નીરખ ને/સાચો સર્જક શું અનિવાર્યપણે વિદ્રોહી હોય છે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

જ્યારે વિવેચક એના વિષયને મતાગ્રહી દૃષ્ટિબિંદુથી તપાસે છે – સાર્ત્રએ એમ કર્યું છે એમ આપણને લાગે – ત્યારે જે ચિત્ર આપણી સમક્ષ રજૂ થાય છે એ અનિવાર્યપણે આંશિક અને અપૂર્ણ હોય છે. કારણ કે લેખકની ગમે એટલી નિષ્ઠા ગૂડફેઇથ હોવા છતાં દુષ્કર સામગ્રીનું અર્થઘટન લેખક એવી રીતે કરવાનો કે જે એની સર્વસામાન્ય મીમાંસામાં બંધબેસતું આવે... છતાં વિશિષ્ટ દૃષ્ટિબિંદુનું વળતર પણ હોય છે, કારણ કે એ વિચારપદ્ધતિમાં જે સત્યના અંશો હોય છે એ કવિનાં એ પાસાંઓને અળગાં કરે છે જે ધ્યાન બહાર રહ્યાં હોય અથવા એનાં ઉપર પૂરતું ધ્યાન ન ગયું હોય. કેટલીક વાર વધુ પડતો ભાર અપાયો છે એવું લાગે; કવિની કૃતિના કોઈક અંશને વધુ પડતું મહત્ત્વ અપાયું હોય, પણ અંતે કંઈક નવું નીપજી આવે. વિવેચકનું એ જસ્ટિફિકેશન છે; ખરેખર તો વિવેચન માત્રનું એ જસ્ટિફિકેશન છે. સામાન્ય વાચકનું કામ કરી આપવું એ કાર્ય વિવેચકનું નથી. એનું કામ તો વાચકને ઉત્તેજિત કરી એને પોતાની શોધો કરતો કરવાનું છે, નવી આંતરસૂઝ આપવાનું છે જેથી ફરી એ મૂળ કૃતિ તરફ વળે અને એ બધાને ચકાસી જુએ... વિવેચન અનિવાર્યપણે સામૂહિક કાર્ય છે જે યુગાનુયુગ ચાલુ રહે છે. વિવેચક તો લેખકનું પોતાના યુગના સંદર્ભમાં માત્ર અર્થઘટન કરી શકે છે; એના ઉત્તરાધિકારીઓ એ ચિત્રાંકનમાં કંઈક ઉમેરો કરે કે તથ્ય ન લાગે એ દૂર પણ કરે. એટલે એકાકી વિવેચકનું પ્રદાન સ્વાભાવિક રીતે જ અપૂરતું રહેવાનું.

માર્ટિન ટર્નેલ



સાચો સર્જક શું અનિવાર્યપણે વિદ્રોહી હોય છે?

બહુ જ સાચી રીતે કૃતિનિષ્ઠ વિવેચનને બિરદાવાયું છે, પછી ભલે હમેશાં એનાં ધોરણો ન જળવાયાં હોય. છતાં જે કૃતિઓએ આપણને વિચલિત કરી મૂક્યા હોય, દિવસો સુધી આપણા મન ઉપર સવાર થઈ ગઈ હોય – એના સર્જકને જાણવાનું કુતૂહલ પણ આપણો એવી જ રીતે ક્બજો લઈ લે છે. એવું જો ન હોત તો કાલિદાસ વિશે આપણે ખાસ કંઈ જાણતાં નથી એનું આપણને આટલું દુઃખ ન હોત; મીરાં વિશે નિરંજન ભગતે આટલી ધારણાઓ ન ચલાવી હોત. સર્જન દ્વારા જે વિશ્વ આપણી સમક્ષ ખડું થાય છે, સૌન્દર્યાનુભૂતિ અને રસકીય આનંદ પ્રાપ્ત થાય છે – એનો સર્જક આપણા મનમાં ખૂબ મોટું રૂપ ધારણ કરીને બેસે છે. કંઈ કંઈ અપેક્ષાઓ એને માટે ઊભી થાય છે. અભાનપણે કે સભાનપણે સમાજનાં પ્રસ્થાપિત મૂલ્યો સામેનું એ પ્રતીક બની જાય છે. અને એટલે જ જ્યારે સર્જકને સ્થાપિત હિતો સાથે હાથ મિલાવતા જોઈએ છીએ, એનું અનુકરણ કરતા જોઈએ છીએ ત્યારે આપણને આધાત લાગી જાય છે. અને જાણે કે સ્થાપિત હિતવિરોધી બળો પીછેહઠ કરે છે. પણ વિચાર થાય છે કે બિચારા સર્જક ઉપર સમાજનો આટલો બધો ભાર નાખી દેવાનું યોગ્ય છે ખરું? સાર્ત્રએ બૉદલેરનું વેધક અસ્તિત્વવાદી મનોવિશ્લેષણ કરતા પુસ્તકમાં કદાચ આવું જ કંઈક કર્યું છે. બૉદલેરે છ વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા, અને પછી એ માનો ભક્ત અને આશક બની ગયો. દરેક પ્રકારની સારસંભાળ અને સગવડ વચ્ચે એ ઊછર્યો. પણ પછી કુઠારાઘાત થયો. માએ બીજી વાર લગન કર્યાં. આ ઘટનાનો એ ક્યારેય સ્વીકાર ન કરી શક્યો. ‘મારા જેવો પુત્ર હોય ત્યારે કોઈ ફરી વાર ન પરણે.’ એના અસ્તિત્વનો કોઈ અર્થ ન રહ્યો. શિશુકાળની જ એણે એકાકીપણાની લાગણી અનુભવી. જ્યારે એણે જોયું કે એનો અસ્વીકાર થયો છે, એ ત્યજાઈ ગયો છે ત્યારે બૉદલેરે પોતે જ સામે ચાલીને – as an act of self-assertion - એકાકીપણું સ્વીકારી લીધું. સાર્ત્ર કહે છે કે From this moment he set to work with an obstinate, painful fury to make himself into someone different from his mother with whom he had been identical and who had rejected him; someone different from his coarse, carefree companions... but his sense of abandonment and isolation was not balanced by another positive, by the discovery of some special virtue which would have placed him beyond comparison with other people. સાર્ત્ર કહે છે કે બૉદલેરે વિદ્રોહ કર્યો ખરો, પણ બુઝર્વા મૂલ્યોને અને નીતિને એણે એમ ને એમ સ્વીકાર્યાં. એ માત્ર એપિક્યુરિયન હોત, અને મૂલ્યોની બાબતમાં ઉદાસીન હોત તો આ પ્રશ્નો ઊભા ન થાત. પણ મધ્યમવર્ગીય કેથોલિક શિક્ષણે જે નૈતિક સિદ્ધાંતો એનામાં રોપ્યા હતા એણે ખૂબ ગંભીરતાપૂર્વક લીધા હતા – પશ્ચાત્તાપ અને અપરાધભાવના દરેક સ્ખલન પછી એને વળગેલા રહેતા. જોકે એના ગુનાઓ ખાસ કોઈ ગંભીર નહોતા. એની મા અને ઓરમાન પિતાથી એ ખૂબ પરેશાન થતો ત્યારે એમને મોઢામોઢ એ કહી ન શક્યો કે તમારા બુઝર્વા ગુણો ભયંકર અને બેવકૂફીભર્યા છે. એને બદલે એ પોતે કેવો દુષ્ટ છે અને પોતાનામાં કેટલા દુર્ગુણો છે અને આથી પણ વધારે એ ખરાબ થઈ શકે છે એવો દેખાડો કરતો – રિસાયેલા બાળકની જેમ, બૉદલેર વિદ્રોહી હતો, પણ ક્રાન્તિકારી નહીં. The revolutionary wants to change the world; he transcends it and moves towards the future, towards an order of values which he himself invents. The rebel is careful to preserve the abuses from which he suffers so that he can go on rebelling against them... it never occured to Baudelaire to destroy this idea of the family. On the contrary it can be argued that he never progressed beyond the stage of childhood. પણ બીજી બાજુ આન્દ્રે જિદને જુઓ. એ પણ ખ્રિસ્તી વાતાવરણમાં ઊછર્યા હતા. In a similar situation he made a different choice... in the fundamental conflict between his sexual anamoly and accepted morality, he took sides with the former against the latter... in spite of personal relapses he moved towards his morality. કવિની સર્જકપ્રતિભા અને એની સ્વભાવગત પ્રકૃતિમાંથી એની કાવ્યસૃષ્ટિનું વિશિષ્ટ રૂપ અને મોહિની સર્જાય છે. એથી વધારે સર્જક પાસે અપેક્ષા રાખી શકાય ખરી? છતાં એના સર્જક હોવાને નાતે કોઈ ને કોઈ રૂપમાં એનામાં સહજસ્ફૂર્ત વિદ્રોહી તત્ત્વ હોવાનું એવું સાધારણતયા મનાય. આન્દ્રે જિદ કહે છે, ‘હું માનું છું કે સર્જકનું સાચું મૂલ્ય એના વિપ્લવી જોમમાં રહેલું છે અથવા તો ચોક્કસ રીતે કહેવું હોય તો એના વિરોધના ગુણમાં છે. મહાન કલાકાર અનિવાર્યપણે non-conformist હોવાનો અને એના સમયના પ્રવાહ સામે જ તરવાનો.’ આન્દ્રે જિદનું આ તારતમ્ય શું સાચું માની શકાય? વિચાર માંગી લે છે. સાહિત્યમાં આધુનિકતમ અભિગમ સ્વીકારનારા કેટલાક સાહિત્યકારોની રૂઢિવાદી life-stylesને દ્વૈત શી રીતે સમજાવવું? અને ફરી ફરીને થાય છે કે સર્જક જે ક્ષણે સર્જન કરે છે એ ક્ષણે જે objective individuality પ્રાપ્ત કરે છે એનું સતત એના જીવનમાં પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરવો એ બીજા કોઈ પણ નાગરિક કરતા એના ઉપર વધારે જવાબદારી નાખવાનું તો નથી થતું ને? છતાં ભાવકના મનમાં સર્જક ખૂબ ઉચ્ચ સ્થાને વિરાજે છે, અને સમાજના એક મહત્ત્વના આગેવાન તરીકે એની ગણના થાય છે અને એનો પ્રભાવ પણ સારી રીતે વર્તાતો હોય છે. નિષ્પક્ષ રીતે વૈચારિક ભૂમિકા ઉપર ગંભીરતાપૂર્વક આ બધાં પાસાંઓની ચર્ચા થાય એ જરૂરી છે એમ લાગ્યા વગર રહેતું નથી.

[ઑગસ્ટ, ૧૯૮૨