નવલકથાપરિચયકોશ/પળનાં પ્રતિબિંબ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૮

‘પળના પ્રતિબિંબ’ : હરીન્દ્ર દવે

– દીપક રાવલ
Palana prtibimba.jpg

(‘પળના પ્રતિબિંબ’, પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી, મુંબઈ. પ્રથમ આવૃત્તિ ૧૯૬૬ (૧૮૦૦ કોપી), દ્વિતીય આવૃત્તિ ૧૯૮૪ પૃ. ૧૭૦. (૧૦૦૦ કોપી), તૃતીય આવૃત્તિ ૧૯૯૨. પૃ. ૧૭૬. (કોપીની સંખ્યા જણાવી નથી). હરીન્દ્ર દવે ગુજરાતી ભાષાના ખ્યાત અને પ્રતિભાસંપન્ન સર્જક છે. તેમના પિતાશ્રીનું નામ જયંતીલાલ અને માતુશ્રીનું નામ સવિતાબહેન. તેમનો જન્મ તા- ૧૯ સપ્ટેમ્બર, ૧૯૩૦ના કચ્છના ખાંભરામાં થયો હતો અને તેમનું અવસાન ૧૯ માર્ચ, ૧૯૯૫માં મુંબઈમાં થયું હતું. તેમણે મેટ્રિક ભાવનગરમાં ૧૯૪૭માં કર્યું અને ૧૯૫૦માં મુંબઈ આવ્યા. ગુજરાતી અને અંગ્રેજી વિષય સાથે બી.એ ઓનર્સ (૧૯૫૧) અને એમ.એ (૧૯૬૧)ની પદવી મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી. હરીન્દ્ર દવેએ તેમની કારકિર્દીનો પ્રારંભ ‘ચિત્રપટ’ સાપ્તાહિકમાં ફ્રીલાન્સ પત્રકાર તરીકે અને ‘ચિત્રભારતી’ના ઉપતંત્રી તરીકે કર્યો હતો. ૧૯૬૨માં તેઓ ભારતીય વિદ્યાભવનના મુખપત્ર ‘સમર્પણ’ના સંપાદક થયા. ૧૯૬૮માં અમેરિકન માહિતી કચેરીના ગુજરાતી વિભાગના તંત્રી બન્યા. ૧૯૭૩થી ૧૯૭૮ સુધી ‘જનશક્તિ’ના તંત્રીપદે રહ્યા અને ૧૯૭૯માં ‘જન્મભૂમિ’-સાંધ્ય દૈનિક, ‘પ્રવાસી’-સવારનું દૈનિક અને ‘જન્મભૂમિ–પ્રવાસી’ સાપ્તાહિકના મુખ્ય તંત્રી તરીકે નિમણૂક પામ્યા. તેમની માત્ર ગુજરાત કે મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં એક સફળ અને પ્રભાવશાળી પત્રકાર તરીકેની પ્રતિષ્ઠા હતી. હરીન્દ્ર દવેએ સાહિત્યના લગભગ બધાં જ સ્વરૂપોમાં, કવિતા-નવલકથા-ટૂંકી વાર્તા-નાટક-નિબંધ-બાળસાહિત્ય-અનુવાદ-આસ્વાદ, નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર; હાર્મની એવૉર્ડ, બી.ડી. ગોયેંકા એવૉર્ડ, કબીર એવૉર્ડ જેવા અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. તેમણે અમેરિકા, રશિયા, ફ્રાંસ, પાકિસ્તાન, ઇંગ્લૅન્ડ જેવા દુનિયાના અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો.

*

હરીન્દ્ર દવેની ‘પળના પ્રતિબિંબ’ સાવ જુદા જ પ્રકારની કૃતિ છે. કેટલાક વિવેચકોએ આ કૃતિને નવલકથા કહી છે તો કેટલાકે લઘુનવલ કહી છે. સ્વરૂપોના એ વિવાદમાં આપણે નહીં જઈએ અને આ કૃતિને એક સર્જનાત્મક કૃતિ તરીકે જ જોઈશું. આ કૃતિની પ્રથમ અને દ્વિતીય આવૃત્તિમાં લેખકે પોતાનું નિવેદન આપ્યું નથી પરંતુ ત્રીજી આવૃત્તિમાં આપ્યું છે. બીજી આવૃત્તિમાં લેખકને આ કૃતિ વિષેના સુંદરમ્‌, ચંદ્રકાંત બક્ષી, મનસુખલાલ ઝવેરી, રઘુવીર ચૌધરી અને ભગવતીકુમાર શર્માના પત્રોના અંશ મૂક્યા છે. સુંદરમ્‌ને આ નવલકથામાં ‘અનુભવની સભરતા, પરિસ્થિતિની સભરતા અનુભવાતી નથી.’ ચંદ્રકાંત બક્ષીને આ હિમ્મતભર્યો પ્રયોગ લાગ્યો અને લેખકનો સંગીતનો GRASP જોરદાર લાગ્યો છે. મનસુખલાલ ઝવેરીને લેખકની આલેખનરીતિ ગમી છે. રઘુવીર ચૌધરીને ‘આરંભનો ભાગ સંવેદનની સૂક્ષ્મતાથી’ સમૃદ્ધ લાગ્યો છે પરંતુ લેખકે કૃતિના અંત પહેલાં જે વર્ણનરીતિ અપનાવી છે તે બદલી ન હોત તો સારું થાત એમ લાગે છે. ભગવતીકુમાર શર્મા આ કૃતિને એક નોંધપાત્ર પ્રયોગ તરીકે જુએ છે.

*

હરીન્દ્ર દવેએ ‘પળના પ્રતિબિંબ’ કવિ સુંદરમ્‌ને અર્પણ કરી છે. કૃતિના પ્રારંભમાં લેખકે કવિ JUAN RAMON JIMENEZનું કાવ્ય મૂક્યું છે. એ કાવ્યની પ્રથમ પંક્તિ છે : WHO KNOWS WHAT IS ON THE OPPOSITE SIDE OF EACH OTHER! બીજું પણ એક કાવ્ય મૂક્યું છે, જેના કવિનું નામ લખ્યું નથી. કદાચ હરીન્દ્ર દવેનું જ છે. એ કાવ્યની અંતિમ પંક્તિઓ છે : ‘મૃત્યુ એ નિદ્રા છે એ સમજું તો કદાચ સૂઈ શકું’.

*

સામાન્ય રીતે નવલકથા વાંચતી વખતે આપણને અપેક્ષા હોય કે તેમાં કોઈ નાયક હશે, નાયિકા હશે, ખલનાયક હશે. આ કૃતિમાં કોઈ એક નાયક-નાયિકા નથી બલ્કે દરેક પાત્રની પોતાની કથા-વ્યથા છે. દરેક પાત્રની સંવેદન રેખાઓ એકબીજાને છેદે છે. લેખકે કોઈ પ્રકરણોમાં કથા આલેખી નથી. જાણે કોઈ ફિલ્મની સ્ક્રીપ્ટ હોય એમ પાત્રો વચ્ચેના સંવાદોમાં કથા ઊઘડતી આવે છે. લેખકે આ પાત્રોના જીવનની પળોને શબ્દસ્થ કરી છે જેમાં પાત્રોનાં પ્રતિબિંબ જોઈ શકાય છે. પ્રેમ અને મૃત્યુ આ કથાના કેન્દ્રમાં છે. પ્રેમ અને મૃત્યુનાં વિવિધ રૂપ અહીં આલેખાયાં છે. વત્સલ અને રંજના, દિલાવર અને સુહાસ, નિતિન અને નાન્સીના સંબંધોમાં લાગણીનાં અનેક સ્તર છે તો મનોહરલાલ અને સુરેખા, ખાં સાહેબ અને મુન્નીબાઈના સંબંધોનું સ્તર જુદું છે. વત્સલની આ ઉક્તિથી કૃતિનો પ્રારંભ થાય છે : ‘ત્રણ વખત આ હૃદયમાં તિરાડ પડી છે; હવે વધુ નહીં ટકી શકું.’ પાસે રંજના બેઠી છે જે વત્સલને ખૂબ ચાહે છે. રંજનાના ઉદ્યોગપતિ પિતા મનોહરલાલને પસંદ નથી. જોકે મનોહરલાલ પોતાની વાત રંજના સમજે એમ ઇચ્છે છે જરૂર પણ કોઈ જબરજસ્તી કરવા ઇચ્છતા નથી. રંજનાની બહેન સુહાસ દિલાવરના પ્રેમમાં છે. દિલાવરના પિતા ખાંસાહેબ સંગીતજ્ઞ અને ગાયક છે. મનોહરલાલના ખાંસાહેબ પર અગણિત ઉપકાર છે. મનોહરલાલને લીધે જ એ ટકી શક્યા છે. એ બંનેની વર્ષો જૂની મૈત્રી છે. મનોહરલાલ રંજનાને મનોચિકિત્સક ડૉક્ટર શાહ પાસે મોકલે છે. ડૉક્ટર શાહને બુદ્ધિશાળી રંજનામાં રસ પડે છે. એ રંજનાને હૃદયરોગી વત્સલથી મુક્ત કરાવી મનોહરલાલ પર ઉપકાર કરવા ઇચ્છે છે. નીતિન મશીન ટૂલ્સનો વ્યવસાય કરે છે. એને અનેક સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ થાય છે. નિતિન સુહાસ સામે પ્રેમનો પ્રસ્તાવ મૂકે છે પણ એ નકારે છે. એ એના ચિત્રકાર મિત્ર અશેષને ત્યાં મોડેલ નાન્સીને જુએ છે અને એના પ્રત્યે આકર્ષાય છે. નાન્સી આગળ એ લગ્નનો પ્રસ્તાવ પણ મૂકે છે પરંતુ નાન્સી કહે છે કે ‘તમે સંપૂર્ણ સ્ત્રીત્વ ઝંખો છો જે કોઈને ક્યારેય મળતું નથી.’ અને ઉમેરે છે; ‘તમે વહેમાવાની પ્રકૃતિ બદલી ન શકો. બંનેના જીવતર ઝેર થઈ જાય’ કહીને ના કહે છે. નાન્સી પોતાના જીવનથી કંટાળી આત્મહત્યા કરી લે છે. દિલવારને ખાં સાહેબ કહે છે કે મનોહરલાલને કોઈ રીતે એમને સમાજમાં નીચું જોવા જેવું ન થાય તે જોજે. કદાચ તેથી દિલાવર સુહાસને લગ્ન માટે ના કહે છે. એને માટે સંગીત જ એનો ધર્મ છે. સુહાસને એ કહે છે, ‘અમારે ત્યાં ગૃહિણી હંમેશાં દુઃખી થાય છે.’ સુહાસને ‘ના’ કહ્યા પછી દિલવારને સંગીતમાં પણ રસ પડતો નથી. ખાંસાહેબ દિલવારને ઘર છોડી દેવા કહે છે.’ જેને સંગીતમાં રસ ન હોય એ સંતાનનો મને ખપ પણ નથી.’ દિલાવર ઘર છોડી એની બહેન સુલ્તાનાને ત્યાં ચાલ્યો જાય છે જેને ખાં સાહેબ નફરત કરતા હોય છે. ખાંસાહેબ અને મનોહરલાલની પ્રણય કથા જુદી છે. મુન્નીબાઈ ખાંસાહેબને દારૂનું વ્યસન છોડાવવા માટે દીકરા દિલવારને લઈને ઘર છોડી દે છે. પાંચ વર્ષ પછી દીકરાને સંગીતમાં પારંગત કરી ખાંસાહેબને પાછો સોંપે છે. એનું સમગ્ર જીવન ખાંસાહેબને કેન્દ્રમાં રાખીને જ જિવાયું છે. મનોહરલાલ અને સુરેખાનું દાંપત્ય જીવન સાત વર્ષનું. પહેલાં પાંચ વર્ષ પ્રસન્નતામાં વીત્યાં. બે દીકરીઓ થઈ રંજના અને સુહાસ. પછી સુરેખા બે વર્ષ બીમાર રહી. મનોહરલાલે એના અંતકાળ સુધી ખૂબ સેવા કરી. સુરેખાએ મનોહરલાલને અંતકાળે ભલામણ કરી હતી કે ‘હું ન હોઉં ત્યારે મારી જગ્યા ખાલી ન રહેવા દેતા.’ મનોહરલાલે એ ખાલી જગ્યા સુરેખાની સ્મૃતિઓથી અને સંગીતથી ભરી. મૃત્યુનાં પણ અનેક રૂપ અહીં જોવા મળે છે. વત્સલને ત્રણ એટેક આવી ગયા છે. એ પોતાના મૃત્યુનો ચહેરો સતત જોયા કરે છે. એને સપનાં આવે છે કે એ પોતાની લાશને ખભો આપી રહ્યો છે. દિલાવર અને સુહાસ એક વિખ્યાત કવિને મળવા જાય છે જે સઘળું ભૂલી ગયો છે, કવિતા લખવાનું પણ. એની પત્ની એને નાના બાળકની જેમ સાચવે છે. પ્રેમનું આ પણ એક રૂપ! કવિ મૃત્યુ પામે છે. મુન્નીબાઈ અને સુરેખાનાં મૃત્યુનાં સંસ્મરણો છે. એક અન્ય મહત્ત્વપૂર્ણ મૃત્યુની ઘટના વત્સલની માતાની છે. એ ‘મુંબઈમાં મારો ધર્મ ન સચવાય’ એમ કહીને વત્સલ સાથે રહેવા ન આવી. વત્સલ જ્યારે દિલાવરને સાથે લઈને મળવા જાય છે ત્યારે એ એની માતાનું જુદું જ રૂપ જુએ છે. કોઈને પણ પોતાના પૂજાઘરમાં પ્રવેશવા ન દેતી માતા દિલવારને પૂજા રૂમમાં બોલાવી સૂરદાસનું પદ ગાવા કહે છે ત્યારે વત્સલના આશ્ચર્યનો પાર રહેતો નથી. સૂરદાસનું પદ ‘જા દિન મન પંછી ઊડી જઈ હૈ / તા દિન તેરે તન-તરુવર કે / સવૈ પાન ઝરી જઈ હે’ ગાતા દિલાવરમાં એને રસખાનનો ચહેરો દેખાય છે. ધર્મ જ્યારે અધ્યાત્મની કક્ષાએ પહોંચે છે ત્યારે બધા ભેદ ઓગળી જાય છે. વત્સલ એની માતાને અંતકાળે જમનાનું જળ પીવડાવે છે. એને ગોલોકમાં લઈ જવા ચોર્યાસી વૈષ્ણવો વિમાન લઈને આવ્યા છે!! મૃત્યુ પણ એક અવસર બની ગયો છે!! પ્રેમ અને મૃત્યુનું ચિંતન બીજાં કેટલાંક પાત્રો અને પ્રસંગો દ્વારા ઘૂંટાયું છે. સમગ્ર કૃતિ પાત્રોના સંવાદોમાં વિકસે છે. પરંતુ કૃતિના અંત ભાગમાં લેખક સર્વજ્ઞ બની કથા સમેટે છે. સુહાસ નોકરી કરે છે. અંતે વત્સલ અને રંજનાનાં લગ્ન નક્કી થયાં છે. સુહાસ બહેનના લગ્નની તૈયારી એક માતાની જેમ કરે છે. મનોહરલાલે વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ખાંસાહેબ એકલા છે. ખાંસાહેબ અને મનોહરલાલ મૃત્યુની પ્રતિક્ષામાં જીવે છે. ડૉ. શાહને રંજના પ્રત્યે આકર્ષણ થયું હતું. હવે એ બીજાં દર્દીઓની સેવામાં વ્યસ્ત થયા હશે. સુહાસના મનમાં હવે થાય છે કે નિતિન ફરી એને પ્રસ્તાવ મૂકે...

*

કૃતિમાં પ્રયોજાયેલી ભાષા નમણી છે. કૃતિની તાજગીપૂર્ણ ભાષા વાંચતાં જ અનુભવાય કે આ કોઈ કવિએ લખેલી છે. જોકે ધ્યાનથી વાંચીએ તો સમજાય કે બધાં જ પાત્રો લેખકની જ ભાષા બોલે છે!! બધાં જ પાત્રોનું જીવન પરસ્પર કોઈ ને કોઈ રીતે સંકળાયેલું છે. બધાં જ પાત્રો કશુંક અપ્રાપ્ય ઝંખે છે. અહીં કોઈ ખલ પાત્ર નથી. બધાં પાત્રો ગુણ-દોષથી ભરેલાં અધૂરાં માનવીઓ છે. એક તરફ દીકરીઓની ચિંતા કરતા મનોહરલાલ તો બીજી તરફ પોતાનાં દીકરા-દીકરીને ત્યજતા ખાંસાહેબ, ઈશ્વરમાં અનન્ય નિષ્ઠા ધરાવતી વત્સલની માતા, કવિને બાળકની જેમ સાચવતી તેની પત્ની અને ખાંસાહેબને ચાહતી મુન્નીબાઈ, પિતાની ઇચ્છાને કારણે પોતાની પ્રિયતમાને ત્યજતો દિલાવર, અનેક સ્ત્રીઓમાં પૂર્ણ સ્ત્રી શોધતો નિતિન, મૃત્યુના દ્વારે ઊભેલા વત્સલને ચાહતી રંજના વગેરે પાત્રો અનેક વિરોધાભાસથી ભરેલાં છે. આ પાત્રોની મૂંઝવણ દરેક વ્યક્તિએ જીવનમાં કોઈ વાર કોઈ ને કોઈ રૂપે અનુભવી જ હશે. હરીન્દ્ર દવેના જ શબ્દોમાં કહીએ તો ‘લવણનાં પૂતળાં સાગરનું ઊંડાણ માપવા નીકળ્યાં છે.’ અહીં ક્ષણોનું સત્ય છે અને એ સત્ય વિશિષ્ટ અર્થમાં સનાતન છે. લેખકની ભાષા લાઘવપૂર્ણ છે. કૃતિમાં ઠેર ઠેર આવતાં સૂત્રાત્મક વાક્યો વાચકને વિચારવા વિવશ કરે છે. લેખકે જાણે જીવન અને મૃત્યુની, ધર્મ અને અધ્યાત્મની, પ્રેમ અને વાસનાની, નાત-જાતની કશા ઊહાપોહ વિના, મીમાંસા કરી છે. લેખકે આ કૃતિમાં અનેક પ્રયુક્તિઓ પ્રયોજી છે. લેખકને શાસ્ત્રીય સંગીતનું ઊંડું જ્ઞાન છે તે તેમણે પાત્રોના ભાવને અનુરૂપ પ્રયોજેલા ભઠિયાર, તોડી, ભૈરવી, મળકૌંસ વગેરે રાગોથી થાય છે. બાળવાર્તાઓનો પ્રયોગ પ્રભાવક રીતે થયો છે. વત્સલે પોલિયોથી પીડાતા સંદીપને કહેલી કાળિયાર પાછળ ભટકતા કૂતરાની વાર્તા કૃતિના સમગ્ર કથયિત્વને પ્રગટ કરી આપે છે. તદુપરાંત શતરંજની રમતનો પણ પ્રતીકાત્મક ઉપયોગ થયો છે.

*

જીવનને એની સમુચિત અવસ્થામાં પામી મૃત્યુનો સંદર્ભ પામતી આ સૃષ્ટિનો ભાવમર્મ એકંદરે આધુનિક છે, ને તેથી જ આ નાનકડી રચના પણ આ અભ્યાસમાં મહત્ત્વપૂર્ણ સ્થાનની અધિકારી બની છે. વત્સલ આદિને મળેલું જીવન પ્રત્યેક ક્ષણે કરુણનું જ પરિચાયક જણાય છે. ને એમાં માનવીય અસ્તિત્વની છબી આધુનિક વેદનશીલતાના દ્રાવણમાં ધોવાઈને તૈયાર થતી જોવાય છે. ‘ચંદ્રકાંત બક્ષીથી ફેરો’ – સુમન શાહ. પૃ. ૧૩૬

ડૉ. દીપક રાવલ
નિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ,
ગુજરાતી વિભાગ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા
પૂર્વ આચાર્ચ આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, ખેડબ્રહ્મા અને
ફાઇન આટ્‌ર્સ ઍન્ડ આટ્‌ર્સ કૉલેજ, પાનલપુર
વાર્તાકાર, વિવેચક, અનુવાદક
મો. ૯૯૯૮૪૦૨૨૬૪
Email: ravaldipak34@gmail.com