ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/અર્જુને કરેલો અપ્સરાઓનો ઉદ્ધાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અર્જુને કરેલો અપ્સરાઓનો ઉદ્ધાર


એક સમયે અર્જુન મણિપુર થઈને દક્ષિણ સમુદ્ર પરનાં પાંચ તીર્થોમાં સ્નાન કરવા આવ્યા હતા. અહીંથી તપસ્વીઓ ભયને કારણે જતા રહ્યા હતા અને ત્યાં જનારાઓને પણ રોકતા હતા. અર્જુને કોઈ ઋષિમુનિઓને પૂછ્યું, ‘આ તીર્થ તો બહુ સુંદર અને પ્રભાવશાળી છે, તો પછી ઋષિમુનિઓ શા માટે એમને ત્યજીને જતા રહ્યા?’

તપસ્વીઓએ કહ્યું, ‘આ તીર્થોમાં પાંચ મગર છે, તે તપસ્વી મુનિઓને પાણીમાં ખેંચી જાય છે.’

આ સાંભળીને મહા બળવાન અર્જુને ત્યાં જવાનો નિર્ણય કર્યો ત્યારે તે મુનિઓએ તેમને અટકાવ્યા, ‘અર્જુન, તમારે ત્યાં જવું ન જોઈએ. મગરોએ ઘણા બધા રાજાઓને અને મુનિઓને મારી નાખ્યા છે. તમે તો બાર વરસ તીર્થોમાં સ્નાન કરી ચૂક્યા છો, પછી આ પાંચ તીર્થોમાં સ્નાન નહીં કરો તો ચાલશે. દીવામાં ઝંપલાવતાં પતંગિયાં પેઠે જવાની જરૂર નથી.’

આ સાંભળી અર્જુને કહ્યું, ‘તમારો દયાળુ સ્વભાવ છે એટલે તમે જે કહ્યું તે બરાબર. જે માનવી ધર્માચરણ કરવા નીકળ્યો હોય તેને જવાની ના પાડવી તે યોગ્ય નથી. જીવન તો વીજળીની જેમ ક્ષણભંગુર છે, જો ધર્મપાલન કરતાં કરતાં મૃત્યુ આવે તો પણ શું? જેમનાં જીવન, ધન, સ્ત્રી, પુત્ર, ખેતર અને ઘર ધર્મના કામે નાશ પામે તે જ મનુષ્યો કહેવાય.’

પછી મુનિઓએ તેમને આશીર્વાદ આપ્યા. તેમને પ્રણામ કરીને અર્જુન સૌભદ્ર મહર્ષિના તીર્થમાં સ્નાન કરવા ગયા. ત્યાં પાણીની અંદર રહેનારા એક ભયંકર મગરે અર્જુનને પકડી લીધા. અર્જુન તો મહાબળવાન, તે મગરને પકડીને કિનારે લાવ્યા, તરત જ તે મગર એક અલંકારમંડિત નારીના રૂપમાં ફેરવાઈ ગયો. તે મનમોહિની હતી. અર્જુને તેને પૂછ્યું, ‘કોણ છો તમે? પાણીમાં રહેનારી મગરીનું રૂપ કેવી રીતે મળ્યું? આવું ઘોર પાપ તમે કેમ કરો છો?’

તે નારી બોલી, ‘હે પાર્થ, હું દેવોના નંદનવનમાં રહેતી વર્ચા નામની અપ્સરા છું. આ મારી ચાર સખીઓ છે. અમે બધા ઇચ્છાનુસાર ગમન કરી શકીએ છીએ. એક દિવસે હું આ ચારે સખીઓને લઈને એક વનમાં પહોંચી. જોયું તો કોઈ બ્રાહ્મણદેવ એકાંતમાં બેસીને સ્વાધ્યાય કરી રહ્યા હતા. તે બહુ સુંદર હતા. તેમના તપના તેજથી આખું વન પ્રકાશિત થતું હતું. સૂર્યની જેમ આખા પ્રદેશને આલોકિત કરી રહ્યા હતા. તેમના તપમાં વિઘ્ન નાખવા હું ત્યાં ઊતરી, હું સૌરમેયી, સામેયી, બુદ્બુદા અને લતા એક સાથે તે બ્રાહ્મણ પાસે જઈ પહોંચી. તેમની સામે ગાવા લાગી, રમત રમવા લાગી. તેમને લોભાવવાના પ્રયત્ન કર્યા પણ તેઓ નર્યા અનાસક્ત રહ્યા. અમારા અયોગ્ય વર્તાવ જોઈને તેમણે અમને શાપ આપ્યો, ‘તમે વર્ષો સુધી પાણીમાં મગર રૂપે રહો.’

આ શાપ સાંભળી અમે દુઃખી થઈ ગયાં. તેમના શરણમાં જઈ બોલી, ‘વિપ્રવર્ય, અમે બહુ ખરાબ કર્યું છે, તો પણ તમે અમારો અપરાધ ક્ષમા કરી દો. તમે તો ધર્મજ્ઞ છો, બ્રાહ્મણો તો બધા માટે મિત્ર છે. સાધુઓ શરણાગતની રક્ષા કરે છે. અમે તમારા શરણે છીએ.’

અમારી પ્રાર્થના સાંભળી તેમણે કહ્યું, ‘તમે પાણીમાં મગરી બનીને રહેશો અને સ્નાન કરવા આવેલા લોકોને પકડશો. કેટલાંક વર્ષો આમ થશે. ને પછી એક દિવસ કોઈ પુરુષ આવીને તમને પાણીની બહાર લઈ જશે ત્યારે તમે તમારું મૂળ સ્વરૂપ પામશો.’

પછી તે બ્રાહ્મણદેવને પ્રણામ કરીને ત્યાંથી દૂર જઈ અમે વિચાર કર્યો. એટલામાં જ અમે ત્યાં આવી ચઢેલા નારદ ઋષિને જોયા. અમે તો ઉદાસ થઈને તેમની સામે ઊભી રહી ગઈ. તેમણે અમારા શોકનું કારણ પૂછ્યું. એ સાંભળીને તેઓ બોલ્યા, ‘દક્ષિણ સમુદ્રમાં પવિત્ર અને સુંદર પાંચ તીર્થ છે, તમે ત્યાં જાઓ. ત્યાં તમને પાંડુનંદન અર્જુન આમાંથી મુક્તિ અપાવશે.’

તેમની વાત સાંભળીને અમે અહીં આવી ગઈ. હવે તમારે અમારું કલ્યાણ કરવાનું.’

પછી અર્જુને વારાફરતી બધાં જ તીર્થોમાં સ્નાન કર્યું અને મગરી બનેલી બધી અપ્સરાઓનો ઉદ્ધાર કર્યો. એટલે તે અપ્સરાઓ અર્જુનને પ્રણામ કરીને આકાશમાં ઊડી ગઈ.


(કુુમારિકાખંડ)