બીડેલાં દ્વાર/કડી ચૌદમી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડી ચૌદમી


‘ભુખાળવી!’

‘મલોખડું!’ ‘છપ્પનિયું!’ ‘ખડમાંકડી!’ જગતભરનાં બેવકૂફોની, ‘પ્રેમીજનો’ નામે ઓળખાતી જમાતનાં આ બે સભ્યો સાગરતટે આવી અખૂટ સંબોધનાવલીની રમતો રમતાં. અજિત કહેતો : “યાદ રાખ, બાળકનું નામ જ મારે મૂળો પાડવું છે.” “એં હેં!! નામ તો પાડશું ખાસ્સું બંગાળી : કાં નીલસુહાસિની, કાં ભૂપેન્દ્રપ્રસન્નસેનજિત.” “પણ ‘મૂળો’ નામ શું ખોટું છે? હર કોઈ પણ નામનું કામ છે ને? ‘એઈ મૂળા! અહીં આવ!’ એટલું કહેવાથી જો છોકરો આપણી પાસે આવતો હોય, તો પછી લાંબા લાંબા લપસીંદર કરતાં આ ટૂંકું ટચ મૂળો શું ખોટું છે?” આવા પ્રકારના વાર્તાલાપથી અજિત પ્રભાને ચીડવતો ને પ્રસન્ન કરતો. એ વાર્તાલાપની ભાષાનું નામ ‘ગંડુ-વાણી’ રાખવામાં આવ્યું હતું. પછી તો વર્ષાઋતુની આકાશ-દિશાઓના જેવા રંગપલટા પ્રભાના મન-શરીર પર આવવા લાગ્યા. જાણે જૂજવાં સ્વરૂપો ધરીને પ્રભા અજિતને થાપ દેવા લાગી : પ્રકૃતિમૈયાની બાથમાં રમણ કરતી, રત્નાકરના ખભા પર ખેલતી, દરિયાપરીઓ અને નાગકન્યાઓની લાડીલી બેનડી પ્રભા : ઊગતા-આથમતા સૂર્યદેવના હાથમાંથી તેજકટોરા પીતી મસ્તીભર અને આનંદકેફમાં ચકચૂર પ્રભા : વાચાળતાનો નશો કરતી, બોલકણી અને હસીહસી ફાટી પડતી પ્રભા : રાત્રીના સમયે તરેહતરેહના પોશાક સજીને ખારવણ, બંગાલણ અથવા બીબીજાન બનતી પ્રભા : અને કોઈ કોઈ વાર પાછી સમગ્ર પ્રસન્નતા તેમ જ મસ્તી સંકેલી લઈ ઊંડા વિચારસાગરને તળિયે જઈ પડતી ગંભીર, અબોલ, ગમગીન તેમ જ ચિંતાકુલ પ્રભા. પ્રથમ આવાં આવાં અકળ ને અણધાર્યાં પરિવર્તનો દેખી અજિત ગૂંચવાડે ચડી જતો. ‘શું થયું છે?’ એવા પ્રશ્નોનો કશો જ જવાબ ન મળતાં એ ધૂંધવાતો, વળી પાછું એને યાદ આવી જતું કે આ તો સગર્ભાવસ્થાનાં સ્વાભાવિક ને સામાન્ય પરિવર્તનો છે. પ્રભા બાપડી શી રીતે સમજાવે? એને પોતાને જ ક્યાં ગમ પડે છે? એ બધા તો પ્રકૃતિમાતાએ નિરધારેલા રંગપલટા છે. અજિતને વિચારો ઊપડતા. એનું ધ્યાન પોતાના શહેરની ગલીઓમાં પોતાનાં પાડોશી ઘરોની અંદર જઈ પહોંચતું ને એનું હૃદય મંથનો અનુભવતું. હું તો મારી પ્રભાની આ અવસ્થાની સ્વતંત્ર તેમજ સમજપૂર્વકની, પ્રેમપૂર્વકની સંભાળ લઈ રહેલ છું; પણ સમાજમાં ખદબદતી લાખ લાખ પ્રભાઓના આવા વિચિત્ર રંગપલટાની શી વલે થતી હશે? એને સંતોષવાની, સંભાળવાની, પંપાળવાની કે કંઈ નહિ તો સમજી લેવાનીય ફુરસદ કોને હશે? શહેરમાંથી કાગળો ઉપર કાગળો આવવા લાગ્યા. તમામ પત્રોનો સૂર એક જ હતો : ભાઈ, અહીંથી ભૂતનાથ આવવાવાળા એકોએક લોક તમારા વિશેની જે વાતો કરી રહેલ છે તેથી અમારું કલેજું વીંધાય છે. આટલી બેશરમાઈ આપણા કુળને કલંકરૂપ કહેવાય. તમે તમારી વહુનાં લૂગડાં ધોઈ આપો તેમ જ નાવાધોવાનું પાણી કૂવેથી તમે સીંચી આવો એ તો બાયલાપણાની હદ આવી રહી. વગેરે વગેરે. આવા કાગળો લખનાર કુટુંબીજનો પૈકી કેટલાક તો માલદાર માણસો હતા. પત્રો વાંચી વાંચીને અજિતે તેઓની કલ્પનામૂર્તિઓ સામે મુક્કીઓ ઉગામી; તેના મુખમાંથી બોલ સર્યા : દુનિયાના ઉતાર દંભીઓ! મારા પ્રત્યેની દિલસોજીનો પોશાક પહેરીને અહીં આવી પહોંચનાર આ તમારી ખારીલી મશ્કરીને હું ઠીકઠીક પિછાનું છું. તમારી કુલકીર્તિનો પથ્થર મારે ગળે પહેરીને હું મારી ગરીબીના કૂવામાં ડૂબી જવા નથી માગતો. ને ભૂતનાથ આવીને અજિત-પ્રભાનું દંપતીજીવન જોઈ જનાર કોણ હતા તે જાણીને બેવડી દાઝ ચડી. જન્માષ્ટમીના ઉત્સવ પર મહંતની જોડે જુગારના પાટલા ખેલવા શહેરી રાયજાદાઓ આવેલા; રતપર નામનું એક ખારવાપરું ત્યાંથી નજીક આવેલ હતું, તેની છૂપી મુલાકાતના રસીલા આબરૂદારો આવેલા; કેટલાક સહેલાણીઓ ખાસ અજિત-પ્રભાને ઢૂંઢતા આવેલા, અને તેમાંના ઘણાખરાએ કોઈને કોઈ બહાના હેઠળ ભૂતનાથની જગ્યાનો અજિત-પ્રભાવાળો નિવાસભાગ નિહાળી આવવાનો આગ્રહ જ રાખેલો. આખરે અહીં સુધી પણ દુનિયા તેમને શોધતી આવી! પણ એ એ બધી કડવાશને ઘૂંટ્યા કરવાની વેળા ક્યાં હતી? ખરચી ખૂટ્યે જતી હતી. પ્રસૂતિનાં પગલાં ધમધમાટ બોલાવતાં ચાલ્યાં આવતાં હતાં; અને આજની જ ટપાલમાં આવેલા કાગળે અજિતને એની પેલી ‘મૌલિક કૃતિ’નો પંદરમા પ્રકાશકે અસ્વીકાર કર્યો હોવાના સ્નાન-સમાચાર આપ્યા. અજિતે ફરીથી એક વાર દાંત કચડ્યા. મારો તો દોષ છે; દુનિયા મને છો ફગાવી દેતી; પણ પ્રભાનો, પ્રભાના કલેજામાં પોઢેલા નવમાનવનો શો ગુનો છે કે દુનિયા એને ભૂખે મારશે? આ બધા સટોડિયા-જુગારી, લબાડો અને તર્કટીઓની હીરારત્ને ભાંગી પડતી નવરી, ચિબાવલી, નખરાંખોર પત્નીઓના કરતાં મારી પ્રભા શું કમ છે, કે એને માટે શિયાળે-ચોમાસે હું એક ગરમ ગંજીફરાક પણ ન ખરીદી શકું? ઉનાળે વીજળી-પંખો ન આપી શકું? બ્રાહ્મી તેલ પણ ન ખરીદી શકું? ચંપલની સારી જોડ અપાવતાં પણ મારે ગણતરીઓ કરવી પડે? ના, ના, જગત મારી ચાહે તે વલે કરે, પ્રભાને માટે તો હું ખૂનખાર સંગ્રામ ખેડીને પણ જગતમાં રસ્તો કરીશ. બે મહિનાની ખરચી ખૂટી ગયે પાછી જ્યારે આ બન્નેની સવારી લઈને ઘોડાગાડી તેઓનાં એક ઓરડીવાળા શહેરી નિવાસ પર ઊભી રહી. ત્યારે ઘરમાલિકનાં શેઠાણીજીની આસપાસ પડોશણોનું કૂંડાળું જમા થઈ ગયું. મીઠો વાર્તાલાપ મંડાયો : ‘આવ્યા આ તો પાછાં.’ ‘ધોયેલ મૂળા જેવાં.’ ‘ભાઈ-બેન, ભાઈ-બેન રમવાનું ક્યાંય રહી ગયું.’ ‘થોડા દા’ડાની વાયડાઈ પૂરી થઈ.’ ‘ત્યારે ફિશિયારી શા સારુ મારતાં’તાં?’ ‘ચાલો, હાલહવાલ તો જોઈએ!’ ધીમે ધીમે ટોળું અજિતના ઓરડા પર હલ્લો લાવીને ઊભું રહ્યું. શેઠાણીએ સાદ કીધો : “કાં, કળાકાર!” કળાકાર અજિતે બહાર આવી ‘જે જે’ કર્યું. એના હાથમાં ઝાડુ હતું. “કેમ ઘર તમે વાળો છો? ક્યાં ગ્યાં મે’મસાબ? કેવીક તબિયત છે?” કળાકારે પોતાનાં મડમ સાહેબનું પ્રદર્શન ભરવાની ઇચ્છા ન બતાવી, એટલે શેઠાણી આપોઆપ ઓરડીમાં દાખલ થયાં અને પછવાડે જેટલી સમાઈ શકી તેટલી સૈનિકાઓ આવી ઊભી રહી. પ્રભા આરામ લેવા ઢળી હતી. “કાં?” શેઠાણીએ લહેકાદાર ટકોર કરી : “દિલરુબા ફિલરુબા વગાડી લીધાને? હવે ઠેકાણે આવી ગયાં ને? તયેં હાઉં, માડી! ચેનચાળા ક્યાંઈ પડ્યા રિયા ને ફસાણાં દુનિયાને ફાંસલે… હી…હી…હી…” શેઠાણીએ હાસ્ય છોડ્યું. પ્રભાએ વેદનાભર્યું સ્મિત કર્યું. “કાંઈ જોવે-કારવે તો મંગાવી લેજો હો! ઘર તમારું જ છે. જુદાઈ જાણશો નહિ. શેઠ હમણાં જ જમીને ગયા. દાળ ને શાક થોડાં પડ્યાં છે, મોકલું?” “જોશે તો મંગાવી લેશું.” પ્રભાની હિમ્મત આથી વધુ ન ચાલી શકી. આખા સ્ત્રીવૃંદે બહાર નીકળીને ફરી એક વાર હંગામી સભા ચાલુ કરી. વાર્તાલાપનો આ વેળાનો વિષય મેમસા’બના શરીરનો નવો રંગઢંગ હતો. “એં બાઈ!” શેઠાણીએ સમાપ્તિના બોલ બોલી સભા વિસર્જન કરી : “જગતથી ચડિયાતાં થવા જનારાં એકોએક પછડાણાં છે. એ વાતમાં કાંઈ માલ નથી. જુઓ આ હાલહવાલ!” વીખરાયેલા મંડળ પૈકીની કેટલીક તો ‘નારીસમાજ’ની સભ્યો હતી. તેઓએ વળી જુદી એક સભા કરીને મહત્ત્વનો પ્રશ્ન ચર્ચ્યો : ‘આ ગર્ભ ખરેખર શું કલાકારથી જ રહ્યો હશે? કે…’ સાંજે શેઠ પોતે મુલાકાતે આવ્યા. એણે પણ સિફતથી છેક અંદર આવીને પ્રભાની હાલત નિહાળી લીધી. મોં મલકાવીને એમણે કહ્યું : “અમારા મકાનને આ જશ છે ના, ભાઈ! આપણા કૂવાના પાણીનો જ એ પ્રભાવ છે. એ હિસાબે તો અમારે હવે ભાડાં વધારવાં પડશે!” વળતી સવારે શેઠાણી આવ્યાં ને સલાહ આપી ગયાં : “કળાકાર! હવે કંઈક કામધંધે વળગી જાઓ. આમ લમણે હાથ ટેકવીને બેઠે શો શકરવાર વળવાનો હતો?” નજીકનાં ને દૂરનાં સગાંસંબંધીઓ આવ્યાં. તેઓનો માર્મિક બોલ એ જ હતો : ‘ભાઈ! હવે કાંઈક કામધંધે લાગી જા. પંદર-વીસની જે નોકરી મળે તેમાં ગોઠવાઈ જા.’ ‘બાપુ! આમ આખો દા’ડો વચ્ચાર કર્યા ન કરીએ, વચ્ચારવાયુ ઊપડે, ખબર છે? આ ખાંડબજાર, ગોળબજાર, દાણાબજાર, ઇસ્ટેશન, બંદર, કારખાનાં — જે ઠેકાણે તકદીરનો આંક લાગે તે ઠેકાણે ધંધે ચડી જા. પછી પંદર-વીસ પચ્ચીસ કે બાવીસ, જેટલા આપણા તકદીરમાં લખ્યા હશે તેટલા મળશે.’ પ્રભાના પિતાએ સંદેશો કહાવ્યો : ‘આપણી કાપડની દુકાનો છ ઠેકાણે છે. કોઈ પણ એક દુકાને ડાહ્યા થઈને બેસી જાવ. મારી છોકરીને આમ ભૂંડે હાલે રઝળાવો મા. આળસુ બનીને બેઠા બેઠા દાળદરનું ભજન ક્યાં સુધી કરશો?’ અહોહોહો! કેટલા બધા દિલસોજ લોકો! આ લોકોની હમદર્દી ઊભરાઈ જાય છે. તમામ મને કામધંધે વળગવા કહે છે : જાણે કે હું જે કરું છું તે કોઈ ધંધો જ નથી! તમામ મને લમણે હાથ દઈ બેઠેલો નિરુદ્યમી ગણે છે : હું મારી ચોપડીના પ્લોટનું ચિંતન કરું છું તેને આ લોકો વિચાર-વાયુ માને છે. ને કાપડની દુકાન! સસરાજીના વિલાયતી જાપાની તાકા વેચવા બેસવાનો ઉદ્યમ! હું મરવું વધુ પસંદ કરીશ. હું વ્યાપારી નથી, કલાકાર છું. મારી કલાને હું નહિ લજવું, દગો નહિ દઉં. ના! ના! ના! કોની જોડે એ દલીલો કરવા બેસે? શી રીતે સમજ પાડે કે કલા, લેખનકલા, એ પણ એક ધંધો જ છે. એ ધંધાનો પોતે ધંધાર્થી છે; ને એની પાછળ પોતાના લોહીનું એ પાણી કરી રહેલ છે! કહેવાનો કશો અર્થ નહોતો. ઉપહાસ વહોરવા સિવાય એ વાતનું કશું ફળ નહોતું. એટલે અજિતે ફક્ત એક જ જવાબ પોતાના સસરાને કહાવ્યો : ના! ના! ના! કદાપિ નહિ. પિતા તરફથી પતિને મળેલા આ સલાહ-સરપાવની જાણ થતાં જ પ્રભા સળગી ઊઠી. બાપને એક ઉકળાટભર્યો તિરસ્કાર-પત્ર લખવા એ સમસમી રહી. ત્યાં તો વળતે જ દિવસે બાપુની દુકાનેથી એક ગુમાસ્તો આવ્યો. અજિતને પરસાળમાં જ છાંડી એ બહેનને મળવા અંદર ગયો. છાનુંમાનું એણે બહેનના હાથમાં એક પરબીડિયું મૂક્યું. પ્રભાએ કહ્યું : “બહાર એમને આપો ને!” ગુમાસ્તાએ નાક પર આંગળી મૂકીને, ખાનગી છે એવું સૂચન કર્યું. પ્રભાએ પરબીડિયું ઉખેળ્યું. અંદર એક સો રૂપિયાની એક નોટ હતી, ને જોડે એક ચિઠ્ઠી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું :

ગાંડી દીકરી, મારો ગુસ્સો ન ઊતર્યો હોત; પરંતુ તારી નવી સ્થિતિએ ફરી પાછું મારામાં બાપનું હૃદય જગાડ્યું છે. તને જ મોકલું છે; કેમ કે એ ઘેલાના હાથમાં જશે તો ઘરમાં ઘી-તેલને બદલે શાહી-કાગળો ને ટપાલની સ્ટાંપો જ ઊભરાશે. તું જ ખરચજે.

વાંચીને પ્રભાનો ચહેરો કાનનાં મૂળ સુધી ધગી ઊઠ્યો. ચિઠ્ઠી સાચવીને એણે પોતાનાં ગજવામાં મૂકી અને સો રૂપિયાની નોટનાં ચિરાડિયાં કરી તેણે એ જ પરબીડિયામાં ભર્યાં. પરબીડિયું ગુમાસ્તાને દીધું. બોલી : “બાપાજીને આ મારો જવાબ આપજે.” ડઘાઈ ગયેલો ગુમાસ્તો પ્રભાનું સારું ય કલેવર થરથરતું જોઈ રહ્યો. પ્રભાના મોંમાંથી અપમાનિત આત્મા ચોધાર રુદન કરી ઊઠ્યો. એનાં ડૂસકાં સાંભળીને અજિત અંદર દોડ્યો આવ્યો. પૂછ્યું : “કેમ? શું છે?” આંસુ લૂછતી પ્રભા બોલી : “કશું નથી. એ તો મારા બાપાએ થોડા દિવસને માટે ઘેર તેડાવી છે.” “તો જઈ આવ ને! હું ક્યાં ના કહું છું? હું તો મારું ગમે તેમ ચલાવી લઈશ. જા, થોડા દિવસ સ્થળફેર કરી આવ. એ બાપડા રાજી થશે.” “ના, મારે નથી જવું. તમારું પુસ્તક લખાઈ રહ્યા પછી જઈશ.” ગુમાસ્તાના ગયા પછી અજિતે એને પંપાળી : “શા માટે રડે છે? બાપના ઘેરે જવું છે? મારી અત્યારની લાઇલાજીની મને શું કંઈ ઓછી શરમ થતી હશે, પ્રભા? હું તારા સારુ કંઈ જ —” પ્રભાએ અજિતનાં મોં ઉપર હાથ દાબી દીધા — “મારા સમ છે હવે એક શબ્દ પણ એ વાતનો બોલ્યા છો તો.” “કેમ ન બોલું?” “તમારી ગરીબીનું ગાણું મારે નથી સાંભળવું.”’ “તો તારું મન એમ છે, કે મારે બાપાજીની દુકાને બેસી જવું?” “ના, તમે ઊંધું સમજ્યા છો. વાંચો આ ચિઠ્ઠી.” અજિતે સસરાનો કાગળ વાંચ્યો. પત્નીનાં આંસુનો મર્મ જાણ્યો. પ્રભાની આંખોમાં એની આંખોનું કરુણામૃત સૃષ્ટિનો વિનાશ થાય ત્યાં સુધી પણ અખૂટ રહે એવી સ્થિર ધારે રેડાવા લાગ્યું. એણે પૂછ્યું : “તારી શી ઇચ્છા છે? મને કહે.” “ઇચ્છા એટલી જ કે તમે તમારે લખવાનું જ કામ કર્યે જાઓ.” “પણ આ નિર્ધનતા! મારો તો ઠીક, પણ તારો શો અપરાધ —” “અપરાધ એ કે હું તમારી કલા પર મુગ્ધ બની.” પ્રભા હસી. “તને શું સુખ મળ્યું?” “અભિમાનનું સુખ. હું નિર્ધન કલાકારને પરણી એ અહંકારનું સુખ.” “અહંકાર ઉદરને ભરી શકતો નથી, દેહને ઢાંકી શકતો નથી.” “પણ એ અહંકાર મનુષ્યની પામરતાની વૃત્તિને ઢાંકે છે. હું તમારી જોડે પરણીને મનથી એટલી મગરૂબી સમજું છું, કે ભલભલી મોટર દોડાવતી શેઠાણીઓથી સવા વેંત ઊંચે ચાલું છું. પછી છે કાંઈ? ને જુઓ —” ઊઠીને એણે અજિતને પોતાના આલિંગનમાં લીધો, ઊંચો કર્યો, કહ્યું : “તમારી પ્રભા તમનેય જગતથી ઊંચા ઉપાડી ચાલી શકે છે.” ત્યાં તો ટપાલીનો અવાજ આવ્યો : ‘અજિતભાઈ!’ ને સાથોસાથ એક કવર પરસાળમાં પટકાયું. ઉઘાડીને અજિતે વાંચ્યું. એના મોં પર સાત સૂર્યો સામટા ઊગ્યા. એણે પ્રભાને ધીરેથી કહ્યું : “નૂતન જગત સોસાયટીનો કાગળ છે. આપણી ચોપડી મંત્રીને બહુ પસંદ પડી છે. હવે એ કમિટી પાસે મૂકશે.” “સાચે જ?” “લે, વાંચી જો.” પ્રભાએ વાંચ્યો. બીજી જ પળે બેઉના ગાલ એકબીજા ઉપર હર્ષનાં અશ્રુવર્ષણ કરી રહ્યાં. ‘બસ, હવે વાંધો નથી, રાસ્કલ!’ કહેતો અજિત પ્રભાના પેટ ઉપર કોમળ હાથ પસારવા લાગ્યો, ને એ ઉદરવાસીને સંબોધી બોલી ઊઠ્યો : ‘હવે તારા આવવાની જરીયે ફિકર મને નથી. આવી જા, તારે હજુ બે મહિનાની વાર છે, ત્યાં તો મને તારો સત્કાર કરવાની ખરચી મળી રહેશે. સમજ્યો, પાજી!’ અજિતે ફરી પેટ પંપાળ્યું. હાથ નીચે કંઈક ફરક ફરક થવા લાગ્યું. અજિતે પ્રભાની સામે જોયું. પેલા સળવળતા અંતર્યામીને એણે ફરી વાર ગાળ ચોપડી : ‘રાસ્કલ, લાતો મારે છે મારી પ્રભાને! પણ યાદ રાખ, હવે મને તારો ડર નથી, નૂતન જગત સોસાયટીનો ચેક આવ્યો સમજ!’