નિરંજન/૩૩. વિજયની ગ્લાનિ
`જેઠ મહિનામાં લગ્ન નહીં થઈ શકે. હું અહીં લડતમાં રોકાયો છું ': એવી મતલબનો કાગળ દીવાનસાહેબ પર લખીને નિરંજન યુનિવર્સિટીનું પડ જગાડવામાં મચ્યો. કેટલાય પ્રોફેસરોનો એ લાડીલો વિદ્યાર્થી હતો. એમને ઘેર જઈ નિરંજને યુદ્ધના સૂર ગજાવ્યા. પ્રો. ચક્રવર્તીએ હીંડોળાખાટે હીંચકતાં હીંચકતાં પાનપટ્ટી બનાવતે બનાવતે સલાહ આપી કે, ``ચાલે તેમ ચાલવા દોને, ભાઈ! તમે ખટપટી ગણાઈ જશો ને સારા સારા `ચાન્સીઝ' ગુમાવી બેસશો. પ્રો. વિજયકુમાર ચડાવવા લાગ્યા: ``એ નાલાયક એ જ લાગનો છે. દાઢી માગે જ છે. એનાં હાંલ્લાં ફોડ્યાં વગર ના જંપતા, હો કે નિરંજન! મને એણે નરી ખુશામદથી જ `સુપરસીડ' કરેલ છે. પ્રો. ઘાડગેએ નિરંજનને પીઠ થાબડી થાબડી અભિનંદનો આપ્યાં. કહ્યું કે, ``ગો અહેડ, માય ગોલ્ડન બોય! કારણ કે યુનિવર્સિટીની શતરંજ-બાજીમાં સામા પક્ષનું એક ગુજરાતી પ્યાદું ઊડતું હતું! પ્રોફેસર ચૂડામણિ, પ્રો. તનવંત, પ્રો. કૌશિક વગેરેએ નિરંજનનો ઊધડો લીધો કે, ``તમે ગુજરાતીઓને ઉઘાડા પાડી ગુજરાતનું નાક કાપો છો. તમે વિરોધી પાર્ટીઓના હાથમાં રમી રહ્યા છો. ગુજરાતની અસ્મિતાને અગ્રપદે લાવવાના અમારા પ્રયાસો પર પાણી ફેરવો છો. તમારામાંથી ગુજરાતનું આત્મગૌરવ ક્યાં ગયું? આ ચટણાઓની અને કાગડાઓની કુહાડીના હાથા કેમ બનો છો? ઘણાખરાના જીવનમાં ડોકિયું કરી આવ્યા પછી નિરંજનને સુનીલાએ દોરેલું પ્રોફેસર-જીવનનું ટૂંકું ચિત્ર હૂબહૂ અને હૃદયસ્પર્શી લાગ્યું. આ ટોળાની વચ્ચે હું પણ સૌના જેવો બની જઈશ, કેમ કે વ્યક્તિના પ્રભાવને પ્રગટ ન થવા દેનારી જ આ બધી પાષાણી દીવાલો છે. પ્રોફેસરની ખુરશીનો જે મોહ એને વર્ગમાં બેઠે બેઠે જન્મ્યો હતો તે કમતી થયો. એ ખુરશીઓ વામનજીઓની જ હતી. કેટલીક છોકરીઓ સુનીલા અને નિરંજન પર ખારે બળી ગઈ. કન્યાઓએ સુનીલાને સ્ત્રીદ્રોહી કહી. લાગવગથી પાસ થનારા છોકરાઓએ નિરંજન ઉપર ગંદા આક્ષેપો મૂક્યા. પણ અન્યાય પામેલા સંખ્યાબંધ જુવાનો નિરંજનની છાયા તળે ખડા થયા. વર્તમાનપત્રોમાં હો-હો થઈ રહી. ધારાસભામાં યુનિવર્સિટીની આ ઘટનાઓના પડઘા પડ્યા. સેનેટનું કમિશન બેઠું. ભયાનક હકીકતો ટપોટપ કમિશનના મેજ પર પડવા લાગી.
નિરંજનની માગણી વાંચીને સરયુના બાપુ ઉદાસ થયા. લગ્ન કરતાં લડત વધુ મહત્ત્વની! એ ભાવમાં દીવાનને ગમ ન પડી. રાષ્ટ્રસંગ્રામને કારણે વિવાહની વરમાળા ઉતારી કારાગૃહનાં દ્વાર ઠોકવા ધાતા જુવાનો તો એણે જોયા હતા. પણ એક પ્રોફેસરના અન્યાય સામેની ઝુંબેશને `લડત'નો મહિમા ચડાવાતો જોઈ દીવાન રંજ પામ્યા. – ને ગજુની બા આનંદ પામ્યાં. સરયુ જુએ, સાંભળે તેમ એમણે અંગૂઠો બતાવી સુખના બબડાટો કર્યા કે, ``બાને તો ઘણુંય ઘરમાંથી ભાગી છૂટવું છે. પણ કરમ કોનાં લેવા જાય! ઠીક મળ્યો છે! એનું ઘર વેઠશે ત્યારે તો ઘણીય નવી મા પળે પળે સાંભરશે, ને પાંપણો પાણી મેલશે! ગાડી જોડાવીને દીવાન-પત્ની આ વાતનો પ્રચાર કરવા ન્યાયાધીશ, વિદ્યાધિકારી, વસૂલાતી વગેરેને ઘેર ગયાં. તે વખતે પિતાએ સરયુને પોતાની પાસે બોલાવી, ગોદમાં ચાંપી, છાનાં આંસુ સાર્યાં: ``બેટા! થોડા મહિના ધીરજ ન ખૂટવા દેતી. હું બધુંય જાણું છું, પણ આખરે તું ઠેકાણે પડી જશે. સરયુએ પણ બાપનાં આંસુ સાથે આંસુ મિલાવ્યાં. પણ એ વીસ વર્ષની યૌવનભરી, ઉમળકાભરી, સ્વપ્નભરી, ગ્રામબાલા ન સમજી શકી ફક્ત એક જ વાત, કે જેના લગ્ન-અભિલાષ કોઈ એક નાની ચળવળના તરવરાટ તળે ચંપાઈ બેસે તે જુવાનને તે કેવો માનવો? પરણવું એમાં ક્યાં આડે આવતું હતું! જવાબ એક જ હતો: નિરંજન તો દયાથી દોરાઈને આ લગ્ન કરતો હતો, પ્રેમથી પ્રેરાઈને નહીં. એ વાતની સરયુને જાણ નહોતી. એને તો યાદ હતી નિરંજનની બે મોટી મોટી આંખો. એ આંખોનાં અમી ઉપર `દયા' અથવા `પ્રેમ' જેવું કોઈ લેબલ નહોતું. યુવાનનાં નેત્રોમાં પ્રેમ અને દયા બંનેની નોખનોખી ભાષાઓ હોય છે, એવી સરયુને સમજ પણ નહોતી.