ભાર્વોમિ/સત્-સાહીત્યને સથવારે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સત્-સાહીત્યને સથવારે

ત્રણ ગોરાને જાણું. એક દક્ષીણના સમર્પીત સમર્થ કાર્યકર્તા, એક રવીન્દ્રનાથની રચના, ત્રીજા અનેરાના આપણા ગોરા. આ ‘ભાવોર્મી’, અનેરાના ગોવિંદભાઈની કૃતી. ગોરા હાડે શીક્ષક. જીવ દૈવી. ‘માનુષં સૌમ્યમ્’ યુક્ત ઐશ્વર્યવાન પ્રકૃતિ. જીવનભર ગોવિંદભાઈ અને સુમતીદીદીએ ચૈતન્યની ખેતી કરી, તેય ‘મહાદેવી’ઓના જીવન ઉઘાડ સારુ. આ સંગ્રહે સાવ અનોખી અનુભુતી કરાવી. સુત્ર વાંચેલું ‘એક: તપઃ, દ્વિ અધ્યયન, ત્રિઃ પ્રવાસઃ’. પહેલી વેળા વાચન તપના ભાવથી કર્યું, બીજી વાર અધ્યયન થયું, ત્રીજી વાર તો સર્જકની જોડે એક અન્તર્યાત્રા. કેમ થયું આવું! ભાગવતમાં છે, ‘વિશ્વાનુભૂતિઃ સકલાનુભૂતિઃ’. અહીં ‘અંતરપટ’થી સ્ફુરેલું ઝરણું અંતે મહાનદ બની જાય છે. સંગ્રહ નામ ધરે છે ‘ભાવોર્મી’-દર્શન ‘મેઘધનુષ્ય’નું. ભીતરની આનંદવર્ષોથી ચિત્તાકાશમાં, મનોગગનમાં રચાયેલું આ મેઘધનુષ્ય! બત્રીસ રચના. લગભગ તેર કાવ્ય અને કાવ્યવિષયક, બે નવલકથાના આસ્વાદ, પાંચેક પ્રવાસ વર્ણન, એક લલીત નિબંધ, એક વિનોબાજીની અમર કૃતી, ખલીલ જિબ્રાનનું વીશ્વમાન્ય ‘વિદાયવેળાએ’, પાંચેક ચીત્રો, ઇબ્સનની એક નાટીકા, ત્રણેક પ્રસંગો. ગોરાએ આરંભે વીધાન કર્યું છે. ‘સ્વાન્તઃ સુખાય, નિજાનંદ હેતુઃ’ માન્ય. તમારુ બેડલું આનંદથી છલકાય! છો એમ થતું. એ છલકાય અને વાચકની ચીત્ત કટોરીમાં ઝીલાય તો, ગોવિંદભાઈ તમને વાંધો ખરો? શબ્દને ધ્વની છે, અર્થ છે, આરાધીએ તો અન્તઃસ્તલ છે. અહીં શબ્દનું અંતઃસ્તલ આપણને આપણા કોશેટામાંથી મુક્ત થવા પ્રેરે છે. નાનકા જગતમાંથી, મામકા: જગતમાંથી વીરાટને હીંડોળે ઝુલાવે છે. માંયલો ઝાકમઝોળ થઈ જાય છે. ‘અંતરપટ’ શરૂ થાય ત્યાં જ એક વિધાન છે, ‘સંવેદનાનો પરમોત્કર્ષ એટલે અનુભુતી’. ‘અંતરપટ’ આવી પળે પ્રસુત. જગતનો બધો વલોપાત વેદનામુક્તી માટે છે. જ્યારે પ્રેમીઓનું તો જીવન જ વિરહ હોય છે. ‘મિલનની અનુભૂતિ જ વિરહની વાસ્તવિકતા છે.’ કેવાં બેધડક તારણો છે! જાણે મહાદેવીજી કુંજી રહ્યાં છે. વિરહનું જલજાત જીવન, વિરહનું જલજાત! વેદનામાં જન્મ, કરુણામાં મળ્યો આવાસ, અશ્રુ વીણતો દિવસ એનો, અશ્રુ વીણતી રાત! જીવન વિરહનું જલજાત! એક ખોંખારે સૌ જાગે. એમ જ આ એક અમરકૃતીથી કવીજગત જુગતરામ દવેને હૃદય સીંહાસને આસીત કરે છે. સુંદર રસાસ્વાદ. ચોટડુક પંક્તીઓ, કથી કહેવું કઠણ. શીક્ષકની આદતે મજબુર એ ન્યાયે ગોરાએ કેટલુંક ‘લેશન’ વાચક માટે છોડ્યું છે. ‘અમૃતાનાં બે બુંદ’નું રસદર્શન ગમે તેવું છે. ચમત્કૃતી કહી ગોરા ગદ્યમાં પદ્ય કંડારે છે. અધ્ધરના આભમાં નિવસતા નાથ અદશ્ય છે, અગમ્ય છે પણ નભ ધરતીની છાતી પર નમ્યું છે એ નીલરંગી નભમાંથી ઝૂકીને જુએ છે, એ છે કાનજી. કાનજી એટલે કળાયેલ મોર. રૂપ, રંગ અને ટહૂકો બધાં જ દિલદાર. પાન ૯ પર ગોરા, ‘પ્રતીકો ક્યારેક પર્યાપ્ત હોતાં નથી.. એ તો માત્ર ઈંગિત કરે’ આ ઇશારા જે મર્મીને સમજાય એનું મર્મ વીંધાઈ જાય. ‘એની ચેતનામાં સાયુજ્ય સધાઈ જાય.’ સંભવ છે ગોરા આ અનુભુતી માણી ચૂક્યા છે. ‘ઘણ રે બોલે ને’માં કરુણા કરાહ ઊઠી છે. અહીં ‘આહ’ છે અને કલ્પકતાને ‘વાહ’ પણ છે. મનીષી આઇન્સ્ટાઇન જેવાએ આ મતલબનું કહ્યું : ‘એક પણ બાળ ભીની આંખોવાળો હોય ત્યાં લગણ જગતની તમામ સમૃદ્ધિ-સંશોધનો અધુરાં.’ ગોરાએ એની કંડીકા પર વારી જઈ સમર્થોને ઝકઝોર્યા છે. મેધાણીજીની કલ્પકતા આંબવી ક્ષીતીજને ચીરવા સમ છે. ગાંધીજીનું ‘નમ્રતાનો નિધિ’ કવી જગતનો પ્રવેશ પરવાનો ગાંધીને આપે છે. એમનું તો એક વાક્યીય કાવ્ય પણ છે. ‘ગાય કરુણાનું કાવ્ય છે.’ ઉમાશંકરજીનું આ ‘નમ્રતાનો નિધિ’નું ભાષાંતર પોતાનામાં જ પુર્ણ છે પરંતુ ગોરાએ રસદર્શનમાં ગાંધીજીની અખીલાઈ ચીત્રીત કરી છે એ અનુપમ છે. નરસીંહ, મીરાંની રચનાઓ વીષે શું કહેવું! કલાપીએ બે પંક્તીમાં આવું કહેલું :

હતો મહેતા હતી મીરાં, ખરાં ઇલ્મી ખરાં શૂરાં
અમારા કાફલામાં એ બે હતાં પૂરાં.

ખરા ઇમી, ખરા શુરાને માણવામાં, ઢગ મોતી વેયાં છે ગોરાએ. દયારામ, પુષ્ટીમાર્ગ, અનુગ્રહ, બ્રહ્મસંબંધ બધાંને આરપાર વીંધી, રસાળ થાળ લઈ આવે છે. દયારામની પ્રીતની રીત, જ્ઞાનયોગની પરંપરાને છાંડવાની ગોપીની આરત કેવી છે, એનું વર્ણન અદ્ભુત રીતે કરે છે. ગરબીમાં રાસમાં રમતા કરી કૃષ્ણઘેલા કરવામાં દયારામનો સીંહફાળો છે. ગોરાએ ક્યાંય કેન્દ્ર સ્થાપ્યું હોય, તો પ્રીતમાં. ગીતમાં, ગરબીમાં-તો અહીં જ એથીય અદકેરી એક પંક્તી, બધા વાદોને અળગા કરે છે..

છે અગમ પથ સ્નેહનો રે ઉદ્ધવજી! તમે નથી દીઠો
ત્યાં લગી જ્ઞાન ગાંઠે રે, જોગપણ લાગે મીઠો...
ગોપીએ વ્રજ ભાષામાં આવું જ સુણાવ્યું છે.
ઉધો મન નાહી દસ બીસ
એક હતો સો ગયો શ્યામ સંગ
કે આરાધે ઈશ?

હતું એક મન, દીધું શ્યામને, હવે જપ-તપ યોગ માટે બીજુ લાવું ક્યાંથી! ગોરાએ વલોવીને નવનીત તારવ્યું છે. નામ્મલવરની કવીતા સંપદા સમગ્ર ઉત્તરભારતની સંત પરંપરાનાં ચરણોમાં બેસાડે છે. પાન ૬૭ પર આભાસો વિરોધાભાસો મુકીને ગોરાએ ઈશ્વરની સર્વવ્યાપકતા પ્રતી આપણને ઝકઝોર્યા છે, બહુ મોટી દેણગી છે. ‘વિદાયવેળાએ’ તો આપણી સહસ્રતારી જીવનવીણા ઝંકૃત કરી દે છે. એનું રસદર્શન અનેરું છે. સ્વતઃ માણવા જેવું. વારે વારે વાંચવા જેવું. કાળજે કેદ કરવા જેવું. આ પુર્વે જ્ઞાનદેવ ચીંતનીકા છે. અનેક લોકો નીત્ય ભક્તીથી આનું પઠન પાઠન કરે છે. વીનોબાજી પોતે સ્વીકારે છે કે પોતે ‘દગડ’ જેવા. એમાંથી મીઠું ઝરણું નીકળ્યું હોય તો જ્ઞાનદેવને આભારી છે. પાન ૮૨ પર ઈશ્વર ક્યાં છે એનો ઉત્તર મમળાવવા જેવો. સ્વામી વિવેકાનંદે પ્રેરકવાણીમાં – પ્રવાહીત ભાષામાં આ જ અર્થનું કહ્યું છે. ‘ગીતાંજલિ!’ અંજલિમાં સાગર સમાવવાનું સામર્થ્ય ક્યાંથી લાવવું? ગોરાનું વાંચ્યા પછી મને સ્મર્યું તે ગીતાંજલિનું ૭૫મું ગીત. કવીન્દ્ર રવીન્દ્રજીએ એનો સધીયારો આપ્યો.

કવિ આપનાર ગાને જત કથા કહે
નાના જન લહે તાર નાના અર્થ ટાનિ
તોમા-પાને ધાય તાર શેષ અર્ધ ખાનિ

કવી કવીતામાં જે વાતો કરે છે, એનો અર્થ અનેક લોકો અનેક કરે છે, જુદો જુદો; પરંતુ એનો અંતિમ સાચો અર્થ તો ‘તારી તરફ’નો તને પામવાનો છે. ગોરાએ ગીતાંજલી માણીને આપણને એ રસ પામવા પ્રેર્યા છે. ગીતાંજલી સાથે મહાદેવીજીની ‘યામા’ જોવાય તો બ્રહ્માનંદ. ગોરા અને સીદ્ધાર્થ બેઉ ઉપન્યાસ કૃતીઓનું રસદર્શન, એકનું પાત્રો દ્વારા કરાવ્યું છે બીજુ સંક્ષેપ છે. કવીન્દ્ર રવીન્દ્ર જેવા જ આ જર્મન ચીંતક હતા. અંગ્રેજીમાં ઠીક ઠીક અનુદીત થયું છે. સાહીત્ય દુનીયાને ઘડનારાં પરીબળોમાં એક છે. કવીને હૃદય છે, ભાવ છે, સૌંદર્ય પ્રતી અનુરાગ છે. એ હવે પ્રગટ થાય છે પ્રવાસ વર્ણનમાં. પ્રવાસ વર્ણનો કમાલનાં છે. ધૃષ્ટતા કરું! તારવીને આ લખાણો અલગ કરી, બીજાં ભેળવી નવો પ્રવાસ ગ્રંથ રચવો જોઈએ. પ્રવાસ વર્ણનમાં ગોરા સાચે જ ‘બ્રહ્માનંદ’ છે, લગભગ સમાધીમાં. સવિશેષ નાયગ્રા, હીમાલય, મહાગુહા વખતે.

મને તો બીરદાવવા આ બે પંક્તી સ્મરે જયંત પાઠકની :
ચઢી ગયો તો પહાડ થયા ને ઢળી ગયો તો ખીણ;
વંકાયો તો વમળ થયાં ને હસી પડ્યો તો ફીણ!
શ્રી ચંદ્રકાન્ત શેઠ પણ મદદે આવે, આમ કવીને
ઊંડું જોયું અઢળક જોયું, મનમાં જોયું મબલખ જોયું
તળિયે જોયું તગ તગ જોયું, પલમાં જોયું અપલક જોયું.

સાવ, સાવ જ આ ત્રણના ‘દીદાર’ દાદ માગે છે. ગોરાના ગદ્યનું કાવ્ય પ્રવાસ વર્ણનોમાં ગુંજે છે, રણકાર કરે છે. મુક વીણા સ્વયં ઝંકૃત થઈ સુતેલા સૂર જગાડી-વગાડી દે છે. ચરીત્રો ટૂંકા ચોટદાર છે. પીતૃદર્શન, તારકદ્રાવક, ઉજલાસીંધને સલામું લાખેરી. મહારાજ, અન્નપુર્ણાને અનેકાનેક નમસ્કાર. પુ. પ્રાતઃસ્મરણીયા વિમલતાઈનાં ચરણોમાં નિત્ય નમસ્કાર પહોંચે છે. જીવન કેવું ઉર્ધ્વગામી, સમજાભીમુખ અને સત્વ-તત્વથી રસેલું, રમણીય હોઈ શકે એનું જીવંત!!! પેલા પ્રસંગો માર્મીક, એ વાંચીને હરીન્દ્ર દવેનું શ્રીકૃષ્ણ અને માનવીય સંબંધોનું પુનીત સ્મરણ કાવ્ય સ્રવે–દ્રવે છે. પુસ્તક વીરમે છે વાછરડું ભાંભરે એમ એ..એ..એ..થી, ઝરણું મહાનદમાં. આખાયે સંગ્રહમાં ઇબ્સનની નાટીકા ‘ઢીંગલીઘર’, ‘સ્પર્શ’, ‘રેવતી’ હલબલાવી નાખે છે. ઇબ્સનની બીજી કૃતીઓ પણ સુંદર છે. ‘સ્પર્શ’ તો બધા મહાવીદ્યાલયોના પ્રવેશદ્વારે જમણે અને અમરતાનું વસીયતનામું ડાબે એમ કોતરાવવા જેવાં છે. ઢીંગલી તો ઘર ઘરની વ્યથાની થા-ગાથા છે. આપણી સંસ્કારીતાની દરિદ્રતાની છડી પોકારનારી છે. જગતના ઝરુખે નારીની અવહેલના જ્યાંયે દર્શાશે ત્યાં પ્રલય, વીનાશ, સર્વનાશ છે. સમગ્ર રીતે, આ ૨૦૦ પાનાંનું પુસ્તક પોતે પોતામાં જ અવ્વલ છે, કેમ કે એના ગર્ભમાં વૈશ્વીક સાહીત્ય છે. ગોરાજીએ એમની આંગળીઓ પકડી આપણને અને સૌને ઈશ્વરના ઐશ્વર્યના ગર્ભગૃહે આણ્યા છે. ધન્યવાદું એ કરતાં વંદું. આ લખવા લીધું ત્યારે બે પડખે હતા, રવીન્દ્રજી + ખલીલજી. રવીન્દ્ર જાણે ટપારતા હતા.

એકલા આમિ બાહિર હોલેમ
તોમાર અભિસારે,
સાથે સાથે કે ચલે મોર,
નીરખ અંધકારે.

એકલો આ તને મળવા નીસર્યો પણ અંધારે કોઈ સાથે થઈ ગયું. કાવ્યમાં ‘હું’ ‘મારો’ સાથે થઈ જાય છે એમ આગળ કવ્યું છે! મારી સાથે કેવળ નીર્ભેળ આનંદ રહે એ પુરતો સાવધ રહ્યો. ખલીલ તો સાચું જ કહે છે ને!

Half of what I say is meaningless,
but I say it so that
the other half may reach you.

સાકેત
વડનગર

– વસંત પરીખ