નારીસંપદા : ટૂંકી વાર્તા/સાહેબ એક વાત કહું?
દિવ્યા જાદવ
તમે હૉલમાં પ્રવેશીને સીધા જ આગળની લાઇન સામે આવીને ઊભા રહી ગયા. એ દિવસે હું પણ ત્યાં હાજર હતી એ બરાબર યાદ છે ને તમને સાહેબ? કાર્યક્રમ શરૂ થવાને હજુ વાર હતી. તમે તમારી સામે છેડે ગોઠવેલી ખુરશીઓની એકસરખી લાઇનોમાં, ત્રીજી લાઇન તરફ જોઈને વિચારમાં પડી ગયા. તમે મારી સામે વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા. હું તે દિવસે તમારી એ નજરને અને તમારા મનમાં ચાલતી વિમાસણને બરાબર સમજી ગઈ હતી. મેં તમારી સામે સ્મિત કર્યું; એટલે તમે તમારા મનમાં સળવળતા પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે મને પૂછી જ લીધું, “તમે બેઠાં છો કે ઊભાં છો? કંઈ સમજ નથી પડતી એટલે પૂછ્યું.” મેં પહેલાં કહ્યું એમ – તમારા મનમાં ઊઠતા સવાલની, અને એ સવાલને લઈને તમને જે માનસિક તકલીફ પડી રહી હતી એને હું સારી રીતે જાણતી હતી. પરંતુ આ સમયે મારે પણ સ્વસ્થતા જાળવી રાખવી જરૂરી જ હતી ને ! મેં મારા ચહેરાને અકબંધ રાખ્યો. તે દિવસે મારું સ્મિત ચહેરા ઉપરથી જરા પણ ખસે નહીં એની પૂરતી કાળજી રાખી હતી. પછી મેં તમારી આંખોમાં આંખો નાખીને સહજતાથી કહ્યું, “સાહેબ, હું બેઠી છું.” તમે આંખોના ડોળા નચાવતાં ફરી વાર કહ્યું, “મને એમ કે તમે ઊભાં છો. જોકે, તમે બેઠાં છો કે ઊભાં છો એ દૂરથી કળવું થોડું મુશ્કેલ છે.” અને તમે ધીમેથી હસ્યા. હું પણ તમારી સાથે હસી પડી. “ના સાહેબ. મારે અત્યારે ઊભા થવાની જરૂર નથી. હું બેઠી છું.” મેં કહ્યું. પછી તમે હાથની હથેળી મસળતા તમારી બેઠકે જઈને બેસી ગયા. હું તે દિવસ પછી હંમેશા આગલી હરોળમાં બેસતી થઈ, એનું શ્રેય તમને જ જાય છે ને સાહેબ ! આ વાત સામાન્ય છે. મારા માટે આવું બનવું કંઈ નવું નથી; કે પહેલી વારનું પણ નથી. આમ પણ તમારા જેવા ઉચ્ચ માણસોને મારા વિશે આવી ભ્રમણા થવી સ્વાભાવિક છે. આવી જ ભ્રમણા હમણાં થોડા સમય પહેલાં બસ સ્ટેશનમાં, ટિકિટ રિઝર્વેશન કરતાં એ ભાઈને પણ થઈ હતી. ટિકિટબારીએ લાંબી લાઇન નહોતી એટલે ઝટપટ કરતી હું ટિકિટબારી પાસે જઈને ઊભી રહી ગઈ. હમણાં બસ સ્ટેશનનું નવું જ બાંધકામ થયું, એટલે એ લોકોને તો ખબર ના હોય ને કે બધા જ માણસો એકસરખા નથી હોતા, એટલે આ બાંધકામ કરનારે બારીની હાઈટ ઊંચી રાખી. ચાલો છોડો, જવા દો એ વાતને. આપણે મુદ્દાની વાત ઉપર આવીએ. તો હું ક્યાં હતી… હા ટિકિટબારી સામે હતી. તો થયું એવું કે, ટિકિટબારીના ગોળ કાચમાં મારું મોઢું દેખાય એમ હતું. બાકીનું શરીર તો પથ્થરોની દીવાલે ઢાંકી દીધું હતું. મેં મારા પ્રવાસ એટલે કે, જ્યાં મારે જવું હતું ત્યાંની ટિકિટ વિશે પૂછ્યું. એ ભાઈએ પહેલાં તો આજુબાજુ જોઈ લીધું એટલે તમારી જેમ એ બિચારાના મનની વિમાસણ પણ મારાથી છાની ન રહી. મારા ચહેરા અને બારીની અંદરની બાજુએ બેસેલા એ માણસ વચ્ચે કમ્પ્યૂટર મહાશય આડા આવતા હતા, એટલે એ માણસને મારો ચહેરો નજર ક્યાંથી આવે? તમે જ કહો, એમાં એનો શો વાંક? ચાલ્યા કરે. આવા સદ̖વિચાર સાથે મેં મારા પગની પાની ઊંચી કરી. એ ભાઈને મારો ચહેરો દેખાયો એટલે એ ભલા માણસનો ચહેરો મલકાઈ ઊઠ્યો. વચ્ચે એક વાત કહી દઉં. જો ભૂલી જઈશ તો પછી કહેવાની રહી જશે કે, આ બધી બાબતોમાં હું જાણતાં-અજાણતાં પણ બધાના ચહેરા ઉપર હાસ્ય લઈ આવવાનું કામ કરું છું અને થોડું પુણ્ય પણ મારા ખાતામાં અંકિત કરી લઉં છું. આવું વગર મહેનતનું પુણ્ય પણ નસીબદારને જ મળે ને? હવે મારી વાતને આગળ વધારું. “ક્યાં જવું છે?” બિચારાને મારા લીધે બારી તરફ નમવાનું થોડું કષ્ટ ઉપાડવું પડ્યું. મને આવો અફસોસ હંમેશા રહે છે. તો ક્યારેક મને મારી જાત ઉપર અભિમાન પણ આવે છે. સાલું બધા આપણી સામે નીચી નજરે જ વાત કરે. પણ અભિમાન કરવું એ સારી વાત નહિ ને ! એટલે હું દુ:ખ વ્યક્ત કરું છું. મેં એને મારા પ્રવાસના સ્થળનું નામ આપ્યું એટલે એણે તારીખ પૂછી. મેં તારીખ, વાર વિગતવાર જણાવ્યું. એટલે મારા પ્રવાસના સ્થળની જેટલી બસો જતી હતી એ બધી બસોના ટાઇમ એમણે મને કહેતાં કહ્યું, “કઈ બસમાં જવું છે?" “સ્લીપરમાં." "સાંજની છે. સાડા દસની” એણે એકદમ કહી નાખ્યું અને કમ્પ્યૂટરની ચાંપો પટપટાવવા લાગ્યો.. “સોફો હોય તો એ જ બુક કરી દેજો.” મેં જાણે કંઈ ખોટું કહી નાખ્યું હોય એમ એણે મારી સામે વિચિત્ર રીતે જોયું. પછી કહ્યું, "દિવ્યાંગનો પાસ છે?" હવે મારું મગજ ભમી ગયું. પરંતુ મને ગુસ્સો ના આવ્યો. પણ હૃદયમાં કંઈક ખૂંચ્યું. પરંતુ મેં મારો ચહેરો અકબંધ રાખવાની કળા સ્કૂલના સમયથી જ હસ્તગત કરી લીધી હતી. એટલે મેં સામે જ હસતાં હસતાં પૂછી લીધું, “અમારા જેવા માણસોને પણ દિવ્યાંગનો દરજ્જો મળે? જો એવું હોય તો સારું કહેવાય. મારે પણ પાસ કઢાવવો છે." "ના. એ મને ખબર નથી. પણ તમને જોયાં એટલે લાગ્યું… તમારી સિંગલ સીટ બુક કરી દઉં." "પણ મારે તો સોફો જોઈએ છે.” “તમને ઉપર ચડાવશે કોણ?” એ માણસે કહ્યું. એનો ચહેરો ગુસ્સા અને હાસ્યની વચ્ચે જે મિશ્ર ભાવ પ્રગટ થાય એવો થઈ ગયો હતો. "સારું, તો સીટ કરી આપો.” મેં કમને કહ્યું. તે દિવસે આખા દસ કલાકના પ્રવાસમાં બેઠાં બેઠાં જવાનું મારા ભાગ્યમાં હશે. હું મન મનાવતી, ટિકિટ લઈને ત્યાંથી નીકળી ગઈ. પછી મારા મગજમાં એક વિચાર ઝબક્યો—શું અમે પણ દિવ્યાંગમાં ન આવી શકીએ? મને જોઈને, મારી આ વાત તમારા કે, બીજા કોઈ પણ માણસના ગળે ઊતરે એમ નહોતી. કેમ કે, દિવ્યાંગ માણસો કેવા હોય એ મારે તમને કહેવાની જરૂર ક્યાં છે? પરંતુ સાહેબ, એક વાત કહું? અમારી તકલીફો પણ એ માણસો કરતાં લગીર પણ ઊણી ઊતરે એમ નથી. મારી વાત તમને અજીબ લાગતી હતી. અમારા જેવા હરતાંફરતાં લોકો દિવ્યાંગ થોડા કહેવાય? પરંતુ એ સમયે તમારી પાસે મારા સવાલનો જવાબ નહોતો. અને સમય પણ ક્યાં હતો? તમે તમારાં કામોમાં પરોવાયેલા હતા. આખો કાર્યક્રમ સુખરૂપ પાર પડે એની ચિંતા તમારા ચહેરા ઉપર ડોકાતી હતી. ધીમે ધીમે કાર્યક્રમ શરૂ થયો. તમે આવનાર મહેમાનોનું ફૂલોથી સ્વાગત કર્યું. એમનાં વક્તવ્યો સાંભળ્યાં, પછી માઈક લેવાનો તમારો વારો આવ્યો. તમે તમારું વક્તવ્ય શરૂ કર્યું. હું એકચિત્તે તમારું ભાષણ સાંભળતી હતી. તમારા એક એક શબ્દો મારા હદયના ઊંડાણમાં સંગ્રહિત થતા હતા. તમારાં પ્રભાવશાળી વાક્યો ભલભલા લોકોને અચંબિત કરી દેતાં હતાં. ત્યારે તમારો વિષય પણ એવો જ ઉત્કૃષ્ટ હતો જ ને! ‘માનવીય સંવેદનાઓ' યાદ છે તમને? તમારું વક્તવ્ય પૂરું થયું. માનવસંવેદનાઓ ઉપર જે તમે ધારદાર વક્તવ્ય આપ્યું હતું એ સાંભળનાર તમામ લોકોનાં મગજ ઉપર તમારા શબ્દોના જાદુની અસર સાફ વર્તાતી હતી. બધાના ચહેરાઓની બદલાયેલી આભા જ એ વાતની સાક્ષી પૂરતી હતી. હું પણ તમારા શબ્દોની ગંગામાં તણાઈ જાઉં એ પહેલાં જ મારો કિનારો ખૂબ જલ્દી આવી ગયો. તમે તમારું વક્તવ્ય પૂરું કર્યું. તાળીઓનો ગડગડાટ આખા હૉલમાં ગૂંજી ઊઠયો. બધાની આંખોમાં તમારી અલગ જ છબી ઊપસી ચૂકી હતી. તમારા વક્તવ્યની જેમ તમારું વ્યક્તિત્વ પણ કેટલું ઉમદા છે. એ વાત ઉપર કોઈના મનમાં શંકાને સ્થાન નહોતું. તમે માણસ સાથે માણસનો સંબંધ, માણસનું મન, મનની લાગણીઓ, માનવીય સંવેદનાઓ એવા તો કેટલાય મુદ્દાઓ ઉપર વિસ્તારમાં ચર્ચાઓ કરી હતી. હું જાણું છું આ વિષય તમારો મનપસંદ વિષય હતો. એટલે સ્તો! તમે ગળું ખંખેર્યું. માઇક સ્ટૅન્ડ પાસે પડેલી પાણીની બૉટલ હાથમાં લઈને તમે એનું ઢાંકણ ખોલતાં કહ્યું, “હવે ટૂંકીવાર્તાનું પઠન કરશે મૈત્રીબેન..." હું ચમકી. હવે મારો વારો હતો માઇક સામે બોલવાનો. પરંતુ તમે જાણો છો? માઇક સામે બોલવું એ મારો આ પહેલો અનુભવ હતો. તમારી પાસે બેસેલા ધુરંધર વક્તાઓ, લેખકોને જોઈને મારા હાથપગ ઠંડા પડતા જતા હતા. પરંતુ કાશ ! મારા ચહેરાની જેમ હું મારા આખા શરીરને અકબંધ રાખવાની કળા શીખી શકી હોત ! મારા પગમાં હળવી કંપારી છૂટતી હતી. ગળે શોષ પડતો હતો. મને ત્યાંથી ભાગી છૂટવાનું મન થતું હતું. પરંતુ હું તમારા કહેલા માનવીય સંવેદનાના વક્તવ્ય તળે હતી. બપોરના આગ ઝરતા તડકામાં જેમ ઘટાદાર વૃક્ષની ઓથ મળી જાય, એવી લાગણી મારા મનમાં તમારા પ્રત્યે ઉદ̖ભવી હતી. તમારા શબ્દોના ગળાડૂબ પ્રેમમાં હતી, એમ કહું તો પણ ચાલશે. તમારું વક્તવ્ય સાંભળ્યા પછી મને તમારા તરફ ઘણી આશાઓ જાગી હતી. મેં તમારી સામે નજર કરી. તમે મારી સામે જોઈને હસતાં બેઠા હતા. હું ધીમે ધીમે ચાલતી માઇક પાસે જઈને ઊભી રહી. બધાની નજર મારી સામે ખોડાયેલી હતી. મેં બધાની તરફ નજર ફેરવી. ફરીથી તમારી સામે જોયું. સાહેબ તમારી સામે, યાદ છે? તમે હજી પણ મારી સામે જોઈને હસતા હતા. હું પણ તમારી સામે સ્મિત કરતી ઊભી હતી. ત્યાં કોઈનો અવાજ પાછળથી સંભળાયો, “માઇક ઊંચું પડશે?" “અરે! બેન નીચાં પડશે.” તમે એ વ્યક્તિને સીધો જવાબ આપ્યો. પછી તમે ખડખડાટ હસવું ખાળીને બોલ્યા, “ત્યાં ટેબલ ગોઠવી દે. એના ઉપર ચડી જશે. ને બધાયને દેખાશે પણ ખરાં!” હું સાંભળતી હતી તમને ત્યારે ! તમારા એક એક શબ્દોને આત્મસાત્ કરતી હતી. તમારા કહેવાથી માઇક પાસે ટેબલ ગોઠવાઈ ગયું હતું. માઇકને જોઈને મને થયું વાહ સાહેબ ! તમે ટેબલ આપ્યું એના બદલે માઇક નીચું કરાવી દીધું હોત તો? પરંતુ એક વાત કહું સાહેબ? મને તે દિવસે ટેબલ ઉપર ચડતાં બહુ વાર નહોતી લાગી. કેમ કે, ટેબલ ઉપર ચડીને બોલવાનો તમારો આદેશ જો હતો. મેં શબ્દશઃ પાલન કર્યું હતું તમારા આદેશનું. એનો ગર્વ હું આજે પણ લઉં છું. મારે તે સમયે તમારો ધન્યવાદ માનવો જોઈતો હતો. પરંતુ હું ચૂકી ગઈ. તે દિવસે તમારા સૂચનથી હું ટેબલ ઉપર ચડી ગઈ હતી. ટેબલનો એક પાયો ખોડો હતો. ટેબલ થોડી થોડી વારે ડગડગતું હતું. મારું બૅલેન્સ જાળવી રાખવા મેં માઇક સ્ટૅન્ડ પકડ્યું અને ઊચક જીવે મેં તમારી સામે જોયું. મારો ઉપરતળે થતો જીવ અચાનક શાંત પડી ગયો. મેં ત્યારે જોયું હતું કે હું તો આખા સભામંડપમાં સૌથી ઊંચા સ્થાને ઊભી છું. આવો અદ̖ભુત ચમત્કાર તો તમારા વિના કોણ કરી શકવાનું હતું? બધાની નજર મારી તરફ ઊંચી હતી. મારું આ સ્વપ્ન તમે જ પૂરું કર્યું એનો આભાર તો હું કયા શબ્દોમાં માનું, સાહેબ? મેં તમારા પરથી મારી નજરને ખસેડી લીધી અને માઇક હાથમાં લીધું. સાથે લાવેલા કાગળો ઉપર મેં મારી નજરને સ્થિર કરી. પછી મેં ઊંચા અવાજે મારી વાર્તાનું શીર્ષક કહ્યું. તમે શીર્ષક સાંભળીને સહેજ મલકાયા. મેં ધીમે ધીમે વાર્તા વાંચવાની શરૂ કરી. હૉલમાં બેઠેલા તમામ લોકો મારી વાર્તાને એકચિત્તે સંભળાતા હતા. એ જોઈ મારું મનોબળ વધ્યું. હું હોંશભેર વાર્તા વાંચતી હતી. છેલ્લે અંતમાં વાર્તાના પાત્રએ ચિત્કારી ઊઠતાં કહ્યું, “માણસ વિરુદ્ધ માણસ", ને મેં વાર્તા પૂરી કરી. હૉલ જાણે વાર્તાની અસર તળે હોય એમ ઘડીભર સ્તબ્ધ હતો. વાર્તાએ બેસેલા તમામ લોકોનાં મન પર કેવી છાપ છોડી હતી એ લોકોના ચહેરા ઉપર સાફ દેખાતું હતું. મેં તમારી સામે જોયું. મારી વાર્તાએ તમારા ઉપર પણ જાદુ કર્યો. તમારું કદ એકાએક સંકોચાઈ ગયું હોય એવું મને લાગ્યું. તમારો ચહેરો નિસ્તેજ થઈ ગયો. તમારી નજર ભોંય ખોતરતી હતી. આખો હૉલ તાળીઓ પાડતો હતો. એ તાળીઓના ગડગડાટમાં હું તમને ઓગળતા જોઈ રહી હતી.
❖