બહુરંગી/બેસણું

From Ekatra Foundation
Jump to navigation Jump to search
બેસણું

પ્રજ્ઞા પટેલ

મહોલ્લો આખ્ખો એમને રજનીકાન્ત શેઠના હુલામણા નામે ઓળખે. આમ તો એમનું નામ રજનીશંકર શિવશંકર આચાર્ય. એમના નામ રજની આગળ કાન્ત ઉમેરાઈને, ઉપનામ શેઠ કેવી રીતે કોઈ ગળેપડુ માણસની જેમ લાગી ગયું હતું એ આખ્ખી ઘટના આજ સુધી મારી સમજમાં નથી ઊતરી. ખૂબ તર્ક-વિતર્ક કર્યા કરું. એક વાર તો એમની સાત પેઢીનો આખો ચોપડો ઉથલાવી જોયેલો. પણ ક્યાંય પગેરું નહોતું મળ્યું. સાત પેઢીમાંથી કોઈએ શેઠને ત્યાં નોકરી સુધ્ધાં નહીં કરેલી. અને આ કહેવાયા રજનીકાન્ત શેઠ! મેં મહોલ્લાના કેટલાક ભલાભોળા, પરગજુ ને કેટલાક ટિપ્પણિયા ચહેરાઓને પણ આનું રહસ્ય પૂછી જોયેલું, આવું કેવી રીતે? કેમ? ક્યારથી? શરૂઆત કોણે કરેલી?.. પણ આપણા શાસ્ત્રવચન અનુસાર કે ‘સાધુનું કુળ અને નદીનું મૂળ’ પૂછાય નહીં-ની જેમ આ રહસ્ય વિશે કે પણ કોઈ જાણતું નહોતું. આમ ને આમ, એક વખત તો ખુદ રજનીકાન્ત શેઠને જ મારાથી પુછાઈ ગયેલું કે, ‘બીજું તો ઠીક, લોકો તમને શેઠ કેમ કહે છે?’ ‘કેમ, આપનો વટ શેઠ જેવો નથી શું?’ કહેતાં એ ઊભરાઈ રહ્યા. ભીંજાઈ જવાય એટલું હસી પડ્યા! વળી એમણે એમની આગવી મુખભંગિમાને ગરિમા બક્ષતા હોય તેમ, ચશ્માંળુ આંખોને આમથી તેમ, ઉપર-નીચે, અવકાશમાંથી કોઈ દૈવીશક્તિનું આહ્વાન કરતા હોય તેમ, એમની સહેજ લોચા વાળતી, તોતડી, થોડી કાલી જબાન સાથે કહેલું - આજેય મને યાદ છે : ‘એ તો એવું છે ને કે આપના ઠ્ ઠ્ ... ઠાઠ-માઠ પહેલેથી જ શેઠના જેવા. આપને વળી બીજું જોઈએ પન શું? ચચ્.......ચ્ ચાર ઓટલે ભેગા ચાર ચોટલાએ લાડમાં આપનું નામ પાડ્યું.. શું? શેઠ જેવો રુઆબ તો જોઈએ ને?... શું? પછી તો લોચેલોચા...’ અને... ખરેખરા કારણની તો કદાચ એમનેય ખબર નહોતી. મિલમાં દા’ડા ભરે. બદલી મળે તો ઠીક, નહીં તો આથમતા દિવસ જેવા ચહેરે, ધીરે પગલે ઘરભેળા થાય. મહિનાના માંડ પંદર દિવસની બદલી ભરાય. પણ હોમગાર્ડમાં સામિલ થયેલા તે ખાખી ડગલો ચડાવેલો જ હોય ને હાથમાં હોમગાર્ડવાળાની ચાડી ખાતી ઠકઠક્....ઠકાઠક્ કરતી લાકડી - એ ડંડો હોય જ. જબરો જામો પણ એમનો. શરીર વળી સાવ સુકલકડી. ખાખી ડ્રેસની ઇસ્ત્રીની ધાર ખાલી દેખાયા કરે એવું શરીર. વગર મૂછે પણ આખો દિવસ મૂછમાં મરક મરક થતા હોય. કાંઈ ન મળે તો મહોલ્લાના કોઈ ખૂણે બેઠેલા કૂતરા-ગલૂડિયાને પણ છેવટે ડંડો ઠકઠકાવી દૂર ભગાડે... એમાંય જો એ નાનકડા શહેરમાં તોફાનો ફાટી નીકળ્યાં હોય કે કોઈ ધાર્મિક તહેવારની ઉજવણી થતી હોય કે પછી કારતક-પૂનમનો મેળો ભરાયો હોય.. શેઠના વટની જાહોજલાલી ઓર વધી જાય. તન-મન સ્ફૂર્તિથી છલકાતું હોય. વહેલી સવારથી નીકળી જાય તે છેક મોડી રાતે ઘેર પાછા ફરે ને ઠકાઠક્ કરી આખા મહોલ્લાના લોકોની ઊંઘમાં મોટુંમસ બાકોરું પાડી દે! મહોલ્લાનાં ટાબરિયાંને ભેગાં કરી કહે, ‘તમતમારે ચકડોળ, ચકેડીમાં બેસવું હોય ને તો આવી મળજો આપનને, મમ્.. મેળામાં. એયને મજા કરાવી દઈશ. ડાન્સને વળી પિક્ચર જોવું હોય તો તો મને જ મલજો. આપનો વટ કંઈ કમ નથી....’ ‘પણ એવડા મોટા મેળામાં તમને શોધવા ક્યાં?’ કોઈ પૂછે તો એને તતડાવી નાખતાં કહે.. ‘લે, લે, કર વાત. મેળામાં શેઠને બધાં ઓળખે. એક વાર તમે આવી મલજો તો ખરા. હું ત્યાં જ હોઈશ.’ ને પછી આખો મેળો ખૂંદી વળીએ તોપણ ક્યાંય, કોઈ ખૂણેય શેઠના દીદાર જોવા ન મળે. ને મળે તો...તો પછી વિયાયેલી ગાય જેવું મોઢું કરી બિચારા કહી દે : ‘જુઓને, વખત જ કેવો ખરાબ આ..આયો છે?... આંખની શ..શરમ્ પન્ કોઈ ભરતું નથી. આ તો આ...આજે ભીડ વધુ છે એટલે, એટલે કાલે તમે આવજો. એને આપનને કાનમાં કહી દીધું છે હોં...શું સમજ્યા?’ ને હસી પડે. શેઠને બોલવામાં થોડી તકલીફ પડે. જીભ તત્ફ્ફ્ થાય, ને ‘ણ’ બોલતાં તો કેમેય ફાવે જ નહીં. તે ‘ણ’ ને બદલે ‘ન’ બોલે. એટલે બધાને શેઠનો વાણીવિહાર કાને ધરવો બહુ ગમે. એમનાં પત્નીને એ સવિતાગૌરી નામે જ સંબોધે. એ તો બિચારાં છોકરાંને નવડાવવા-ધોવડાવવામાંથી ઊંચાં ન આવે. ને પાછી શેઠની ગરવી શેઠાઈ... ‘સવિતાગૌરી, સાંભળો છો? ..અમે આવી ગ્... ગયા છીએ. જરા પાનીનો એક લોટો...’ ને અબોટિયું પહેરેલાં સવિતાગૌરી રસોડામાંથી લાંબો કૂદકો લગાવી ગોળાફેંકમાં ભાગ લેતાં હોય તેમ શેઠના હાથમાં પાણીનો લોટો ફેંકવાની રીતે પકડાવી લાંબે કૂદકે પાછાં રસોડામાં પહોંચી જાય! આવા શેઠ વળી ઇલેક્ટ્રિશિયનનું કામ થોડું ઘણું જાણે તે મહોલ્લામાં કોઈના ઘરની લાઇટ ગઈ હોય કે ફ્યુઝ ઊડી ગયો હોય તો પોતાનો થેલો લઈ પહોંચી જાય. ‘તમે બધા આઘા રહો. પ..પ.....પન્ મને મારું કામ કરવા દો. બધાં દૂર...’ હાથ પાછા ધ્રૂજતા હોય. બાળપણથી જ એ એમની બીમારી. છતાં ધ્રૂજતા હાથે વાયરોને એ શુંયે જંતર-મંતર ભણાવે કે લાઇટ આવી જાય! શરીર ટટ્ટાર કરી કહે, ‘હું ન’તો કે’તો તમને... આપના હાથમાં તો જ્...જાદુ છે....જ્... જોઈ ને આપની કમાલ!’ એક-બે વખત તો આ લાઇટના અજાણ્યા દરમાં હાથ નાખતાં તે ચોંટી પણ ગયેલા! પણ રોફ તો એવો ને એવો જ. ‘ના, ના, આપન્ને વળી શું થાય? જેનો રામ ધણી હોય તેને....’ હોળી-ધુળેટી, ઉત્તરાયણ અને દિવાળી - એ શેઠના પ્રિય તહેવાર. મહોલ્લાના છોકરાંઓને પણ જલસા પડી જાય. શેઠ સાથે નાનાં-મોટાં હસી-ખુશીનાં હુલ્લડ જામે, ઠઠ્ઠા-મશ્કરીનાં તોરણ બંધાય. શેઠને આમ પાછું ખોટું ન લાગે, એટલે બધાં એમને પ્રેમથી પજવે. આવા શેઠની બીકે મદારી, ફેરિયા, કલાઈ કરવાવાળા, પતરાના ડબ્બા સાંધનાર, વાસણવાળાની તો દેન જ શી કે મહોલ્લામાં પગ મૂકી શકે? શેઠના આખા શરીરને જાણે ક્રોધનો કાળોતરો ડસ્યો ન હોય! શેઠ એને જુએ કે એમને શૂરાતન ચડે. ડંડામાં દૈવી તાકાતનો પ્રાદુર્ભાવ થઈ જાય... ને પેલા બચાડા ઊભી પૂંછડીએ નાસી જાય! આ શેઠનું આજે બેસણું. ટૂંકી પણ ગંભીર બીમારીને એ પોતાની કમાલ ન બતાવી શક્યા! આખ્ખો મહોલ્લો ગમગીન હતો, શેઠ બધાને મન જાણે ગમતીલું રમકડું હતા... હસી-ખુશીના આરાધ્યદેવ હતા. પોતાને હંમેશાં માનાર્થે સંબોધતા શેઠ પાછા મૃત્યુની આગલી રાતે સવિતાગૌરીને પાંચ છોકરાંના વસ્તાર સાથે, દેવાની ચિંતા સાથે વળી ‘વસિયતનામું’ પણ આપતા ગયેલા! માંડ ચાર ચોપડી ભણેલા શેઠની મિલકતમાં તો ખખડધજ મકાન સિવાય બીજું કંઈ હતું નહીં. ઐતિહાસિક વસિયતનામામાં થોડી કાલીઘેલી વાતો, ઉપદેશો ને... ‘અમારી પાછળ કોઈએ શોક કરવો નહીં. અમારો હોમગાર્ડનો ડ્રેસ ને ડંડો અમારા એકના એક દીકરાને સંભારણા તરીકે આપવો. અમારી શોકસભા રાતે ભરજો. પન્ કોઈએ રોવું તો નહીં જ, કારણ કે અમે દુઃખમાં પણ કદી રહ્યા નથી. સવિતાગૌરીનું સૌ ધ્યાન રાખજો. અમે તો ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જ જઈએ છીએ. પન્ તમને સૌને અમે અમારાથી બનતી મદદ કરવા પ્રયત્ન કર્યો છે. કોઈના ઘરની લાઇટ જાય, તો તો અમને અવશ્ય યાદ કરજો...’ આવું બધું બે પાનાં ભરી લખેલું શેઠે. સાંજથી જ મહોલ્લાનાં બાળકો, વડીલો ને યુવાનો શેઠના બેસણા-શોકસભાની મૂક તૈયારીમાં હતાં. મહોલ્લાની વચ્ચોવચ્ચ લાઇટના થાંભલાની નીચે શોકસભા યોજાઈ. એમણે નવો ચીલો ચાતરવા જ રાતે બેસણું યોજવા ખાસ લખેલું ને સવિતાગૌરીએ બધાને એમની છેલ્લી ઇચ્છા પૂરી કરવા વિનવણી કરેલી. સૌ કોઈ જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાઈ ગયેલાં. બધા ઓટલા અને ચોક ભરચક. એક ખુરશીમાં એમનો ફોટો મૂકવામાં આવ્યો. બધાએ વારાફરતી પુષ્પાંજલિ અર્પી. દીવો-અગરબત્તી પ્રગટાવાયાં. બે મિનિટનું મૌન. પ્રાર્થના અને પછી સ્મરણાંજલિમાં શેઠની વાતો પ્રવાહિત બની વહેવા લાગી. ઉદાસી ભારોભાર હતી. કાર્યક્રમ હજુ ચાલુ જ હતો, ત્યાં જ આખા મહોલ્લાની લાઇટ ઊડી ગઈ. અંધારુંધબ્બ...થોડીક ચણભણ. ચહલપહલ શરૂ થઈ ને... અત્યાર સુધી તો આ કામ શેઠના ઇજારા સમું હતું, હવે? ત્યાં જ શેઠનો બારેક વરસનો દીકરો દોડતો જઈ અંધારા ઘરમાં ઘૂસ્યો. થોડી વારે હાથમાં બૅટરી લઈને હાંફતો બહાર આવ્યો. ‘કોઈ ગભરાશો નહીં, આપન્ને આવડે છે બધું. આપન્ને પપ્પાએ બધું શિખવાડ્યું છે. પન્...પન્ બધા દૂર...’ ને એ તો લાઇટના થાંભલે ચડવા માંડ્યો. ચડવાના પ્રયત્નમાં બે-ત્રણ વાર પગ લપસતાં નીચે પણ પડ્યો. પણ એને તો જે શૂરાતન ચડેલું... જે દૈવીશક્તિનો પ્રાદુર્ભાવ થયેલો તે.. એમ ઝાલ્યો રહે? બીજા છોકરાઓએ ટેકો કરી એને ઉપર ચડાવ્યો. સવિતાગૌરી તો રોકકળ કરતાં હતાં... ‘તું...તું.. હેઠો ઊતર.. કોઈ એને રોકો... એને રોકો...’ ‘પન્... પન્, મમ્મી, તું અમારી ચિંતા ન કર. અમને બધું આવડે છે.... તું... જો તો ખરી... કોઈ ગભરાશો નહીં...’ અડધો કલાક એ થાંભલે લટકી રહ્યો. એને ટેકો આપનારના ખભા પણ દુઃખી ગયા ત્યાં સુધી. ‘ડંડો લાવો... આપનો જાદુઈ ડંડો...’ કોઈ જઈને દોડતું ઘરમાંથી ડંડો લઈ આવ્યું. એણે જોરથી દાંત કચકચાવીને ડંડો થાંભલે માર્યો... ને બધાના આશ્ચર્ય વચ્ચે આખ્ખો મહોલ્લો પ્રકાશથી ઝગમગી ઊઠ્યો. ને અજવાળામાં સૌએ જોયું તો.. શેઠના દીકરાએ શેઠનો પેલો ખાખી ડ્રેસ પહેર્યો હતો. હાથમાં હતો ડંડો. થાંભલે ચડતાં પેન્ટ બરાબર વચ્ચેથી ચિરાઈ ગયું હતું, તે એની ચડ્ડી દેખાતી હતી... શેઠની ગરવાઈ છતી કરતો એ જ રોફભર્યો ચહેરો.. ને પ્રસંગનું ભાન ભૂલી સૌ તત્કાળ હસી પડ્યા ખડખડાટ! ‘હાશ, ‘શેઠ’તો ક્યાંય ગયા નથી, રજનીકાન્ત શેઠ તો આ રહ્યા...’ શબ્દો પડઘાવા લાગ્યા. ‘જ્...જ્.. જોઈને આપની કમાલ... હું ન’તો કે’તો....’

પ્રજ્ઞા પટેલ
‘જલારામદીપ’ સામયિકમાંથી