પુનરપિ/વાડને વાચા થાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાડને વાચા થાય

સાંજ પડ્યે મારી વાડને વાચા થાય.
કિલકિલ કરતાં ચકલાંઓની
પાંદડાં વાડનાં પાંખો થાય.
મૂકને મળતા સૂર;
મૂળિયાં નાખતાં ઊડી શકે જે દૂર.

સાંજ પડ્યે મારા ઘરમાં વીજળી થાય:
ઝબકજ્યોતની જાત છતાં
જેનાં જાગરણ રહે વેરાઈ;
અંધારું ઊગતાઊગતામાં બુઝાય.

વિશ્વપ્રકાશનો કટકો ચોરસ
ઓરડો મારો
રાત-પટારો સંઘરી રાખે.
પણ જ્યારે એકલતા અકળાય
ઓરડો મારો આંખ વીંચીને
સાગરે રાતના ડૂબકી ખાય;
તળિયું ના દેખાય.

ભોર ભયી
મારી વાડને વાચા થાય:
ઝાંખરેઝાંખરે જીભ છૂટે
ને પાંદડાં પાંખો થાય.
રાતનાં પાણી ઓસરે
મારો ઓરડો આ દેખાય.

ચકલાં ઊડ્યાં,
રાત છુપાણી;
ઊભાં છે વાડ ને મારું ઘર.
મૂળિયાં ઊંડાં ઘરને મારા,
વાડને ઊંડા થર.