ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/ઉત્તંક ઋષિની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉત્તંક ઋષિની કથા

ઉત્તંક નામના ઋષિનો આશ્રમ રમ્ય મરુભૂમિમાં હતો. વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા તેમણે વર્ષો સુધી આકરું તપ કર્યું, પછી ભગવાને દર્શન દીધાં. ભગવાનને જોઈને ઋષિએ જાતજાતની સ્તુતિ કરી... જ્યારે ભગવાને વરદાન માગવા કહ્યું ત્યારે તે બોલ્યા, ‘તમારું દર્શન એ જ મારે માટે વરદાન.’ ફરી જ્યારે ભગવાને વરદાન માગવા કહ્યું ત્યારે નમ્રતાથી ઋષિ બોલ્યા, ‘મારી બુદ્ધિ, સદા ધર્મ-સત્યમાં રમતી રહે. તમારી ભક્તિ નિત્ય કરતો રહું.’ ભગવાન વિષ્ણુએ કહ્યું, ‘મારી કૃપાથી એમ જ થશે. ધુન્ધુમાર નામનો અસુર જગતનો નાશ કરવા ઘોર તપ કરશે. એની હત્યા કોણ કરશે તે સાંભળો. બૃહદશ્વ નામનો પરાક્રમી રાજા થશે. તેનો પુત્ર દાનેશ્વરી કુવલાશ્વ. તે મારા યોગની આરાધના કરશે, તમારા આદેશથી તે ધુન્ધુનો વધ કરશે અને ધુન્ધુમાર રૂપે જાણીતા થશે.’

બૃહદશ્વ કરતાંય તેમનો પુત્ર કુવલાશ્વ વધુ ગુણવાન હતો. સમય આવ્યો એટલે બૃહદશ્વે પોતાના પુત્રને રાજગાદી સોેંપી દીધી, અને તે પોતે તપ કરવા વનમાં જતા રહ્યા. ઉત્તંકના કાને આ તપસ્વી રાજાની વાત આવી. ઉત્તંકે રાજાને અટકાવ્યા, ‘તમે પ્રજાની રક્ષા કરો. તમે રક્ષા કરો છો એટલે પ્રજા નિર્ભય રહે છે, એટલે તમારે વનમાં જવું ન જોઈએ. પ્રજાની રક્ષા કરવામાં જે ધર્મ છે તે વનવાસમાં નથી. તમે અવળી મતિથી નિર્ણય ન લો. પ્રજાપાલનના ધર્મ જેવો બીજો કોઈ ધર્મ નથી, રાજાઓ પહેલેથી એવું જ કરતા આવ્યા છે. રાજાએ પ્રજાની રક્ષા જ કરવી જોઈએ. જો તમે રક્ષણ નહીં કરો તો અસ્વસ્થ ચિત્તે મારાથી તપ નહીં થાય. મારા આશ્રમ પાસે મારવાડમાં રેતી ભરેલો સમુદ્ર છે; તે બહુ લાંબો પહોળો છે. ત્યાં જ મધુ-કૈટભનો પુત્ર ધુન્ધ જમીનની નીચે રહે છે. તમે તેનો વધ કર્યા પછી વનમાં જજો. એ રાક્ષસ જગતનો નાશ કરવા અને દેવતાઓ પર વિજય મેળવવા ઘોર તપ કરી રહ્યો છે. એ રાક્ષસને દેવતા, દૈત્ય, રાક્ષસ, સર્પ, યક્ષ, ગંધર્વ, મારી નહીં શકે. બ્રહ્માએ તેને એવું વરદાન આપ્યું છે. તમે એનો વધ કરો. તમારી કીતિર્ અક્ષય થશે. એ દુષ્ટ રેતીથી નીચે સૂઈ જાય છે, એક વર્ષે જ્યારે શ્વાસ લે છે ત્યારે વન, પર્વતો સમેત પૃથ્વી ધૂ્રજી ઊઠે છે. તેના શ્વાસથી ધૂળ બહુ ઊડે છે. તેનો શ્વાસ સૂર્યમંડળને ધુ્રજાવી દે છે, સાત દિવસ સુધી તેના વાયુથી ધુમાડા, તણખા, જ્વાળાઓ સમેત અગ્નિ પ્રગટે છે અને પૃથ્વી હાલકડોલક થતી રહે છે. એટલે તો હું મારા આશ્રમે જઈ શકતો નથી, સંસારનું હિત સાચવવા તમે એનો વધ કરો, એ મૃત્યુ પામશે તો જગત સુખી થશે. મારી દૃષ્ટિએ તમે એનો વધ કરવા સમર્થ છો, પછી વિષ્ણુનો અંશ તમારામાં પ્રવેશશે. મને ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું છે કે જે આ ભયંકર રાક્ષસને મારશે તેના શરીરમાં વિષ્ણુનો અંશ સહાયક થઈ પ્રવેશસે. તમે વિષ્ણુ ભગવાનનું તેજ ધારણ કરીને તે મહારાક્ષસનો વધ કરો. આ રાક્ષસ ઓછા બળવાનથી સો વર્ષમાં પણ મૃત્યુ પામ્યો નથી.’

રાજા બૃહદશ્વ આ સાંભળી બે હાથ જોડીને બોલ્યા, ‘ઋષિવર્ય, તમારું આગમન એળે નહીં જાય. મારો પુત્ર કુવલાશ્વ છે. તે બુદ્ધિમાન છે, લડવૈયો છે, તે તમારું કાર્ય કરશે તેમાં કશી શંકા નથી. એના બધા પુત્રો પરાક્રમી છે. મેં શસ્ત્રત્યાગ કર્યો છે, મને જવા દો.’

ઉત્તંક માની ગયા.

રાજા પોતાના પુત્રને ઋષિનું કાર્ય કરવાની આજ્ઞા આપીને ઉત્તંકની વિદાય લઈને ચાલ્યા ગયા...

જગતના કર્તા અવિનાશી વિષ્ણુ ભગવાન પોતાના યોગબળથી શેષનાગ પર સૂઈ રહ્યા હતા. વિષ્ણુની નાભિમાંથી સૂર્ય સમાન તેજસ્વી એક કમળ પ્રગટ્યું અને એમાંથી બ્રહ્માનો ઉદ્ભવ થયો. બ્રહ્મા ચતુર્મુખ હતા, ચારેય વેદ લઈને તે પ્રગટ્યા હતા. કોઈનાથી હાર્યા જાય નહીં. થોડા સમયે બે મહાપરાક્રમી દૈત્ય ત્યાં આવ્યા. તેમનાં નામ મધુ અને કૈટભ. તેમણે વિષ્ણુ ભગવાનને શેષનાગ પર સૂતેલા જોયા. નાગની ફેણ ઘણા યોજનો જેટલી લાંબી હતી. બ્રહ્માને કમળ પર બેઠેલા દૈત્યોએ જોયા, બ્રહ્માને બીવડાવ્યા એટલે તેમણે કમળની દાંડી બહુ હલાવી, એટલે વિષ્ણુ જાગી ગયા. અને તેમણે આ બે દૈત્યોને જોયા અને તે બોલ્યા, ‘હે દૈત્યો, તમારું કલ્યાણ થાય, હું તમને વરદાન આપવા ઇચ્છું છું.’

મહાઅભિમાની રાક્ષસોએ હસતાં હસતાં વિષ્ણુને કહ્યું, ‘અમે દાતા છીએ, તમારી ઇચ્છામાં આવે તે વરદાન માગો, વિચાર કર્યા વિના આપીશું.’

ભગવાને કહ્યું, ‘હે વીર રાક્ષસો, હું તમારી પાસે વરદાન માગું છું. તમારા જેવા બળવાન કોઈ નથી, તમે સત્યપરાક્રમી છો તો તમે મને વરદાન આપો કે હું તમને મારી નાખું. સંસારના હિત માટે આ વરદાન માગું છું.’

આ સાંભળી મધુકૈટભે કહ્યું, ‘અમે બંને ધર્મજ્ઞ છીએ. હસીમજાકમાં પણ અમે જૂઠું બોલતા નથી. આ જગતમાં બળ, રૂપ, શૂરવીરતા, ધર્મ, તપસ્યા, દાન, શીલ, ઇન્દ્રિયનિગ્રહ — આ બધી બાબતોમાં અમારા જેવું કોઈ નથી. અમને બહુ દુઃખ થશે પણ કાળની ગતિને કોઈ રોકી નહીં શકે. હવે તમે બોલ્યા છો તે પ્રમાણે કરો. અમારી એક ઇચ્છા છે કે અમારે જળ વિનાના સ્થાને મૃત્યુ પામવું છે. મૃત્યુ પછી અમે બંને તમારા પુત્ર રૂપી જન્મીએ. હવે અમારી ઇચ્છા પાર પાડો.’

વિષ્ણુએ કહ્યું, ‘હું આ બધું કરીશ.’

વિષ્ણુએ બધાં સ્થળ જળપૂર્ણ જોયા. ક્યાં મારવા તેનો વિચાર કર્યો. પછી થયું, ‘મારી સાથળો જળમાં ડૂબી નથી.’ એટલે મધુ કૈટભનાં મસ્તક સાથળ પર રાખીને ચક્ર વડે કાપી નાખ્યાં.

આ દૈત્યોનો પરાક્રમી પુત્ર ધુન્ધુ. તેણે તપ કરવા માંડ્યું. એક પગ પર ઊભા રહીને ભયાનક તપ કરવા માંડ્યું. તેના શરીરની નસો પણ દેખાવા માંડી. બ્રહ્મા પ્રસન્ન થયા. ધુન્ધુએ વરદાન માગ્યું, ‘હું દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, અને નાગથી ના મરું.’

બ્રહ્માએ ‘તથાસ્તુ’ કહી દીધું. રાક્ષસ બ્રહ્માને પગે લાગીને ત્યાંથી જતો રહ્યો. પોતાના પિતાનું વેર યાદ કરીને તે સૌથી પહેલાં વિષ્ણુને મારવા નીકળ્યો. ત્યાં જઈને અનેક દેવતાઓને, ગંધર્વોને માર્યા. પછી વિષ્ણુને ખૂબ જ પજવીને રેતીથી ભરેલા ઉજ્જાનક નામના સમુદ્રમાં જતો રહ્યો. આસપાસના પ્રદેશને બહુ રંજાડ્યો. ઉત્તંકના આશ્રમમાં આવીને ઘણો ઉપદ્રવ કરવા લાગ્યો. તે ધરતીની નીચે રેતીમાં સૂઈ જતો હતો. જગતનો વિનાશ કરવા જ તે સૂઈ જતો હતો. તપનું બળ તેનું ભારે હતું. ઉત્તંક ઋષિના આશ્રમમાં જ્યારે તે શ્વાસ લેતો હતો ત્યારે તેના શ્વાસમાંથી અગ્નિ નીકળતો હતો.

આ દરમિયાન કુવલાશ્વ રાજા પોતાના બળવાન એકવીસ હજાર પુત્રો તથા સેના-વાહન સાથે ઉત્તંકની સાથે ધુન્ધુના નિવાસસ્થાને જવા નીકળ્યા. ઉત્તંકના તપના પ્રભાવથી જગતની રક્ષા કરવા માટે વિષ્ણુ ભગવાનનું તેજ રાજામાં સમાઈ ગયું. રાજા જ્યારે લડવા નીકળ્યા ત્યારે આકાશના દેવો બોલ્યા, ‘રાજાનો પુત્ર આ ધુંધુનો વધ કરશે.’ તેમણે દિવ્ય પુષ્પવૃષ્ટિ કરી, દુન્દુભિઓ સંભળાઈ.

મહારાક્ષસ ધુંધુના નિવાસ પર દેવતાઓનાં વિમાન દેખાવા લાગ્યાં. કુવલાશ્વ અને ધુંધુનું ઘોર યુદ્ધ જોવા દેવતાઓ, ગંધર્વો, ઋષિઓ ત્યાં ભેગા થયા. વિષ્ણુ ભગવાનના તેજના પ્રભાવે રાજા પુત્રો સાથે ચારેબાજુ ધુંધુને શોધવા લાગ્યા. રાજાએ અને તેમના પુત્રોએ રેતી ખોદી ખોદીને સમુદ્ર બનાવી દીધો. સાત દિવસ ખોદ ખોદ કર્યું ત્યારે ધુંધુનું શરીર દેખાયું. તે સૂર્ય જેવું ચમકતું હતું. પ્રલયકાળના અગ્નિની જેમ તે સૂતો હતો. રાજાના પુત્રો ચારે બાજુએથી તેને ઘેરી વળ્યા અને તીક્ષ્ણ બાણ, ગદા, મૂસળ, પટ્ટિશ, તલવારના ઘા કરવા લાગ્યા. એટલે ક્રોધે ભરાઈને ધુંધુ ઊભો થઈ ગયો અને તેમનાં વિવિધ શસ્ત્ર ખાઈ ગયો. તેના મોઢામાંથી પ્રલયકાળના અગ્નિ જેવો અગ્નિ નીકળ્યો અને પોતાના તેજ વડે રાજાના પુત્રોને દઝાડવા લાગ્યો. જેવી રીતે કપિલ ઋષિના ક્રોધાગ્નિ વડે સગરરાજાના પુત્રો દાઝયા હતા તેવી રીતે ધુંધુના મોઢામાંથી નીકળેલા અગ્નિ વડે જગત સળગવા લાગ્યું. આ ઘટના બધાને અદ્ભુત વરતાઈ. જ્યારે રાજાના પુત્રો અગ્નિથી સળગી ગયા ત્યારે કુવલાશ્વ બીજા કુંભકર્ણ જેવા ધુંધુ સામે ધસી ગયા. રાજાના શરીરમાંથી બહુ જળ પ્રગટ્યું અને જળમય તેજ વડે દૈત્યના અગ્નિને ટાઢો પાડ્યો. કુવલાશ્વે પોતાના યોગબળથી દૈત્યના અગ્નિને શાંત કર્યો. એ દૈત્યને બ્રહ્માસ્ત્ર વડે ભસ્મ કરી દીધા. આમ તેનો વધ કરીને રાજા બીજા ઇન્દ્ર જેવા દેખાયા. ધુન્ધુનો વધ કર્યો એટલે રાજા ધુંધુમાર નામે જાણીતા થયા.

દેવતાઓએ અને ઋષિઓએ પ્રસન્ન થઈને રાજાને વરદાન માગવા કહ્યું, ત્યારે હાથ જોડીને રાજા બોલ્યા, ‘હું શ્રેષ્ઠ બ્રાહ્મણોને દાન આપું, શત્રુઓથી પરાજિત ન થઉં, વિષ્ણુ સાથે મારી મૈત્રી રહે, પ્રાણીઓનો દ્વેષ ન કરું, ધર્મમાં મારી પ્રીતિ રહે, સ્વર્ગમાં મને અક્ષય વાસ મળે.’

બધા દેવતાઓએ, ઋષિઓએ, ગંધર્વોએ, મહાત્મા ઉત્તંકે આનંદપૂર્વક તેમની વાત સ્વીકારી. રાજાને અનેક આશીર્વાદ આપીને ઋષિ અને દેવતા પોતપોતાના નિવાસ સ્થાને જતા રહ્યા. આ યુદ્ધમાં રાજાના ત્રણ પુત્ર બચી ગયા: દૃઢાશ્વ, કપિલાશ્વ અને ચન્દ્રાશ્વ. એમના વડે ઇક્ષ્વાકુવંશની પરંપરા ચાલી આવી છે. ધુંધુને તો કુવલાશ્વે મારી નાખ્યો.

(આરણ્યક પર્વ, ૧૯૨થી ૧૯૫)