પ્રથમ સ્નાન/નાથ રે દુવારકાનો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નાથ રે દુવારકાનો


દ્વારકાના મ્હેલ મહીં જાદવરાય,
દર્પણમાં દેખતાં કાનજી થાય.
રંગમ્હેલટોચપે બેસીને મોરલો,
નાનું શું મોરપિચ્છ ખેરવી જાય.

હૈયામાં સરવાણી ફૂટી,
ને ઉમટ્યાં જમનાનાં ખળભળતાં પૂર;
કાંઠે કદંબડાળ ઊગી,
ને ગાયોએ ઘેર્યો હાં, બંસીનો સૂર.
ઝરુખે ઝૂકીને જુએ આભલાંની કોર ભણી,
ક્યાંક, અરે, ક્યાંક પેલું ગોકુળ દેખાય?
મટુકી ફૂટીને બધે માખણ વેરાય.

દર્પણ બહાર જદુરાય,
અને દપર્ણમાં, છેલ ને છકેલ પેલો કાનજી.
બ્હારની રુકીમણી મોહે
ને દર્પણની, અચકાતી દેખી ગોવાળજી.
હોઠની વચાળે હાં, બંસીનું મુખ મૂકી,
રોતી રાધિકાનું મુખડું દેખાય.
રાસ રમે વનરાની કુંજ, ને વચાળે હા
નાથ રે દુવારકાનો એવો ઘેરાય.

૨૪-૧૦-૬૭