પૂર્વાલાપ/૬. રમા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬. રમા


વ્યોમની જલની ધારા જોરમાં પડતી હતી;
ઢળી પલંગને પાયે સુંદરી રડતી હતી!

નાના સાદા શયનગૃહમાં સ્વચ્છ દીવો બળે છે,
વિદ્યુદ્વલ્લિ પ્રબલ ચમકી જ્યોતિ સાથે મળે છે;
સાહિત્યો કૈં બહુ નહિ દીસે, એક પર્યંક માત્ર,
થોડાં ઝીણાં રજનીવસનો, પાસમાં વારિપાત્ર.

આષાઢી કૃષ્ણ રાત્રિના બાર વાગી ગયા હતા;
પતિની રાહ જોવામાં બે કલાક થયા હતા!

વારે વારે પ્રથમ દિવસો લગ્નના યાદ લાવે,
સાથે સાથે અનુભવ તણું ધ્યાનમાં ચિત્ર આવે;
બાલાથી એ સહન ન થયું. આર્દ્ર હૈયું ભરાયું,
મૂંઝાવાથી કરુણ સ્વરમાં ગીત એકાદ ગાયું.

પતિનું ભવભૂતિનું ત્યાં ભાષાંતર સાંભર્યું;
પોતાને યોગ્ય શોધીને અશ્રુ સાથે શરૂ કર્યુઃ—

“છત્ર જેવા બેઠા હતા પિતાજી,
લગ્નગ્રંથિ અભિનવ રસાલ તાજી;
જનેતાઓ રહેતાં સંચિત જ્યારે,
તે અમારા દિવસો વહી ગયા રે!”

ફેરવી, પલટાવીને વનિતા રડતી હતી;
બારીએ જલની ધારા જોરમાં પડતી હતી!

થોડી વારે ત્વરાથી પરિચિત ચરણો સીડીને સંભળાય,
“આવ્યા છે હાશ!” એવાં વચન ઊચરતી દાદરા પાસ ધાય;
માની, પ્રેમી, પ્રમાદી, અનિયમિત પતિ વાંકને કેમ જાણે?
પોતાની ન્યૂનતા છે પ્રણય મહીં, કદી એમ ચિત્તે ન આણે!

“બહુ વાર થઈ!” એવું કહી માત્ર રહી ગયો;
રમાહૃદયનો બંધ, હાય! તેથી વહી ગયો!

વદનકમલ મ્લાનતા ધરે છે,
ઝળઝળિયાં નયનો જરા ભરે છે;
પતિ પણ નીરખી હવે રહે છે;
હૃદય દબાવી પછી પ્રિયા કહે છેઃ —
“નજર નાથ! તમે કરતા નથી,
પ્રબલ ખેદ થતો હરતા નથી;
નહિ જરા દરકાર દીસે, અહો!
અરર! વાંક થયો મુજ! શું, કહો!”

“આષાઢી કૃષ્ણ રાત્રિના બાર સુધ્ધાં થઈ ગયા;
ન આવી આપને તોયે આવવા જેટલી દયા!”

નીચું જોયું તરત પતિએ, ભૂલને સ્પષ્ટ જોઈ,
હૈયું ભીનું સદય બનતાં માનિતા સર્વ ખોઈ;
ચાલી લે છે કર મહીં પ્રિયા, હાથમાં હાથ જોય,
“દેવી! મારી થઈ કઠિનતા : છું ક્ષમાપાત્ર તોય!”

“નથી, નાથ! તમારો કૈં, વાંક મારો જ છે સહુ;
ક્ષમા હુકમથી માગો, દીનતા ન કરો બહુ!
મારા મહીં જ નથી માલ ખરું કહું છું,
મિથ્યાભિમાની મન નાહક હું રહું છું;
રે! આપને સુખ જરાય કરી શકું જો,
શાને રહો અવર પાસ કદી તમે તો?”

લગ્નના દિવસમાં નવી હતી,
ઠીક તેથી રમણીય લાગતી;
આપ તોપણ હતા જ તે રહ્યા;
માહરા ગુણ બધા ગયા વહ્યા!

પ્રેમ છે, એટલા માટે પ્રેમ માગી શકું નહીં;
ક્ષમા, નાથ! નહીં એ મેં જાણેલું મનની મહીં!”

***

ત્યાં તો શાથી કંઈ થઈ ગઈ બોલતી બંધ જાયા,
શબ્દો બોલ્યો પતિ પણ, અરે! તે નહીં સંભળાયા;
કાંકે જોતાં ઝટ થઈ ગયું મેઘનું ખૂબ જોર,
વ્યાપ્યું આખા નગરની મહીં તુર્ત અંધારુંઘોર!

રહી જરા જરા વ્યોમે ચમકારી થતી હતી;
સુવાડી સર્વને રાત્રિ એ પ્રમાણે જતી હતી!