પૂર્વાલાપ/૨૯. આશાગીત

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૨૯. આશાગીત


અહા! શા આજ વર્ષાવે સ્વરો આત્મા પરે, આશા!
બળેલો આર્ત્ત એ શો એ સ્વરસ્નાને ઠરે, આશા!

ખરે! શું આવશે ત્યારે ફરીશું સાથ એવો દિન,
કદાપિ સ્નેહને સ્વર્ગે? કહે છે શું ખરે આશા?

અને શું રૂઝશે આખિર જખમ એ શુદ્ધ હૈયાનો?
અને એ ચાલશે સાથે? દયા કેવી કરે, આશા!

નહીં પરવા જરા અમને કશી એ વસ્તુ ઐહિકની :
કરે સંતોષ જો તેને, મને તો ઉદ્ધરે, આશા!

નિહાળું હા! ભવિષ્યે જો ઘડી પણ નેત્રરસ જૂનો,
સખીનો સૌમ્ય, હૈયું તો સુખે ભવમાં તરે, આશા!

મને મીઠી રહી આસ્થા સદા તવ ગાનમાં, દેવી!
સ્વરો એ દિવ્ય જીવનને ભરે ને સાંભળે, આશા!