નારીસંપદા : ટૂંકી વાર્તા/ઘુઘરીનો અવાજ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઘૂઘરીનો અવાજ

સ્વાતિ રાજીવ શાહ

એની આંખ અચાનક ખૂલી ગઈ. ઝીણો ઝીણો ઘૂઘરીનો અવાજ આવી રહ્યો હતો. ‘ઘૂઘરીનો અવાજ... અત્યારે?’ એણે માથું હલાવ્યું, જાણે ઘૂઘરી વિશેનો વિચાર પણ ઝટકી નાખવો હોય. પણ એમ પીછો ક્યાંથી છૂટે? નક્કી મને ભણકારા થાય છે. બાકી ઘૂઘરીનો અવાજ અહીં ક્યાંથી આવે, એ પણ અડધી રાતે? એણે ચાદર ખેંચીને માથાની ઉપર લઈ લીધી અને આંખો મીંચીને સૂવાનો પ્રયત્ન કર્યો. ફરી એ જ અવાજ. એણે બે હાથથી કાન ઢાંક્યા ને પછી ખોલ્યા. પણ અવાજ ફરી આવ્યો. હવે તો એ ચોક્કસ થઈ ગયું કે ભણકારા નથી, અવાજ તો આવે જ છે. ત્રણ ત્રણ વખત કંઈ ભૂલ થોડી થાય? પણ... પણ એ શક્ય જ ક્યાંથી બને? ત્યાં તો ફરી એક વાર... ભલે ઝાંખો ઝાંખો, પણ અવાજ તો છે જ ! ને ઘૂઘરીનો જ અવાજ છે. એ ઊભી થઈને બારી પાસે ગઈ. પાછળ તો ખુલ્લો વાડો. ફળિયામાંથી જ વાડામાં જવાય. બહારનું કોઈ આવી ન શકે. ત્યાં પણ અંધારા સિવાય કંઈ જ દેખાયું નહીં. માત્ર ઘૂઘરીનો અવાજ કાને પડ્યો. હવે તેને બીક લાગી. ઘૂઘરીનો અવાજ હોય તો નક્કી કો’ક ભૂત કે ચુડેલ જ ! બાકી માણસ તો આ અવાજ કરે જ નહીં – આ ઘરમાં કે આ ડેલામાં તો નહીં જ. એણે બાજુમાં સૂતેલા સુરેશ પર નજર કરી. એ તો એ...યને ઘોડા વેચીને ઊંઘી ગયેલો. એને દયા આવી ગઈ. આખો દિવસ લુહારી કામથી થાકેલો બિચારો ઊંઘી જ જાય ને ! એની કાયમ એક પડખે સવાર પડતી. ક્યારેક જ બહુ થાક્યો હોય અને શરીર દુખતું હોય તો પડખા ફરે, ને પછી પોતે હાથ-પગ દબાવી આપે ત્યારે બરાબર ઊંઘી જાય. આમાં એને ઝીણો ઝીણો અવાજ તો સંભળાય પણ ક્યાંથી? આમ પણ ઘણ, હથોડા અને વેલ્ડિંગના અવાજો સાંભળી સાંભળીને બહેરા થયેલા એના કાન હવે ઝીણો અવાજ ઝીલી જ ક્યાં શકતા? ઘૂઘરીનો ઝીણો અવાજ ફરી આવ્યો. એણે સુરેશને ઢંઢોળ્યો, “સાંભળો છો?” પણ એમ એક વારમાં એ નો’તો સાંભળવાનો. એણે બે ત્રણ વાર જોરથી હલબલાવ્યો ત્યારે એ જરા જાગ્યો, “હું છે? અડધી રાતે કાં ઉઠાડ? હખે હુવા તો દે !” જે ગામડિયા બોલીથી શરૂઆતમાં એના હૃદયમાં ચીરા પડતા એનાથી હવે એ ટેવાઈ ગઈ હતી. એ બોલી, “આ ક્યાંકથી ઘૂઘરીનો અવાજ આવે છે.” “ઘૂઘરીનો અવાજ નો આવે આંય. હુઈ જા છાનીમુની.” ને એ પડખું ફરી ગયો. બીજી મિનિટે નસકોરાનો અવાજ શરૂ. એણે ફરી ધ્યાન માંડ્યું. પણ થોડી વાર સુધી રાહ જોયા છતાં ઘૂઘરીનો અવાજ ફરી ન આવ્યો. હાશ ! બીક ઊડી ગઈ. એને લાગ્યું કે સાચે જ એ પોતાનો વહેમ હશે. ઘૂઘરીનો અવાજ અહીં હોય જ ક્યાંથી? આખા ડેલામાં ચારેય ઘર એક જ કુટુંબના એટલે બધાયના રિવાજ સરખા, મનાઈઓ પણ. ને દેવની આડી, માતાજીની આડી, આપણાં કુટુંબમાં આમ ન થાય ને તેમ નથી થતું વગેરે પણ સાવ સરખાં. એટલે આજુબાજુના ઘરમાંથી પણ ઘૂઘરીનો અવાજ ન જ આવી શકે. તો પછી... એ સાચે જ એનો વહેમ હશે. પણ... દબાવી દીધેલી ઇચ્છાઓ આમ સાવ અચાનક મોલ વચ્ચે નિંદામણની જેમ ઊગી આવતી હશે? એ પણ સાવ કોઈ કારણ વગર? આંખો બંધ કરતાં જ એને લાગ્યું કે એ ક્યાંક ઊંડે ઊંડે સરી રહી છે. એક નાનકડી ઢીંગલી, ઘૂઘરીવાળા ઝાંઝર પહેરીને છમ છમ ચાલતી... એક કન્યા, નોરતાંમાં સજીધજીને ઝાંઝર પહેરીને રૂમઝૂમ ગરબે રમતી... કૉલેજમાં પહેલી વાર જવા તૈયાર થતી વખતે ઝાંઝર કાઢીને માત્ર ચાર ઘૂઘરીવાળા સાંકળા પહેરતી છોકરી... સગાઈના સાંકળામાં ઘૂઘરી ન જોતાં ડબડબાયેલી આંખે માની સામે જોઈ રહેલી છોકરી... ઘૂઘરીનો રણકાર ઓછો ને ઓછો થતો ગયો, ને અંતે ગાયબ. સવારે ઊઠીને તે કામમાં પરોવાઈ ગઈ ને રાતની વાત ભૂલાઈ ગઈ. બપોરે કામ પતાવીને નવરી પડી એટલે ફરી એ અવાજ યાદ આવ્યો. એણે ચાનો કપ ધરતાં સાસુને કાને વાત નાખી. “બા, કાલ અડધી રાતે ઊંઘ ઊડી તો ઝીણો ઝીણો ઘૂઘરીનો અવાજ આવતો હતો.” સાસુ હસી પડ્યાં, “ઘેલી, રાતના તો કંહારી બોલતી હોય.” “કંહારી એટલે?” “એક જાઇતનું જીવડું, જી રાતના જ બોલે.” “કંસારીનું કહો છો, બા?” એને હવે સમજાયું. “હા, ઈ જ. આંય ગામડામાં કંહારી કેવાય.” ને પછી ધીમેથી ઉમેર્યું, “મોટી સે’રવારી નો જોય હોય તો !” એ સમસમી ગઈ પણ ચૂપ રહી. ‘ખરેખર જીવડાંનો અવાજ હોઈ શકે? ના, કંસારીનો અવાજ તો સાંભળેલો છે. આ એ નહોતો. હતો તો ચોખ્ખેચોખ્ખો ઘૂઘરીનો જ અવાજ.’ વળી કામમાં પડી ને વિચાર અટક્યા. પણ વધુ વાર માટે નહીં. ‘એ દિવસે રેખાભાભી કહેતાં હતાં એ... હું તો બોલી ગયેલી. તો ખરેખર કોઈ મારી સાથે...’ એણે દોડીને પોતાને અરીસામાં જોઈ, ધારીધારીને જોઈ. ના, પોતાનાં સિવાય કોઈ દેખાયું નહીં. તોય જઈને સાસુને પૂછ્યું, “બા, મારામાં તમને કોઈ બીજું દેખાય છે?” “હું ગાંડા જેવી વાત કરસ? તારામાં વરી કોય બીજું થોડું દેખાય?” “એમ નહીં, બા...” “તો કેમ?” બાનો અવાજ ઊંચો થયો ને એ ચૂપ થઈ ગઈ. સાંજે બહાનું કાઢીને એ રેખાભાભીને ઘેર ગઈ. “ભાભી...” હજુ તો એટલું બોલી ત્યાં રેખાભાભી ઝડપથી ઊંધું ફરી ગયાં ને એ અટકી ગઈ. ભાભીએ ઝડપથી કબાટ ખોલીને બંધ મુઠ્ઠી કપડાંની નીચે સરકાવી ને કબાટ વાસી દીધો. તરત જ પલટીને ઓઝપાયેલું હસ્યાં. “અરે સીતલ, આમ વાવાઝોડાની જેમ? હું થ્યું?” એણે જે જોયું એ એને અજીબ લાગ્યું. પણ એણે અવગણીને પોતાની વાત કરી. “ભાભી, કાલે અડધી રાતે ઝીણો ઝીણો ઘૂઘરીનો અવાજ આવતો હતો.” એને લાગ્યું કે આ સાંભળીને રેખાભાભીનો ચહેરો ફિક્કો પડી ગયો. પણ બીજી જ ક્ષણે એ દબાયેલા પણ મક્કમ અવાજે બોલ્યાં, “ઘેલહાગરી હું થા છો, સીતલ? વાલામુઈ, તને નથ ખબર કે આપડા ડેલામાં ઘૂઘરીને ઘરવાની જ મનાઈ સે?” “પણ ભાભી...”

“પણ ને બણ ! મને ખબર્ય સે તને હાંકરા પે’રવાનો બોવ સોખ સે. તી ઈ હારુ તારા કાન બોલે સ. કોયને કે’તી નંય પાસી, નકર તને ઘનચક્કર કે’હે. હઇમજી ને !”

એણે પેલી જોડે આવવાવાળી વાત કહેવા કોશિશ કરી પણ... રેખાભાભીએ જલ્દી જલ્દી વાત આટોપીને એને ઘેર મોકલી આપી. એનું મન આમથી તેમ ભટકતું રહ્યું – કંસારી, કે કોઈ બીજું જીવડું? ઘૂઘરી જ હોય તો કોની? માણસ કે ભૂત-ચૂડેલ? રાતે પથારીમાં પડતાં જ ફરી ગઈ કાલે સાંભળેલા ઘૂઘરીના અવાજે પોત પ્રકાશ્યું. સુરેશ જાગતો હતો ત્યાં સુધી તો એ અત્યારની ક્ષણ અને ગઈ કાલ રાતના ભણકારા વચ્ચે અટવાતી રહી પણ એના ઊંઘી ગયા પછી તો પૂરેપૂરી એ અવાજના ભરડામાં આવી ગઈ. ઊભડક જીવે રાહ જોતી રહી કે ફરી અવાજ આવે છે કે... બારેક વાગ્યા ને ફરી એ ઘમકાર સંભળાયો. એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. એનાથી સુરેશનો હાથ કચકચાવીને પકડાઈ ગયો. એ તો પથ્થર થઈને ઘોરતો રહ્યો. એની નજર આપોઆપ બારી તરફ ગઈ. વાડામાં કંઈક હલતું વર્તાયું. એ જ... એ જ... હવે તો નક્કી.

*

“આ લોકો માતાજીની આડી, રિવાજો, વહેવારોનું નામ દઈને આપડી જિંદગીમાંથી કેટકેટલાં અરમાનોની બાદબાકી કરી નાખે, નહીં? હું કે’સ સીતલ?” એની જેઠાણી-મોટા સસરાની વહુ બોલી. “શેની વાત કરો છો, ભાભી?” “સેનીય નહીં. અમથી જ વાત કરું સું.” “હા, રેખાભાભી, વાત તો સાચી. ને આપણાથી કંઈ કહેવાય પણ નહીં. આપણા સંસ્કાર આપણને નડે.” એનાંથી બોલાઈ ગયેલું. રેખાભાભી હસી પડેલાં, “સંસ્કારનું ભૂત જીવ લઈને જાય. તારા જેઠ મારા હાટુ બવ જીવ બાળે પણ બા સામું બોલી નો હકે. ને માતાજીની આડીનો કોઈ રસ્તોય નો થાય.” “હા, ભાભી, સાચી વાત છે.” બંને જણી જાણે પોતપોતાની બંધ બાજી રમી રહી હતી. “આ જનમ તો આમ જ જવાનો. આવતા જન્મે બધા શોખ પૂરા કરાવજે માતાજી !” એણે ઉપર તરફ જોઈને હાથ જોડ્યા. “સોખ તો ઠીક પણ ખોટ તો આ જનમે જ પૂરજે માવડી” રેખાભાભી ઉતાવળે બોલી ગયાં ને પછી જોરથી હસી પડ્યાં. શીતલ એમની બાળકની ખોટની પીડા પારખી ગઈ. વાત બદલવા બોલી, “હવે હાલો, ઝટ પગ ઉપાડો, ભાભી, અંધારું થાવાની તૈયારી છે. ઝટ ઘરે પહોંચી જઈએ. નહીંતર વળી બા કે’શે કે એય સીતલ, આમ સંધ્યાટાણે ‘હાલ’ કે ‘હાલો’ એમ નંઈ કે’વાનું. કોઈ ભૂત, ચૂડેલ હાંભરી જાય તો ભેળા આવી જાય.”

*

સાચે જ પરમદિવસે મારાથી બોલાઈ ગયેલું તે... મને જ વળગી હશે, નક્કી ! અચાનક પેટમાં ચૂંથારા જેવું થતું લાગ્યું. એને થયું કે પેશાબ છૂટી જશે. એ દોડીને બાથરૂમમાં ભરાઈ. હળવા થયા પછી પણ મન પરથી ભાર ન ઊતર્યો. એ બાથરૂમમાં જ ખૂણામાં પગ ગોઠણથી વાળીને બેય હાથ એની ફરતી વીંટાળીને બેસી ગઈ. ઘૂઘરીનો અવાજ જાણે કે દરવાજાની બહાર જ રોકાઈ જવાનો હોય. પણ ના, અહીં તો અવાજ જરા સરખો સંભળાયો. એ પારેવા સરખી ફફડી રહી. એણે પગ ફરતે ભીંસ વધારી ને માથું ગોઠણ પર ઢાળી દીધું. જાણે ગૂંચળું વળીને પોતાના જ શરીરમાં છુપાઈ જવા ઇચ્છતી હોય. ઠંડી ચડી ગઈ ને એમાં દાંત કટકટવા લાગ્યા. ઉબકોય આવ્યો. ભેગોભેગો કપાળ પરથી રેલો પણ ઊતર્યો. આખું શરીર પણ રેબઝેબ. કપડાં પલળી ગયાં. એણે મદદ માટે સુરેશને બૂમ પાડવા કોશિશ કરી પણ અવાજ ગળામાં જ ફસાઈ ગયો. આંખો આકળવિકળ થવા લાગી. શરીર ઠંડું પડવા લાગ્યું. એને લાગ્યું કે બસ, હવે ખતમ. ચૂડેલ એનો જીવ લઈ લેશે. એટલામાં ઝાંઝરના અવાજ સાથે ધીમો ધીમો કોઈના હસવાનો અવાજ આવ્યો. એને છાતીમાં સખત મુંઝારો ઉપડ્યો. એને થયું કે એ બેભાન થઈ જશે. પણ એવામાં... ‘તું આટલી કેમ બીએ છે? ભણેલી ગણેલી થઈને ભૂત-ચૂડેલ જેવા વહેમમાં માને છે?’ ‘પણ... મેં અવાજ સાંભળ્યો...’ ‘તો? અવાજ સાંભળ્યો ને ડરી ગઈ?’ મૂક સંવાદ ચાલુ રહ્યો. ‘અહીં આસપાસ ખરેખર ઘૂઘરીનો અવાજ હોવાનું શક્ય જ નથી એટલે...’ એને પોતાને જ એ દલીલ પોકળ લાગી. હવે શરીરની ધ્રુજારી બંધ થઈ ગઈ. ‘વાત તો સાચી છે. હકીકત શું છે એની તપાસ કરવાને બદલે હું તો ડરી ગઈ. આ રેખાભાભીની સંગતમાં હું પણ... ધૂળ પડી મારા ભણતરમાં !’ એ ઊભી થઈ ને પાણીની છાલક ચહેરા પર મારી. કપડાં બદલીને પાણી પીધું. સુરેશ તરફ એક નજર કરી. એ તો હજુ એમ જ ઊંઘી રહ્યો હતો. મનોમન હનુમાનજીનું નામ લઈને એણે પગ ઉપાડ્યા. હળવેકથી દરવાજો ખોલીને ઓસરીમાં આવી. સાસુ-સસરાના ઓરડા તરફ જોયું. બધું એકદમ શાંત હોવાની ખાતરી કરીને એ ફળિયાને બદલે વાડા તરફ આગળ વધી. વાતાવરણમાં ઠંડક હતી. વાડામાં ઘાસ પર પગ મૂકતાં જ ઠંડીનું લખલખું આવી ગયું. પળવાર તો એને પાછા વળી જવાનું મન થયું. પણ પછી ઘૂઘરીના અવાજનો રાઝ જાણવા હિંમત ભેગી કરી. નહીંતર રોજ આ જ ડરમાં જીવવું પડે. એ ધીમે પગલે, જરાય અવાજ ન થાય એની સાવચેતી રાખીને ઘૂઘરીના રણકારની દિશામાં આગળ વધી. વાડામાં સાવ અંધારું હતું. રણકારને અણસારે જ ચાલવાનું હતું. ધીરે ધીરે એની આંખો અંધકારથી ટેવાતી ગઈ. દૂર... વાડાના છેક સામા ઘરના ભાગે કંઈક હલનચલન વર્તાયું. એના પગ ડગમગ્યા પણ મનને મક્કમ કરીને એણે હલનચલનની દિશા પકડી. થોડું જ આગળ વધતાં એક માનવાકૃતિ અને ઘૂઘરીનો અવાજ સ્પષ્ટ થયા. હવે એની હિંમત ખૂલી. એણે ઝડપ વધારી. થોડું નજીક પહોંચીને જે જોયું... એ ત્યાં જ થીજી ગઈ. ઝભ્ભો-લેંઘો પહેરેલો એક પુરુષ... ને લીલા રંગના દુપટ્ટાથી માથું ઢાંકેલું. થોડીક જ ઘૂઘરીવાળા ઝાંઝર પહેરીને પગને ઠેસ મારીને ધીમી ગતિએ નૃત્ય કરી રહ્યો હતો. થોડી વારે એ ચક્કર લેતાં શીતલ બાજુ ફર્યો. શીતલ એને જોઈ પૂતળું થઈ ગઈ, શીતલને જોઈ એ પણ... એ... એ રેખાભાભીનો વર... શીતલનો જેઠ હતો.