ઈસ્ટ નદી અને એક બાજુ હડસનથી આકાર પામેલ ગગનચુંબી ઇમારતો જ્યાં સ્કાઈ લાઇન રચી રહી છે, એવું ન્યૂયૉર્ક નગર?

નાઈલને કાંઠેથી ઉખાડીને આખું ને આખું મંદિર એના જાણે પ્રાકૃતિક પરિવેશ સહિત અહીં સ્થાપિત કરવામાં આવ્યું છે. એને માટે પાર્ક બાજુની કાચની છતવાળી વિશાળ ગૅલરી અલગ રચવામાં આવી છે. પાર્ક તરફની દીવાલ પણ કાચની છે, જેથી ખુલ્લામાં હોય એવો સ્વાભાવિક પ્રકાશ રહે, એટલું જ નહિ, પાર્કમાં લીલાંછમ વૃક્ષ દેન્દુરના આ મંદિરનો ભાગ બની જાય.

ઇજિપ્તની જીવાદોરી નાઈલની તો કેવડી મોટી સંસ્કૃતિ! જેમ સિન્ધુ-ગંગાને કાંઠે તેમ નાઈલને કાંઠે લગભગ સમાન સમયગાળામાં એ સંસ્કૃતિ વિકસી છે! એ સંસ્કૃતિઓમાંથી શિલ્પ-સ્થાપત્ય રૂપે ઘણું ઓછું અવશિષ્ટ રહ્યું છે, ભારતમાં તો નહિવત્. પણ ઇજિપ્તમાં જે ઘણું જળવાયેલું, તે દુનિયાના પ્રસિદ્ધ મ્યુઝિયમોમાં પહોંચી ગયું છે. દેન્દુર મંદિર નાઈલને કાંઠે બંધાયું હતું. ઈ.સ. ૧૫માં કાહિરોથી ૬૦૦ માઈલ દૂર. રોમન સમ્રાટ ઑગસ્ટસે બંધાવેલું. રોમ અને ઇજિપ્ત એ યુગમાં ઘણાં જોડાયેલાં. સીઝર ક્લિઓપેટ્રા અને ઍન્ટનિ ક્લિઓપેટ્રા, તેમાંય એન્ટનિ ક્લિઓપેટ્રાની પ્રણયકથાને તો શેક્સપિયરે અમર કરી દીધી છે. ઇજિપ્તની મોહિની રાણી ક્લિઓપેટ્રા. એ બંને પ્રેમમાં ગળાબૂડ હતાં, ત્યારે ઑગસ્ટસને આવવું પડેલું. મંદિર જોતાં એ બધો સમય, કાલ્પનિક સમય મનમાં અનુભવી શકાય.

ત્યારનું એ મંદિર નાઈલને કાંઠે રહેલું. પણ પછી ઇજિપ્તે નાઈલ પર ડેમ બાંધવા માંડ્યો. પ્રસિદ્ધ આસ્વાન ડૅમ. ડૅમ બંધાય કે ઘણુંબધું ડૂબમાં જાય. આ મંદિર પણ ડૂબમાં જતું હતું. તે વખતે યુનેસ્કોએ એ મંદિરને જાળવવા માટે અપીલો બહાર પાડી, અનેક દેશોની સરકારનો સાથ-સહકાર માંગ્યો. બંધ તો બાંધવાનો જ હતો, તો પછી મંદિરની સુરક્ષા કેવી રીતે?

મંદિરને ભાવિ મનુષ્યજાતિ માટે રાખવું પણ હતું. એક જ ઉપાય હતો, એને ઉપાડીને બીજે સ્થાપિત કરવું. ઘણુંબધું દ્રવ્ય તો જોઈએ, સાથે કુશળ ટેકનૉલોજી પણ.

૧૯૬૩માં નાઈલને કાંઠેથી એ મંદિર આ મહાનગરમાં સ્થાપિત થયું. એ મંદિર સપ્રાણ હોત અને જો બોલી શકત તો? નાઈલના મુક્ત કિનારેથી અહીં આધુનિક નગરના આ મ્યુઝિયમમાં એને કેવું લાગે છે તે કહેત. કહેત કે ગૂંગળાઉં છું, ભલે જીવી ગયું છે. અહીં મ્યુઝિયમમાં મંદિર પાસેથી એક કૃત્રિમ ઝરણું પણ એમ તો કલકલ કરતું વહી રહ્યું છે.

આપણા રેતિયા પથ્થરો જેવા પથ્થરોનું મંદિર. પેલા પિરામિડો આગળ તો નહીંવત્. પ્રવેશનો એક દરવાજો છે, પછી વચ્ચે ખાલી સ્પેસ છે, પછી મંદિરનો મુખ્ય ભાગ. ગોપુર અને મુખ્ય મંદિર જેવું. સ્તંભઆધારિત છત. એ જેમ ત્યાં ઊભું હતું તેવી જ રીતે અહીં ઊભું છે. એની દીવાલો પર અંકનો છે. અમે એ મંદિરમાં પ્રવેશ કર્યો. એની પ્રદક્ષિણા કરી. કોઈ ભક્તિભાવ નહોતો, પણ એક ગદ્ગદ કરતો ભાવ હતો કે માણસ કેવો છે? એ વિનાશ પણ વેરે છે અને સંસ્કૃતિરક્ષાનો આવો મહાન પુરુષાર્થ પણ કરી જાણે છે! આ મંદિર ડૂબી ગયું હોય તોયે શું? પણ ના. દેન્દુરનું આ મંદિર માનવજાતિના કલાવારસા રૂપે જાળવીને જાણે આપણા સહિયારા ધનનું જતન કરવામાં આવ્યું છે. થોડી વાર એના ઓટલા પર બેઠાં. ઓટલા પર બેઠા વિના કોઈ પણ મંદિરમાં જવાનું પુણ્ય મળે?

ઇટલીના વિસુવિયસ પર્વતની જ્વાળાઓ અને લાવારસથી ધ્વસ્ત થયેલા અને સદીઓ સુધી દટાયેલા રહેલા પોમ્પીનગરને ખોદીને બહાર કાઢવામાં આવ્યું છે. તેની કેટલીક ચીજો તો જાણે એમ ને એમ સચવાયેલી છે, કેટલાંક ઘર પણ. એનાં ચિત્રાંકનોય એવા જ તાજા રંગો સાથે, આજે સદીઓ પછી.

ફરતાં ફરતાં એક ઘર જોયું. – A Tragic Poet’s House. ઘરનો મુખ્ય ભાગ – એવું લખેલું. ઘરનું પ્રવેશદ્વાર, અંદરનો ખંડ અને ખુલ્લું આંગણ અને પછી એ જોતાં થંભી જવાયું. કવિનું ઘર? વિસુવિયસ જ્યારે જ્વાળાઓ ઓકતો હશે, ત્યારે કવિ ક્યાં હશે? કોણ એ કવિ? ‘ટ્રૅજિક’ શા માટે? એ બધા પ્રશ્નોના ઉત્તર શોધવાના છે.

કવિનું ઘર? રાજશેખરે ‘કાવ્યમીમાંસા’માં કવિનું ઘર કેવું હોવું જોઈએ એનું વર્ણન કર્યું છે. કદાચ એ રાજકવિના ઘરનું વર્ણન હશે. કવિને તો ઘર હોય તોય ઘણું – એમ કોઈ કહે. પણ જો ખરેખર ‘ઘર’ હોય તો કેવું હોય? રાજશેખરને વાંચ્યા પછી, એવું બીજું વર્ણન એક લી રિહુઆ નામે ચીની પંડિતે કરેલું છે, તે જોયું – આ જ મેટ્રોપૉલિટન મ્યુઝિયમમાં. વર્ણન જ નહિ, એ ઘર પણ જોયું. વળી પાછું આ ન્યૂયૉર્ક નગર મધ્યે હજારો વરસ અને માઈલો દૂર એવા પ્રાચીન કોઈ ચીની પંડિતનું ઘર. The Chinese Scholar’s Studio. અહીં સ્ટુડિયો એટલે અભ્યાસગૃહ. આ પણ કોઈ રાજપંડિત હશે. નહીંતર અનાહારે જેનાં સંતાન મૃત્યુ પામેલાં એવા અભાવગ્રસ્ત મહાન કવિ તુ-ફુને આપણે જાણીએ છીએ.

મને થયું કે આપણો પણ આવો એક સ્ટડીરૂમ હોય!

આ અભ્યાસખંડ એવે સ્થળે હોય જ્યાં એકાદ ઝરણું કલકલ કરતું ટેકરીઓના વળાંકે વહી જતું હોય. એ ખંડની ચારે બાજુએ નાજુક નેતર જેવા વાંસના છોડ હોય, તાજા પવનની લહરીઓનું સ્વાગત કરતા હોય, જરા દૂર એક જરઠ ગાંઠોવાળું નીચી ઝૂકેલી ડાળીઓવાળું ઝાડ હોય, પથ્થરના જડતરવાળા ફુવારાની આસપાસ શેવાળ બાઝેલી હોય અને કેટલાક સુગંધ વેરતા છોડ ઊગેલા હોય. સવારે ને સાંજે ભાત, માછલી, મધુર આસવ અને ચા મળી રહે અને દરવાજે એક બલિષ્ઠ પ્રહરી હોય, જે અમસ્તા મળવા આવનારાઓને દરવાજામાં પેસવા ન દે.

બરાબર આવો જ ખંડ. પેલી સવાર-સાંજવાળી વાત નહોતી અને પ્રહરી નહોતો એટલું. લાલ રંગનાં નળિયાંનાં ઝૂકેલા છાપરાવાળા આ ખંડમાં પ્રવેશતાં એવું લાગ્યું કે, સાચે કોઈ ચીની પંડિતના ઘરમાં છીએ. બહુ ગમ્યું. એ જ પાછો પ્રશ્નઃ કોણ રહ્યું હશે આ ઘરમાં? કોણ એ કવિ? ટેકરીઓ અવશ્ય નથી, પણ ઝાડ છે, જેવું પેલા વર્ણનમાં છે. ઝરણું પણ છે. પેલો શેવાળથી વીંટળાયેલ ફુવારો પણ.

થયુંઃ ક્યાં આ નગરમાં ગગનચુંબી મહાલયો, સ્કાઇસ્ક્રેપર્સ અને ક્યાં આ હજારો માઈલ અને વર્ષ દૂરના પંડિતકવિનું ઘર? ભાવવિભોર બની ઊભા રહી જવાય.
*
એ આષાઢનો પહેલો દિવસ હતો અને હવામાન ખાતાની આગાહી હતી કે વરસાદ થશે. અહીં ન્યૂયૉર્કમાં કવિ કાલિદાસનું સ્મરણ ન થવાનું કારણ નહોતું. પ્રીતિએ રવીન્દ્રસંગીતની કૅસેટ મૂકી : ‘મેઘેર પરે મેઘ જમે છે,’ બીજું ગીત: ‘બાદલદિનેર પ્રથમ કદમફૂલ.’

બાદલ દિવસ હતો. છતાં પ્રીતિ પેપ્સીકોના પાર્કમાં લઈ ગયાં. પેપ્સીકો એટલે એ જ પેલી પેપ્સી કોલાવાળી જગપ્રસિદ્ધ કંપની. પહેલાં તો મારો એ જ પ્રતિભાવ કે ત્યાં શીદ જવું? પણ ગયા પછી લાગ્યું કે, ન આવીને ગુમાવ્યું હોત. આ રાક્ષસી કંપનીએ પોતાની ઑફિસોની આસપાસ વિશાળ જગ્યામાં નયનરમ્ય સ્પર્શરમ્ય પાર્કની રચના કરી છે અને એને પ્રજાજનો માટે પણ ખુલ્લો રાખ્યો છે. બાજુના પરચેઝ ગામમાં ‘સુની’ — સ્ટેટ યુનિવર્સિટી ઑફ ન્યૂયૉર્કનું કૅમ્પસ છે.

વ્હાઇટ પ્લેઇન્સથી પેપ્સીકો સુધીનો આખો માર્ગ રમ્ય. વળી, અમેરિકાનાં નાનાં ગામ કેવાં હોય તે પણ સમજાય. વાદળઘેર્યો દિવસ તો હતો. પેપ્સીકોના પાર્કમાં પ્રવેશતાં નંદનવનની કલ્પના કરી શકાય. નંદનવન પણ દેવતાઓનો Cultivated garden જ ને! આજે ચોથી જુલાઈ, અમેરિકાનો સ્વતંત્રતા દિવસ; તેમ છતાં આ પાર્કમાં ઘણાં લોકો આવ્યાં હતાં.

પાર્ક હોય એટલે વૃક્ષો અને હરિયાળી તો હોય જ. વચ્ચે તળાવ, તળાવમાં ટાપુ અને વચ્ચે ઊંચો ઊડતો ફુવારો – જેવો જોયો હતો જિનીવા નગરના સરોવરમાં. આ અનેકકોણી તળાવમાં બતકહંસ વિલંબિત લયે સરતાં હતાં. અમે તળાવકાંઠેની એક વિશાળ શિલા પર બેસી એ જોતાં રહ્યાં. એક કુટુંબ બતકડાંને કંઈક ખાવાનું નાખતું હતું. બધાં ત્યાં ભેગાં થઈ ગયાં. ત્યાં દૂર માર્ગ પર કોઈ યુગલ ધીરે ધીરે ચાલી રહ્યું હતું. મને થયું ઃ આવા મેઘછાયા દિવસે આવા માર્ગે બસ ચાલ્યા જ કરીએ.

અહીં સ્થળે સ્થળે આધુનિક શિલ્પો મૂકવામાં આવ્યાં છે. જ્યાં બેઠાં હતાં ત્યાં ડેવિડ વાઇનર નામના શિલ્પીનું – Greezy Bear –નું વિરાટ શિલ્પ, સુંવાળો આરસ. લીલું એટલે કેટલું લીલું હોઈ શકે તે અહીંની કૃત્રિમ લીલી ટેકરીઓ જોતાં લાગે. વચ્ચે ચાલવાનો વાંકો માર્ગ. એ ચાલતાં ચાલતાં આર્નાલ્ડો પોમોડ્રોનું શિલ્પ જોયું – Trial. ત્રણ ઊંચા સ્તંભો – તંતુવાદ્યો હોય એમ, અને કમળતળાવડી જોઈને તો પ્રસન્ન પ્રસન્ન. કેટલાય રંગનાં કમળ ખીલવ્યાં છે. તેમાં રક્તકમળ તો આંખે વળગી ગયાં. વાદળિયો દિવસ, પણ ભરપૂર ખીલેલાં. અભ્રદિને કાલિદાસ-કથિત ‘નપ્રબુદ્ધા ન સુપ્તા’ કમલિનીઓ આ નહોતી!
૧૦. પ્લાટ્સબર્ગથી શિકાગો

કૅનેડાના મૉન્ટ્રિયલ શહેરમાં કેટલોક સમય હતો. ત્યાં એક દિવસ પ્લાટ્સબર્ગથી સુરેશ પટેલનો ફોન આવ્યો: ‘તમારે પ્લાટ્સબર્ગ આવવાનું છે. હું તમને લેવા આવીશ.’ પ્લાન્ટ્સબર્ગ ઉત્તર-પૂર્વ યુ.એસ.એ.માં છે, પણ મૉન્ટ્રિયલથી મોટરગાડીમાં માત્ર બે-અઢી કલાકના અંતરે છે. મારી પાસે બહુ દિવસો ન હતા. મેં એને કહ્યું કે, મારે બે દિવસ પછી સિરેક્યુસથી વિમાન પકડી શિકાગો જવાનું છે. એનો આગ્રહ રહ્યો કે મારે એક દિવસ માટેય પ્લાટ્સબર્ગ જવું, ત્યાંથી ડ્રાઇવ કરીને એ મને સમયસર સિરેક્યુસ પહોંચાડશે. પુત્રવધૂ ઇન્દુએ કહ્યું કે, સુરેશભાઈને બોલાવવાની જરૂર નથી. આપણે બધાં પ્લાટ્સબર્ગ સાથે જઈશું.

સદ્ભાગ્યે દૂર આફ્રિકાથી ઇન્દુના ભાઈ અનિલ, જે વિમાની ઇજનેર છે તે આ દિવસોમાં મૉન્ટ્રિયલ હતા. વચ્ચે એક દિવસ અમે ક્વબેક પણ જઈ આવ્યાં. પછી એક સવારે પ્લાટ્સબર્ગ જવા નીકળ્યાં. સુરેશ અમદાવાદમાં ફાર્મસીની ઉપાધિ મેળવી, અમેરિકામાં એ જ વિષયમાં પીએચ.ડી. થયો છે અને એક પ્રસિદ્ધ કંપનીમાં જોડાયો છે. એના બીજા ભાઈઓ અને માતાપિતા લોસ એન્જેલિસમાં રહે છે. મારા પુત્રો મધુ અને આનંદનો એ ભાઈબંધ.

પ્લાટ્સબર્ગ અમેરિકાના ન્યૂયૉર્ક રાજ્યમાં જ આવેલું છે – ઉત્તરપૂર્વ કિનારા ભણી કૅનેડાની સરહદે જ કહેવાય. રસ્તે એક વાર અમે થોડાં ભૂલાં પડ્યાં, પણ એથી તો આ ખેતીવાડીની દૃષ્ટિએ સમૃદ્ધ વિસ્તારનો ખ્યાલ આવ્યો. પ્લાટ્સબર્ગ ચૅમ્પલેઇન સરોવરને કિનારે છે. સુરેશનું ઘર લેકશોર રોડ પર આવેલું છે. ધારણા કરતાં અમે થોડાં મોડાં પહોંચ્યાં. સુરેશ અને સ્મિતા રાહ જોતાં હતાં. આ વિસ્તાર એવો છે કે ત્યાં ભાગ્યે જ બીજાં ગુજરાતી કુટુંબો છે. લાગે કે સુરેશ-સ્મિતા ઘણાં એકલાં પડી ગયાં છે. અમારું આગમન એમને મન ઉત્સવ જેવું હતું.

થોડી વારમાં તો અમે ચૅમ્પલેઇન સરોવરની સન્નિધિમાં પહોંચી ગયાં. પહેલાં થોડાં છાયાદાર વૃક્ષ, પછી ખડકાળ કિનારો અને પછી દૂરસુદૂર ઝાંખી દેખાતી ટેકરીઓ સુધી વિસ્તીર્ણ જળ. કેટલાંક સહેલાણીઓ સ્વચ્છ ખડકો પર અર્ધ-ઉઘાડાં બેસી જળ પરથી વહી આવતી શીતલ લહરીઓનું સેવન કરી રહ્યાં હતાં. અહીં તડકે બેસવા છતાં તડકો તો લાગે નહિ. અમે જુદા જુદા ખડકો પર એવી રીતે ગોઠવાયાં કે ખડકની સાથે અમારા ચરણને પણ સરોવરની લહરીઓ પલાળતી રહે.

પછી તો અમે સરોવરને કિનારે કિનારે ચાલ્યાં. જુદે જુદે સ્થળેથી એને જોયું. ઇન્દુ લોકોને મૉન્ટ્રિયલ પાછા જવાનું હતું. તે પહેલાં તેમને પ્લાટ્સબર્ગમાંથી થોડી ખરીદી કરવાની હતી. કૅનેડાવાસીઓને અમેરિકામાંથી ખરીદવાનું સસ્તું પડે છે. અમે સુરેશને ઘેર પાછાં આવ્યાં. થોડુંક જમી લીધું. પછી ઇન્દુ આદિ ખરીદી કરવા નીકળ્યાં. સુરેશે કહ્યું : ‘આપણે ઓઝેબલ નદીનો ધોધ જોવા અને એના ધસમસતા પ્રવાહમાં નૌકાયાત્રા કરવા જઈએ.’ નદીતટે પહોંચ્યા ત્યારે નૌકાયાત્રાનો સમય પૂરો થઈ ગયો હતો, એટલે નિરાંતે આજુબાજુ ફર્યા. ઓઝેબલના ધોધનાં દર્શન કર્યાં. પુલ ઉપર ઊભાં રહી નીચે કોતરોમાં ઊતરતા જતા નદીના પ્રવાહને જોતાં રહ્યાં. અહીં બધે જ્યાં જ્યાં લગાર પણ દર્શનીય સ્થળ હોય તો એની જાળવણી તો થાય, એના સૌંદર્યને પ્રવાસીઓ ભરપૂર રીતે કેમ માણી શકે એની સુવિધાઓ પણ કરી રાખી હોય. સાંજ પડવામાં હતી. અમે ફરી ચૅમ્પલેઇન સરોવરને કિનારે.

રાત્રે પ્લાટ્સબર્ગ શહેરમાં આંટો મારવા નીકળ્યાં. કેટલીબધી શાંતિ માર્ગો પર પણ! ક્યાંક બારમાંથી થોડો શોરબકોર કે સંગીતની સુરાવલિ સંભળાય. સુરેશ-સ્મિતાની એ ફરિયાદ રહી કે, મારે ત્યાં ઓછામાં ઓછું એક અઠવાડિયું તો રોકાવું જ જોઈએ ને! કહે : ‘પહેલે તો અમે બે એકલાં હતાં, હવે નાની નેહલ છે, એટલે સમય જાય છે. શિયાળામાં તો આ ઘરના આંગણ સુધી માત્ર બરફ. આ સરોવર, નદી બધું બરફમય.’

રાત્રે મોડે સુધી વાત કરતાં રહ્યાં, પરંતુ વહેલી સવારે જાગવાનું હતું. સિરેક્યુસ અહીંથી ત્રણસો સાડાત્રણસો માઈલ દૂર હશે ત્યાં મને ઉતારી સુરેશને પાછા આવવાનું. સ્મિતાએ લાંબા રસ્તામાં જરૂરી ખાદ્યસામગ્રી અને પેયો લઈ લીધાં હતાં. માર્ગ નંબર ૮૭ એટલે મૉન્ટ્રિયલથી આલ્બેનીથી ન્યૂયૉર્ક લઈ જાય. વચ્ચેથી અમારે સિરેક્યુસ માટે ફંટાવાનું.

આ ડ્રાઇવ મનમાં રહી ગયો છે. ચારેબાજુ લીલાછમ પર્વતો, વચ્ચે ઊંચીનીચો વહેતો મુલાયમ માર્ગ. સુરેશે કહ્યું : ‘આ વિસ્તાર એડિરોન્ડેસ વિસ્તાર તરીકે ઓળખાય છે.’ આકાશમાં થોડાં વાદળ હતાં, પણ એકંદરે તડકાવાળો દિવસ. નદી-ઝરણાં આવતાં જાય, સરોવર આવતાં જાય. અઢીસો જેટલાં નાનાંમોટાં સરોવરો છે! જંગલછાયા પહાડ તો ખરા જ. મને થયું કે, બસ, આ છે અમેરિકા – પ્રાકૃતિક! ક્યાંક વાંચ્યું હતું ઃ યુરોપ-એશિયાના દેશોને પોતાનાં પ્રાચીન નગરો કે કલાવારસા માટે અભિમાન છે, પણ અમેરિકા તો એમની તુલનામાં તરુણ રાષ્ટ્ર કહેવાય. અમેરિકા પાસે એવો હજારો વરસનો કલાવારસો કે પ્રાચીન ઇતિહાસ-પ્રસિદ્ધ નગરો નથી, પણ અમેરિકા પાસે કુંવારાં જંગલો છે, આદિમ અરણ્યાનિ છે. વિશાળ સરોવરો છે, નદીઓ છે. એ બધાં એમ ને એમ હજારો-હજારો – લાખો વરસથી સચવાયેલાં છે.

માર્ગ વચ્ચે હડસન પસાર થઈ, જેને જોઈ હતી ન્યૂયૉર્ક નગરને પાદરે. પછી તો મોહોક (Mohowk) નામની એક નદી રસ્તાની સમાંતર વહેતી સાથે થઈ. ઢળતો માર્ગ અને એ પ્રમાણે નદીનો પ્રવાહ. ક્યાંક ગામ પસાર થાય, એનું ઊંચું ચર્ચ ડોકિયાં કરતું હોય. પર્વતતળેટીમાં ગામ તો નયનમાં વસી જાય! બધેય ગ્રીન ગ્રીન. કેટલી બધી પરિવર્તમાન સુંદર દૃશ્યાવલિ! આવે વખતે બહુ વપરાતા અંગ્રેજી શબ્દો વાપરીને કહું તો – Breath taking beauty. સુરેશે કહ્યું : વચ્ચે એક ગામમાં આપણે થોડો વિરામ લઈશું. ઉર્નોવ ગામ. ડૉ. મુકેશ છોટાભાઈ દંતચિકિત્સક. સુરેશના સગા થાય. એના ગામ નિસરાયામાં પરણેલા. ડૉક્ટર મને જોઈ રહ્યા: તમને જોયા છે, વિદ્યાપીઠમાં. મારા પિતાનું નામ છોટુભાઈ. તમે રઘુવીરને ત્યાં આવતા. એકદમ પરિચય થઈ ગયો. એમનું ઘર, ઘરનું આંગણું ઘણું મોટું. ઘર એક અમેરિકન પાસેથી ખરીદેલું. પેલાએ ટેસ્ટથી બંધાવેલું. સુરેશે ડૉક્ટરને ફોન કરેલો, એટલે જમવાનું પણ એમણે તૈયાર રાખેલું.

પછી કહેઃ ‘અહીંથી સુરેશ-સ્મિતાને પાછાં જવા દઈએ. હું તમને સિરેક્યુસ મૂકી જઈશ. અહીંથી હજુ સિરક્યુસ ૩૫ માઈલ જેટલું છે. જવા-આવવાના એને દોઢસો માઈલ થાય. તમને હું વિમાનમાં બેસાડીશ. વિમાન ઊપડશે, પછી હું પાછો આવીશ.’ મને થયું કેવો અકારણ સ્નેહ ડૉક્ટર બતાવી રહ્યા છે!

વિમાન મોટે ભાગે તો સમયસર હોય. સાંજ વેળા હતી અને મને વિમાનમાં બારી પાસે બેઠક મળી હતી. હવે ઉપરથી નીચેની ધરતી જોતાં કાલિદાસના દુષ્યન્તના શબ્દો જ યાદ આવે : ‘અહો ઉદાર રમણીયા પૃથિવી.’ શરૂમાં તો ઘર, ગ્રામ, વૃક્ષ, માર્ગ, નદી દેખાતાં રહ્યાં; પછી શરૂ થયું એક વિરાટ સરોવર. એનો વાંકોચૂકો કિનારો દેખાયા જ કર્યો, અને પછી વચ્ચે વાદળનાં શ્વેત વિરાટ પુષ્પો. વળી, નીચે ધરતી ગ્રીન ગ્રીન.

ત્યાં બીજું સરોવર. કેવો સુંદર કિનારો! ભૂરાં જળ. એ સરોવર પણ પસાર થઈ ગયું અને પછી તો વાદળ જ વાદળ. નીચે કાંઈ દેખાતું નહોતું. પણ શિકાગો આવવામાં હતું. શિકાગોના ઓ’હારા ઇન્ટરનૅશનલ એરપૉર્ટ પરથી દુનિયાનાં તમામ એરપૉર્ટ કરતાં સૌથી વધારે વિમાનોનું ચઢાણ-ઉતરાણ થાય છે. આવા એરપૉર્ટ પર ક્યાંક ભૂલા તો નહિ પડી જવાય ને… એવી હળવી ભીતિ ઊઠી હતી.

વિમાન એકદમ પ્રવેશદ્વાર પાસે આવી ઊભું. ચાલતાં ચાલતાં બહાર આવું છું, તો સામે ઊભો હતો વિક્રમ – ડૉ. વિક્રમ પટેલ, શ્રી નટુભાઈ અને એમનાં પત્ની. એક પરમ આશ્વસ્તિનો ભાવ.

આ મહાનગરમાં પ્રમાણમાં વિક્રમનું ઘર એરપૉર્ટથી બહુ દૂર ન ગણાય. થોડી વારમાં શિકાગોના સ્કોકી પરગણાના એક ઘરમાં. શિકાગો વિષે અમેરિકન કવિ કાલ સૅન્ડબર્ગની એક કવિતા છે :

Hogbutcher for the world
Toolmaker, stocker of wheat
Player with rail roads
City of big shoulders.

આ કવિતા શિકાગો નગરનું અભિનંદન કરતી નથી લાગતી. ક્યાંક વાંચ્યું હતું : શિકાગોમાં દુનિયાનું મોટામાં મોટું કતલખાનું છે. પહેલી પંક્તિમાં એનો પ્રતિઘોષ છે. એનાં બીજાં વિશેષણો ઉદ્યોગ કે ખેતીપ્રધાનતાનો નિર્દેશ કરે છે. છેલ્લી પંક્તિમાં કદાચ એનાં ઊંચાં ઊંચાં સ્કાઇસ્ક્રૅપર્સ ભવનોનો નિર્દેશ વાંચી શકાય.

સ્કાઇસ્ક્રૅપર્સની બાબતમાં ન્યૂયૉર્ક અને શિકાગો વચ્ચે સ્પર્ધા છે. ન્યૂયૉર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઊંચી ઇમારતોનું સ્મરણ કરાવે તેવી જોન હૅન્કોક ટાવર કે સીઅર્સ ટાવરની ગગનગામી ઊંચાઈઓ આપણને વામનકદના બનાવી દે છે, પણ પછી થાય કે, વિરાટ એવી આ ઊંચાઈઓનું નિર્માણ પણ આ વામને જ કર્યું છે ને!

અમેરિકાનાં નગર વિષે એવું કહેવાય છે કે, એનાં બેત્રણ મોટાં નગર જુઓ એટલે બસ. પછીનાં નગરોમાં કંઈ નવું નહિ લાગે. બધાં એકસરખાં લાગશે. અમેરિકાનાં બહુ નગરો મેં જોયાં નથી, તેમ છતાં વાત કંઈક અંશે સાચી લાગે. જો તમે એના માત્ર મુખ્ય માર્ગો કે મ્યુઝિયમો કે ઊંચી ઇમારતો જ જુઓ. નહિતર દરેક નગરને પોતાની કશીક આગવી ઓળખ છે. હડસન અને ઈસ્ટ નદી અને આટલાન્ટિકથી ઘેરાયેલું ન્યૂયૉર્ક અને મિશિગન સરોવરને કાંઠે વસેલું શિકાગો જુદાં નગર લાગે. સાન ફ્રાન્સિસ્કો તો અતુલનીય છે. પ્રશાન્ત મહાસાગરને કિનારે પથરાયેલું લૉસ ઍન્જેલિસ પણ એવું રમણીય. એની હોલિવૂડ વિસ્તારની ટેકરીઓ બીજે ક્યાં લાવવી?

શિકાગો નામનો વ્યુત્પત્તિગત અર્થ જોયો તો તે પણ અભિનંદનીય નથી. ચુસ્ત વૈષ્ણવ હોય તો તે એ નામનો અર્થ જાણ્યા પછી એ નામ હોઠે લાવવામાં પણ અચકાય Chicago અર્થાત્ Che-cau-gou — એનો અર્થ બતાવવામાં આવે છે : જંગલી ડુંગળીની ગંધ!

અમેરિકામાં એટલે કે અમેરિકનોમાં જે એક ક્રેઇઝ જોવા મળે છે તે છે દુનિયામાં દરેક બાબતમાં મોટામાં મોટા થવાની. શિકાગોની વાત કરીએ તો ‘મોટાઈ’માં એના કેટલાક વિક્રમો છે, જેની વાત ડૉ. વિક્રમે મને કરી:

દુનિયાની ઊંચામાં ઊંચી ઇમારત : સીઅર્સ ટાવર – શિકાગોમાં. દુનિયાનું ઊંચામાં ઊંચું નિવાસી ભવન : લેક પોઇન્ટ ટાવર – શિકાગોમાં. દુનિયાનું ઊંચામાં ઊંચું નિવાસી / ઑફિસ ભવન : જૉન હૅન્કોક સેન્ટર – શિકાગોમાં. દુનિયાનો મોટામાં મોટો ફોલ્ડિંગ પુલ: ઑન વૉકર ડ્રાઇવ — શિકાગોમાં. દુનિયામાં વધારેમાં વધારે ચઢાણઊતરાણવાળું ઍરપોર્ટઃ ઓ’હારા ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ – શિકાગોમાં.

શિકાગોમાં ચારેક દિવસ રહ્યો. અમે રોજ સવારે નીકળી પડીએ. સાંજે પાછા આવ્યા પછી રાત્રે પણ નીકળી પડીએ. ક્યારેક પ્રજ્ઞા સાથે હોય, ક્યારેક પ્રજ્ઞાનાં બા-બાપુજી અને ભાઈ પણ. મોટે ભાગે હું અને વિક્રમ. ક્વચિત્ શિકાગો યુનિવર્સિટીના કૅમ્પસ પર ભ્રમણ કરીએ. હમણાં રજાઓ હોવાથી વિભાગો બંધ છે, છતાં રજાઓમાં વિવિધ કાર્યક્રમોથી કૅમ્પસ જીવંત છે. કૅમ્પસ પર ભમતાં શિકાગો ક્રિટિક્સ – એટલે કે ‘નવ્ય વિવેચન’ના કેટલાક અગ્રણી હસ્તાક્ષરો – આ યુનિવર્સિટીએ કામ કરે છે કે કરતા – તેમનું સ્મરણ થાય. યુનિવર્સિટીના સાહિત્યભવનમાં ગયાં. પ્રાંગણમાં નિરાંતે બેઠાં. ઊંચી ઊંચી વૃક્ષવીથિકાઓની છાયામાં ચાલવાનું ગમ્યું. અમેરિકા વિષે જે કહેવું હોય તે કહો, પણ એની યુનિવર્સિટીઓ એટલે તીર્થધામો – સ્વચ્છ, સ્ફૂર્તિપ્રદ. સરસ્વતી ત્યાં વહે છે. ત્યાં સંગીતભવને યોજેલા કાર્યક્રમનું બોર્ડ જોયું. Summer at Nights at the University of Chicago… અને પછી તો અનેક વિભાગના અનેક કાર્યક્રમ.

આ યુનિવર્સિટી ઑફ શિકાગો ઉપરાંત આ નગરમાં બીજી યુનિવર્સિટીઓ પણ છેઃ રુઝવેસ્ટ, ધ પૉલ, લોયોલા, નૉર્થવેસ્ટર્ન, ઈલિનૉય. પ્રજ્ઞા લોયોલામાં ભણેલી એટલે એને માટેનો પક્ષપાત જણાઈ આવે. પણ મને શિકાગો યુનિવર્સિટીના કૅમ્પસ ઉપરાંત લેક મિશિગનને કાંઠે આવેલ નૉર્થ વેસ્ટર્નનું કૅમ્પસ એની પ્રાકૃતિક પૃષ્ઠભૂમિને કારણે ગમી ગયું..

એક સાંજે અમે સૌ ગયાં શિકાગોનું પ્રસિદ્ધ બહાઈ સેન્ટર જોવા. ત્યાં વચ્ચે આવ્યો આ યુનિવર્સિટીનો પરિસર. સરોવર-કિનારાના ખડકો અને સરોવરથી યુનિવર્સિટી-વિસ્તાર શોભે છે. સાંજ હતી. ઠંડો પવન. ચાલતાં ચાલતાં જોયું: એક ખડકની છાયામાં એક તરુણ યુગલ છે, છાત્રો જ હશે. આછું પાથરણું છે, ત્રણચાર ચોપડીઓ બાજુમાં છે, બિયરના મગ છે – બંને જણ પ્રેમ કરી રહ્યાં છે. એમના એકાંતમાં ખલેલ ન પડે એમ સરકી આવ્યો. પણ દૃશ્ય મનમાં અંકાઈ ગયું. બે જણને નિબિડપણે પ્રેમ કરતાં જોવાં એ એક સુભગ દૃશ્ય નથી શું? તેમાં આ સરોવર, એને કાંઠેની શિલાની છાયા, સાંજના પવનની લહરીઓ.

૧૧. ત્રણ મહાનગર

કવિતાપ્રેમીઓને તો એક શિકાગો તે POETRY CHICAGO. એ કવિતા-સામયિકનું નામ તો માત્ર POETRY છે, પણ ૧૯૧૨થી જ્યારે હેરિએટ મનરોએ એને શરૂ કર્યું તે દિવસથી એ ‘પોએટ્રી શિકાગો’ તરીકે જ ઓળખાય છે. શિકાગોમાં તે શરૂ થયેલું અને આજે પણ ત્યાંથી પ્રકટ થાય છે. કાર્લ સૅન્ડબર્ગે શિકાગો વિષે ભલે જે કહ્યું હોય, છતાં શિકાગોની કલાપ્રવૃત્તિઓએ એ ક્ષેત્રમાં એને યશ અપાવ્યો છે. આ ‘પોએટ્રી શિકાગો’માં એઝરા પાઉન્ડના પ્રાસ્તાવિક પરિચય સાથે ૧૯૧૨માં જ રવીન્દ્રનાથનાં અંગ્રેજી ગીતાંજલિનાં આઠ કાવ્યો એકીસાથે પ્રકટ થયેલાં. નોબેલ પારિતોષિકની દિશામાં પણ ‘ગીતાંજલિ’ને લઈ જવામાં ‘પોએટ્રી શિકાગો’નો પરોક્ષ યોગ જોઈ શકાય. સાહિત્યના નોબેલ પારિતોષિક-વિજેતા સોલ બેલોનું આ નગર છે, જે એની નવલકથાઓમાં પણ ગૂંથાઈ ગયું છે.

શિકાગોમાં વિક્રમ મને બે મ્યુઝિયમ જોવા લઈ ગયો. ‘ધ મ્યુઝિયમ ઑફ સાયન્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી.’ ૪૫ લાખ લોકો દર વર્ષે એની મુલાકાત લે છે. ટેક્નૉલોજીના ક્ષેત્રમાં જગતની પ્રગતિ અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો તથા ઉદ્યોગોમાં એનો ઉપયોગ સમજવા આ મ્યુઝિયમ ઘણું પ્રશિક્ષણ આપી શકે. મગજ ચક્કર ખાઈ જાય વિસ્યમથી. પ્રદર્શિત આશ્ચર્યકારક ચીજોથી. ઘણે સ્થળે તમારે જાતે ફરી જોવાનું. વિક્રમનું દિમાગ આ બધામાં તેજ, પણ હું તો એકદમ અનાડી.

‘ધી આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ શિકાગો’નું મ્યુઝિયમ, એમાં પ્રદર્શિત ક્લોદ માને, વાન ગોગ, રેનોર આદિની તથા ગ્રીક, એશિયન કલાકૃતિઓથી પ્રભાવિત કરી રહે. પણ, એક જબરદસ્ત આકર્ષણ જે કલાકૃતિએ કલાપ્રેમીઓમાં જગાવેલું છે, તે ખાસ અલગ ઓરડામાં પ્રદર્શિત કરેલ ફ્રાન્સેસ્કો મોચી(Mochi)નું બારોક શૈલીનું એક શિલ્પ – Bust of a Youth. યુવાનની આ અર્ધપ્રતિમામાં મોચીનું કલાકૌશલ એણે કંડારેલા યુવાનના કેશમાં પ્રકટ થાય છે. લટોનાં ગૂંછળાંનું માર્દવ આંખથી સ્પર્શી શકાય. બહાર નીકળ્યા ત્યારે એક બેંચ પર જપાની કન્યા વાળથી મોં ઢંકાઈ જાય એમ બેઠેલી જોઈ. એ પણ જાણે એક કલાકૃતિ!

શિકાગો નગરની ઊંચી ગગનગામી ઇમારતોની ભીડ વચ્ચેથી વહે છે એક નદી. એનું નામ પણ શિકાગો. સિમેન્ટ-કૉન્ક્રીટના અરણ્ય વચ્ચે નદી! આ નદીમાં નૌકાયાત્રા કરતાં કરતાં આ નગરનો અનુભવ કર્યો. મરીના સિટી, સીઅર્સ ટાવર્સ આદિ આ જલપ્રવાહમાંથી જોતાં જાણે પાતાળલોકમાં ફરી રહ્યા છીએ એમ લાગે. શિકાગો નદીના મુખમાંથી પ્રવેશ કર્યો મિશિગન સરોવરમાં. સાગર જેવું વિશાળ. એમાં પ્રવેશ કર્યા પછી એવું લાગે કે, આ નગરથી જરા દૂર ફરીને એને જોઈએ છીએ. આછા ધુમ્મસમાં ગોઠવાયેલી ઊંચી ઇમારતોની સ્કાઇલાઇન અભિભૂત કરે. જાણે ઇમારતોની વસતી છે, લોકો ક્યાંય નથી.

મિશિગન સરોવર ન હોત તો શિકાગોની આગવી ઓળખ ન હોત. આ સાગરનુમા સરોવર પરથી વાતા પવનોને લીધે કદાચ શિકાગોને ‘વિન્ડી સિટી’ કહે છે. મિશિગન સરોવર અને શિકાગો નદી પથ્થરના આ નગરને પ્રવાહ અર્પે છે.

દુનિયાની સૌથી ઊંચી ઇમારત સીઅર્સ ટાવર્સના ઉપરના મજલેથી ફરી આ નગરને જોયું. ધુમ્મસ ના હોય તો માઈલો સુધી જોઈ શકાય, પણ આછા ધુમ્મસે અમારી દૃષ્ટિને ઝાંખી સીમિત કરી દીધી હતી. એથી જાણે દૃશ્યમાન નગર અને એનો પરિસર મિસ્ટિરિયસ લાગતાં હતાં. શિકાગોમાં અમે પગે ચાલીને પણ ઘણું ભમ્યા. મોટા મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ ચકિત કરે. શિકાગો નદીના પુલ ઉપર ઊભા રહી સ્પર્ધા કરતી ઇમારતો જોયા કરી. વળી તડકાના દિવસો. ક્યારેક ગ્રંથાલયોમાં જઈએ, ક્યારેક બુકસ્ટૉલોમાં. સલમાન રશદીની ‘ધ સેતાનિક વર્સિઝ’ હાથમાં લઈ ઊભાં ઊભાં જ ઘણાં પાનાં ફફડાવ્યાં. પીસાના ટાવરની અનુકૃતિ જેવો શિકાગોનો ઢળતો મિનાર જોયો.

વિક્રમના સસરા નટુભાઈ અને એમનો આખો પરિવાર સત્સંગપ્રેમી. ઘેર રોજ સાંજે બધાં મળી ભજન ગાય. નટુભાઈના વૃદ્ધ અંધ પિતાનો સસ્મિત ભાવ સ્મરણમાં રહી ગયો છે. એક સાંજે અમે સૌએ મિશિગન સરોવર તરફ ડ્રાઇવ લીધી. સરોવરનાં પાણીમાં પગ ઝબકોળ્યા. કેટલાં બધાં લોકો સાંજસમયે સ્નાન કરતાં હતાં! દૂર સફેદ સઢવાળી હોડીઓ જાણે નિમંત્રણ આપતી હતી. પણ શઢવાળી એ હોડીઓ ઘરની યાદ અપાવી ગઈ, હજારો માઈલ દૂર દૂરની. મન પણ કેવું વિચિત્ર!

મિશિગન સરોવરને કિનારે ઊભેલી ઇમારતોમાં દીવા ઝબકવા લાગ્યા અને શિકાગોનું રૂપ બદલાવા લાગ્યું. રાત્રિનું શિકાગો. પછી લાંબો ડ્રાઇવ લઈ શિકાગોના પ્રસિદ્ધ ફુવારા ભણી. ફુવારો જોવા કેટલાં લોકો! સામે દૂર રૂઝવેલ્ટ યુનિવર્સિટીની ઊંચી ઇમારતો. નજીકમાં ફુવારાની સાક્ષીએ બે પ્રેમીઓ પરસ્પરને ચૂમી રહ્યાં હતાં. રોદાંનું શિલ્પ!
*

શિકાગોથી લૉસ ઍન્જેલિસ, પૅસિફિક મહાસાગરને તટે

લૉસ એન્જેલિસ જનાર ડિઝની લૅન્ડ જોવા તો જાય, તેમ હું પણ ગયો. ગાઇડ સાથેની ટિકિટ લીધેલી, પણ બહુ મઝા ન આવી. આવે સ્થળે મિત્રમંડળી સાથે હોય તો વધારે માણી શકાય. બાકી તો જુઓ ત્યાં દર્શનાર્થીઓનાં ટોળેટોળાં, એક સ્થળેથી બીજે સ્થળે મજા-ફન-ની શોધમાં જતાં. ગમે તેમ પણ સાંજ પડી ગઈ. સાંજે ઘેર પહોંચ્યો ત્યારે હજી ઘણો સમય હતો. એટલે મેં દરિયાકિનારે જવાનો વિચાર કર્યો. શશિનું ઘર દરિયાની નજીક, ચાલીને જઈ શકાય. પણ દીપિકાએ કહ્યું : હું તમને ગાડીમાં મૂકી જાઉં છું, પછી તમે ચાલતા આવી જજો.

બહુ સુંદર દરિયાકિનારો. બહુ ગમ્યું. એકદમ પશ્ચિમ સાગરને તીરે. ખાસ તો એથી કે આજે સાતમી ઑગસ્ટ હતી, મારો જન્મદિવસ. પણ એ વાત મારે આ પ્રશાંત મહાસાગરને જ કરવાની હતી. એ જાણે મને કહેતો હતો : ‘કમ, લેટ અસ સેલિબ્રેટ…’

એક ‘થ્રિલ’ અનુભવી રહ્યો. કેવો સુયોગ! પ્રશાંત મહાસાગરને કિનારે આજે છું. એક માવડી એનાં બે નાનાં છોકરાંને લઈને આવેલી. એ બેઠી હતી અને છોકરાં ભીની માટીમાં કોટકિલ્લાવાળું ઘર બનાવતાં હતાં. મને એકદમ ઘર યાદ આવ્યું. યાદ આવે એવો તે પ્રસંગ હતો. આ બાજુ ત્રણચાર કિશોરો વૉટરસ્કીઇંગની પ્રેક્ટિસ કરતા હતા. એક તરુણી હમણાં જ સાગરમાં તરીને નીકળી. તે હવે અસ્તાયમાન થતા સૂરજના ક્ષીણ તડકામાં નીતરતી ચાલતી હતી.

એકદમ મને વિચાર આવ્યોઃ જન્મદિન ઊજવીશ – આમંત્રિત કરતા પ્રશાંત સાગરમાં સ્નાન કરી. પણ ટુવાલ આદિ કશું લાવ્યો નહોતો. શી જરૂર છે? પેલી તરુણીને જોતાં જ વિચાર આવ્યો, એની જેમ.

એક અંતરંગ વસ્ત્ર રહેવા દઈ, જરા દૂર સાગરનાં મોજાં ભીંજવી ન જાય એમ કપડાં મૂકી સમુદ્રનાં ઊછળીને આવતાં મોજાં ઝીલવા લાગ્યો. બહુ દૂર સુધી જવાની તો હિંમત શાની ચાલે? સૂર્ય સાગરનાં જળ ઉપર ઝળૂંબ્યો હતો. હળવે હળવે ગરજતો પશ્ચિમ સાગર, સાગરમાં ડૂબવા કરતા ઈષત્ લાલ સૂર્ય અને ભાવવિભોર હું.

પેલી તરુણી પાણીને અડતી કિનારે કિનારે દૂર સુધી જતી અને પાછી આવતી હતી. કટિ સુધી ખુલ્લા એના લાંબા ઘાટીલા દ્રુતગતિ પગ. ગજગતિ, શ્રોણીભારથી અલસગમનાની સ્તુતિ કરનાર સંસ્કૃત કવિનું અહીં કામ નહીં! એ તરુણી પણ આ વિરાટ પરિદૃશ્યનો ભાગ બની. એ ન હોત તો આ ચિત્રફલક પર વૅક્યુમ રહી જાત.

સૂર્ય હજી હતો. હું સાગરની બહાર નીકળ્યો. થોડો સમય મારે પણ આ સાગરકિનારે પાયચારી કરવી પડશે.

ઘેર પહોંચ્યો ત્યારે દીપિકા ચિંતા કરતી હતી કે, ભૂલો તો નહિ પડી ગયો હોઉં? મેં એને સાગરસ્નાનની વાત ન કરી. પણ હું ભીતરથી ભરપૂર હતો.
*

ડૉ. વિક્રમ કામદારનો ફોન હતો. નૉર્થ અમેરિકન ગુજરાતી ઍકેડેમીના અધ્યક્ષ શ્રી મધુસૂદન કાપડિયાએ ન્યૂ જર્સીથી એમને ફોન કરેલો અને મારા લૉસ એન્જેલિસમાં હોવાના સમાચાર એમને શશિના ફોનનંબર સાથે આપેલા. એમને ત્યાં જવાનું અદ્ભુત રીતે ગોઠવાઈ ગયું. મારે હોલિવુડ વિસ્તારમાં યુનિવર્સલ સ્ટુડિયો જોવા જવાનું હતું. ડૉ. કામદારે કહ્યું કે, તમે ત્યાં જતી વખતે તમારું લગેજ (મારી પાસે એક શોલ્ડર બૅગ જ હતી.) મારી ઇસ્પિતાલ પર મૂકી જાઓ. મારી ગાડીની ડિકીમાં રહેશે. હું તમને સાંજે યુનિવર્સલ સ્ટુડિયોના પ્રવેશસ્થળેથી લઈ જઈશ. ત્યાંથી મારે ઘેર જઈશું. બીજે દિવસે સવારે તમને સાન ફ્રાન્સિસ્કો જવા ગ્રેહાઉન્ડના બસસ્ટેશને મૂકી જઈશ. સમય કટોકટ. જરા આઘુંપાછું થાય તો લૉસ એન્જેલિસ નામના આ વિરાટનગર – મેગાલોપોલિસમાં મૂંઝાઈ જવાય.

મેં જોયું કે, એમણે આપેલો સમય થઈ જવા આવ્યો હતો અને હજુ આ લાંબા નગરના માર્ગો પર શશીનો એક અમેરિકન કર્મચારી ડ્રાઇવ કર્યે જ જતો હતો. જરાક મોડા પડ્યા હોત તો ડૉક્ટર નીકળી જાત.

યુનિવર્સલ સ્ટુડિયોમાં ફિલ્મ કેવી રીતે ઊતરે છે એના જાતજાતના શો. ભારે કિંમતની ટિકિટ, ડિઝની લૅન્ડની જેમ અહીં પણ લાંબી લાંબી લાઇનો. પણ એ અનુભવની વાત મારે લખવી નથી. પણ આ ટેકરી પરથી દૂરદૂરની ટેકરીઓનો વિસ્તાર જોવો ગમતો હતો. જગતભરમાં ખ્યાત આ હોલિવુડ વિસ્તાર. ફિલ્મજગતનું નાભિકેન્દ્ર.

ઘણાબધા શો મારે છોડી દેવા પડ્યા. ડૉ. વિક્રમ કામદારે આપેલો સમય થવા આવ્યો હતો. હું ઉદ્વિગ્નતાથી એમની રાહ જોવા લાગ્યો. બરાબર આ જ સ્થળે અમારે મળવાનું હતું ને? એમના મનમાં બીજું સ્થળ તો નહિ હોય ને?

પણ એ આવી પહોંચ્યા. હાશ! પછી તો એ હોલિવુડની આ મનોહર ટેકરીઓના ઊંચાનીચા વાંકાચૂંકા માર્ગે ડ્રાઇવ કરતા એની શોભા બતાવતા જાય. ટેકરીઓની ઉપર હોલિવુડ વિસ્તાર અને ટેકરીઓ વચ્ચે વસેલું એન્જેલિસ. સાંજના સમયે બધું રમ્યતર લાગતું હતું. એમનામાં એક સૌંદર્યદૃષ્ટિ હતી તે તરત સમજાય. પછી ડૉક્ટરે કહ્યું : હું તમને મારી સૌથી પ્રિય જગ્યાએ લઈ જાઉં છું અને એ મને UCLA—યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાના લૉસ ઍન્જલિસ પરના કૅમ્પસ પર લાવ્યા. ત્યાં ગાડી પાર્ક કરી, વેગથી મને કૅમ્પસનું દર્શન કરાવ્યું. પ્રસિદ્ધ ભારતીય સંગીત-નિર્દેશક ઝુબિન મહેતાનાં માતાપિતા ત્યાં ચાલતાં પસાર થતાં હતાં, તેમને અભિવાદન કર્યું. યુનિવર્સિટી-વિસ્તાર વનરાજીથી તપોવન જેવો છે. ઇમારતો ઘણી, પણ પ્રભાવ પાડી દે તેવી નહિ પણ ઘરેલુ, – આમંત્રણ આપતી જાણે. ડૉક્ટર કહે : આ તીર્થધામ છે. ‘તમને કેવું લાગે છે?’ એમણે પૂછ્યું. જાણે મારા મર્મસ્થળે અડક્યા. મેં કહ્યું: ‘આ કૅમ્પસ જોઈ એમ વિચાર આવે છે કે કોઈ કહે કે આવતા જન્મમાં શું જોઈએ? તો કહું કે ફરી જો મનુષ્ય-અવતાર મળે તો આવા કૅમ્પસ પર ભણવાનું મળે તો બસ!’ ડૉક્ટર કહે : તમે મારા શબ્દો જાણે ખૂંચવી લીધા.

રજાઓ છે, પણ ક્યાંક ક્યાંક છાત્રો છે. ઝાડ નીચે બેઠા છે. ક્યાંક ઓપન કાફેટેરિયા છે. આખો વિસ્તાર મનમાં વસી ગયો છે. ડૉ. વિક્રમ કામદારે નવું ઘર લીધું છે. આખી સ્ટ્રીટમાં સૌથી ઊંચું. ઘર બહુ વિશાળ અને સુંદર. પ્રવેશ કરતાં એની ઊંચાઈ ગમી. ઉપર એક સુવિધાપૂર્ણ ઓરડો બતાવી મને કહે : તમારો રૂમ. પછી ડૉ. અંજના – એમનાં પત્ની મળ્યાં. અભિવાદન કરી એ નીચે ગયાં અને પછી થોડી વારમાં ઉપર આવ્યાં. પછી હસતાં હસતાં કહે? મને તો હતું કે ભોળાભાઈ તો ‘દર્શક’થી પણ વયોવૃદ્ધ વ્યક્તિ હશે, એ પગથિયાં ચડીને ઉપર પણ નહિ આવી શક્યા હોય, એટલે નીચે બેઠા હશે, અને આ ‘ભાઈ’ એમની સાથે હશે. આ તો તમે જ ભોળાભાઈ!

અંજનાબહેન ડૉક્ટર છે, પણ કવિતામાં ખૂબ રસ. ડૉક્ટર વિક્રમ કામદારે કહ્યું કે કવિતાના રસે અમને જોડ્યાં છે!

એ રાત્રે થોડાક મિત્રો સાથે બેઠક થઈ. મધુ રાય પણ આવ્યા હતા. કામદાર-પરિવારના બીજા સભ્યો પણ હતા. વિક્રમભાઈનાં બા પણ હતાં. શ્રી કિરણ મગિયાવાલા તો જાણે સાહિત્યની વ્યક્તિ. આમ તો ઇજનેર. જીવનાનંદ દાસની કવિતાના ચાહક. અહીં ‘વિદિશા’ આદિ મારાં પુસ્તકો જોઈ આનંદ થયો. મને કહ્યું: કાલિદાસની વાત કરો.

મોડે સુધી વાર્તાલાપ ચાલ્યો. પછી કિરણભાઈ સાથે બહુ વાતો થઈ. વિક્રમભાઈ-અંજના પરમ દિવસે સ્પેન જવા નીકળવાનાં હતાં. એટલે આજે કંઈક થોડા સમયનું પણ મળવાનું બન્યું. એ પણ એક સુયોગ જ રચાઈ ગયો.

વહેલી સવારે લૉસ એન્જેલિસથી ગ્રેહાઉન્ડ-બસમાં સાનફ્રાન્સિસ્કો જવા નીકળ્યો. એ બસરૂટ તો કેલિફોર્નિયાના સાગરકિનારાનું સૌંદર્ય જોવાના વિચારથી પસંદ કર્યો હતો. ફોટોગ્રાફરોની સ્વપ્નભૂમિ ગણાતા આ કિનારે જ ‘બીગ સૂર’ કાંઠો છે. પણ બસ સાગરકિનારેના માર્ગેથી નહિ પણ અંદરના માર્ગેથી જતી હતી. પર્વતની હારમાળા વચ્ચેથી મેદાની ભૂમિ પણ આવે. દ્રાક્ષ-સફરજનથી સમૃદ્ધ.

ઑકલૅન્ડથી બસ બદલવી પડી રિચમન્ડ જવા. ત્યાં શ્રીમતી રીટા દેસાઈ મને લેવા આવવાનાં હતાં. હું ત્યાં પહોંચ્યો ત્યારે એ નહોતાં. ફોન કર્યો. એ મારી રાહ જોઈને જતાં રહેલાં. કહેઃ ‘એ કાળા લોકોનો વિસ્તાર છે અને ત્યાં એકલદોકલ મહિલા માટે રાહ જોવી સલામતીભર્યું નથી. હું આવું છું.’

મેં જોયું કે, રિચમન્ડના એ બસસ્ટૉપ પર અત્યારે ભાગ્યે જ કોઈ યાત્રી હતા. એક નિગ્રો યુવક આમતેમ ફરતો હતો. હવે મને સાચે એનો જરા ડર લાગ્યો. અમેરિકાના કેટલાક દિવસોના પ્રવાસ દરમ્યાન અહીં વસતા કાળા લોકોની ભીતિથી જનમાનસ થોડું ત્રસ્ત લાગ્યું. એમની વાત નીકળે એટલે તરત કટુ અનુભવના દાખલાઓ સાંભળવા મળે.

રીટા આવી ગયાં. આમ તો રીટા નાગર. મારા સહકાર્યકર્તા, એક વખતના ભાષાસાહિત્ય ભવનના અધ્યક્ષ ડૉ. અંબાશંકર નાગરનાં એ પુત્રી. હવે રીટા દેસાઈ. એમના પતિ ડૉ. મનોજ દેસાઈ મૂળે વડોદરાના. એકદમ ઘર જેવું લાગ્યું.
*

એક દિવસ બપોરના સ્ટાનફર્ડ યુનિવર્સિટીના કૅમ્પસ પર શ્રીમતી માત્રા મશરૂવાલાને ત્યાં કેટલાંક ભારતીય મિત્રો – ચંદ્ર-આશા, શ્રી-શ્રીમતી મહેતા, માત્રાનાં માતાપિતા શ્રી અને શ્રીમતી મજમુદાર. આશાને ત્યાં પણ ગયાં. આશાના પતિ શ્રી ચંદ્ર વાંસળી વગાડે છે. એક મેળાવડા જેવું થઈ ગયું.

દુનિયાની શ્રેષ્ઠ ગણાતી યુનિવર્સિટીઓમાંની એક આ સ્ટાનફર્ડ. પોતાના એક પુત્રનું અવસાન થતાં એની સ્મૃતિમાં ધનવાન સ્ટાનફર્ડ દંપતીએ યુનિવર્સિટી સ્થાપવાનું નક્કી કર્યું. બરાબર એકસો વર્ષ પહેલાંની વાત. ૧૮૯૧માં ઑક્ટોબરમાં પપ૯ છાત્ર-છાત્રાઓથી આરંભ. ૧૯૪૮માં શિક્ષણની વ્યવસ્થા – School System – ‘ભવન પદ્ધતિ’માં ઢાળી. સાત ભવનોમાં થઈ ૭૦ ડિપાર્ટમેન્ટ છે. ઉપરાંત ૩૦ ઇન્સ્ટિટ્યૂશન, કેન્દ્રો, પ્રયોગશાળાઓ આદિ કૅમ્પસ પર છે. આજે લગભગ ચૌદ હજાર વિદ્યાર્થીઓ કૅમ્પસ પર ભણે છે, ૧૪૦૦ જેટલા અધ્યાપકો છે. અધ્યાપકો એટલે? તેમાંના ૯ તો નોબેલ પારિતોષિકવિજેતા છે, ૮૧ નૅશનલ એકૅડેમી ઑફ સાયન્સના, ૧૩૦ અમેરિકન એકૅડેમી ઑફ સાયન્સ ઍન્ડ આર્ટ્સના, ૫૪ નૅશનલ એકૅડેમી ઑફ એન્જિનિયરિંગના, ૧૨ નેશનલ એકેડેમી ઑફ ઍજ્યુકેશનના ફેલો છે. પાંચ પુલિત્ઝર ઇનામવિજેતા છે. આવી યુનિવર્સિટીમાં ભણવું એ તો જીવતરનો લહાવો ગણાય. મને થયુંઃ આપણે ત્યાં નાલંદા જેવી વિદ્યાપીઠો હતી જ ને! દશ હજાર વિદ્યાર્થીઓ ત્યાં ભણતા, ૧૫૦૦ જેટલા અધ્યાપકો ભણાવતા. ભણવા આવતા વિદ્યાર્થીઓમાંથી દશ ટકા જ પ્રવેશ પામતા. એવી આકરી પ્રવેશ-પરીક્ષા થતી. સ્ટાનફર્ડમાં પણ પ્રવેશ બહુ જ અઘરો.

કૅમ્પસના જુદા જુદા વિભાગોમાં ફેરવીને શ્રીમતી માત્રાએ ઉત્સાહપૂર્વક બધું બતાવ્યું. એ પોતે મેડિસિન વિભાગમાં સંશોધન કરે છે. આ યુનિવર્સિટીની સ્થાપના વખતે જે હેતુ લક્ષ્યમાં રખાયો છે તે અહીં નોંધવા જેવો છે. પ્રત્યેક યુનિવર્સિટીનો એ મૂળ મંત્ર બની શકે એમ છેઃ

‘To qualify students for personal success and direct usefulness in life; and to promote the public welfare by excercising influence in behalf of humanity and civilization teaching the blessings of liberty regulated by law and including love and reverence for the great principles of Government as derived from the inalienable rights of man to life, liberty, and pursuit of happiness.’

આ યુનિવર્સિટીની બીજી એક જે વિશેષતા છે : છાત્રોની ભાષાભિવ્યક્તિ પર અધિક ભાર. સ્નાતક કક્ષાઓમાં ભણતો દરેક વિદ્યાર્થી સ્પષ્ટ અને પ્રભાવશાળી અંગ્રેજી ગદ્યમાં પોતાના વિચારો રજૂ કરી શકે તે આવશ્યક ગણાય છે. ઉપરોક્ત પ્રત્યેક છાત્ર જુદી જુદી વિચારધારાઓ અને વિચારના માર્ગો અને જ્ઞાનના માર્ગો જાણતો હોવો જોઈએ. પોતાના વિષયમાં નિષ્ણાત તો બને જ, સાથે બીજા વિષયો પણ જાણવા પડે.

કૅમ્પસ પર રોંદા ગાર્ડન છે, જ્યાં પ્રસિદ્ધ ફ્રેંચ શિલ્પી રોંદાની મહાન કલાકૃતિઓની પ્રતિકૃતિઓ સ્થાપિત છે.

પાછા વળતાં તો રાત પડવા આવી. ડૉ. મનોજ સાન ફ્રાન્સિસ્કોની પ્રસિદ્ધ ‘ક્રુકેડ સ્ટ્રીટ’ થઈને નીકળ્યા. એક ઊંચો સીધા જેવા ઢાળથી ઊતરવાનો માર્ગ. તે બે છેડે વાંકોચૂંકો વળતો નીચે જાય. ગાડી ચલાવનારની આવડતની આ એક જ પરીક્ષા. એક સ્થળેથી ઊભા રહી રાત્રિવેળાએ ઝગમગતા નગરને જોયું. સાનફ્રાન્સિસ્કોની એક ઓળખ તે ગોલ્ડન ગેટ. જોયું કે ગોલ્ડન ગેટ પર ચંદ્ર શોભી રહ્યો છે. કદાચ અહીં વેગથી વાતા ઠંડા પવનમાં કંપી રહ્યો છે. બર્કલે યુનિવર્સિટીનું કૅમ્પસ બતાવવાનો પણ રીટાનો આગ્રહ. યુનિવર્સિટીની લૉરેન્સ લૅબોરેટરી ઑફ બર્કલેમાં પદાર્થવિજ્ઞાની તરીકે કામ કરતા તેમના એક મિત્ર ડૉ. ગાડગીલને કહી રાખેલું કે, અમે સાંજવેળાએ આવીશું. કૅમ્પસ પર નક્કી કરેલા સ્થળે ડૉ. ગાડગીલ રાહ જોતા હતા. ૩પની વય હશે. પ્રસન્ન વ્યક્તિત્વ. જાણે પરિચિત મિત્ર. ગાડી યુનિવર્સિટીના મુખ્ય માર્ગની બાજુમાં પાર્ક કરી, પણ પાર્કિંગ મીટર ચાલતું નહોતું. રખેને ટ્રાફિક પોલીસ ગાડી ‘ટો’ કરીને લઈ જાય, એટલે એક કાગળના નેપ્કિન પર ગાડી પાર્ક કરવાનો સમય લખી તે વાઇપર નીચે દેખાય તેમ ભરાવી ચાલ્યા.

આ પણ સ્ટેટ યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા, પરંતુ યુ. સી. બર્કલે કહેવાય. એ એક પહાડીના ઢોળાવ પર છે. સ્ટાનફર્ડ અને બર્કલે વચ્ચે સ્પર્ધા. ડૉ. ગાડગીલે કહ્યું: અહીં પદાર્થવિજ્ઞાન વિષયમાં જ આઠ નોબેલ પારિતોષિક-વિજેતાઓ છે. કેમિસ્ટ્રીમાં પણ એટલા જ હશે. ગાડગીલ કહે : મારી પાસેની મોટરગાડી મેં એક નોબેલ લોરિએટ પાસેથી લીધી છે. હમણાં જ તેઓ દિવંગત થયા. રીટાએ કહ્યું : તમારે આ ગાડી સાચવી રાખવી જોઈએ. ગાડગીલ કહે : ‘એમ? એ ગાડીમાં હજી એની એ કાર્પેટ છે, જે એ પ્રોફેસર વાપરતા.’

ડૉ. ગાડગીલે કૅમ્પસ પર ઊંચાં યુકેલિપ્ટસનાં વૃક્ષોથી ઘેરાયેલા એક સ્થળ તરફ ધ્યાન દોર્યું. યુનિવર્સિટીના બધા વિભાગનાં ફંક્શન અહીં થાય. ચાલતાં ચાલતાં યુનિવર્સિટી ટાવર તરફ. એની પાછળ જ એમની લૅબોરેટરી, જ્યાં ત્રણ હજાર સંશોધકો કામ કરે છે! ટાવરને બૅકગ્રાઉન્ડમાં રાખી એક ફોટો લેવાનો વિચાર રીટાને આવ્યો. પોતાનો કૅમેરો ત્યાંથી પસાર થતી એક યુવતીને આપી કહ્યું : ફોટો પાડો. ચાંપ દાબી, પણ ક્લિક ન થયું. જોયું તો રોલ પૂરો થઈ ગયેલો. બધાં હસી પડ્યાં.

એક ચૉકમાં આવીને ઊભાં. ડૉ. ગાડગીલે કહ્યું કે યુનિવર્સિટીનો આ બહુ પ્રસિદ્ધ ચૉક છે. વિયેટનામની લડાઈમાં અમેરિકાની સંડોવણીનો વિરોધ કરવા અહીં વિદ્યાર્થીઓએ મોટા દેખાવો કરેલા. એ એટલા પ્રભાવક હતા કે સરકારને એ વિષે નિર્ણય કરવાની ફરજ પડી.

બર્કલે શહેરની વસ્તી ૧૦,૦૦૦ની, જ્યારે બર્કલેના કૅમ્પસ પર ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦,૦૦૦ની. વિદ્યાર્થીસંસ્કૃતિનો આખા નગર પર પ્રભાવ છે. કહે: આ શહેરમાં સૌથી વધારેમાં વધારે દુકાનો પુસ્તકોની છે. અહીં ચાલતાં પણ રોમાંચ થતો હતો. કૅમ્પસ ઉપર છાત્રો-અધ્યાપકો-સંશોધકો માટે ત્રીસ જેટલાં તો ગ્રંથાલયો છે.

આથમતા દિવસનો સમય. પેલા ચૉકમાં એક વિદ્યાર્થી અધઉઘાડે શરીરે વાજિંત્ર વગાડતો ઝૂમતો હતો. ચૉકની લાંબી સોપાનમાળા પર એક તરુણ એની મિત્રને ખોળામાં લઈ વહાલ કરતો હતો. ક્યાંક લોન પર બેસી છાત્રો વાંચતા હતા. એક બીજા તરુણની બાજુમાં તરુણી ચોપડીઓ બાજુમાં રાખી સૂતી હતી. તડકો વધારે રમ્ય લાગતો હતો. ટાવરમાં સાતના ટકોરા થયા.

ડૉ. ગાડગીલ કહે : સ્ટાનફર્ડ કરતાં કૅમ્પસ નાનો છે, એટલે ઇમારતો વધારે ઊંચી થતી જાય છે. સ્ટાનફર્ડ કરતાં અહીં ફી ઓછી. યુનિવર્સિટીમાં અધ્યાપકોના ટેન્યોર પિરિયડની વાત નીકળી. ડૉ. ગાડગીલે કહ્યું કે હાર્વર્ડમાં અધ્યાપકોની અજમાયશી મુદત પૂરી થતાં ૧૦૦માંથી ૯૦ને સારા પરફૉર્મન્સને અભાવે છૂટા કરાય છે. અહીં ૧૦૦માંથી ૯૦ને રાખવામાં આવે છે. લેતી વખતે બરાબર કસોટી કરે.

વૃક્ષરાજી વચ્ચેથી નીકળ્યા. ત્યાં એક ઝરણું વહી જતું હતું. કહેઃ ખાસ જાળવી રાખ્યું છે. પાણી કલકલ કરતું વહી જાય. કૅમ્પસ એનાથી જીવંત બની જતો હતો. મને વડોદરાની સયાજીરાવ યુનિવર્સિટીના કૅમ્પસમાંથી વહેતી વિશ્વામિત્રી યાદ આવી. શી દશા થઈ છે એની? શું એ પણ કંઈ નહિ તો વર્ષાના દિવસોમાં આમ સ્વચ્છજલા રૂપે વહેતી ન હોત?

એ રાત્રે જ હું સાન ફ્રાન્સિસ્કોથી વિમાનમાં ન્યૂયૉર્ક જવા નીકળ્યો. રાત્રિના ૧૦-૩૦નું વિમાન. આ નગર મનમાં વસી ગયું હતું. રડ્યાર્ડ કિપ્લિંગનું વાક્ય યાદ આવ્યું : S. F. has only one drawback – it’s hard to leave. વિમાન ઊપડ્યા પછી બારીમાંથી દીવાઓની જ્યોતિથી ઝળહળ સાન ફ્રાન્સિસ્કોનું જે દર્શન, તે તો જાણે ‘વન્ડરલૅન્ડ’નું દર્શન. ખાસ તો ટેકરીઓના ઢોળાવોને લીધે. મને ખેડુપુત્રને તો એવી ઉપમા સૂઝી જાણે દીવાઓની ફસલ લચી રહી છે. મારી બાજુમાં અમેરિકન પ્રવાસી હતો. એ પણ આ સૌંદર્ય મને બતાવવા લાગ્યો. પછી અમેરિકાના ઈસ્ટ કોસ્ટ અને વેસ્ટ કોસ્ટની સરખામણીમાં આ પશ્ચિમ કિનારાની પ્રશંસા કરી રહ્યો. વાતની વાતમાં સ્ટાન્ફર્ડ – બર્કલેની વાત આવી. કહે કે, સ્ટાનફર્ડ બરાબર. બર્કલે so so.

મને નિદ્રા આવતી નહોતી. વિચારતો હતો કે મારો અમેરિકાનો અનુભવ એટલે શું? આ વિરાટ દેશની નવ્ય સંસ્કૃતિનું આકલન કરવું સહેલું નહોતું – ને તેમાંય હું માત્ર પસંદગીનાં સ્થળોએ જ ગયો છું. નાયગરા, સહસ્રદ્વીપ, ગ્રાન્ડ કેન્યન, રેડવુડ્ઝનાં વન એક તરફ. યુનિવર્સિટી ઑફ કોલંબિયા, ન્યૂયૉર્ક સ્ટેટ યુનિવર્સિટી ‘સુની’ના કૅમ્પસ, કોર્નેલ યુનિવર્સિટી, બર્કલે અને સ્ટાનફર્ડ, લૉસ ઍન્જેલસની યુનિ. ઑફ કેલિ.નો કૅમ્પસ – બીજી તરફ ન્યૂયૉર્ક, શિકાગો, લૉસ એન્જલિસ, સાનફ્રાન્સિસ્કો જેવાં મહાનગર. ત્રીજી તરફ, આટલાન્ટિક મહાસાગર અને વિશેષ તો સુંદર પ્રશાંત મહાસાગર, હડસન અને સેન્ટ લૉરેન્સ જેવી સરિતાઓ, ફિંગર લેફલ જેવાં સરોવરો ચોથી તરફ. અનેક કલાધામો-મ્યુઝિયમો, બ્રોડવે પરનાં નાટક, હોલિવુડની પહાડીઓ ને એ બધું પાંચમી તરફ અને આ મુક્ત દેશના મુક્તમના નાગરિકો (યુરોપ કરતાં અમેરિકામાં મુક્તિ, મોકળાશ વધારે અનુભવાય. યુરોપમાં તમે જુદા પડી જાવ – અહીં જુદા પડી જવાનો ભાવ ભાગ્યે જ થાય.) અને એ બધા ઉપર અહીં સસ્મિત આવકારનાર સૌ મિત્રોના – ઈસ્ટ અને વેસ્ટ બને કિનારેના – ચહેરા. છતાં જે પામ્યો છું, તે તો આ બધાના સરવાળાથી માપી શકાય એમ નથી.

ઘડિયાળમાં જોઉં છું, રાત્રિના ૧૨-૧૫ એટલે કે હવે પંદરમી તારીખ. પંદરમી ઑગસ્ટ, ભારતનો સ્વતંત્રતા દિવસ – Freedom at midnight… અમેરિકાના આકાશમાંથી ભારતના ગૌરવાંકિત દિવસનું સ્મરણ.
*