ભારતીયકથાવિશ્વ-૫/પ્રસ્તાવના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રસ્તાવના

પ્રશિષ્ટ સાહિત્યની ચર્ચા કરતી વખતે સામાન્ય રીતે એવું માની લેવામાં આવે છે કે એ સાહિત્યના મૂળમાં લોકસાહિત્ય પડેલું છે. ઋગ્વેદની ઋચાઓમાં કહેવામાં આવે છે કે હે અશ્વિનીકુમારો, જેવી રીતે તમે ચ્યવન ઋષિ પર પ્રસન્ન થઈને તેમને વૃદ્ધમાંથી યુવાન બનાવી દીધા તેવી રીતે અમારા પર પણ પ્રસન્ન થાઓ. હવે આ ચ્યવન કોણ, સુકન્યા કોણ? એટલે ઋગ્વેદ પૂર્વેના વાતાવરણમાં ચ્યવન-સુકન્યા લોકમાં પ્રચલિત હશે. આપણા પ્રાચીન કથાસાહિત્યમાં — એટલે કે બુદ્ધની જાતકકથાઓમાં, રામાયણ-મહાભારતમાં, પંચતંત્ર-હિતોપદેશમાં, ગુણાઢ્યની લુપ્ત થઈ ગયેલી બૃહત્કથામાં અને તેના આધારે રચાયેલી વસુદેવહંડીિમાં કે કથાસરિત્સાગરમાં — જે બધી ગૌણ કથાઓ સંકલિત થઈ છે તે લોકસાહિત્યની બહુ નિકટ છે. ગુજરાતીમાં ગિજુભાઈ બધેકાની બાળવાર્તાઓ પ્રકાશિત થઈ તે પહેલાં અભણ લોકોમાં જાણીતી તો હતી જ. મારી છસાત વરસની ઉમરે અભણ માએ સંભળાવેલી બેએક કથાઓ આજે પણ યાદ છે. ‘એક સાતઆઠ વરસનો છોકરો નાનકડા ગામમાં રહે. એક દિવસ તે છાપરે બેઠો હતો. એટલામાં નીચે એક વાઘ આવી ચઢ્યો. તેને ભૂખ બહુ લાગી હતી. આમતેમ નજર કરી તો છાપરા પર બેઠેલો છોકરો દેખાયો. છોકરાએ પણ વાઘ જોયો અને તે તો ડરી ગયો. ભૂખ્યો વાઘ છાપરે જાય કેવી રીતે? એટલામાં ગભરાઈ ગયેલો છોકરો પેશાબ કરી બેઠો. છાપરા પરથી તેના પેશાબની ધાર વાઘ પાસે પડી. વાઘને રસ્તો મળી ગયો. એ તો પેશાબની ધારે ધારે ઉપર ચઢવા લાગ્યો. છોકરાએ ઉપર ચઢી આવતા વાઘને જોયો. હવે? વાઘ તો છાપરે આવીને છોકરાનો કોળિયો જ કરી જાય. છોકરો બહુ ગભરાઈ ગયો, પણ તેને એક યુક્તિ સૂઝી. તેણે પેશાબ કરવો બંધ કરી દીધો. પેશાબની ધાર બંધ થઈ ગઈ. વાઘ પટકાયો નીચે અને મરી ગયો.’ બીજી એક વાર્તા હતી કુસકીબાઈની. ‘એક ગરીબ બામણ દંપતીને સાત દીકરીઓ. કાયમ માટે પેટે પાટા બાંધીને જીવવું પડે. ક્યારેક તો બામણી લોટમાં રાખ નાખીને ઢેબરાં કરે. એક વખત બામણ ક્યાંકથી વડાનો લોટ માગી લાવ્યો, પણ એટલો નહીં કે નવ નવનાં પેટ ભરાય. એટલે બામણે બામણીને કહ્યું, આ બધી છોકરીઓ ઊંઘી જાય ત્યારે તું વડાં બનાવજે. બામણી મધરાતે વડાં બનાવવા બેઠી. તેલ બરાબર થયું અને વડું તળવા નાખ્યું એટલે તરત જ એના અવાજથી એક છોકરી જાગી ગઈ અને બોલી: છમમમ મા, મને વડું. અને એમ કરતાં સાતે સાત છોકરીઓ જાગી ગઈ. બામણને ભાગે એકે વડું આવ્યું જ નહીં. એ તો ભારે ખીજાયો. બીજે દિવસે સાતેય છોકરીઓને લઈને જંગલમાં ગયો અને ત્યાં ‘હું હમણાં આવું છું’ કહીને જતો રહ્યો. સાતે છોકરીઓ તો એકલી પડી એટલે ગભરાઈ ગઈ. પણ હંમિત રાખી, સવાર પડી; એટલે જંગલ જવા બેઠી. રમત કરતાં કરતાં જમીન ખોદતી ગઈ અને દરેકને મોટો મહેલ મળ્યો. સૌથી વધુ સારો મહેલ નાની છોકરીનો, પણ એ કંઈ બોલે નહીં. દરરોજ મેવામિઠાઈ ખાઈને બહાર આવે અને કોઈને ખબર ન પડે એટલે મોઢે કુસકી ચોપડે, એટલે તેનું નામ પડ્યું કુસકીબાઈ. થોડા દિવસે બામણ છોકરીઓની ખબર કાઢવા આવ્યો અને આ બધી સમૃદ્ધિ જોઈને તે તો સાવ આભો જ બની ગયો.’ ત્યારે લગભગ દરેક ઘરમાં અભણ માબાપ, દાદાદાદી. મનોરંજન માટે ખાસ કંઈ મળે નહીં. રાત પડે એટલે બાળકો દાદાદાદી પાસેથી આવી બધી કથાઓ સાંભળે. બલવંતરાય ઠાકોરની એક રચનામાં આવે છે: દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠીથી બાલ રાજી. દિવસે બાળકોને રમવા માટે પુષ્કળ સમય મળે, ત્યારે ભણતરનો આટલો બધો ભાર ન હતો. બાળકો નિરાંતે રમતાં. વાતો કરતાં, ગીતો ગાતાં: મારામાં કાંકરી ખૂંચે છે, ખંૂચે છે; આવ રે કાગડા, કઢી પીવા; રાજાની રાણી ખાતી નથી, પીતી નથી, કૂવે બેસી કોલસા ચાવે છે. આવી રચનાઓ પરથી કોઈ ધારે તો વાર્તા કરી શકે. સુધારકયુગના દલપતરામ કવિએ કેટલી બધી કવિતાઓમાં વાર્તાઓ ગૂંથી લીધી. એ વાર્તાઓ પણ લોકવાર્તાઓ જ. ‘મિથ્યાભિમાન’ જેવું નાટક કે અંધેરી નગરી ગંડુ રાજા, ટકે સેર ભાજી ટકે સેર ખાજા જેવી પદ્યવાર્તા. આ કથાઘટકો, આ કથાવસ્તુઓ ભારતની લોકકથાઓમાં પણ જોવા મળે છે. ક્યાંક વાર્તામાં દીકરીને મળવા જતી દાદી હોય તે રસ્તામાં કોઈ હંસિક પ્રાણી મળે તો તેને કહે, ‘દીકરીને ઘેર જાવા દે, તેલ ને ચોળા ખાવા દે, પછી મને ખાજે. ચલ રે તૂમડા તડૂક તડૂક.’ કોઈ વાર્તામાં નાની દીકરી જંગલમાં નીકળી પડે. કેટલીક વાર્તાને વધુ રોચક બનાવવા એમાં પદ્ય ઉમેરવામાં આવે, ‘ગોળ કેરી ભીંતડીઓ, શેરડી કેરા સાંઠા, કોપરિયે ઘર છાયા બચ્ચાં, બારણાં ઉઘાડો.’ દૂર ઊભેલો વાઘ આ સાંભળી જાય અને પછી નકલી અવાજ કરી લવારાં પાસે બારણાં ઉઘડાવે અને બધાંને ખાઈ જાય. થોડી વારે બકરી આવે અને પછી શંગિડાં વડે વાઘનું પેટ ફાડી નાખે અને બધાં બચ્ચાં સાજાંસમાં બહાર આવે. શ્રીકૃષ્ણે એવી જ રીતે અજગરના પેટમાં જઈ પહોંચેલા ગોપબાલોને બહાર કાઢ્યા જ હતા ને! એવી જ રીતે તેં નહીં તો તારા બાપે, તારા દાદાએ પાણી ગંદું કર્યું જ હશે એમ કહેતા વરુની વાર્તા પણ ચાલી આવે. આવી કથાઓમાં પરંપરાથી ચાલી આવતાં કથાઘટકો જોવા મળશે. સાવકી મા, સાસુવહુના સંઘર્ષ, માથાભારે પત્ની(શેક્સપિયર એના એક નાટક ‘ટેમંગિ ઓવ્ ધ શ્રૂ’માં આવી માથાભારે પત્નીને સીધીદોર કરી નાખનાર પતિની વાત આવે છે. દાયકાઓ પહેલાં ગુજરાતીમાં આનું રૂપાંતર થયું હતું : નઠારી ફિરંગણને ઠેકાણે આણી.), પ્રવાસીઓને છેતરતા ધૂર્ત માનવીઓ, ‘આપકર્મી કે બાપકર્મી?’ સંતાનોને પૂછતો પિતા(શેક્સપિયર ‘કંગિ લિયર’માં જરા જુદી રીતે નાની દીકરી કોર્ડેલિયાને વારસાભ્રષ્ટ થાય છે), પતિને સાચા માર્ગે વાળતી પત્નીઓ, ક્યારેક પરદેશ ગયેલા અને લુચ્ચાઈનો ભોગ બનેલા પતિને છોડાવતી પત્ની, પુત્રવધૂઓની પરીક્ષા, સંકેતોમાં વાતો કરતી કન્યાઓ, વ્યભિચારિણી સ્ત્રીઓ, સાહસ કરીને પોતાનાં લક્ષ્ય પાર પાડતી સ્ત્રીઓ... આ લોકવાર્તાઓમાં માત્ર માનવીઓ જોવા નહીં મળે. હંસિક-અહંસિક પ્રાણીઓ, નાનાંમોટાં જીવજંતુઓ, નાગ, અજગર, ડાકણ, ભૂતપ્રેત, રાક્ષસબ્રહ્મરાક્ષસ, દેવદેવીઓ જોવા મળશે. માનવીઓની વાત આવે તો સમાજના એકેએક સ્તરમાંથી માનવીઓ આવશે. સારાખોટા, ઉદારકંજૂસ, વીરકાયર, ભક્ત-ઢોંગી, પતિવ્રતાઓ-વારાંગનાઓ, શ્રીમંત-ગરીબ, રાજા-નોકર : આમ કોઈનાય પ્રત્યે છોછ રાખ્યા વિના સમગ્ર સમાજને આપણી આગળ ધરી દેવામાં આવ્યો છે. વળી વર્ણનોમાં કશા વિધિનિષેધ નહીં, ક્યારેક અશ્લીલ લાગે એવાં વર્ણન પણ આવશે. આ કથાઓમાં આપણા વાસ્તવની સાથે કપોલકલ્પિત, અતિપ્રાકૃત તત્ત્વો પણ ગુંથાયેલાં જોવા મળશે. એ રીતે આપણી સીમાઓને વિસ્તારવાનો પ્રયત્ન છે. ક્યારેક અતિ પ્રશિષ્ટ કથાઓની સામગ્રી પણ એક યા બીજી રીતે ચાલી આવેલી જોઈ શકાય છે. દા.ત. ઐતરેય બ્રાહ્મણમાં હરિશ્ચન્દ્ર દીકરો માગવા આવતા વરુણદેવને એક પછી એક બહાનાં બતાવી ટાળે છે. તામિલનાડુની એક લોકકથા ‘અમરાવતી’માં પણ આવી જ રીતે મા બહાનાં કાઢે છે. અહીં ખરાબ રાક્ષસો છે તો સારા રાક્ષસો પણ છે. કેટલી બધી વખત આ રાક્ષસો મૂરખ સાબીત થાય છે પણ તેમની એકે પુત્રી મૂરખ નથી હોતી, તે ભારે બુદ્ધિશાળી, ચતુર હોય છે, અને બાપની ફિકર કર્યા વગર મનગમતા યુવાન સાથે સુખી થવા બાપને છેતરવા પણ મથશે. આ વાર્તાઓ દ્વારા એક વસ્તુ સૂચવાઈ છે. આમ ભલે પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યમાં સ્ત્રીઓની એક વરવી છબિ ઉપસાવાઈ હોય પણ લોકવાર્તાઓમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે બુદ્ધિશાળી છે, ચતુર છે, આપત્તિઓમાંથી માર્ગ કેવી રીતે કાઢવો તે બહુ સારી રીતે જાણે છે. એક લોકવાર્તામાં રાજા પ્રજા પાસે અશક્ય માગણી કરે છે કે આખલાનું દૂધ લાવી આપો, ત્યારે એક કન્યા કહેશે કે હમણાં મારા સસરા લાવી નહીં શકે કારણ કે તેમનો હાથ ચોખ્ખો નથી! આ સ્ત્રીઓ અન્યાય સામે માથું ઊંચકતાં જરાય અચકાતી નથી, ગભરાતી નથી. આમ કરતી વખતે જો દેવતાઓ સામે ઝૂઝવાનું આવે તો તે માટે પણ તેમની પૂરી તૈયારી છે. ‘હિરણપરી’ કે ‘કુંકણાકથાઓ’માં આનું સ્પષ્ટ નિદર્શન મળશે. લોકકથાઓનો એક આશય પ્રજાને સન્માર્ગે વાળવાનો છે. પણ આ કથાઓમાં પ્રત્યક્ષ બોધ ભાગ્યે જ આપવામાં આવે છે, અહીં તો પાત્રો અને તેમનાં કાર્યોને જ આપણી આગળ બતાવવામાં આવે છે. કેટલીક લોકકથાઓમાં ઈશ્વરને કે દેવતાઓને દિવ્ય કે ભવ્ય તરીકે રજૂ કરવામાં આવ્યા નથી. તેઓનું આલેખન સામાન્ય માનવીઓ તરીકે જ કરવામાં આવ્યું હોય છે. એ રીતે આપણાં પુરાણોના દેવતાઓથી આ દેવતાઓ જુદા પડી જશે. મહાભારતમાં રુરુ નામનો યુવાન સર્પદંશથી મૃત્યુ પામેલી પોતાની વિવાહિતા પ્રમદ્વરાને જીવતી કરવા માટે પોતાનું અડધું આયુષ્ય આપી દે છે. પરંતુ કેટલીક લોકવાર્તાઓમાં આવી ઉદારતા કે ત્યાગને કોઈ સ્થાન નથી. અહીં કોઈ વ્યક્તિ પોતાના નિકટના સ્વજનને બચાવવા માટે પણ તૈયાર નથી.

કેટલીક લોકકથાઓ છેક અકબરબીરબલના જમાના સુધી ચાલી આવી. આ કથાઓને આપણે ઐતિહાસિક પાત્રો સાથે સાંકળવાને બદલે તેમને કાલ્પનિક પાત્રો સાથે સાંકળીએ. લોકોએ કર્ણોપકર્ણ સાંભળીને આવી કથાઓ વિસ્તારી, જેવી રીતે સરદારજીના નામે દેશભરમાં ટુચકાઓ પ્રખ્યાત થયા. છેતરપંડીિ કરનારાઓને એવો કશો લાભ થતો નથી એ અનેક દૃષ્ટાંતો સાથે પંચતંત્ર જેવામાં જોઈ શકાય છે. આવી સામગ્રી છેક બૌદ્ધ કાળથી ચાલી આવી છે. એટલે ઉંદર લોઢું ખાઈ ગયાની કથા, બ્રાહ્મણનાં રત્ન પચાવી પાડતા સોનીની કથા જોવા મળે છે. આપણી કેટલી બધી કથાઓમાં અદેખી રાણીઓ રાજાની માનીતી-અણમાનીતી રાણીને સાવરણી અને સૂંથિયું જન્મ્યાં છે એમ કહીને બાળકને નદીમાં, સરોવરમાં કે ઉકરડે નખાવી દે છે. આવાં કથાવસ્તુઓ પણ પરાપૂર્વથી ચાલી આવ્યાં છે. અહીં ‘સાત બાળકોની મા’, ‘વનકન્યા’, ‘કોબીમાંથી મોતી’માં આવા જ કથાવસ્તુનો વિનિયોગ કરવામાં આવ્યો છે. આવાં વસ્તુ આબાલવૃદ્ધને ગમી જાય એવાં હોય છે. ક્યાંક બે બહેનોને લગતી કથાઓમાં બંને વચ્ચે ઉત્કટ વહાલ તો ક્યાંક ઈર્ષ્યા, વેરઝેર જોવા મળશે. આવી કથાઓમાં વાસ્તવની સાથે સાથે અતિપ્રાકૃત તત્ત્વ પણ પ્રવેશે છે. દા.ત. નુવઈની કથામાં દુ:ખી બહેન સમડીઓ પાસે પાંખ, ચાંચ, નહોર માગે છે અને સમડીઓ આપે પણ છે. મૂરખ ભાઈઓને છેતરીને બુદ્ધિબળ વડે તેમને મહાત કરતી ત્રણેક કથાઓ અહીં છે. દા.ત. તેન્તેન્યાની કથા, લેડગાની કથા. રામાયણ-મહાભારતે જેવી રીતે દૃશ્યકળાઓને, પ્રસ્તુતિપ્રધાન કળાઓને તથા અનુગામી સર્જકોને અગણિત કથાવસ્તુઓ પૂરા પાડ્યા તેવી રીતે લોકકથાઓમાં પણ લોકોએ એમનું પુનરાલેખન કર્યું. ‘સીતાની અગ્નિપરીક્ષા’ આવી જ એક કથા છે. રામે સીતાને ભારોભાર અન્યાય કર્યો છે એમ માનીને લોકોએ કથાઓ આલેખી છે. અહીં પ્રજામાં સ્ત્રીસમ્માનની ભાવના કેટલી બધી છે તે જોઈ શકાય છે. વળી સીતા પ્રત્યે જેટલો આદર છે તેટલો દ્રૌપદી કે રાધા માટે જોવા મળતો નથી. એક બાજુ પ્રાણીઓ વચ્ચેના અસામાન્ય પ્રેમની કથાઓ (શિયાળ અને કાગડાની કથા) અને બીજી બાજુ તેમની વચ્ચેની કટુતાની કથાઓ(લોમડી અને ચિત્તાની દુશ્મની) જોવા મળશે. શિયાળ અને કાગડાની કથામાં તો છેક બૌદ્ધ કાળથી ચાલી આવતી વાંદરો અને મગર જેવી કથાના અંશો પણ જોઈ શકાય છે. આ કથાઓમાં પુરુષ કરતાં સ્ત્રીને વધુ બુદ્ધિશાળી બતાવવામાં આવી છે. ‘હિરણપરી અને કુંવરાણી’ની કથામાં એક નારી કોઈની પણ સહાય વિના માત્ર પોતાનાં શક્તિ અને બાહુબળ વડે પોતાના પતિને ડાકણ જેવી ઇન્દર મહારાજની અપ્સરાના પંજામાંથી છોડાવે છે. વળી સ્ત્રીને સાવ સામાન્ય માનીને ચાલનારા રાજકુમારોને સાવ સામાન્ય જાતિમાં જન્મેલી કન્યા કેવી રીતે પરાસ્ત કરે છે તેની કથાઓ ‘જારીવિજારી’, ‘હાથપગ ધોઈને પાણી પાયું’, ‘વાણિયણ’ જેવી વાર્તાઓમાં જોવા મળે છે. આવી કથાઓનાં મૂળિયાં કથાસરિત્સાગર જેવા કથાસંચયોમાં જોઈ શકાય છે. ‘કાઠિયાવાડની જૂની વાર્તાઓ’માંથી અહીં ગ્રંથસ્થ થયેલી લોકકથાઓ એક રીતે કરુણ પ્રેમકથાઓ છે. આવી કથાઓ પંજાબમાં હીર રાંઝા કે સોહની મહીવાલની કથાઓ સુધી વિસ્તરેલી છે. આ કથાઓ વિશે બલવંતરાય ઠાકોર કે ઝવેરચંદ મેઘાણીની ચર્ચાઓ જોવા જેવી છે. આપણા આદિવાસી વિસ્તારમાં પ્રચલિત કથાઓ કુંકણા કથાઓ તરીકે જાણીતી છે. ડાંગ જિલ્લામાં જાણીતી થયેલી આ કથાઓમાં દેવતાઓ પ્રત્યે જેવી આસ્થા, આદરભાવના આપણા પુરાણકથાઓના સર્જકોને છે તેવી જોવા નહીં મળે. અહીં તો અન્યાય આચરતા દેવતાઓ સામે ખુલ્લો વિરોધ કરતી સ્ત્રીઓનાં અદ્ભુત વ્યક્તિત્વ આલેખાયાં છે, બ્રહ્મા કે મહાદેવ જેવા દેવોને પાણીપાતળા કરી નાખવામાં આવ્યા છે. બ્રાહ્મણ સંસ્કૃતિ સામેનો આ પ્રચ્છન્ન વિરોધ છે. ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારોની કથાઓ ખાસ તો ભગવાનદાસ પટેલે ગુજરાતમાં અને ગુજરાતની બહાર વિશેષ જાણીતી કરી છે. એની આલેખનરીતિ પરંપરાગત છે: ‘પથ્થર ન હતા, પર્વત ન હતા, ધરતી ન હતી, જે વેળા આકાશ નહોતું, ચાંદ ન હતો, સૂરજ નહોતો, નવલખ તારા ન હતા...’ આ કથાઓ પુરાણો સાથે પોતાનું અનુસંધાન જાળવે છે. કયારેક ‘આવળનું ફૂલ’ જેવી વાર્તા કથાસરિત્સાગરની યાદ અપાવે. આવી જ એક સાહસકથા ‘અમરસંહિ રાઠોડ અને પદમણી રાણી’ પણ છે. આ પ્રકારની વાર્તાઓ એક મોંએથી બીજા મોંએ કહેવાતી જાય, તેમાં કહેનાર અને સાંભળનાર બંનેના રંગ ભળે. આજે તો આપણે મોટા ભાગની કથાઓ આંખો વડે વાંચી લઈએ છીએ પણ ‘બાની વાતું’માંથી પસાર થઈએ ત્યારે આપણે જાણે એ કથાઓ કહેવાઈ હશે ત્યારે ત્યાં હાજર રહેલા શ્રોતાઓમાંના એક બની જઈએ છીએ. સંસ્કૃત સાહિત્યમાં અસંભવનું આલેખન કરતી કથાઓ પણ છે. વિદ્યાર્થીઓના ભણવામાં એક દૃષ્ટાંત આવતું. ‘તે વંધ્યાસુત આકાશકુસુમની માળા પહેરીને શશશૃંગનું ધનુષ હાથમાં લઈને નીકળી પડ્યો.’ આવી જ એક કથાનો નમૂનો જોવા જેવો છે, જો કે આ સંપાદનમાં એ વાર્તા જોવા નહીં મળે. ‘કાંટાની અણી પર ત્રણ તળાવ, બે સૂકાં અને ત્રીજામાં પાણી નહીં. જેમાં પાણી નહોતું તેમાં ત્રણ કુંભારે ઘર કર્યાં. આ ત્રણ કુંભારમાંથી બે ઠૂંઠા હતા અને ત્રીજાને હાથ નહોતા. હાથ વગરના કુંભારે ત્રણ ઘડા ઉતાર્યા, આ ત્રણ ઘડામાંથી બે તૂટેલા અને ત્રીજાને તળિયું ન મળે. છેલ્લા ઘડામાં તેમણે ચોખાના ત્રણ દાણા રાંધ્યા. બે દાણા રંધાયા નહીં અને ત્રીજો કાચો રહી ગયો. કાચો રહી ગયેલો ચોખો જમવા માટે ત્રણ મહેમાનોને નોતર્યા. એ ત્રણમાંથી બે ગુસ્સે થયા અને ત્રીજો કેમે કરી શાંત ન થાય. ત્રીજાને ત્રણ વાર જૂતા ફટકાર્યા. જૂતાનો માર ખાવો ન પડે એટલે ત્રીજો મહેમાન ભાગવા લાગ્યો. કુંભારે તેનો પીછો કર્યો. રસ્તામાં કુંભાર પર એક જંગલી હાથીએ હુમલો કર્યો. કુંભારે મુઠ્ઠી વડે એ હાથીને પછાડ્યો, તેની બે પાંસળી ભાંગી નાખી અને અડધા શરીરનો ડૂચો વળી ગયો. ઘવાયેલો હાથી ભાગવા લાગ્યો અને કુંભારે તેનો પીછો પકડ્યો, હાથી તો એક ઝાડ પર ચઢી ગયો અને એક ડાળી પરથી બીજી ડાળીએ, પાંદડે પાંદડે ઠેકડા ભરવા લાગ્યો. છેવટે હાથી ઝાડ પરથી નીચે કૂદ્યો અને તેણે એક કિટલી જોઈ. તેના નાળચામાં પેઠો અને કિટલીમાંથી બહાર આવ્યો. હાથીનું શરીર તો બહાર આવી ગયું પણ તેની પૂંછડી ફસાઈ ગઈ. હાથીનો પીછો કરી રહેલો કુંભાર આવા બિચારા બાપડા હાથીને મારી નાખવા માગતો ન હતો એટલે તે પોતાના રસ્તે પડ્યો.’ કેટલીક બાળકથાઓ ઝવેરચંદ મેઘાણીએ નોંધી છે, તેમાંથી એક જોઈએ: ‘એક હતી કીડી. કીડીને તો સાંઢિયાએ કચરી નાખી. કીડીએ શરાપ્યો: ‘સાંઢાપગ સડે!’ ત્યાં તો સાંઢિયાનો પગ સડી ગયો. સાંંઢિયો પીપળાનાં પાંદ ખાવા ગયો. પીપળો કહે, ‘સાંઢભાઈ, પગ કેમ સડ્યો?’ સાંઢિયાએ કહ્યું, ‘સાંઢાપગ સડે, ને પીપળપાંદ ખરે!’ ત્યાં તો પીપળાનાં પાંદ ખરી ગયાં. હોલો આવ્યો, ‘પીપળભાઈ! પાંદ કેમ કરતાં ખર્યાં?’ પીપળો: ‘સાંઢાપગ સડે, પીપળપાંદ ખરે ને નપંખો હોલો!’ હોલાની તો પાંખો પડી ગઈ. હોલો નદીએ જાય છે ને પ્રશ્ન પૂછનારી નદીને શરાપે છે: ‘સાંઢાપગ સડે, પીપળપાંદ ખરે, નપંખો હોલો ને નપાણી નદી.’ છેવટે આમ કહેવાયું: ‘સાંઢાપગ સડે, પીપળપાંદ ખરે, નપંખો હોલો, નપાણી નદી, શિયાળ બાંડો, ગોવાળ બેરો, ધૂણતી ભથવારી, પાદતી પાણિયારી, ને નમૂછિયો ડાયરો!’ શરૂઆતમાં આપણે પ્રશિષ્ટ સાથે લોકસાહિત્યના સંવાદની વાત કરી હતી. આખા જગતમાં આજે લોકસાહિત્ય પર ભારે સંશોધનો થઈ રહ્યાં છે. આવાં સંશોધનોમાંથી પસાર થઈને રણજિતરામ મહેતાએ કહ્યું હશે: ‘વસ્તુત: સાહિત્યનો ઉદ્ભવ લોકગીતમાંથી જ થયો છે. વાદ્ય, ગવૈયા, રંગભૂમિ વગેરે વિનોદસામગ્રીમાંથી પોતાનો થાક ઉતારવા, વખત ગાળવા, આનંદ મેળવવા જેઓ ભાગ્યશાળી નથી એવા ગામડિયા, ભિખારીઓ, અને શિક્ષણવિમુખ સ્ત્રીપુરુષો પોતાના હૃદયમાં વસતા ભાવો સંગીત દ્વારા પ્રકટ કરે છે. આવી નિર્દોષ ગમ્મતમાંથી ઉત્પન્ન થયેલું સાહિત્ય તે દેશજ સાહિત્ય કહી શકીએ. તેના ઘણા ભેદપ્રભેદ છે. લોકગીત, લોકકથા, જનવાર્તા (ફોકલોર), કહેવતો, સમસ્યા, ઉખાણાં વગેરે વગેરે ભેદપ્રભેદનાં અભિધાન છે.’ (લોકગીત વિશે નિબંધ : પ્રથમ ગુ.સા.પ.)
(ઉદ્ધૃત ઝવેરચંદ મેઘાણી: લોકસાહિત્યનું સમાલોચન-પૃ. ૧૧૬)

લોકસાહિત્યની ભાષા જોઈએ ત્યારે ખ્યાલ આવે કે આ સમૃદ્ધિ બેનમૂન છે. ‘સરસ્વતીચંદ્ર’નું ગદ્ય અસાધારણ કૌવતવાળું છે પણ લોકવાણીથી તે દૂરનું છે. કાકાસાહેબ કાલેલકર કે સુરેશ જોષીના નિબંધોનું ગદ્ય અસામાન્ય સૌંદર્ય ધરાવતું હોવા છતાં તે વધારે સંસ્કૃતપ્રચુર હોવાને કારણે સામાન્ય માનવીની ભાષાથી દૂરનું છે. ઉમાશંકર જોશી જ્યારે સાપના ભારા એકાંકીસંગ્રહ લઈને આવ્યા ત્યારે આપણી દેશી ભાષાનું ખમીર આપણને વધારે સ્પર્શી ગયું. પછી તો પન્નાલાલ પટેલ ‘વળામણાં’ અને ‘માનવીની ભવાઈ’ લઈને આવ્યા. ગુજરાતી લોકકથાઓમાં પણ આવું પ્રાસાદિક અને બળુકું ગદ્ય જોવા મળશે. ઝવેરચંદ મેઘાણીએ દાદાજીની વાતોમાંથી એક ખંડ ટાંક્યો છે તે જોવા જેવો છે: ‘બરાબર મધરાતનો ગજર ભાંગ્યો ત્યાં વિધાત્રી પધાર્યાં. હાથમાં કંકુનો ખડિયો, કાને મોતીની લેખણ, ને કાખમાં આંકડા ગણવાનો કોઠો. ‘હળવે... હળવે ... હળવે દેવી તો દાખલ થયાં. છોકરાની ખાટલી આગળ જઈ બેઠાં, ઘીનો દીવો બળે છે. વાટ સંકોરીને દેવીએ અજવાળું વધાર્યું. છોકરાની હથેળીમાં ને કપાળમાં મંડ્યાં રેખાઉં કાઢવા. ‘શું શું લખ્યું? ‘રોજની પાંચ શેર લોટની તાંબડી લખી, દાપાદક્ષિણાના દોકડા લખ્યા. કન્યાચોરીની કોરી લખી. ગોરપદાંનાં ધોતિયાં લખ્યાં. એક સોળ વરસની ગોરાણી લખી. પણ જ્યાં આવરદાની રેખા તાણવા જાય ત્યાં તો... અરરર! વિધાત્રીના હાથમાંથી લેખણ પડી ગઈ. પટ દઈને દેવી ઊભાં થઈ ગયાં. દીવડો ઝાંખો પડ્યો. ને વિધાતાએ તો કપાળ કૂટીને પાછું હાલવા માંડ્યું. કહે કે વિક્રમ! બીજા તો લેખ રૂડા, પણ આયખું જ અઢાર વરસનું, ચોરીએ ચડીને ચાર મંગળ વરતતો હશે ત્યારે ચોથે ફેરે એને સાવજ ફાડી ખાશે.’ આ ગદ્ય સાથે સંપાદનમાં જે લોકકથાઓ સમાવી છે તેના ગદ્ય સાથે તુલના કરીશું તો ખ્યાલ આવશે કે આ લોકવાણી નથી. સુશિક્ષિત સર્જકના હાથે દોરેલું ચિત્ર છે. પેઢીઓથી ચાલી આવતી વ્રતકથાઓને લોકસાહિત્યમાં ગણાય કે નહીં એ પ્રશ્ન પણ છે. ઝવેરચંદ મેઘાણીએ કંકાવટી-૨માં આ પ્રમાણે નોંધ્યું છે: ‘વ્રતોની કથાઓ શુદ્ધ સાહિત્યકૃતિઓ છે. જગતની આદ્ય નવલિકાકાર નારી છે. સ્ત્રીએ સમાજને અવલોકીને આ વાર્તાઓમાં આલેખ્યો. આલેખીને જ એ ન બેસી રહી. એકે બીજીને કહી, બીજીએ ત્રીજીને, હજારોને, લાખોને પેઢીનપેઢી. આમ આ વાર્તાઓ શુદ્ધ લોકવાર્તાઓ હોવાથી લોકવિદ્યા(ફોકલોર)નું એક અંગ બને છે, એ સ્ત્રીઓનું હોવાથી મહત્ત્વનું અંગ બને છે. જમાને જમાને રચાતા અને ભાંગતા લોકસંસારે એમાં પોતાની આપવીતી લખી આપી છે.’ કેટલીય બાબતોમાં બંગાળ અને ગુજરાત ઘણી બધી સમાનતા ધરાવે છે. અવનીન્દ્રનાથ ઠાકુર ‘બાંગ્લાર વ્રત’ નામના પુસ્તકમાં આ વ્રતકથાઓ વિશે કહે છે: ‘આ વ્રતો તો માનવીની સર્વસાધારણ સંપત્તિ છે. અમુક ધર્મ કે અમુક જ જાતિના વાડામાં એ બંધાયેલી નથી. ઋતુઓનાં પરિવર્તનની સાથોસાથ માનવ-દશામાં જે પલટો આવે છે એ પલટાની સ્થિતિને વટાવી જવાની ઇચ્છામાંથી જ આ વ્રતક્રિયા ઉત્પન્ન થાય છે અને નિરનિરાળી વિધિ માટે માનવી મનકામના સફળ કરવા માગે છે, એનું નામ જ વ્રત. પુરાણ જેટલું પુરાતન, બલકે એથીયે પુરાતન, માનવીનું રચેલું એ વિધાન છે... માનવી મરી જાય, પ્રજાએ પ્રજાનો લોપ થઈ જાય, છતાં તે તે પ્રજાના આચાર-વિચારનો પ્રવાહ તો તેઓની પાછળ વહેતો જ રહેવાનો... બંગાળનાં આ વ્રતો પણ આપણી પુત્રીઓ દ્વારા કોઈ વાર રંગોળીના શિલ્પ વાટે, કોઈ વાર કવિતા અને નાટક વાટે, કોઈ વાર કલા અને સાહિત્ય વાટે તો કોઈ વાર વળી ધર્મની ક્રિયાઓ વાટે સંઘરાઈ રહેલાં, પેલી પ્રાચીન જાતિના જીવનના ઇતિહાસ સરીખાં છે. વ્રતોની અંદર એ પ્રાચીન કાળની નાટ્યકળા, નૃત્યકળા, ચિત્રકળા, સંગીતકળા અને ઉપાખ્યાન પર્યંતની સામગ્રી મળી રહે છે. અને તેથી આ વ્રતો તુચ્છકારવાં જેવાં નથી.’ (ઉદ્ધૃત લોકસાહિત્યનું સમાલોચન પૃ.૨૧૫)

રવીન્દ્રનાથ ઠાકુરે બંગાળની એક જાણીતી લોકકથા નિમિત્તે કહ્યું છે: બીજા દેશમાં હોય છે તેમ ભારતવર્ષમાં ભદ્રતા ધન સાથે જ સંકળાયેલી હોતી નથી. પહેલાંના વખતમાં તો એવું નહોતું જ. કુલશીલસમ્માનવાળાં ઘર કે વંશમાં પૈસો ન હોય એવું આપણા દેશમાં ઘણુંખરું જોવામાં આવતું. એથી જ તો આપણા દેશમાં ધનિક અને નિર્ધનોની વચ્ચે કન્યાનું આદાનપ્રદાન સદા ચાલતું આવ્યું છે. સામાજિક આદર્શ ભલે ને ગમે તે હોય, પણ ધનમાં એક સ્વાભાવિક મદૃાતા તો રહી જ હોય છે. ધનના ગૌરવને કારણે ધનિક દરિદ્રના પ્રત્યે કૃપાકટાક્ષપાત કરી શકે. જ્યાં સામાજિક ઉચ્ચનીચતા નથી હોતી ત્યાંયે ધનની ઉચ્ચનીચતા વચ્ચે ઙ્ઘાવીને જાણે વિપ્લવ ઊભો કરી દે છે. આ પ્રકારની સ્થિતિ દામ્પત્યસમ્બન્ધમાં એક મોટા વિપાકનું કારણ બની રહે છે. સ્વાભાવિક રીતે જ જ્યારે ધનિક શ્વસુર દરિદ્ર જમાઈની અવજ્ઞા કરે ત્યારે ધનિક પુત્રી દરિદ્ર પતિ અને પોતાના દૈવથી ઉદાસ થઈ જાય ત્યારે ગૃહધર્મ પણ વિક્ષુબ્ધ થઈ ઊઠે. દામ્પત્યના આ દુગ્રહને શી રીતે ટાળી શકાય તે હરગૌરીની કથા દ્વારા વર્ણવાયું છે. અટલ શ્રદ્ધા એ સતી સ્ત્રીનું એક ઉપાદાન છે. એનું બીજું ઉપાદાન તે દારિરૂની હીનતાનું મોચન, એનું મહત્ત્વકીર્તન. ઉમાપતિ દરિદ્ર હોવા છતાં હેય નહોતા અને સ્મશાનચારીની સ્ત્રી પતિગૌરવે ઇન્દ્રની ઇન્દ્રાણી કરતાંય શ્રેષ્ઠ બની ગઈ હતી. દામ્પત્યબન્ધનનું એક બીજું મોટું વિઘ્ન તે સ્વામીનું વાર્ધક્ન્ન અને કુરૂપતા. હરગૌરીના સમ્બન્ધમાં એને પણ પરાભૂત કરી દેવામાં આવ્યું હતું. વિવાહસભામાં જ્યારે વૃદ્ધ જમાઈને જોઈને મેનકા આક્ષેપ કરતી હતી ત્યારે અલૌકિક પ્રભાવથી વૃદ્ધનાં રૂપયૌવન અને વસનભૂષણ પ્રકટ થયાં. આ અલૌકિક રૂપયૌવન દરેક વૃદ્ધ સ્વામીને હોય છે. એનું પ્રકટ થવું સ્ત્રીની આન્તરિક ભક્તિપ્રીતિના ઉપર નિર્ભર થઈને રહે છે. ગામડાનો ભિક્ષુક કથાકાર ગાયક હરગૌરીની કથા દ્વારા દ્વારે દ્વારે ફરી ફરી એ જ ભક્તિનો ઉદ્રેક કરતો ફરે છે. ગામડાની કવિપ્રતિભા આટલાથી જ શાન્ત થઈ જતી નથી. શિવને ગાંજો, ભાંગ વગેરેના નશાથી ઉન્મત્ત કરવામાં આવ્યા છે. કેવળ એટલું જ નહીં, અસભ્ય સ્ત્રીના પ્રત્યેની આસક્તિ ચીતરવાનુંય બાકી રાખ્યું નથી. કાલિદાસનો અનુત્તરંગ સમુદ્ર અને નિર્વાતનિષ્કમ્પ દીપશિખાવત્ યોગીશ્વર બંગાળના ગામડાંમાં આવીને આવી દુર્ગતિ પામ્યો છે. પરન્તુ આ બધું જવા દઈએ તો હરગૌરીની કથા એ પ્રધાનતયા નાનાંમોટાં સૌ વિઘ્નો પરના દામ્પત્યના વિજયની કથા છે. હરગૌરીના કથાપ્રસંગમાં આપણા એકાન્નપારિવારિક સમાજની મર્મરૂપિણી સ્ત્રીનો એક જીવન્ત આદર્શ મૂર્ત થઈ ઊઠે છે. સ્વામી ભલે ને ગમે તેટલા દીન દરિદ્ર વૃદ્ધ કે વિરૂપ હોય, સ્ત્રી તો રૂપયૌવન ભક્તિપ્રીતિ ક્ષમાધૈર્ય અને તેજના ગર્વે સમુજ્જ્વલા જ રહેવાની. સ્ત્રી જ દરિદ્રનું ધન છે, ભિખારીની અન્નપૂર્ણા છે, રિક્તગૃહની સમ્માનલક્ષ્મી છે. આ કથાઓ આપણા સમાજનું નિરૂપણ તટસ્થતાથી અને સંપૂર્ણ રીતે કરે છે. સમાજજીવનમાં, કુટુંબજીવનમાં વ્યાપેલી હંસિકતા, ક્રૂરતા, ઉષ્માહીનતાનું સચોટ નિદર્શન પૂરું પાડે છે. આના નમૂના તરીકે સાત ભાઈઓ અને એક ભાઈની કથા લઈ શકાય. સાથે સાથે એવા છ છ ક્રૂર ભાઈઓની સામે એક નિર્દોષ, ઉષ્માસભર ભાઈનું ચરિત્ર યોજીને આખી યોજનાને સંતુલિત કરવામાં આવી છે. વળી એ સમયે કદાચ ક્યાંક ક્યાંક પ્રચલિત એવી નરમાંસભક્ષણની રૂઢિનો વિનિયોગ પણ વાર્તામાં થયો છે. એવું પણ નથી કે વીર, બુદ્ધિશાળી, સાહસિક નાયકો જ આ વાર્તાઓમાં આલેખાયા છે. મીઝોની લોકકથાઓમાં સાવ મૂરખ, ગમારને નાયક તરીકે યોજ્યો છે. તો બીજી બાજુ કેટલાક ચતુર, યુવાન સાહસિકોને પણ અહીં યોજ્યા છે. તેઓ પોતાના પ્રતિસ્પર્ધીઓને એક અથવા બીજી રીતે હરાવી ધનસંપત્તિ ભેગી કરી લે છે. આ પ્રતિસ્પર્ધીઓ માનવી હોઈ શકે અને બીજાં પ્રાણીઓ કે રાક્ષસો પણ હોઈ શકે. સાવકી માનું કથાઘટક તો છેક રામાયણકાળથી ચાલી આવ્યું છે. એવી જ રીતે શોક્યનું કથાઘટક પણ. પણ કોઈ કથામાં દુષ્ટ શોક્યની દુશ્મનાવટ ફાવી હોય એવું બનતું નથી. કેટલી બધી કથાઓમાં માનીતી કે અણમાનીતીને બાળક જન્મે તો તેનો ઘડોલાડવો કરી નાખવાની ક્રૂરતા પણ સ્ત્રીઓ બતાવે છે. એ રીતે જોઈએ તો આપણો સમાજ કેટલો ક્રૂર થઈ શકે છે તે વાસ્તવિકતા પણ સ્વીકારવી પડે છે. દર વખતે રાજાઓ ઉદાર હોય જ એવું નથી. સાહસકાર્યમાં નિષ્ફળ નીવડેલાઓને રાજા આજીવન કારાવાસની સજા પણ કરે છે. આવાં સાહસ કરનારાઓ સફળ ક્યારે થાય? જે સાહસ કરવા નીકળે તેનામાં માત્ર બળબુદ્ધિ હોય એટલું પૂરતું નથી. બીજાઓને મદદ કરવાની પૂરી તૈયારી હોવી જોઈએ. અને આવી મદદ વનદેવતા પણ કરી શકે, સાપદેડકા જેવા પણ કરી શકે. કેટલીક કથાઓ અસામાન્ય નિરીક્ષણશક્તિ ધરાવતા માનવીઓની આસપાસ કેન્દ્રિત થઈ છે. ચાર બેકાર યુવાનો કે ચાર ચતુર સ્ત્રીઓની કથાઓની પરંપરા આમ તો બહુ જૂની છે. આપણા સમયની કેટલીક ડિટેકટીવ નવલકથાઓ(શેરલોક હોમ્સ, મિસ માર્પલ, હરક્યુલે પોઇરેનાં પાત્રો ધરાવતી આર્થર કોનન ડોઇલ કે અગાથા ક્રિસ્ટીની કૃતિઓ) પણ નાયકોની અદ્ભુત નિરીક્ષણ શક્તિની પ્રતીતિ કરાવે છે. કેટલીક કથાઓ આપણને સાવ જુદી જ દિશામાં લઈ જાય છે. ગુજરાતના એક ખૂણે આવેલ અને સદા સમૃદ્ધ એવા પ્રદેશની સીદીકચ્છી કથાઓમાં એક વિલક્ષણ પાત્ર ફાતમાબાઈનું છે. સાહસ, શૌર્ય, બુદ્ધિ, હંમિતની બાબતે તે કોઈ પણ વીર નાયિકા કરતાં ઊતરતી નથી. તે શત્રુને કેવી રીતે હંફાવે છે તે પણ રસપ્રદ છે. ગુજરાતી સાહિત્યમાં નરસંહિરાવ દિવેટિયા જેવા પંડિતે લોકસાહિત્યને સાવ સામાન્ય ગણીને બાજુ પર મૂક્યું, પણ પંડિતયુગના સમર્થ સર્જક અને કવિકુલગુરુ બલવંતરાય ઠાકોર નાનપણમાં સાંભળેલી લોકકથાઓના સંદર્ભે કહે છે: ‘એ રાતો, એ વાતું, એ દૂહા, બે-વસવાટ પરું, એ એરંડા જેવો પણ અમારું સર્વસ્વ બંગલો, એ બાળપણ, અરે એ ઝક્કલ, અરેરે એ વડીલો — તે હિ નો દિવસા: ગતા: ... અથવા, આ પંડમાં તો એ સર્વ સંસ્કાર મ્હારા ગજા પ્રમાણે પરિપાક પામેલા જીવન્ત છે.’ પરંતુ બ.ક.ઠાકોર પહેલાં પારસી સન્નારી પૂતળીબાઈ કાબરાજીએ ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’માં આવી કથાઓ સંગ્રહી હતી. એમ. કે. રામાનુજને એ કથાઓ પોતાના સંચયમાં સમાવી છે.

જો આપણે સ્ટીથ થોમ્સનના લોકવાર્તાઓ વિશેના ગ્રંથમાંથી પસાર થઈએ, હસુ યાજ્ઞિકે ફારસી ભાષાની જે કથાઓ સંકલિત કરી છે, વળી રમણલાલ સોનીએ સંપાદિત કરેલી વિશ્વની લોકકથાઓમાંથી પણ પસાર થઈએ તો વિશ્વની ઘણી બધી કથાઓમાં — અને માત્ર લોકકથાઓમાં જ નહીં પણ અર્વાચીન, આધુનિક કથાવાર્તાઓમાં પણ સામ્ય વરતાશે, ક્યારેક આ સામ્ય પ્રચ્છન્ન પણ હોઈ શકે. જે પ્રકારનાં કથાઘટકો, કથાપ્રકૃતિઓ સ્ટીથ થોમ્સનના ગ્રંથમાં નોંધાયાં છે તેવાં કથાઘટકો, કથાપ્રકૃતિઓની એક યાદી સમગ્ર કથાઓને આવરી લઈને કરીએ તો આ સમૃદ્ધિનો ખ્યાલ આવી શકે. રશિયન વાર્તાકાર એન્તન ચેખવની એક બહુ જાણીતી વાર્તા ‘ધ લેમેન્ટ’ છે, એમાં એનો પ્રૌઢ ગાડીવાન સાવ એકલો પડી ગયો છે, પોતાની રામકહાણી કોઈકને પણ સંભળાવવા આતુર બન્યો છે; પરંતુ તેની ગાડીમાં બેસનારા સમવયસ્કોથી માંડીને નવયુવાનો સુધી કોઈ કરતાં કોઈને તેની વાતમાં રસ નથી, છેવટે આ ગાડીવાન સાંજે પોતાના ઘોડાને આ વાત કરે છે. વાત શી છે તે તો આપણને લેખક કહેતા જ નથી. એ.કે. રામાનુજને સંપાદિત કરેલી એક વાર્તા આવી જ કંઈક સામગ્રી ધરાવે છે. ‘ટેય્લ ટુ ધ વોલ્સ’(ભીંતોને કહે ત્યારે) નામની તમિળ લોકકથામાં એક ઘરડી મા પોતાની કથા કહેવા માગે છે, પણ સાંભળવામાં રસ કોને હોય? છેવટે તે પોતાના ઘરની દીવાલોને પોતાની આપવીતી કહી સંભળાવે છે. વાત પૂરી થતાં જ તેની શારીરિક સ્થિતિ સામાન્ય થઈ જાય છે. મહાભારતના અનુશાસન પર્વમાં ઇન્દ્ર અને પોપટની કથા છે(જુઓ ભારતીય કથાવિશ્વ :૨, પૃ.૫૨૩-૪) એ કથામાં પારધિના ઝેર પાયેલા બાણથી એક મોટું વૃક્ષ સુકાઈ જાય છે, ત્યાં વર્ષોથી રહેતો પોપટ એ વૃક્ષ ત્યજીને જતો રહેવા માગતો નથી, ઇન્દ્ર તેને ઘણું સમજાવે છે તો પણ. આવી જ એક લોકકથામાં બળી ગયેલા વૃક્ષને ત્યજીને એક હંસ જવા માગતો નથી. જે કેટલીક વિશિષ્ટ શક્તિઓ છે તેમાં એક શક્તિ પ્રાણીપંખીઓની બોલી સમજવાની પણ છે. ‘સીતાની અગ્નિપરીક્ષા’ નામની વાર્તામાં સીતા પોપટપોપટીની બોલી સમજે છે. એવી જ રીતે એક કથામાં પ્રધાન પક્ષીઓની બોલી સમજીને રાજાનો જીવ કેવી રીતે બચાવે છે તેની કથા છે. આ રહસ્ય જો કહી દે તો તે પથ્થરનો થઈ જાય. આવી એક નહીં પણ અનેક લોકકથા છે. વર્ષો પહેલાંનાં પાઠ્ય પુસ્તકોમાં આવી લોકકથાઓ સંકલિત થતી હતી. આવી એક કથાનું શીર્ષક જ આખી કથાવસ્તુનું સૂચન કરી દેશે: ‘તેં નહીં તો તારા બાપે.’ આ લોકકથાઓમાં પરોપકાર કરનારાં પાત્રો અવારનવાર જોવા મળશે. પ્રાચીન કથાઓમાં શિબિ કે જીમૂતવાહન, ભીમનાં દૃષ્ટાંતો જાણીતાં છે. લોકકથાઓમાં પણ આવાં પાત્રો જોવા મળશે. એ.કે. રામાનુજને સંપાદિત કરેલી ગુજરાતી લોકકથા ‘નાગમાતા’ (સર્પન્ટ મધર) આ રીતે શરૂ થાય છે: ‘એક વૃદ્ધ દંપતીને સાત પરણેલા દીકરા. આ બધા જ રહે ઘરડા માબાપ સાથે. પહેલી છ પુત્રવધૂઓનાં માનસમ્માન ભારે, કારણ કે તેમનાં પિયર સદ્ધર હતાં. સૌથી નાની પુત્રવધૂને પિયરમાં કોઈ મળે નહીં એટલે બધા તેને હાડસેલ હાડસેલ કર્યા કરે. દરરોજ બધાં નિરાંતે જમે. બધાં જમી રહે પછી જે વધ્યુંઘટ્યું હોય તે નાની વહુના નસીબમાં આવે. વાસણ સાફ કરતી વખતે જે કંઈ તપેલામાં તળિયે ચોંટ્યું હોય તે તેના ભાગનું. એક દિવસ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવી. સૌથી નાની વહુને દિવસો રહ્યા હતા, તેને પણ ખીર ખાવાનો અભરખો થયો. પણ તેને આપે કોણ? છેલ્લે ખીરવાળા વાસણમાં તેને ભાગે પોપડા આવ્યા. ‘ચાલો આ ખાઈને પેટ ભરીશ.’ અને તે પોપડા એક ભૂખી નાગણ ખાઈ જાય છે. હવે ઝવેરચંદ મેઘાણીએ ગુજરાત ભરમાં પ્રચલિત કરેલી નાગપાંચમની વ્રત કથા સરખાવો, બંને કથા એકસમાન છે. આ લોકકથાઓ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં બહુ સહેલાઈથી ગતિ કરતી હોય છે. દા.ત. દાયકાઓ પહેલાં પાંચમાછઠ્ઠા ધોરણમાં એક વાર્તા ભણવામાં આવી હતી: કોઈક રીતે પાંજરામાં પુરાયેલા વાઘને દયા આણીને એક બ્રાહ્મણ છોડાવે છે, પછી વાઘ બ્રાહ્મણને ખાઈ જવા તૈયાર થાય છે. બીજો કોઈ માર્ગ મળતો નથી એટલે બ્રાહ્મણ શિયાળને ન્યાય માટે બોલાવે છે. શિયાળને ગરીબ બ્રાહ્મણ પર દયા આવી એટલે તેણે સ્થળ પર આવીને વાઘ કેવી રીતે પાંજરામાં હતો તે દેખાડવા કહ્યું, વાઘ પાંજરામાં પુરાઈ ગયો અને શિયાળે બ્રાહ્મણને રવાના કરી દીધો. આ જ કથાવસ્તુ બસ્તરની લોકકથા ‘ઘમંડી શેર’માં જોવા મળશે. ત્યાં ચતુર લોમડી વાઘને પાઠ ભણાવે છે. એ જ રીતે નિરા બુદ્ધુની કથા પણ અન્યત્ર જોવા મળશે. એમાં પણ નદીકાંઠે માછલીઓને ફટકારી ઘેર મોકલવાની વાત આવે છે. ‘હાથ પગ ધોઈને પાણી પાયું’ કથાને ઘણી બધી રીતે મળતી આવે એવી કથા ‘ન્યાય કી બાત’માં જોવા મળશે. આ કથામાં પણ રાજાની ગૌશાળાની છતમાં ચકલીનો માળો છે. ચકલીએ ઈંડાં મૂક્યાં, પછી બંને વચ્ચે અણબનાવ થયો, ચકલો જતો રહ્યો, થોડા સમયે તે પેલાં બચ્ચાં લેવા આવ્યો. ચકલી બચ્ચાં આપવા તૈયાર ન હતી. રાજાએ તે બચ્ચાં ચકલાને અપાવ્યાં. ચકલી બીજા જન્મે મંત્રીને ત્યાં જન્મી, દસેક વરસની ઉંમરે તેણે બાપ પાસે જિદ કરીને વછેરો માગ્યો. ...બાકીની કથા ‘હાથ પગ ધોઈને પાણી પાયું’ની જેમ જ ચાલે છે. આ બધી કથાઓનું વિશ્વ પ્રશિષ્ટ કથાવિશ્વથી જરાય ઊતરતું નથી એની પ્રતીતિ આ કથાઓમાંથી પસાર થઈશું ત્યારે થયા વિના નહીં રહે.