પન્ના નાયકની કવિતા/મારી પાસે છે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૫૦. મારી પાસે છે

મારી પાસે હૃદય છે જે માત્ર ચાહવું જ જાણે છે
મારી પાસે મન છે જે માત્ર સારું જ વિચારે છે
મારી પાસે હાથ છે જે માત્ર આપવું જ જાણે છે
મારી પાસે પગ છે જે માત્ર મદદ કરવા જ દોડે છે
મારી પાસે કાન છે જે માત્ર કિરણોનો કલ્લોલ જ સાંભળે છે
મારી પાસે સવાર છે જે માત્ર ફૂલોને પ્રફુલ્લિત કરે છે
મારી પાસે રાત છે જે માત્ર તારલા ટમકતા રાખે છે
મારી પાસે મિત્ર છે જે માત્ર ખડખડાટ હસવામાં અને હસાવવામાં માને છે
મારી પાસે ઘર છે જે માત્ર ઉલ્લાસી વાતાવરણ પૂરું પાડે છે
મારી પાસે પુસ્તક છે જે માત્ર સતત વાંચવાની પ્રેરણા આપે છે
મારી પાસે ટેલિફોન છે જે માત્ર સહાનુભૂતિના સંદેશા વહેતા કરે છે
મારી પાસે બગીચો છે જે માત્ર ખુલ્લે પગે ફરવાનો આનંદ લૂંટાવે છે
મારી પાસે રૂમાલ છે જે માત્ર કોઈના આંસુ લૂછ્યા કરે છે
મારી પાસે દર્દ છે જે માત્ર અનુકંપામાંથી જન્મ્યું છે
મારી પાસે
મારી પાસે છે
મારી પાસે છે માત્ર હકારાત્મક ચીજોનો ખજાનો...