પ્રથમ સ્નાન/કેકા જેવા મોર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કેકા જેવા મોર


કેકા જેવા મોર, રે સાજણ, શીમળા જેવી રાત
ખાટલી જેવા નેસની જલે સીંદરી સાતે સાત.

વડલો બન્યો વગડો, સાજણ વાયરા જેવા પાંદ
મરઘો ઓઢે રાત હજુ તો ગામને ગોંદરે ચાંદ.

થાન સમાણો દીવો જલે જીવણ જેવી જોત
શેરડી કેરાં ખેતર વચ્ચે રસના ઘોટાં ઘોંટ

ખરતા જૂના ફૂટતા નવા છાતી ઉપર રોમ
કાંચળી કેરાં આભેલાં સૂંઘે ઓકળીઓની ભોમ.

ઝાંઝર જેવાં સાજણ તમે સાજણ જેવી વાત
પીપળા જેવું ઘુવડ, ફૂટ્યું ઘુવડનું પરભાત.

કેકા જેવા મોર, રે સાજણ, શીમળા જેવી રાત.

૧૪-૧૨-૬૮