ધીરેન્દ્ર મહેતાની કવિતા/એક કરપીણ ઘટના

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪૭.
એક કરપીણ ઘટના

ખીણો ભેદી પર્વત ઊછળ્યા
પર્વત થઈ ગ્યા મીણ,
ઘટના આ કેવી કરપીણ!

વંટોળે શું વળ ખાતું આ ચક્કર ભમ્મર ચક્કર,
એક આટલું દેખાતું બસ ચક્કર ભમ્મર ચક્કર,
શું વીંઝું શું વીંઝાતું શું ચક્કર ભમ્મર ચક્કર!
હેષા રહી ગઈ ઝાડ થઈ
અવોને મોઢે ફીણ!
ઘટના આ કેવી કરપીણ!

આ કોનો ધક્કો વાગ્યો, કૈં ખબર પડી નહિ,
ભૈરવ સૂતેલો જાગ્યો, કૈં ખબર પડી નહિ,
ભીતરથી એ ભાગ્યો, એ પણ ખબર પડી નહિ!
લોઢ ઉછાળે આભ લગી
એ સાગર થઈ ગ્યા ક્ષીણ!
ઘટના આ કેવી કરપીણ!
૧૧-૮-૨૦૨૧