બે દેશ દીપક/અસહકારને ઊંબરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અસહકારને ઊંબરે

વીરાંગના વીરને શોધે એમ ગિરફતારી હજુ પણ લાલાજીની શોધે ચડી હતી. અને આ વખતે તો બે જ વરસોને ટૂંકે ગાળે એણે એ વીરને પકડી પાડ્યા. ૧૯૨૨ના ડીસેમ્બર માસની ૩ જી તારીખ હતી. નાગપૂરની મહાસભામાં અસહકાર મંજૂર થઈ ગયો હતો. જેલોમાં હિન્દી નૌજવાનો અને નેતાઓ કીડાની માફક ખદબદતા હતા. પંજાબમાં સભાબંધીનો કાનૂન ચાલતો હતો. લાહોરમાં મહાસભાની સમિતિ બંધબારણે બેઠી હતી. ચાલીસ સભ્યો સિવાય કોઈને પણ–પટાવાળા કે કારકુન સુદ્ધાંને પણ લાલાજીએ હાજર રહેવા દીધા નહોતા. એ રીતે આ સભા સાર્વજનિક સભાબંધીના કાનૂનની ચુંગાલમાં કોઈપણ ન્યાયે આવી શકે તેવું નહોતું, લાલાજી નિશ્ચિંત હતા. ત્યાં તો પોલીસના હાકેમની સાથે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ મેજર ફેરાર આવી પહોંચ્યા. મહાસભાના મકાન ફરતો ઘેરો ઘાલ્યો અને મેજીસ્ટ્રેટે આજ્ઞા દીધી કે ‘આ જાહેર સભા છે. મારો આદેશ છે કે આ સભાને વિખેરી નાખો.' પ્રમુખની ખુરસી પરથી લાલાજીએ જવાબ દીધો: ‘હું આ સભાના પ્રમુખ તરીકે કહું છું કે આ સભા જાહેર નથી. અને તેથી હું એને વિખેરવાની ના પાડું છું.' ‘આ આદમી કોણ છે?' મેજીસ્ટ્રેટે કોઈને ધીરે અવાજે પૂછ્યું. ‘હું લાજપતરાય છું-હું આ સભાનો પ્રમુખ છું. હું જાહેર કરું છું કે આ સભા ખાનગી છે. છતાં તમારે મને ગિરફતાર કરવો હોય તો આ રહ્યો હું.' એટલું કહીને લાલાજી પોતાના ચાલીસ સાથીઓ તરફ ફર્યા ને બોલ્યા ‘તમારામાંથી જેને જવું હોય તે સુખેથી ચાલ્યા જજો. હું એકલો આ હુકમનો અનાદર કરીને સભા ચલાવવા માગુ છું.' ચાલીસમાંથી એક પણ સભ્ય ન જ ચસક્યો. એ મૂંગો પ્રત્યુત્તર પોલીસને માટે પૂરતો જ હતો. હાજર રહેલામાંથી પ્રમુખને કેદ પકડી લીધા, રાજદ્રોહી સભાનો કાયદો લાગુ પાડી લાલાજીને છ માસની સજા કરી; બીજી કલમ ૧૪પમી લાગુ પાડી એક વર્ષની સખત મજૂરી સાથેની કેદ દીધી. એ સમયે એ બુજરગ વીરે પોતાના દેશવાસીઓ પ્રતિ આવો સંદેશો મોકલાવ્યો : ‘હું તો અમેરિકાથી નીકળતી વેળા જ વિચારતો હતો કે જેલની બહાર હું થોડોક જ વખત રહીશ. હું તો મારી ગિરફતારી પર ખુશ છું, કેમકે મારું ધ્યેય પવિત્ર છે. મેં જે કાંઈ કર્યું છે તે આત્મા તેમ જ પરમાત્માની ઈચ્છાને અનુકૂળ જ કર્યું છે. મારો માર્ગ નીતિનો જ છે એથી મને વિશ્વાસ છે કે આપણા ઉદ્દેશની સિદ્ધિમાં જરૂર આપણને સફળતા મળશે. મને એ પણ આસ્થા છે કે હું જલદી જલદી પાછો આવી તમારી સેવા ઉઠાવીશ. અથવા કદાચ એમ ન બને તો પણ હું તમને ખાતરી આપું છું કે હું મારા માલિકની સન્મુખ ખડો થઈ જવા પણ આતુર છું. હું તો એક કમજોર માનવી છું. મારામાં મહાત્મા ગાંધીના જેવી પવિત્રતા નથી. ઘણી વાર હું મારા ગુસ્સાને રોકી શકતો નથી. હું એમ પણ નથી કહી શકતો કે મારા દિલમાં કોઈ વાંચ્છના કામ નથી કરી રહી. અલબત, હું આટલું કહી શકું છું કે મેં મારા સ્વદેશની અને મારી જાતિની સેવાને હમેશાં મારી સન્મુખ રાખેલ છે અને જે કાંઈ કર્યું છે તે એ જ ધૂનમાં કર્યું છે. હું જાણું છું કે કર્તવ્યપાલનમાં મેં ઘણી ઘણી ભૂલો કરી છે અને વારંવાર મારા ઘણા દેશવાસીઓ પર આકરા હુમલા કર્યા છે. હું એ સર્વની ક્ષમા માગું છું. તેઓ સહુ-અને ખાસ કરીને મારા વિનીત તથા આર્યસમાજી ભાઈઓ મને માફી આપે એજ મારી યાચના છે.

‘પંજાબના નૌજવાનો, એક શબ્દ હું તમને સંભળાવવા માગું છું : તે એ છે કે પરીક્ષાઓ પસાર કરવી એ તમારી ઝીંદગીનો અંત નથી. જે મનુષ્ય પોતાની જ ઈજ્જત અને પોતાના જ આત્મસન્માનના ખયાલોમાં ઝકડાઈ રહેલો છે, તે મનુષ્ય નથી, હેવાન છે. જો ઉચ્ચ ભાવોને દબાવીને એશારામમાં જ જિંદગી વીતાવી નાખીશું તો એ જિંદગી આપણે માટે મોતથી પણ અધમ બની જશે, હું હરગિજ નથી કહેતો કે તમે વધુ પડતા જોશથી કામ લો. પણ એાછામાં ઓછી બે વાતો તો જરૂર કરો : ખાદી પહેરો અને શાહજાદાનો બહિષ્કાર કરો. ‘પંજાબની દેવીઓ! મને ખબર છે કે તમારા અંતરમાં પણ પ્રજાસેવાનો અગ્નિ સળગી રહેલ છે અને એ સેવા ઉઠાવવામાં તમે તમારી સ્વતંત્રતાની પણ પરવા નથી કરતી. તમારામાંથી ઘણી બહેનો કેદમાં જવા માટે પણ તૈયાર છે. પરંતુ બહેનો! અહીંનાં જેલખાનાં તો શયતાનનાં રહેઠાણ છે. ત્યાં બદમાશી અને હરામીનું પરિબલ છે. માટે તમે એ ખયાલ છોડી દઈને શુદ્ધ સ્વદેશીના પ્રચારથી તેમજ ઉપયોગથી તમારા દેહને પવિત્ર કરી કાઢો. ઉપરાંત આપણા જે ભાઈઓ નાનાં બચ્ચાંને મૂકીને જેલમાં જાય છે તેની ગેરહાજરીમાં તમે એ બચ્ચાંની રખેવાળી પણ કરી શકો છો.' ‘દેશવાસી ભાઈઓ! હું હવે વિદાય લઉં છું. હું તો પરમ શ્રદ્ધા લઈને જાઉં છું, કે મારા પ્યારા દેશની અને મારી પ્યારી કોમની ઈજ્જત તમારા હાથમાં છે. ‘વન્દેમાતરમ્' પત્ર અને ‘તિલક રાજનીતિશાળા' એ બે મારાં બચ્ચાં છે એ હું તમને ભળાવી જાઉં છું. મહાસમિતિના જે ભાઈઓ લાહોરમાં હાજર હોવા છતાં આજની સભામાં નહોતા આવ્યા, તેને મેં પોતેજ ગેરહાજર રહેવાનું કહેલું કે જેથી આપણું કાર્ય ચાલુ રહી શકે.

લી. તમારો પ્રેમી
લાજપતરાય