બારી બહાર/૪૬. દીવાદાંડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૬. દીવાદાંડી

જાતાં જાતાં સફર મહીં આ સિંધુના માર્ગ માંહી
છૂપા ઊભા ખડક તહીં, જે કાળ શા, નાવ કેરા.
તૂટયાં જહાજો, ઝઝૂમી મરિયા જે ખલાસી બધા ત્યાં,
દીવાદાંડીસ્વરૂપ ઝબકે પ્રાણ એ સર્વનો આ.

દૂરેથી કો જલધિજલના માર્ગમાં નાવ આવે;
સંદેશાઓ ઝબકી ઝબકી વ્હાણને, એ , કહાવે :
‘ના, ના, ના, ના, અહીં નહિ, અહીં કાળ ઊભો લપાઈ;
તારું આંહીં જીવન સઘળું, –પ્રાણ,–જોશે હરાઈ.’

સંદેશાઓ ઝબકી ઝબકી આવતા પ્રાણ કેરા;
પામી એ સૌ, દિશ બદલતા નાવ કેરી, ખલાસી :
જાતાં મારું, જીવન-જલધિ-માર્ગ, જો નાવ તૂટે,
દીવાદાંડી બની રહી તહીં ચેતવું સૌ પ્રવાસી.