ધીરેન્દ્ર મહેતાની કવિતા/વારસો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૯.
વારસો

રણ ને દરિયો
સૂતાં છે
મારા ગામની અડખેપડખે.

કહે છે,
જ્યાં ઘૂઘવે છે દરિયો
ત્યાં એક કાળે હતું રણ;
અને
રણ સૂચવે છે
એ જગ્યાએ હતો દરિયો...
એવું આ ગામ,
મને મળ્યું છે વારસામાં.

હવે મારે
એની રેતીની લકીરોમાં
જળની લહેરો
અને
જળની લહેરોમાં
રેતીની લકીરો
ઉકેલતાં ઉકેલતાં
શોધી કાઢવાં છે
દરિયાને તળિયેથી રણ
અને
રણમાં ગરક દરિયો.

મારી મથામણ છે
સાગર તળે ખોવાયાં
ઊંટનાં પગેરું માટે,
રણ વચાળે ક્યાંક ધરબાયેલાં
મત્સ્યોના તરફડાટ માટે.

આ કંઈ સમુદ્રને મથીને રત્નો કાઢવાની વાત નથી;
આ તો વાત છે,
ઉલેચવા અને ઉલટાવવાનીઃ
આમ કવિતા કરવા કંઈ અમથો બેઠો હોઈશ!
૨૨-૧૦-’૯૧