નયન હ. દેસાઈની કાવ્યસંપદા/પૈથાભૈએ દીકરી પરણાવી તેનું ગીત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પૈથાભૈએ દીકરી પરણાવી તેનું ગીત

લીલોલીલો માંડવડો ને વચ્ચે ઊભા પૈથાભૈ
આંખોમાં ઝળઝળિયાં આવ્યાં દીકરીનાં કૈં સ્મરણો લૈ;

દીકરી એટલે દુનિયાદારી, દીકરી એટલે એક ઇતિહાસ
દીકરી એટલે ટોળે વળતાં ટહુકાઓનો આછો ભાસ;
દીકરી એટલે આમ કશું નૈ આમ જુઓ તો ઘટના ખાસ
પૈથાભૈએ આંખ લૂંછી ને ડૂસકું ભીંજાયું ર રે...

કાલ સુધી તો દોડદોડી, કાલ સુધી તો હસવાનું
આજ અચાનક પરદેશી પાદરમાં જઈને વસવાનું?
ગોરમાં પૂજતી આંગળીઓ પર શરમની પાંદડીઓ ખીલવાનું
બેય હથેળીથી મહિયરનાં કુંવારાં સ્મરણો ઝીલવાનું;
મને પૂછશે ઉમ્બર, આંગણ, મંદિર, ફૂલો સૂની સૈ

ભીંતે તારા હિંગળાજ થાપા આગળ દીવો સળગે છે,
ભોંય પડેલું આંસુનું એક ટીપું મુજ હૈયે વળગે છે
ગોરમા! ગોરમા! ટપ ટપ પગલીનાં ફોરાંઓ સૂના આંગણે
પદર એક પીઠી ચોળેલું ઝમરખ ઝમરખ ઊભું બારણે
પૈથાભૈને શ્વાસ ચઢ્યા ને બેસી પડ્યા પગથિયે જૈ...