પ્રથમ પુરુષ એકવચન/અનુભવોની સજીવનતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનુભવોની સજીવનતા

સુરેશ જોષી

મને માનવીઓ ગમે છે, પ્રકૃતિ પણ ખૂબ ગમે છે. આથી જ શરીર પાંગળું નહોતું બની ગયું ત્યાં સુધી અજાણ્યા પ્રદેશોમાં ફરવાનો ખૂબ લોભ હતો. હજી પણ કોઈ નિમિત્તે કોઈ અજાણ્યા નાના સરખા ગામડામાં જવાનું થાય છે તો હું હરખાઈ જાઉં છું. મને યાદ છે એક વાર ડોલરરાય માંકડ સાથે સાહિત્ય યાત્રાએ નીકળ્યા હતા. શામળ ભટ્ટે જે બારોટનો આશ્રય લીધેલો તે સહુજ ગામમાં ગયા. શામળ ભટ્ટ વિશે એ બારોટના કુટુમ્બ સાથે વાતો થઈ હતી. એમાંનું કશું યાદ રહ્યું નથી, યાદ રહી છે માત્ર બોરડી અને એની પાસેનું મહાદેવનું મન્દિર.

આમ કોઈ મોટા શહેરમાં જઈ આવ્યા પછી યાદ કરું છું તો કોઈ મારા દાદા જેવા લાગતા વૃદ્ધની આંખે કોઈ ઘટાદાર લીમડો કે શહેરથી ખૂબ દૂર સરી ગયેલી ક્ષીણતોયા નદી મારા મન:ચક્ષુ આગળ તાદૃશ જઈ ઊઠે છે. હમણાં પોરબંદર જઈ આવ્યા પછી યાદ કરું છું તો રાતે સમુદ્ર આગળ પાળ પર બેઠા હતા ત્યારે એ કૃષ્ણપક્ષની રાતે આકાશમાં છવાયેલો અન્ધકાર સમુદ્રના ઊંડાણના અન્ધકાર સાથે ભળીને ઘનીભૂત થતો અનુભવ્યો હતો તેની જ સ્મૃતિ માત્ર તાદૃશ બનીને રહી છે. બીજું કશું યાદ કરવા જાઉં છું તો બધું ઝાંખું થઈ ગયેલું લાગે છે.

માનવીઓ વિશે પણ આવું જ છે. કેટલીક વાર એવી વ્યક્તિઓની છબિ મનમાં તરવરી રહે છે જેની સાથે એક શબ્દ બોલવાનું પણ બની શક્યું નહીં હોય. એમ છતાં એ મુખ ઊંડે ઊંડે કોતરાઈ જાય છે. આમ કેમ થતું હશે? આપણું મન કયા ધોરણે કશુંક જાળવી રાખવાનું પસંદ કરે છે તે સમજાતું નથી. કોઈક વાર કોઈ ઘર આખું યાદ નથી આવતું, પણ એમાં જોયેલા પડછાયાઓ યાદ રહી જાય છે. કોઈક ઘરનો એકાદ ખૂણો યાદ રહી જાય છે. બાળપણમાંના સોનગઢના ઘરમાં જે ઓરડામાં સૂતા (જ્યારે એને કોઈ ‘બેડરૂમ’ નહોતું કહેતું) તે ઓરડાનાં બારણાં પાછળના જે ખૂણામાં દીવેલનું કોડિયું મૂકતા તે ખૂણો જ યાદ છે.

કોઈક વાર કોઈ સ્થળનું નામ લેતાંની સાથે મનમાં અમુક ફૂલની સુગન્ધ લહેરાવા લાગી છે. આ રીતે મારા મનમાં મધુમાલતી, સોનચંપો અને મેગ્નોલિયા જુદાં જુદાં દૃશ્ય પ્રસંગો સાથે સંકળાઈ ગયાં છે. બહુ મનોરમ દૃશ્ય જોઈએ છે તે યાદ રહેતું નથી. માયસોરમાં વૃંદાવનનું ફુવારાવાળું ઉદ્યાન જોયું તે યાદ નથી, પણ કૃષ્ણરાજસાગરનાં ઘૂઘવતાં જળ યાદ છે, ચામુંડાની ટેકરી પરનું ધુમ્મસ અને નીચે ઊતરી આવીને આપણને અદૃશ્ય કરી દેતાં વાદળો યાદ છે.

ચેઝારે પાવેઝેની ડાયરી વાંચતી વેળાએ મને આ વાતનું સમર્થન મળ્યું. એણે પણ કંઈક આવું જ નોંધ્યું છે. એ કહે છે કે બાળપણમાં આપણી ચેતના કુંવારી ધરતીના જેવી હોય છે. ત્યારે જે જોઈએ છીએ, અનુભવીએ છીએ તે આપણામાં મૂળ નાંખે છે. પછી એની સાથે જેનો મેળ ખાય, એ ચેતનામાં પડેલાં મૂળમાંથી પોષણ મેળવીને જીવી શકે તે જ મનમાં સ્થાન પામે.

મારા બાળપણનો એ નિર્જન પરિવેશ, ચારે બાજુની શાન્તિ, પશ્ચિમ ક્ષિતિજે તોળાઈ રહેલો કિલ્લો, ઘટાદાર તોતંગિ વૃક્ષો, મધુમાલતી અને મોગરો, ચંપો અને ફણસોટો, સદા વહ્યા કરતું ઝરણું, વાંસના વનમાંથી વાતો પવન, ઉનાળાની મધરાતે રતિક્રીડામાં મત્ત વાઘ-વાઘણની ગર્જના, રાત્રિની શાન્તિમાં દાદાના રેંટિયાનું ગુંજન, એમની ખખડતી પાવડીઓ, નાવણી આગળનાં આંબા અને કેળ, ધની ગાય, રાખ ભરેલા માટલામાં પાકતાં સીતાફળ – આવું બધું મૂળ નાખીને પડ્યું છે.

હવે જે અનુભવ થાય છે તે જો આ બધાંમાંથી પોષણ પામે તો જ સજીવ બને છે.

નવું જોવાનું આશ્ચર્ય આજે પણ છે. ભ્રમણતૃષા આજે પણ છે. નવા અનુભવો લેવાનો લોભ પણ છે. તેમ છતાં એક વડ તો ચેતનામાં વિસ્તર્યો છે એની વડવાઈઓની જેમ જે વિસ્તરી શકે છે તે જ ચિત્તમાં સ્થાન પામે છે. માનવ સમ્બન્ધોનાં મૂળ પણ બાળપણમાં જ રહ્યાં છે. કોઈકની આંખો, કોઈનું બોલવું, કોઈ સૂર આ જ કારણે એકાએક મનમાં ઝંકૃતિ કરે છે. આજે નવી આસક્તિથી કશું પકડી રાખી શકાતું નથી. આ ચિત્તમાં રહેલી નિયતિ એ જ મારું અદૃષ્ટ છે. મનોવિજ્ઞાનમાં કદાચ એને ‘ઇન્ફન્ટાઇલ રિગ્રેશન’ કહેતા હશે. આપણામાં રહેલા સનાતન શિશુના વિસ્મયથી જગતને જોવું ગમે છે.

6-2-77