બરફનાં પંખી/છાંટો
Jump to navigation
Jump to search
છાંટો
પેલ્લા વર્સાદનો છાંટો મુને વાગિયો
હું પાટો બંધાવાને હાલી રે...….
વ્હેંત વ્હેંત લોહી મારું ઊંચું થિયું ને
જીવને તો ચડી ગઈ ખાલી રે....
સાસુ ને સસરાજી અબઘડીયે આવશે
કાશીની પૂરી કરી જાતરા રે.....
રોજિંદા ઘરકામે ખલ્લેલ પોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યા કાતરા રે......
પિયુજી છાપરાને બદલે જો આભ હોત
તો બંધાતી હોત હું ય વાદળી રે....
માણસ કરતાં હું હોત મીઠાની ગાંગડી
તો છાંટો વાગ્યો કે જાત ઓગળી રે......
પેલ્લા વર્સાદનો છાંટો મુને વાગિયો
હું પાટો બંધાવાને હાલી રે....
વ્હેંત વ્હેંત લોહી મારું ઊંચું થિયું ને
જીવને તો ચડી ગઈ ખાલી રે....
***