ભારતીયકથાવિશ્વ−૪/યોગવાસિષ્ઠ મહારામાયણની કથાઓ/લવણ રાજાની ચિત્રવિચિત્ર કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લવણ રાજાની ચિત્રવિચિત્ર કથા

ઉત્તરપદા નામના દેશમાં ફળફૂલ, સરોવરથી ભરેલું એક નગર હતું. તેમાં વિદ્યાધર સ્ત્રીઓ હતી, રંગબેરંગી પંખી હતાં, કિન્નરો ગીત ગાતા હતા, કલ્પવૃક્ષ, પારિજાત હતાં, અને લવણ નામનો ધર્મનિષ્ઠ રાજા શત્રુ વિનાનો હતો, પ્રજારક્ષક હતો, સાધુસંતો, પુણ્યશાળીઓ ત્યાં સુખી હતા. તેના જેવો રાજા કોઈ સ્થાને પણ નજરે પડતો ન હતો. એક વેળા ત્યાં સંગીત, નૃત્ય થઈ રહ્યાં હતાં ત્યારે ત્યાં ઇન્દ્રજાળનો નિષ્ણાત જાદુગર આવ્યો અને તેણે રાજાને એક કૌતુક બતાવ્યું. પટારામાંથી મોરપીંછ કાઢીને ફેરવવા લાગ્યો. રાજાની નજરે અનેક રંગ પડ્યા. તે જ વેળા એક દૂત આવીને બોલ્યો, ‘જુઓ આ ઘોડો. ઇન્દ્રના ઉચ્ચૈ:શ્રવા જેવો જ, પવનવેગી ઘોડો. આના પર સવાર થાઓ.’ રાજાએ ઘોડા સામે જોયું અને તે મૂચ્છિર્ત થઈ ગયો, રાજા હાલ્યાચાલ્યા વગર પડી રહ્યો એટલે બધા ચિંતાતુર થઈ ગયા. થોડી વારે ભાનમાં આવીને રાજાએ પૂછ્યું,‘આ નગર કોનું? અહીં રાજા કોણ? આ બધું શું છે?’

રાજાની વ્યાકુળ વાતો સાંભળીને સભાજનોએ તેનું કારણ પૂછ્યું; રાજાને તેનાં બુદ્ધિમત્તા, ઉદારતાની યાદ અપાવી ત્યારે રાજા થોડા સભાન થયા અને પછી ભ્રમ ભરેલી પોતાની વાત કહેવા લાગ્યા.

‘આખી પૃથ્વી પર મારું રાજ ચાલે, મારી આગળ ઇન્દ્રસભાની જેમ જ મંત્રીઓ છે. પેલા જાદુગરે મોરપીંછ કાઢીને ઘુમાવ્યું અને પછી એક દૂતે આણેલા ઘોડા પર હું સવાર થયો. હું અહીં ને અહીં બેઠો રહ્યો અને ઘોડો મને માનસિક રીતે દૂર દૂર લઈ ગયો, એક ભયાનક સ્થળે બધું સળગતું હતું, પછી એક મોટું વન આવ્યું. ત્યાં કશું પણ નજરે પડતું ન હતું. હું પરવશ, દુઃખી થઈ ગયો. માંડ માંડ રાત વીતાવી, સવારે આગળ ચાલવા માંડ્યું, ત્યાં વૃક્ષો-પંખીઓ જોયાં, આનંદ થયો, જાંબુ નીચે બેઠો અને પેલો ઘોડો તો ચાલ્યો ગયો. ને ખાવાપીવાનું કશું ન મળ્યું, સૂરજ આથમ્યો, મારી દશા ભારે થઈ. નિત્ય કર્મ ન થયાં. નહીં ફળફૂલ, નહીં પાણી. એવામાં એક કન્યા દેખાઈ, તેના હાથમાં માટલી હતી, મેં તેની પાસે કશું ખાવાનું માગ્યું ત્યારે તેણે કહ્યું, ‘તમે મારી સાથે લગ્ન કરો તો પાણી આપું; મારા પિતાને રાજી કરી દઈશ, મેં હા પાડી એટલે તેણે મને થોડું ભોજન આપ્યું, જાંબુનો થોડો રસ આપ્યો. મને ટાઢક વળી પણ મારો મોહ દૂર ન થયો. પછી તેણે મને તેના પિતા આગળ ઊભો કરીને કહ્યું, ‘મેં આને પતિ તરીકે સ્વીકાર્યો છે.’ તેણે હા પાડીને મને ભોજન આપ્યું. પછી પિતાના કહેવાથી તે મને તેને ઘેર લઈ ગઈ. ત્યાં હાડકાં, માંસ, લોહી પુષ્કળ હતાં. કાગડાથી માંડીને હાથીનાં ચામડાં પણ. એ બધામાં થઈને તે કન્યા મને તેની માતા પાસે લઈ ગઈ. તેની માતાએ પણ મારો જમાઈ તરીકે સ્વીકાર કર્યો. પછી ભોજન કર્યું, અનેક જન્મોનાં પાપ ભેગાં થયાં હોય એમ લાગ્યું. વિવાહ થઈ ગયો, અને નાચગાન થયાં. સાત દિવસ સુધી વિવાહોત્સવ ચાલ્યો, ત્યાં આઠ મહિના રહ્યો. પછી મારી પત્નીએ દુઃખ નામની કન્યાને જન્મ આપ્યો, તે જલદી જલદી મોટી થઈ ગઈ અને ત્રણ વરસની ઉંમરે તો એક બાળકે જન્મ લીધો; પછી એમ કરતાં કરતાં ત્રણ પુત્ર, ત્રણ પુત્રી જન્મ્યા. હું ચાંડાલોમાં ફસાઈ ગયો. ધરતી પર સૂવાનું, કપડાંનાં ઠેકાણાં નહીં, જૂનાં જૂનાં ફાટેલાં ચીંથરાં, અપવિત્ર માંસ લોહી ખાવા પીવા મળે છે. મારું શરીર વૃદ્ધ થઈ ગયું. વરસાદના અભાવે દુકાળ પડ્યો. બાર સૂરજ જાણે ભેગા થયા. વનમાં દાવાનળ, પ્રલયના સમય પહેલાં જાણે પ્રલય આવ્યો. પછી દુઃખી થઈને અમે પરિવાર સાથે જ્યાં ખોરાક-પાણીના સમાચાર મળતા ત્યાં જતા. અને દુઃખી દુઃખી થઈ ગયા.

અમે નર્યા વૃદ્ધ થઈ ગયા. કર્મને અધીન થઈ ગયા. રાજત્વ ભૂલીને ચાંડાળત્વ ઘુંટાવા લાગ્યું. દુકાળમાં કશું ખાવાપીવાનું મળ્યું નહીં; કેટલાયે પરિવાર ત્યજી દીધો, કેટલાકે પહાડ પરથી કૂદીને આત્મહત્યા કરી. પછી એક ઝાડ નીચે બેઠો હતો ત્યારે સૌથી નાના બાળકે મારી પાસે ખાવાનું માગ્યું; મારી પાસે તો હતું નહીં. મેં એને મારું માંસ આપવાની ઇચ્છા બતાવી, તેણે હા પાડી. મેં ચિતા પ્રગટાવી, કહ્યું, ‘હું આ આગમાં બેસું છું, મારું માંસ રંધાઈ જાય ત્યારે તું ખાજે. મેં અગ્નિમાં પ્રવેશ કર્યો, મને ગરમી લાગી એટલે હું ધ્રૂજવા લાગ્યો. તમે લોકોએ મને ધૂ્રજતો જોયો, ફરી હું ઘોડા પર બેઠો.’