ભારતીયકથાવિશ્વ−૪/હેમચંદ્રાચાર્યકૃત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત/સગર રાજાની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સગર રાજાની કથા

સગર રાજાના શસ્ત્રમંદિરમાં સુદર્શન નામે ચક્રરત્ન ઉત્પન્ન થયું, આ અદ્ભુત ચક્રનો પૂજામહોત્સવ નગરજનોએ કર્યો. આમ કરવાનો વિચાર ચક્રે રાજાને બતાવ્યો હોય તેમ રાજા સ્નાનાદિ કર્મથી પરવારીને ગજરત્ન પર સવાર થયા. અને પુરોહિતો, સૈનિકો સાથે તેઓ ધીમે ધીમે મગધ દેશમાં જઈ પહોંચ્યા અને રાજાએ પોતાના નામથી અંકિત થયેલું બાણ રાજસભામાં પડેલું જોયું, રાજાએ બાણ પર નામ વાંચીને તેને બોલાવ્યો, તેણે સગર પાસે આવીને પોતાને સામંત તરીકે ઓળખાવ્યો. આ પછી ચક્ર દક્ષિણ દિશામાં ચાલ્યું. અનેક રાજાઓને નમાવ્યા, કેટલાકને પદભ્રષ્ટ કરીને નવા રાજાઓને બેસાડતા હતા, એમ કરતાં કરતાં દક્ષિણ દિશામાં જઈ પહોંચ્યા અને ત્યાં વરદામપતિ નામના રાજા પર બાણ છોડ્યું, તે રાજા પણ ભેટ સોગાદો લઈને સગર સમક્ષ આવ્યો. પોતાને શરણાગત તરીકે ઓળખાવ્યો.

હવે ચક્રરત્નની પાછળ પાછળ રાજા પશ્ચિમ દિશામાં જવા નીકળી પડ્યા. મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કચ્છના રાજાઓને નમાવી પ્રભાસંપતિ રાજા પાસે જઈ પહોંચ્યો અને ત્યાં પણ તેમનો વિજય થયો, ત્યાંથી સિંધુદેવી પાસે ગયા અને તે દેવીએ પોતાને દાસી તરીકે ઓળખાવી. હવે ચક્ર ઉત્તરપૂર્વ દિશામાં નીકળ્યું અને ત્યાં વૈતાઢ્યકુમારે પણ રાજાને ઓળખીને ભેટસોગાદો ધરી. પછી અનેક વિદ્યાઓમાં કુશળ એવા પોતાના મલેચ્છ લોકોની ભાષા જાણતો હતો, સમગ્ર દેશના માર્ગોથી તે પરિચિત હતો. તે હવે કેટલાક મલેચ્છો, કિરાતો ભાગીને સિંધુ નદીને કિનારે જઈને બેઠા અને પોતાના કુળદેવતાઓને પ્રાર્થના કરી. એટલે દેવતાઓએ પ્રસન્ન થઈને તેમની ઇચ્છા પૂછી, ત્યારે કિરાતોએ કહ્યું, અમારા વિસ્તારમાં પ્રવેશીને એક વ્યક્તિએ અમને પરાજિત કર્યા છે, તો તમે તેને આજ્ઞા આપો કે અહીં પ્રવેશે નહીં: પણ તમારે માટે અમે તે રાજાને હંફાવીશું. એમ કહીને તેમના પર વરસવા માંડ્યું. પછી બીજા દેવતાઓએ આવીને ઉપદ્રવ કરનારાઓને બહુ ઠપકો આપ્યો, ધમકી પણ આપી એટલે તે બધા જળમાં સંતાઈ ગયા. આ જોઈને કિરાતોએ શરણાગતિ સ્વીકારી લીધી અને રાજાને પુષ્કળ ભેટસોગાદો આપી; પછી સેનાપતિએ રાજાની આજ્ઞાને માન આપીને સિંધુના પશ્ચિમ વિસ્તારને જીતી લીધો.

પછી આ ચક્ર હિમાલય વિસ્તારમાં પ્રવેશ્યું. હિમાલય દેવ ઉપર પોતાના નામવાળું બાણ ફેંક્યું. અક્ષરો વાંચીને તેણે તો ઔષધિઓ, અલંકારો, કલ્પવૃક્ષની માળાઓ ભેટ ધરી. દિગ્વિજયની પ્રતિજ્ઞા પૂરી થઈ. એટલે સગરરાજાએ મોટો ઉત્સવ કર્યો. પછી ગંગાદેવીના ભુવને આવ્યા અને ત્યાં દેવીને ઉદ્દેશી તપ કર્યું. દેવીએ અંતરીક્ષમાં ઊભા રહીને રાજાને રત્નકુંભો, સિંહાસનો ભેટ આપ્યાં. પછી નાટ્યમાળદેવે પણ ચક્રવર્તીનો સત્કાર કર્યો. વિદ્યાધરોએ પણ સેવા કરવાનું સ્વીકાર્યું.

ગંગાના પશ્ચિમ કિનારે છાવણી કરીને અઠ્ઠમ તપ કર્યું. પછી નવ નિધિ અને પ્રત્યેક નિધિના હજાર હજાર દેવતાઓએ રાજાના સેવક બનવાનું સ્વીકાર્યું.

ચક્રવર્તી રાજા ચૌદ મહારત્ન, નવનિધિ, ધરાવતા હતા. બત્રીસ હજાર રાજાઓ સેવા કરતા હતા. ચોસઠ હજાર સ્ત્રીઓ ત્યાં હતી અને આમ અનેક પ્રકારની સમૃદ્ધિ તેઓ ધરાવતા હતા. તેમણે છેવટે વિનિતાનગરી પાસે પડાવ નાખ્યો, એક દિવસ રાજા તોફાની ઘોડા પર સવાર થયા. શરૂઆતમાં અંકુશમાં રહેલો ઘોડો એકાએક ઊઠીને રાજાને મોટા જંગલમાં લઈ ગયો, છેવટે ચાલતા ચાલતા એક સુંદર સરોવર પર આવી ચડ્યા, ત્યાં નાહીધોઈને કિનારે બેઠા. એટલામાં ત્યાં જળદેવી જેવી સુંદર એક યુવતી આવી ચઢી. અમૃતવૃષ્ટિ જેવું સ્ત્રીનું દર્શન લાગ્યું. તે સ્ત્રીએ પણ રાજાને જોયા અને કામદેવના શરથી વીંધાઈ. તેની સખીઓ માંડમાંડ સાચવીને તેને નિવાસસ્થાને લઈ આવી.

કોઈ કંચુકીએ રાજા પાસે આવીને કહ્યું, ‘આ વૈતાઢ્ય પર્વતમાં ગગનવલ્લભ નગરમાં સુલોચન નામે વિદ્યાધર છે, તેને સહનયન નામે પુત્ર અને સુકેશા નામે પુત્રી છે. પુત્રીના જન્મ વખતે ભવિષ્ય ભાખવામાં આવ્યું. આ પુત્રી ચક્રવર્તીની પટરાણી થશે. ઘણા તેની સાથે લગ્ન કરવા તૈયાર હતા, પણ તેના પિતા કોઈની સાથે લગ્ન કરવા તૈયાર નથી. પૂર્ણમેઘ નામનો રાજા બળાત્કારે તેનું હરણ કરવા માગતો હતો. એટલામાં સહનયન ત્યાં આવી ચઢ્યો અને રાજાને પોતાના નિવાસસ્થાને લઈ ગયો ત્યાં તેણે પોતાની બહેન રાજાને આપી. રાજાએ સહનયનને વિદ્યાધરોનો નાયક બનાવ્યો.

સુકેશાને લઈને સગરચક્રી રાજા સાકેત એટલે કે અયોધ્યા આવ્યા અને ત્યાં તપ કર્યું. પછી પોતાની અનેક રીતે શણગારેલી નગરીમાં પ્રવેશ કર્યો. બધા જ આશ્રિતોને તેમના સ્થાનકે જવાની આજ્ઞા આપી. એક દિવસ દેવતાઓએ સામે ચાલીને ચક્રવર્તીપણાનો અભિષેક કરવાની ઇચ્છા બતાવી. સગર રાજાએ સંમતિ આપી એટલે ભવ્ય અભિષેક થયો. ઉત્સવને અંતે નગરના અધ્યક્ષે પોતાના માણસોને હાથી પર બેસાડીને આખા નગરમાં આવી ઘોષણા કરી.

એક વેળા ભગવાન અજિતનાથ સ્વામી સાકેતનગરના ઉદ્યાનમાં સમોસર્યા. સહનયને જૂનું વેર સંભારીને પૂર્ણમેઘનો વધ કર્યો એટલે તેનો પુત્ર શરણ લેવા અહીં આવી ચઢ્યો અને તેની પાછળ પાછળ સહલોચન પણ તેને મારી નાખવા આવ્યો પણ ભગવાનના પ્રભાવે કરીને તેનો ક્રોધ શમ્યો. સગરચક્રીએ ભગવાનને આવા વેરનાં કારણ પૂછ્યાં. એટલે ભગવાને વાત કહી, ‘ભાવન નામનો વણિક પોતાનું બધું દ્રવ્ય પુત્ર હરિદાસને સોંપી વેપાર કરવા પોતાને ઘેર આવ્યો. — આ ચોર છે એમ માનીને હરિદાસે તેનો વધ કર્યો. પછી બે પિતાપુત્રે એકબીજાને ઓળખી લીધા. આ ભાવનશેઠે બીજા જન્મે પૂર્ણમેઘ થયો અને હરિદાસ સુલોચન થયો. આમ બંને શત્રુ થયા.

તે પ્રસંગે ભીમ નામના રાક્ષસપતિએ મેઘવાહનને ભેટીને કહ્યું, ‘હું પૂર્વભવમાં વિદ્કહ્યુંદ્રષ્ટ નામે રાજા હતો, તું મારો રતિવલ્લભ નામે પુત્ર હતો. આ જન્મે પણ તું મારો પુત્ર. તું મારા રાક્ષસદ્વીપનું રાજ સંભાળ. મારા પાટનગરથી થોડે દૂર લંકા નામની નગરી વસાવી છે, ત્યાં તું આવ; બંને નગરીનો સ્વામી બન.’

આમ મેઘવાહન બંને નગરીનો રાજા થયો, અને ત્યારથી ધનવાહનનો વંશ રાક્ષસવંશ તરીકે જાણીતો થયો.

હવે સગર રાજા ચોસઠ હજાર સ્ત્રીઓ સાથે ઇન્દ્રની જેમ ક્રીડા કરવા લાગ્યા, કાળક્રમે જહ્નુકુમાર વગેરે સાઠ હજાર પુત્રો થયા. તેઓ મોટા થયા અને ઘણી બધી વિદ્યાઓમાં પારંગત થયા. એક દિવસ આ પુત્રોએ તેમના પિતાને પ્રાર્થના કરીને પૃથ્વી પર મનપસંદ વિહાર કરવાની આજ્ઞા માગી; અને તેમણે પ્રયાણની સર્વ તૈયારીઓ કરી દીધી, પણ સાથે સાથે તેમને ભારે અપશુકનો થયાં. સૂર્યમંડળ સેંકડો કેતુઓથી ઘેરાઈ ગયું, ચંદ્રના મંડળમાં છિદ્રો થયાં, પૃથ્વી કંપવા લાગી, શિલાઓના કટકા જેવા કરા વરસવા લાગ્યા; શિયાળવીની લાળી સંભળાવા માંડી. સગર રાજાએ સ્ત્રીઓ સિવાય ઘણાં બધાં રત્નો મોકલ્યાં.

આ બધા પુત્રો શસ્ત્રસજ્જ થઈને ભરત ભૂમિમાં ભમવા લાગ્યા. એમ કરતાં કરતાં તેઓ અષ્ટાપદ પર્વતો પર આવી પહોંચ્યા. અમાત્યોને પૂછવાથી તેમને જાણ થઈ કે એ પર્વત પર ઋષભદેવ ભગવાન દસ હજાર સાધુઓની સાથે શાશ્વત પદને પામ્યા હતા. આ સાંભળીને કુમારો દર્શન કરવા પર્વત પર ચડ્યા. અને પછી ઋષભ સ્વામીની સ્તુતિ કરી. પછી જહ્નુકુમારે ત્યાં નવું ચૈત્ય ઊભું કરવાનો વિચાર કર્યો, પાછળથી એ પર્વતની ચારે બાજુ ખાઈ કરવા પૃથ્વી ખોદવા માંડી. હજાર યોજન ઊંડી ખાઈ ખોદાઈ એટલે ત્યાંનાં નાગમંદિરો ભાંગવા લાગ્યાં, નાગકુમારો ત્રાસ પામ્યા. ત્યાંનો રાજા જ્વલનપ્રભ કુમારો પાસે આવ્યો અને ક્રોધે ભરાઈને તેમને ઠપકો આપ્યો. જહ્નુકુમારે પોતાનો બચાવ કર્યો, ક્ષમા માગી એટલે નાગરાજનો કોપ શમ્યો.

હવે જહ્નુને થયું કે આ ખાઈ પાણી વિના શોભે નહીં, અને એ માટે ગંગા જોઈએ. બીજા ભાઈઓએ હા પાડી એટલે જહ્નુકુમારે ગંગાના કાંઠાને તોડી નાખ્યો. અને ગંગા નદી અષ્ટાપદ પર્વત પાસે આવી, જહ્નુએ આ ગંગાને ખેંચી એટલે તેનું નામ જાહ્નવી પડ્યું. હવે ખાઈ પૂરતાં જે પાણી વધ્યું તે નાગકુમારોના સ્થાનમાં પ્રવેશ્યું. બધા નાગ આકુળવ્યાકુળ થઈ ગયા. એટલે જ્વલનપ્રભ નાગરાજ કોપ્યો. એક અપરાધ ક્ષમા કર્યો તો તેઓએ બીજો અપરાધ કર્યો. આમ ક્રોધે ભરાઈને તે નાગકુમારોની સાથે બહાર નીકળ્યો અને દૃષ્ટિવિષ સર્પરાજે ક્રોધે ભરાઈને કુમારો સામે જોયું એટલે બધા કુમારો ઘાસનો પૂળો આગથી સળગી જાય તેમ ભસ્મ થઈ ગયા. સૈન્યમાં હાહાકાર મચી ગયો, બધાં કલ્પાંત કરવા લાગ્યા, અંત:પુરની સ્ત્રીઓ પણ ભારે વિલાપ કરવા લાગી. હે ગંગા, તું ઊછળીને અમને મૃત્યુ આપ. હે કેશપાશ, હવે પુષ્પમાળા સાથેની મૈત્રી ત્યજી દો; હે નેત્ર, હવે કાજળને જળાંજલિ આપો; હે કપોલ, તમે પત્રરેખા સાથે સંબંધ ન રાખતા; હે હોઠ, હવે તમે અળતા સાથેનો વિચાર માંડી વાળો; હે કાન, હવે ગાયન સાંભળવાની ઇચ્છા ત્યજી દો. હે હૃદય, તું તત્કાળ પાકેલા ચીભડાની જેમ બે ભાગમાં વહેંચાઈ જા, હે બાહુ, હવે કંકણ અને બાજુબંધના ભારથી તમે મુક્ત થયા; હે કટિ, નિત્ય પ્રભાતનો ચંદ્ર જેમ કાંતિ ત્યજી દે તેમ તું કટિમેખલા ત્યજી દે, હે ચરણ, હવે તમે અનાથની જેમ આભૂષણમુક્ત થયા; હે અંગ, હવે કૌવચના સ્પર્શની જેમ અંગરાગની તમને જરૂર નહીં પડે.’

સેનાપતિ, સામંતો, મંડલેશો પણ જાતજાતના તર્કવિતર્ક કરતા બોલવા લાગ્યા. છેવટે તો દૈવને જ કારણભૂત માન્યું. પછી આકાશને મારી ન શકાય, પવનને પકડી ન શકાય એમ માનીને બધા લાચાર વદને અયોધ્યાની દિશામાં ચાલી નીકળ્યા. પણ રાજાને શું મોં દેખાડીશું એમ વિચારીને તેઓ આત્મહત્યા કરવા તૈયાર થયા. એવામાં જ ત્યાં કોઈ ભગવાં વસ્ત્રધારી બ્રાહ્મણ આવ્યો અને તેણે સૌને ઉપદેશ આપ્યો, મૃત્યુનો નિષેધ ન કરવા બધાને સમજાવ્યા. આકાશમાંથી પડતું વજ્ર મૂઠીમાં પકડી શકાય, સમુદ્રને પાળ બાંધીને રોકી શકાય, પડવા આવેલા પર્વતને ટેકા વડે ટકાવી શકાય, પવનને મંદ કરી શકાય પણ મૃત્યુને સેંકડો ઉપાયે રોકી ન શકાય.

એક બ્રાહ્મણ રસ્તામાં કોઈ અનાથ મૃતક હતું તેને લઈને નગરીમાં પ્રવેશ્યો અને રાજાને ફરિયાદ કરી. ‘હું લુંટાઈ ગયો છું.’ એમ બોલતા બ્રાહ્મણને ધીરજ બંધાવી અને કેવી રીતે લુંટાયા છો તે પૂછ્યું. પછી બ્રાહ્મણે પોતાની વીતકકથા કહી, હું વિદ્યા ભણીને વતન આવ્યો ત્યારે પોતાના મરી ગયેલા પુત્ર માટે પુષ્કળ કલ્પાંત કરતી પત્ની મેં જોઈ. મારા પુત્રનું મૃત્યુ સર્પદંશથી થયું હતું. હું શોકથી ઘેરાઈને રાતે જાગતો બેસી રહ્યો ત્યારે કુળદેવીએ આવીને મને કહ્યું, ‘હું જે કહું તે પ્રમાણે કરીશ તો તારો પુત્ર જીવી જશે. જેના ઘરમાં કોઈ મૃત્યુ થયું ન હોય તેના ઘરમાંથી માંગલિક અગ્નિ લઈ આવ.’ એટલે હું ઘેર ઘેર ભટક્યો પણ એકે ઘર મૃત્યુ વગરનું ન નીકળ્યું. એટલે નિરાશ થઈને હું અહીં આવ્યો છું. તો રાજન્, હું મોટી આશા લઈને તમારા જેવા સમર્થ માનવી પાસે આવ્યો છું. મને મંગળ અગ્નિ લાવી આપો.’

આ સાંભળી રાજાએ પણ શોક પામીને પોતાની લાચારી બતાવી. ‘ઋષભસ્વામી, ભરત, બાહુબલિ, આદિત્યયશા વગેરે અનેક મૃત્યુ પામ્યા છે, તું આ મૃત્યુનો શોક ન કર.’ આ સાંભળીને બ્રાહ્મણે સગર રાજાને તેમના સાઠ હજાર પુત્રોના મૃત્યુના સમાચાર આપ્યા. અને ત્યાં કુમારોની સાથે ગયેલા બધા આવી ચઢ્યા.

અસ્વસ્થ થયેલા રાજાને બ્રાહ્મણે ફરી રાજાને બોધ આપ્યો. રાજાને અમાત્યે આખી ઘટના કહી સંભળાવી. રાજા ફરી ફરી કરુણ વિલાપ કરવા લાગ્યા. એટલે સુબુદ્ધિ નામના અમાત્યે રાજાને એક કથા કહી સંભળાવી: સમુદ્ર કદાચ માઝા મૂકે, પર્વતો ડોલે તો પણ તમારા જેવા મહાત્મા ધૈર્ય ગુમાવે નહીં.

આ જંબુદ્વીપમાં એક રાજા અનેક રીતે ગુણવાન હતો. એક વખત તેની રાજસભામાં કળાવિદનો આભાસ કરતો કોઈ પુરુષ આવી ચઢ્યો, રાજાએ આજ્ઞા આપી એટલે તે આવી ચઢ્યો. તે કોણ છે તે કહી શકાતું ન હતું. તેણે સભામાં આવીને રાજાને પુષ્પમાળા આપી. રાજાએ તે કોણ છે, તેની પાસે કઈ કઈ વિદ્યાઓ છે, તેનો વ્યવસાય કયો છે એ બધી વાત પૂછી.

એટલે તેણે આત્મપ્રશંસા કરી, ‘હું વેદવિદ્યાનો સાથી છું, ધનુર્વેદ જાણનારાઓનો ગુુરુ છું. વેપારીઓનો પિતા છું. અત્યારે હું ઇન્દ્રજાળ બતાવવા આવ્યો છું. કહો તો ઉદ્યાન દેખાડું, કહો તો ઋતુપરિવર્તન કરી બતાવું, ગંધર્વ સંગીત સંભળાવું, ખેરના અંગારા ખાઈ જઉં, તપેલા લોઢાના તોમર ચાવી જઉં, જળચર, સ્થળચર, ખેચરનાં રૂપ ધારણ કરી બતાવું.’ રાજાને એ બધામાં રસ ન પડ્યો, એટલે દ્રવ્ય લઈને તેને વિદાય થવા કહ્યું. ત્યારે તેણે ના પાડી, ‘મારી વિદ્યા દેખાડ્યા વિના હું કશું ધન ન લઉં, હું બીજે જઈશ.’ પછી રાજાને થયું કે આ મને કૃપણ ગણશે એટલે તેને ઊભો રખાવ્યો. પણ તે તો ત્યાંથી નીકળી જ ગયો. સેવકોએ રાજાને આશ્વાસન આપ્યું.

તે જ પુરુષ એક દિવસ બ્રાહ્મણનો વેશ લઈને આવ્યો અને ફરી રાજા સમક્ષ આવીને બોલ્યો, ‘હું નૈમિત્તિક છું. અને મારા જ્ઞાનને સાંભળો. આજથી સાતમે દિવસે સમુદ્ર આ પૃથ્વી પર પ્રલય આણશે.’ તેની આ વાતની સભાના બીજા નૈમિત્તિકોએ મજાક ઉડાવી. કદાચ પર્વતો ઊડવા માંડે, આકાશમાં પુષ્પો ઊગે, અગ્નિ શીતળ થાય, વંધ્યાને પુત્ર, ગર્દભને શિંગડાં ઊગે, પથરા પાણીમાં તરવા લાગે તો પણ આ કહે છે તેવું શું થવાનું નથી.’

એટલે પેલા નૈમિત્તિકે એ બધાની નિંદા કરી. ‘તમને તો મારે પ્રતીતિ કરાવવાની છે અને સાત દિવસ ક્યાં બહુ દૂર છે? હું અહીં સાત દિવસ રહીશ. જો મારું ખોટું પડે તો મારો વધ કરાવજો.’

રાજાએ તેની વાત માનીને તે બ્રાહ્મણની સોંપણી પોતાના અંગરક્ષકોને કરી. નગરમાં આ વાતની ચર્ચા થવા લાગી. અને છ દિવસ તો વીતી ગયા. રાજાએ છ દિવસ છ માસની જેમ વીતાવ્યા. સાતમે દિવસે રાજા ચંદ્રશાળા (અગાશી) પર બેસીને બોલ્યા, ‘તારી આગાહી ખોટી ઠરી, અત્યારે ક્યાંય જળ જોવા મળતું નથી. પણ તારો વધ કરવાથી મને શો લાભ? એટલે તું અત્યારે પણ જતો રહે.’ એમ કહી અંગરક્ષકોને આજ્ઞા કરી કે ‘આને છોડી દો.’

પણ પેલા બ્રાહ્મણે કહ્યું, ‘હજુ સાત દિવસનો અવધિ પૂરો થયો નથી. તમે ધીરજ રાખો, અને હવે ઊછળતા સમુદ્રના કલ્લોલને સાંભળજો.’

અને ત્યાં મૃત્યુની જાણે ગર્જના થતી હોય એમ લાગ્યું. ‘જુઓ, જુઓ આ સમુદ્ર પૃથ્વીને ડુબાડતો આવી રહ્યો છે.’ તે બ્રાહ્મણ આમ બોલતો રહ્યો અને ચારે બાજુ પાણી પાણી થઈ રહ્યું. પર્વતો ઢંકાઈ ગયા, વનનાં વન નાશ પામ્યાં. ગામડાં, ખીણો, નગરો પાણીમાં ડૂબ્યાં. ઘોડા દોડતા હોય તેમ પાણીનાં પૂર ફરી વળ્યાં. રાજન્, આ પ્રલયકાળ થયો.’ રાજાએ છેવટે પાણીમાં ઝંપલાવવા કૂદકો માર્યો. અને ત્યાં બીજી જ ક્ષણે રાજાએ પોતાને સિંહાસન પર બેઠેલો જોયો. બધું જળ અદૃશ્ય થઈ ગયું, આખું જગત જેવું હતું તેવું થઈ ગયું.

પેલો ઇન્દ્રજાલિક કેડે ઢાલ બાંધી બોલવા માંડ્યો, ‘ઇન્દ્રજાળના સર્જક સવર નામના ઇન્દ્રને પ્રણામ.’

રાજાએ પછી જિજ્ઞાસાવશ પૂછ્યું, એટલે પેલાએ કહ્યું, ‘હું અગાઉ તમારી પાસે આવ્યો હતો ત્યારે તમે મારો તિરસ્કાર કર્યો હતો, એટલે મેં કપટ કરીને તમને ઇન્દ્રજાળ બતાવી.’

રાજાએ તેને આશ્વાસન આપ્યું, અને પછી કહ્યું, ‘તેં જેવી રીતે જળ પ્રગટાવ્યું અને નાશ પામ્યું એવી રીતે સંસારના બધા પદાર્થો પ્રગટ થઈને નાશ પામવાના. હવે સંસારનો મોહ શો?’ એમ કહી તેણે દીક્ષા લીધી.

ત્યાર પછી બીજા એક મંત્રીએ રાજાનો શોક દૂર કરવા એક કથા કહી.

‘આ ભરત દેશમાં અનેક સદ્ગુણો ધરાવતા રાજાના દરબારમાં એક માયાપ્રયોગ કરનારો આવી ચઢ્યો પણ શુદ્ધ બુદ્ધિવાળા રાજાએ તેને મળવાની ના પાડી. એટલે તે પાછો જતો રહ્યો. થોડા દિવસે રૂપ બદલીને તે આવ્યો. તેના હાથમાં ખડ્ગ અને ભાલો હતા, વળી એક ઉત્તમ સ્ત્રી પણ હતી.

‘હે રાજન્, હું વિદ્યાધર છું અને આ મારી વિદ્યાધર પ્રિયા છે. મારે એક વિદ્યાધર સાથે વેર બંધાયું હતું, તેણે મારી પત્નીનું હરણ કર્યું હતું, પણ એને હું પાછી લઈ આવ્યો છું. તમારા સદ્ગુણોની તો કોઈ સીમા નથી, હું તમારી પાસે બીજું કશું માગતો નથી. મારી આ સ્ત્રીનું રક્ષણ થાપણ માનીને કરો. તમે પરસ્ત્રીલંપટ નથી અને વીર છો. એટલે તમે મારું આટલું કામ કરો. હવે મારો શત્રુ તો મૃત્યુ જ પામશે એમ માની લો.’ રાજાએ પોતે તેના શત્રુનો પરાજય કરવાની તૈયારી બતાવી પણ વિદ્યાધરે ના પાડી, ‘મારા શત્રુનો સામનો હું જ કરીશ. તમે મારી સ્ત્રીને સાચવો એટલે તમે શત્રુનો વધ કરી જ નાખ્યો.’

રાજાએ તે વિદ્યાધરને શત્રુનો સામનો કરવા જવા કહ્યું અને પોતે તેની સ્ત્રીની જાળવણી કરવાનું વચન આપ્કહ્યું, પછી તે વિદ્યાધર આકાશમાં ઊડી ગયો. રાજાએ તે પોતાની દીકરીની જેમ સાચવી. એ દરમિયાન આકાશમાંથી મારો-કાપો, ઊભો રહે-ઊભો રહે-એવા અવાજો આવવા માંડ્યા. એટલામાં ધરતી પર રત્નકંકણવાળો હાથ પડ્યો. વિદ્યાધરીએ એ ઓળખી બતાવ્યો કે આ તો મારા પતિનો હાથ છે; એમ કરતાં કરતાં એક પગ, બીજો હાથ, બીજો પગ અને માથું-ધડ પડ્યાં. એટલે તે સ્ત્રી ભારે કલ્પાંત કરવા લાગી, ‘હવે મને કોણ શૃંગારસજ્જ કરશે, હું કોના પર કોપ કરીશ.’ એમ અનેક રીતે કહીને તેણે અનુગમન માટેની તૈયારી બતાવી. પણ રાજાએ તેને આ તો વિદ્યાધરોની માયા છે એમ કહીને અટકાવી પણ તે સ્ત્રી કોઈ રીતે માની નહીં અને પોતાના માટે ચિતા રચવા કહ્યું. પછી તેણે પોતાની સાથે પતિનાં અંગો લીધાં, શ્વેત વસ્ત્ર પહેર્યું, માથામાં ફૂલ ગૂંથ્યાં અને તે નદી પર ગઈ. રાજા પણ તેની પાછળ પાછળ ગયો. તે સ્ત્રીએ અગ્નિમાં પ્રવેશ કર્યો અને થોડા વખતમાં વિદ્યાધરનાં અંગો, તે સ્ત્રી, લાકડાં — બધું જ ભસ્મીભૂત થઈ ગયું. પછી રાજા ત્યાં અંજલિ આપીને પોતાના મહેલમાં આવ્યો, અને સભામાં બેઠો.

એવામાં તલવાર અને ભાલો લઈને વિદ્યાધર આકાશમાંથી ઊતર્યો અને પોતે શત્રુને કેવી રીતે પરાજિત કર્યો તેની માંડીને વાત કરી. પછી તેણે આકાશમાં શત્રુનાં અંગ કેવી રીતે કાપ્યાં તેની વાત કરી. આમ કહી રાજાની પ્રશંસા કરી અને થાપણરૂપે મૂકેલી પોતાની સ્ત્રી માગી. રાજાએ સભામાં જમીન પર પડેલાં વિદ્યાધરનાં અંગની, સ્ત્રીની સતી થવાની હઠની, તે સ્ત્રીના ચિતાપ્રવેશની વાત ભારે સાદે કરી. આ સાંભળી તે પુરુષે રાજા પર ક્રોધે ભરાઈને, ગમે તેમ બોલવા માંડ્કહ્યું. રાજાએ પણ બધાંનાં દેખતાં વિદ્યાધરીએ ચિતાપ્રવેશ કર્યો તેની વાત કરી.

અને પછી વિદ્યાધરે રાજાને પાછળ જોવા કહ્યું, રાજાએ જોયું તો વિદ્યાધરી પાછળ બેઠી હતી. વિદ્યાધરે કહ્યું, ‘રાજન્, તમે મને બારણેથી જ કાઢી મૂક્યો હતો. હવે તમે મને આજ્ઞા આપો એટલે હું જઉં.’

રાજાએ કહ્યું, ‘જેવો આનો માયાપ્રયોગ તેવો જ આ સંસાર. અહીં પાણીના પરપોટાની જેમ બધું જ નાશવંત છે.’

મંત્રીઓની વાત સાંભળીને સગર રાજાનો શોક થોડો દૂર થયો. થોડી વારે અષ્ટાપદ પાસે રહેનારા લોકો આવ્યા અને બોલ્યા, ‘રાજન્, અમારી રક્ષા કરો. અષ્ટાપદ પર્વત આગળની ખાઈ પૂરવા માટે તમારા પુત્રો ગંગા નદીને લઈ આવ્યા, પણ નદીએ તો આસપાસના બધા વિસ્તારો ડૂબાડવા માંડ્યા છે. અમારે માટે તો જાણે પ્રલયકાળ આવી પહોંચ્યો, અમે ક્યાં જઈએ?’

આ સાંભળી પોતાના પૌત્ર ભગીરથને બોલાવ્યો અને કહ્યું, ‘અત્યારે, ગામડાંઓમાં ઘૂમતી ગંગા નદીને દંડ વડે આકર્ષીને પૂર્વસાગરમાં ભેળવી દે.’ થોડો ઉપદેશ પણ આપ્યો. ભગીરથ પિતામહની વાત માનીને ત્યાંથી ચાલી નીકળ્યો.

(પર્વ-૮)