ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાઓ/૭. આડવાત
બપોર સુધીમાં તપેલી ધરતી પર હવે ઠેરઠેર ધૂળિયો ડમ્મર ઊઠવા માંડ્યો હતો. છૂટાંછવાયાં, એકલ-દોકલ ઝાડ, ખુલ્લાં પડેલાં ખેતરોની વાડ અને આડેધડ ઊભેલા ગાંડા બાવળ... બધું ઝાંખું પાંખું થવા માડ્યું. અહીં નહેરનું કામ મોટાપાયે ચાલી રહ્યું હતું. બંને બાજુ નંખાયેલી માટીના પાળા ખાસા ઊંચા હતા. એની નીચે વાહન જઈ શકે એવો કાચો રસ્તો જોઈ ડ્રાઇવરે જીપ આગળ લીધી. પણ આગળ તો નહેર નીચેથી પસાર થતા નાળામાં આવીને રસ્તો અટકી ગયો હતો. બપોરનો એક થવામાં હતો. અમે સૌ હમણાં જ બાજુના ગામમાંથી જમીને નીકળ્યા હતા. જમ્યા પછી આડબંધ (ચેકડેમ) વિશે સરકારની યોજના સમજાવવામાં અને એની ચર્ચામાં જીપમાં પડેલી વોટરબૅગ ખાલી રહી ગયેલી. ને હવે પાણી વગર ગળું સુકાવા લાગ્યું હતું. ક્યાંય કશો છાંયો નહીં. ચામડી દાઝે એવા તાપમાં ડ્રાઇવર બહાર નીકળ્યો. આસપાસમાં કોઈ દેખાતું નહોતું. દૂર નહેરના પાળા ઉપર મદ્રાસી લાગતું કુટુંબ પતરાંના શેડમાં રહેતું હોય એવું લાગ્યું. એનો છોકરો જીપ જોઈને પાળા ઉપર આવી ઊભો. ‘આગળ જવાનો રસ્તો નથી. પાછા વળીને નહેરના પાળા ઉપર બાંધેલા રસ્તે આવવાનું એ કહી રહ્યો હતો.’ ધૂળની લપ્પી ઊડી ઊડીને જીપમાં ભરાતી હતી. અમે બારી-દરવાજો બંધ રાખીને બેઠા હતા. આખેઆખી જીપ તપી ગઈ હતી. નહેરની ઉપરના રસ્તે આવીને જીપ ઊભી રહી. પતરાંના શેડમાંથી પાણી પીધું. છારી બાઝે એવી ખારાશ ગળામાં આવી ભરાણી. ઑફિસમાં ટેબલવર્ક કરનારા સ્ટાફને તાલુકાનાં ગામડે ગામડે આડબંધો બાંધવા જનજાગૃતિ અભિયાનમાં મૂકી દીધા હતા. બધાંના ચહેરા પર એક પ્રકારનો છૂપો રોષ રહી રહીને છતો થયા કરતો હતો. હજુ આજે જ કામગીરી શરૂ કરી હતી. બપોર થતામાં ત્રણેક ગામની મુલાકાત લીધી હતી. સાંજ સુધીમાં બીજાં ત્રણ ચાર ગામમાં જવાનું બાકી છે ને રસ્તો હેરાન કરી રહ્યો હતો! મેં ખોળામાં પડેલા થેલામાંથી રજિસ્ટર ખોલી જોવા માંડ્યું. ત્રણ ગામોમાં યોજેલી સભાનું રોજકામ અને એની નીચે ગ્રામજનોની આડી અવળી સહીઓનાં ગૂંચળાં મારી આંખોમાં ખૂંપવા લાગ્યાં. હું ટીમ લીડર હતો. મારે દરેક કોમના માણસોને ભેગા કરી, વિશ્વાસમાં લઈને અભિયાન ચલાવવાનું હતું. એ માટે હું ભારપૂર્વક સરપંચને કહેતો – દરેક મહોલ્લામાંથી માણસોને-આગેવાનોને બોલાવો. આમ કહેવામાં કોણ જાણે મારામાં દલિત મહેલ્લો આવી ભરાતો હતો! મારી સાથે બીજો સ્ટાફ હતો. એ બધાંની વચ્ચે હું મનોમન ખુશ હતો. નવાં નવાં ગામ જોવાનું, એનાં સીમ-સીમાડો-વગડો... અજાણ્યા મલક જેવું મને સ્પર્શી રહ્યું હતું. અહીંના ગામડા ચાર-પાંચ હજારની વસ્તીવાળાં, પાકાં ધાબાબંધ મકાન, જૂની મેડીઓ અને ડેલીઓ વચ્ચેથી પસાર થતો શેરીનો વાંકોચૂકો રસ્તો. ‘એ ભાઈ... અહીં આવો તો...’ કહીને સરપંચ વિશે પૂછીએ એ પહેલાં તો ગામના ચોરે બેઠેલું ટોળું સરકારી જીપ જોઈને દોડી આવતું. અમનેય ઘડીક નવાઈ લાગી. પછી આડબંધ માટે આવ્યા છીએનું જાણીને ટોળું પાછું હટી જતું. એ બધાંનો ચહેરો ઊખડી ગયેલો થઈ જતો. પછી ખબર પડી કે, ‘અછત રાહત કામગીરીનું ચૂકવણું કરવા આવ્યા છીએ.’ સમજીને ખુશીના માર્યા સૌ દોડી આવ્યા હતા! કાળઝાળ ગરમીમાં અછતની કામગીરીમાં જોતરાયેલી પ્રજાને મહિનો થવા છતાં મજૂરી મળી નહોતી. એમની આંખોમાં છવાયેલી અછત મને ઘેરી વળી. ચીંથરેહાલ મેલાંઘેલાં કપડાં અને ધૂળભર્યા અંગ પર અછતિયો વાયરો ફરી વળ્યો હતો. હું એ બધાંને જોયા કરું છું ને સરપંચનું નામ ઠામ જાણીને ડ્રાઇવર જીપ આગળ ચલાવે છે.’ સરસ મજાના ડેલીબંધ મકાનમાં આડે પડખે થયેલા સરપંચ સફાળા ઊઠે છે. આવકારે છે. ખાટલા-ખુરશીઓ ઢળાવે છે. ચા-પાણી કરાવે છે ને અમારું અભિયાન ચાલુ રહે છે... વ્યાસજી કહે છે, ‘સાહેબ. આપણે આ હારું હાં...’ ‘—પણ ગરમી પડે છે એ નંઈ જોવાનું?’ મેં મોં પરથી પરસેવો લૂછતાં કહ્યું. ‘હા, એ મારું બેટું કાઠું તો છે... પણ આમ આ કામગીરી કંઈ ખોટી નથી... એઈ, ફટાફ્ટ ચા-પાણી, આગતા-સ્વાગતા... રોલો પડે છે રોલો...’ ‘કાકા હવે રહેવા દ્યોન... હજી તો પહેલો જ દિવસ છે. અઠવાડિયું થાવા દ્યો વારું... તંઈ ખબર પડશે કે કેવો રોલો પડે છે તે... લેવરઈ જશો લેવરઈ... લૂ વરહે છે એકલી!’ કનુ રોજમદાર વ્યાસજીને કહી રહ્યો હતો ને વ્યાસજી કનુની વાત પર હસીને પછી બીડી સળગાવવામાં પડ્યા હતા. પવનના સુસવાટામાં રજિસ્ટરનાં પાનાં ફરફર થવાં માંડ્યાં. મેં ઝડપથી રજિસ્ટર પાછું થેલામાં મૂકી દીધું. ડ્રાઇવરે મારા ખોળામાં પડેલા થેલા તરફ નજર નાખતાં કહ્યું, ‘સાહેબ, તમે રોજકામની વિગત લખીને તૈયાર જ રાખો. બધું એક સરખું જ લખવાનું છે...’ ‘–ઝડપી પતે એ બરાબર છે, પણ ગામમાં આપણને સરપંચ મળે કે ના મળે એ જાણ્યા વગર બધું અગાઉથી ના લખાયને... અને એમાં કેટલીવાર, તમે બધા આડબંધ વિશે જરૂરી માહિતી આપવી શરૂ કરો એ પહેલાં તો હું રોજકામ લખી નાખું છું.’ ‘– તમે તો ખૂબ ઝડપી પતાવો છો સાહેબ... નહીંતર પેલી ટીમવાળા તો કલાક દોઢ કલાક થયેય ઊભા થવાનું નામ નથી લેતા...’ ‘–એટલીવાર શું કરતા હશે...’ ‘–કશું નહીં. એકની એક વાત દશ વખત બોલ્યા કરે... તમારું કામ રેડી છે...’ હું ડ્રાઇવરની વાત સાંભળતો વેરાન રસ્તા સામે જોઈ રહું છું. પછી હાથની કોણી અંદર લઈ લઉં છું. ગાંડા બાવળની ડાળખીઓ સાંકડા રસ્તામાં વાહન સાથે ઘસાઈ ઘસાઈને બૂઠ્ઠી થતીકને હળવેથી ઝૂકી રહી છે. જીપ ગામમાં પ્રવેશે છે. બસસ્ટેન્ડ પાસે ધીમી પડેને ડોકું બહાર કાઢીને સરપંચ વિશે કોઈને પૂછું એ પહેલાં તો પાછળથી વ્યાસજી લાંબો હાથ કરીને પરબવાળાને બોલાવે છે. મારું ધ્યાન સામેના મહોલ્લામાં પ્રવેશદ્વાર પર છે. ચાલુ હાલતમાં ઊભેલી જીપની ઘરઘરાટી અને ધ્રુજારી વચ્ચે કોઈ કશું બોલતું કેમ નથી? હું પાછળ ફરીને વ્યાસજીને કહું છું – ‘શું કહ્યું પરબવાળાએ?’ ‘વ્યાસજી મારી સામે જોઈને પછી બીડીની કશ ખેંચવા માંડે છે. હું બૂમ પાડું છું. પરબવાળો ફરી પાછો આવે છે. ‘સાયેબ, આ હાંમે રે’યો એ મે’લ્લામાં સરપંચનું ઘર....’ એ આગળ બોલે એ પહેલાં હું પેલા પ્રવેશદ્વાર તરફ ફરી જોવા માડું છું. પછી, ‘ચાલો ગાડી લઈ લો...’ કહીને ડોકું અંદર લઉં છું. પણ ડ્રાઇવર જીપ રિવર્સ કરીને ચૉરા વચ્ચે એકબાજુ ઊભી રાખે છે. ‘તમે જઈ આવો સાહેબ...’ કહેતો જીપમાંથી ઊતરીને – ‘લ્યે હેંડ કનુ સામેની દુકાને બેસીએ....’ હું હળવેથી નીચે ઊતરું છું. થેલો ખભે ભરાવું છું. માથાના વાળ સરખા કરીને ચહેરા પરની ધૂળ ખંખેરતો ઝડપથી આગળ વધું છું. પ્રવેશદ્વાર સુધી ગયા પછી પાછળ જોઉં છું. ‘કનુ, તું સાહેબ હારે જા... મારે ત્યાં નથી જાવું.’ કહેતાં વ્યાસજી હજુ જીપમાં જ બેસી રહ્યા છે. દુકાન પાસે જઈ ઊભેલો કનુ વ્યાસજીને કહે છે – ‘એ ના ચાલે વ્યાસકાકા... સાહેબની સાથે તમારે તો જાવું પડે.’ વ્યાસજી હળવેથી મારી પાછળ પાછળ આવે છે. પ્રવેશદ્વાર વટાવી મહોલ્લામાં પગ મૂકું છું ને ‘આવો સાયેબ... કરતો મહોલ્લો મને વીંટળાઈ વળે છે. કોણ જાણે કેમ, મારા ચહેરા પર કશુંક ઊભરાવા માંડે છે. હું વ્યાસજી સામે જોઉં છું. એમનો ચહેરો એમની બીડીના ધુમાડામાં અટવાઈ પડ્યો છે. કાચાં-પાકાં ઘર, ઘર આગળ સાંકડી જગ્યા, પાછળ નવેળી... આડા અવળા ઢાળેલા ખાટલા... લીમડાની છાયામાં પોરો ખાતા બે ત્રણ વૃદ્ધો જાણે કે સળવળે છે. એકાદ ઘરના આંગણામાં બાંધેલી બકરી તડકાને લીધે ઊભી થઈને ઓસરીની જેર પર ચડી બેસે છે. બે-ત્રણ ધાબાવાળા મકાનની આસપાસ દેશી વિલાયતી નળિયાવાળાં ઘર... આગળ નાહવાની મોરી, મોરી પાસે જ બેઠેલું ઢોર... અને રસ્તા વચ્ચેની ગંદા પાણીની નીકમાં ઊંઘતું કૂતરું... અમે ખાટલા પર બેસીએ છીએ. સરપંચ યુવાન અને ઉત્સાહી છે. એ પંચાયત કચેરીમાં બેસીને ગ્રામજનોને બોલાવવા ઉત્સુક છે. પણ જોતાજોતામાં આજુબાજુથી માણસો આવી બેસે છે. દરેક જગ્યાએ આડબંધ વિશે ટેપની જેમ બોલતાં વ્યાસજી અહીં ઊંધું ઘાલીને બેઠા છે. પાણીની જગ્યાએ દુકાનમાંથી ઠંડું મંગાવતાં સરપંચને હું ના પાડું છું. પાણીનો લોટો આખેઆખો ગટગટાવી જાઉં છું. વ્યાસજી મોઢામાં પડીકી નાખીને ગુટકા ચાવવા માંડે છે. ‘શું નામ આપનું?’ ‘કરસનભાઈ...’ ‘ચૂંટણી લડીને....’ ‘ના રે સાહેબ, ચૂંટણી શેની?’ મને તો ગામલોકોએ સમરસ ગ્રામ યોજનામાં... મારી આંખો કરસનભાઈ પર ઠરે છે. પછી હું વાતે વળું છું. જાતજાતના સવાલો કર્યા કરું છું. ગામના, મહોલ્લાના, બાળકોના અભ્યાસના, ગરીબી રેખા નીચે જીવતી વસતિના... કોણ જાણે કેમ, મને એક પછી એક બધું ફૂટ્યા કરે છે. મારે હજુયે પૂછવું છે. ગામમાં બધાં એક સરખો વ્યવહાર... પણ વચ્ચે કરસનભાઈ અમને જમવાનું કહે છે અને મારા સવાલોની ઝડી અટકી પડે છે. હું ‘જમીને આવ્યા છીએ.’ બોલવામાં થોડીક વાર કરું છું ને વ્યાસજી ઢીંચણે હાથ દઈને પગમાં ચંપલ પહેરતા, મારી નજીક આવીને કાનમાં કહેતા હોય એમ, ‘શું તમેય તે સાહેબ, આડબંધનું તો કશું કહેતા જ નથી ને...’ હું ઘડીક વ્યાસજી સામે તો ઘડીક ખોળામાં પડેલા રજિસ્ટરને જોયા કરું છું. હજુ એમાં રોજકામ લખવું બાકી છે. સહીઓ લેવાની છે... આડબંધની માહિતી આપવી બાકી છે ને તો પછી આમ... આડબંધની વાત કરવાને બદલે વ્યાસજી કહે છે એમ... મારી આંખો આગળ ધૂળિયા ડમ્મર જેવું કશુંક પસાર થવા માંડે છે. એમાં પંચાયતનો સભ્ય બન્યા પછી સરપંચ બનવાના ઉત્સાહમાં કેટકેટલા ઉજાગરા કરતો જીવણ વંટોળની જેમ ફરકતો દેખાય છે. વાસ-ગામ તૈયાર થવા માંડ્યું છે. રાત એક બાકી છે. જીવણ ઘડીક આ વાસમાં તો ઘડીક પેલા વાસમાં હડિયો કાઢ્યા કરે છે. હવે એની સંગાથ ફરવાવાળા થાક્યા છે. પણ એના પગનું જોમ અકબંધ છે. એ રહી રહીને વાસમાં કહેતો ફરતો ‘સાચું સ્વરાજ તો હવે આવે એમ લાગે છે. મને એક વાર કો ચૂંટાવા દ્યો....’ મોડી રાત પછી ગામ ઊંઘવા માંડ્યું ને વહેલી સવારે જાગ્યું ત્યારે તો જીવણના મોંઢે ફીણના ગોટ વળી રહ્યા હતા. શરીર લીલું પીળું થતું હતું. ગામનો સીમાડો વટાવીને જીવણને દવાખાને લઈ જતી જીપ આગળ વધે એ પહેલાં... ‘સાહેબ, આ યોજનામાં લોકફાળો કેટલો?’ મારા શરીરમાંથી આછી કંપારી જેવું કશુંક ઝડપથી પસાર થઈ જાય છે. પૂછાયેલા સવાલનો જવાબ વ્યાસજી આપે એવી નજરે વ્યાસજી સામે જોઈને પછી ફટાફટ બધું આટોપતો હું ઊભો થાઉં છું. કરસનભાઈ સરપંચ અને મહોલ્લો મને પેલા પ્રવેશદ્વાર લગી મૂકવા આવે છે. સામે ચોરા પાસે ઊભી કરેલી જીપ ક્યારનીય સ્ટાર્ટ થયેલી છે. એનું હોર્ન મારા કાને અથડાય છે. વ્યાસજી ઝડપથી ચાલીને જીપમાં ગોઠવાય છે. ડ્રાઇવર બે હાથે સ્ટીયરીંગ ઘુમાવીને જીપને ટર્ન આપે છે. પછી ડોકું બહાર કાઢીને મારી સામે જોઈ રહે છે. મહોલ્લામાંથી બહાર નીકળ્યા પછી હું ઘડીક ઊભો રહું છું. મારી નજર પેલા પ્રવેશદ્વાર પર ચોંટી જાય છે. સરસ મજાના પ્રવેશદ્વાર પર ચિતરેલું નામ અને ફોટો મને સ્પર્શતું રહે છે. ફરીથી મારી આંખો કરસનભાઈ પર ઠરે છે. એ હજુ પ્રવેશદ્વારમાં ઊભા ઊભા મને વિદાય આપવા હાથ અધ્ધર કરી રહ્યા છે. એમની પાછળ આખો મહોલ્લો ઊભો છે. મારી આગળ ઊડી જતા વંટોળની જેમ બધું ફંગોળાવા માંડે છે. ફંગોળાતું ફંગોળાતું છેક કરસનભાઈ પાસે જઈને અટકી જાય છે... ને, ‘સાહેબ તો લઈ મંડ્યા’તા... આપણે શી પડાપૂછ...’ કનુ રોજમદાર અને વ્યાસજી ગુસપુસ કરતા સંભળાય છે. હું જીપનો દરવાજો ખોલીને બેસું છું. જીપ ફરી પાછી ગાંડા બાવળના સાંકડા રસ્તે પૂર ઝડપે ચાલે છે. ‘સરપંચ ભલો માણસ હતો હાં....’ ‘હાં... માળું... ચા પાણી જમવાનું, રોલો પડી ગયો.’ આગલા ત્રણ ગામમાંથી ફરતાં ફરતાં વળી વળીને સરપંચના વખાણ કરનાર – જીપમાં બેઠેલા સ્ટાફના ચહેરા પર હવે ચૂપકીદી છવાઈ ગઈ હતી. ને મારું મન રહી રહીને માંહ્યલી કોરથી આડબંધ છલકાવતું જાણે કે ફંટાઈ રહ્યું હતું...