ભૂંસાતાં ગ્રામચિત્રો/મને કેમ વીસરે રે! — જયન્ત પાઠક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મને કેમ વીસરે રે! — જયન્ત પાઠક


(વીસમી સદીની વેદના)

વિગતને સંભારવાની માણસની ઇચ્છા પાછળ શું રહેલું હશે? સ્મૃતિ અતીતને વર્તમાનમાં આણી શકે છે એ તો ખરું, પણ એથીય મોટી ને વિસ્મયકારક વાત તો એ છે કે ગત કાલને, સ્થલને, વસ્તુને, વ્યક્તિને, પ્રસંગને પુનઃ સંપડાવીને એ એને સુખદ અનુકૂલવેદનીય પણ કરી આપે છે. વ્યવહારજગતમાં જે અપ્રિય ને દુઃખદ તે કલામાં રમણીય ને આનંદદાયી થઈને આવે છે, રસરૂપને ભોગવાય છે એ તો આપણે જાણીએ છીએ ને એને કલાસર્જનનો ચમત્કાર કહીએ છીએ, પણ સંવેદનશીલ વ્યક્તિ પછી તે વિદગ્ધ હોય કે પ્રાકૃત, ભૂતકાળના સુખદુઃખના પ્રસંગોને, વિગતવસ્તુઓ-વ્યક્તિઓને સંભારતાં પેલું સુખ આપોપું જ અનુભવે છે. સર્જનમાં ઓછેવત્તે અંશે સ્મૃતિનું પ્રવર્તન હોય જ છે ને પેલા ચમત્કારના આનંદમાં એનો પણ હિસ્સો હશે એવું સમજાય છે. વ્યવહારમાં અતીતના સંસ્મરણરૂપ અનુભવમાં ને કલોદ્ભૂત અનુભવમાં ભેદ જોવા જઈએ તો માત્ર એટલો જ જડે કદાચ કે કલાનુભવ વધારે સ્થિર ને સ્થાયી સ્વરૂપનો હોય છે. જરા વધારે સ્પષ્ટતા કરીએ તો એમ કે કલાકૃતિનો આનંદલાભ સ્મૃતિગત અને કલાગત (Aesthetic) આનંદનું સમન્વિત પરિણામ છે. ભાઈ મણિલાલના આ નિબંધોને આ ભૂમિકા અને પરિપ્રેક્ષ્યમાં જોવાનું મને લાગે છે કે યોગ્ય ગણાય.

અગાઉની પેઢીઓની જેમ ભાઈ મણિલાલની પેઢીના કેટલાક સર્જકોને પણ બે સંસ્કૃતિઓમાં જીવવાનું પ્રાપ્ત થયું છે. આવા સાહિત્યકારોનાં મૂળિયાં ગ્રામસંસ્કૃતિની ભોંયમાં છે ને તેઓ ફૂલ્યાફાલ્યા છે નગરસંસ્કૃતિની હવામાં. એમણે નદી-કૂવાનાં પાણી પીધાં છે ને હવે તેઓ નળનાં પાણી પી રહ્યા છે. તેઓ સીમ-ખેતરમાં ભમ્યા-રમ્યા છે ને હવે શેરી-સડકોમાં ચાલી રહ્યા છે. પરિણામે એમનામાં ગ્રામજન અને નગરવાસી એકસાથે વસીશ્વસી રહ્યાં છે. પેલો ગઈ કાલનો ગ્રામજન જાણે આજકાલના નાગરિકને ડગલે ને પગલે પાછળ ખેંચવા કરતો હોય છે. પરિણામે સર્જકના ચિત્તમાં એક પ્રકારનો સંઘર્ષ રચાય છે, જેમાં એ ક્યારેક અતીત ભણી વધારે ખેંચાય છે. આવા ખેંચાણને આપણે સામાન્ય રીતે Nostalgia કહીને ઓળખીએ છીએ. સાહિત્યમાં આવા અતીતરાગના આલેખન વિશે એક વાત મનમાં રાખવા જેવી છે કે અતીતઝંખના તે અતીતને માત્ર સ્મૃતિમાં માણવાની ઝંખના રૂપે જ આસ્વાદ્ય બની રહે છે; એ માત્ર ભાવાત્મક, ચૈતસિક સંવેદના જ છે; એટલે અતીતને ગુમાવ્યાની વેદના પણ ભાવાત્મક સંવેદના જ વધારે તો છે. અતીતમાં સર્જક કદાપિ સ્થલમાં સ્થૂલ રીતે પાછો ફરી શકે છે, પણ કાલમાં તો નહીં જ. કાલનો પથ એકમાર્ગી છે. એમાં પાછું વાળીને જોવાય છે, પાછા વળીને જવાતું નથી. આ વાત સમજીએ તો અતીતસ્મૃતિ આલેખનકારને ભૂતકાળમાં જીવવા માગતો માણસ કહીને એને ટોણો મારવાનો અવસર રહેતો નથી.

ભાઈશ્રી મણિલાલ પટેલના આ નિબંધોમાં સામાન્યતઃ ગ્રામજીવનના અને વિશેષતઃ કૃષિજીવનના એમને ગમતા વ્યતીતનું વિષાદી નિરૂપણ થયું છે. ગામડાં આજે ઝડપથી બદલાઈ રહ્યાં છે. પણ પૂરેપૂરાં બદલાઈ ગયાં નથી. કૃષિવ્યાપારમાં ઘણા ફેરફારો થયા છે, પણ હજી ઘણું એવું ને એવું રહ્યું છે; હવે ગામડાંમાં ઘર-શેરી-પાદરનો અસબાબ ફરી ગયો છે. પણ સાવેસાવ ફરી ગયો નથી; અત્યારે ગામડાનો માણસ પોતાની વિશિષ્ટ ઓળખ ગુમાવતો જાય છે, પણ એની અસલિયત પૂરેપૂરી ખોવાઈ ગઈ નથી. પરિણામે આવાં નિરૂપણો વ્યક્તિનાં વિશિષ્ટ સંવેદનો બની રહે છે ને. એમાં વ્યક્તિગત વિષાદ-વ્યથા-ક્રન્દન સંભળાય છે. આ હકીકત જ આવા નિબંધોને અંગત નિબંધો(Personal Esseys)ની ઓળખ અપાવે છે ને એને આસ્વાદ્ય કરે છે. ભાઈ મણિલાલ ગઈ કાલના ગ્રામ-કૃષિજીવનથી અળગા પડી ગયા છે, એનું એમને ભારે દુઃખ છે, અજંપો ને ઝુરાપો છે. આ પરિસ્થિતિ એક અર્થમાં કવિ શેલીની પેલી પંક્તિઓમાં વ્યક્ત થતી વેદનાને જન્મ આપનારી બની છે. “We look before and after and pine for what is not.” અહીં લેખક ઘડી આગળ ને ઘડી પાછળ જુએ છે ને જે પાછળ રહી ગયું છે, કદી ફરી મળવાનું નથી તેના અભાવમાં ઝૂરે છે. યાદ રાખવાનું છે કે ગુમાવ્યાનું દુઃખ વર્તમાનના સંદર્ભમાં જ આવા તીવ્રોત્કટ રૂપમાં અનુભવી શકાય, અન્યથા નહીં.

ભાઈ મણિલાલના આ નિબંધોને જરા જુદી રીતે બે વિભાગમાં વહેંચી શકાય. એકમાં ગામડાનાં સ્થળનાં અને મોટે ભાગે કૃષિકર્મમાં પ્રવૃત્ત એવા લોકના વ્યવહારોનાં સીધા માહિતીરૂપ કથનવર્ણનોનો-લખાણોનો તો બીજામાં એ સ્થળો ને એ લોકવ્યવહારોને જાણનારની અંગત લાગણીઓના પાસવાળાં વર્ણનકથનોનો સમાવેશ કરી શકાય. લેખકને ગ્રામજીવનની ઘસાતી જતી રહેણીકરણી ને નામશેષ થતાં જતાં સ્થળોની જાતમાહિતી બલકે સરાગ અનુભૂતિ છે. નેળિયું, પાદર, પડસાળ, ખળું, શેઢો, ચોતરો જેવાં સ્થળવિશેષની એમની આ First hand માહિતી એમના નિબંધોને ઝીલી વિગતોથી ભરે છે ને એને દસ્તાવેજી મૂલ્ય સંપડાવે છે. આવાં કથનવર્ણનો એટલાં તો વિગતપ્રચુર, ચોકસાઈવાળાં, હૂબહૂ હોય છે કે ગઈ કાલનું ગામડું એને આધારે રચવું હોય તો રચી શકાય. કાલગ્રસ્ત થતી કેટલીક વસ્તુઓ સાથે ‘હાળોતરાં’, ‘તરફેણો’, ‘ચરો’, ‘મલોખાં’ જેવાં વસ્તુનામો પણ પુનર્જીવન પામે છે. ભાઈ મણિલાલ જેવા સારા ગદ્યકાર છે તેવા અચ્છા કવિ પણ છે; એટલે એમને કેટલીક વાર સરસ અલંકારો પણ સૂઝે છે. ‘છેંકણી જેવી આંખો’, ‘નવી વહુવારુની આંગળીઓ જેવી તરફેણો’, ‘સમયનો પહેરેગીર બ્લૅક કમાન્ડોની જેમ ઘેરીને ઊભો છે’ જેવા પ્રયોગોની તાજગી, ઔચિત્ય ને મૌલિકતા નોંધપાત્ર છે.

કૃષિજીવન સાથે ઓતપ્રોત એવા લેખકને એ ક્ષેત્રની ઝીણી જાણકારી હોય એ તો સમજાય એવું છે, પણ એમાં ખાસ નોંધપાત્ર ને આસ્વાદ્ય વસ્તુ તો એ છે કે આવી ઓતપ્રોતતાને લીધે પ્રગટતી એમની આત્મીયતા, સંડોવણી, નિસબત એમને સર્જનની પ્રેરણા આપે છે ને એમની પાસે કલાકૃતિ પ્રગટાવે છે. એમની સર્જકતા પુરાણી, નષ્ટપ્રાય જીવનવ્યવસ્થામાં ને જીવનવ્યવહારોમાં પ્રાણ પૂરે છે. આમાં જેમ એમની સાચકલી લાગણી તેમ એમની તળપદી ભાષા એમને સારું કામ આપે છે. એમને માટે આ ગઈ કાલ માત્ર ગઈ કાલ નથી, સાંપ્રત સંવેદનાનો પાસ પામેલી આજ પણ છે. ‘ખળું’ યાદ કરતા હોય તો ભાઈ મણિલાલ ખળાને પ્રત્યક્ષ કરી આપે, પરાળનાં કૂંધવાં, ઉપણિયાં, માપિયા ટોપલા ને કોઠીનાં તાદૃશ ચિત્રો આવે એટલું જ નહીં પણ એ બધાના અભાવમાંથી પ્રગટતી વેદનાનો અહેસાસ પણ કરાવે. ઘર હોય, ઘરની પડસાળ હોય કે ફળિયું હોય, લેખક એનું વિગતસભર વર્ણન કરે છે તે સાથે એ બધાની ખોટનો ઝુરાપો પણ વ્યક્ત કરે છે જે સહૃદયને સ્પર્શી જાય છે ને અંગત વિષાદ-વેદનાને બિનંગત, સર્વસંવેદ્ય કરે છે. જે ઘરના ખૂણેખૂણામાં પોતે ફરી વળ્યા છે, જેનાથી પોતે રજેરજ માહિતગાર છે એવા ઘરના વિયોગની ખોટ વેંઢારતાં લેખક વ્યથાની વાણીમાં, ‘અમારાં મીઠાં તે રુદનમય છે ગીત સઘળાં’ની રીતે બોલે છે ત્યારે આપણને એમાં દબાયેલાં ડૂસકાં સંભળાય છે. ‘ઘર’ નિબંધને અંતે ભાઈ મણિલાલ લખે છે : ‘ઢળતી સાંજે માઈલો દૂરથી જોઉં છું મારું ઘર — સ્મૃતિના પ્રદેશમાં! ત્યાં તો માત્ર ખંડેરો રહ્યાં છે — ઊંટોની ખાંધો જેવાં… બાણુંમાં ઘર છોડ્યું પછી એ નથી રહ્યું. હવે એનાં ખંધેડિયાં જોવાની હિંમત નથી એટલે નથી જતો વતનમાં. જયંત પાઠકે ‘વનાંચલ’ને છેડે લખેલી પંક્તિઓ — ભીની આંખે ને આર્દ્ર સ્વરે બોલું છું : ‘અહીં હું જન્મ્યા’તો વનની વચમાં તે વન નથી/નથી એ માટીનું ઘર, નિજલહ્યાં તે જન નથી/અજાણ્યાં તાકી ર્‌હે વદન મુજને સૌ સદનમાં;/વળું પાછો મારે વનઘર હું મારા જ મનમાં! ‘ફળિયું’માં અતીત સાથે વર્તમાનને વિરોધાવતાં સહજ રીતે જ એમનાથી ઊનો ઊનો નિઃશ્વાસ મુકાઈ જાય છે. “ભમરડાઓ ગયા, હવે તો ક્રિકેટ રોગની જેમ ફેલાઈ ગઈ છે… ભલું હશે તો રાતાં નળિયાળાં છાપરાંને માથેય એન્ટેના લાગી ગયાં હશે…” આ ફળિયું હજી મારામાં જીવે છે. હકીકતે તો હું એ ફળિયામાં જીવવા તલખું છું, વારે વારે વલખું છું… પણ હવે ગામ ડેમને લીધે ઊઠવા માંડ્યું છે, ફળિયું તૂટવા માંડ્યું છે.” ‘ઘર’ અને ‘ફળિયું’માં લેખક પોતાના શૈશવના અનાગસ દિવસોને સંભારે છે તો ‘પડસાળ’માં પડસાળ નિમિત્તે નષ્ટ થતી જતી એક આખી સંસ્કૃતિ ઉપર આંસુ સારે છે  : “એ પડસાળથી આજે વેગળા પડી ગયાનો વસવસો છે…–ધીમે ધીમે ગામઘરો પડસાળો વગરનાં થતાં જાય છે…” એક આખી પડસાળ સંસ્કૃતિ અલોપ થઈ જવા બેઠી છે.’ લેખકના આવા ઉદ્ગારોમાં માત્ર વિગતનો ઝુરાપો જ નથી. વિગતને ઝાલી-જાળવી રાખવાની વાસના પણ પ્રગટ થાય છે, આવા ઝુરાપાને, આવી ઇચ્છાને કોઈ ચુસ્ત બુદ્ધિવાદી મિથ્યા પ્રલાપ કહે તો કહી શકે, પણ તેથી મનુષ્યચિત્તમાં વસી ગયેલા એક જગતના વાસ્તવની અવગણના તો નહીં જ થઈ શકે, જીવનના સાતત્યમાં જે વ્યતીત બની ચૂક્યું છે તેના પ્રતિની મનુષ્યની સભાનતા ને રાગનો નિષેધ તો નહીં જ થઈ શકે. વળી એક બીજી રીતે પણ આવાં સંવેદનોનું મૂલ્ય ને મહત્ત્વ આંકી શકાય એમ છે. અતીત વર્તમાનથી સાવ કપાયેલો નથી હોતો; મનુષ્યજીવન એક સતત ને સળંગ વિકાસયાત્રા છે; એમાં એ અતીતના અંશો પણ સાથે લઈને ચાલે છે. કહો કે એ અંશો જિવાતા જીવનનું જ એક રસાયણદ્રવ્ય છે. આ દૃષ્ટિએ જોઈએ તો આવું કલાસર્જન ગ્રામસંસ્કૃતિ, કૃષિસંસ્કૃતિ, જાનપદી હવામાનને આજની યંત્રોદ્યોગ-પરાયણ સંસ્કૃતિની પડછે મૂકી આપીને સંવેદનશીલ વ્યક્તિને એક પ્રકારનું સંતુલન, સમાધાન પણ પૂરું પાડે છે. આવું એનું સામાજિક મૂલ્ય સ્વીકારીએ તો આવા નિબંધો માત્ર રસદાયક જ નહીં, જીવનમૂલ્ય- પોષક પણ જણાશે.

ગ્રામજીવન અને કૃષિજીવનને પ્રકૃતિ સાથે નાળસંબંધ છે. એ જીવનવ્યવસ્થામાં ને જીવનવ્યવહારમાં માણસ અને પ્રકૃતિનું સહઅસ્તિત્વ મૈત્રીપૂર્ણ, સખ્યસમ હતું. યંત્રોદ્યોગકાળમાં માણસ અને પ્રકૃતિ વચ્ચેનો આ મૈત્રીસંબંધ તૂટ્યો ને માણસે પ્રકૃતિને નાથવાનો, તેને દાસી કરવાનો ઉદ્યમ આદર્યો. ભાઈ મણિલાલે આ સંબંધ તૂટ્યાની વેદના અનુભવી છે ને આ નિબંધોમાં રજૂ કરી છે. ફળિયા વચ્ચે વૃક્ષ હોય તેની દેવની જેમ પૂજા થાય; સીમ-ખેતરના દેવદેવતાની લોકમાં આણ પ્રવર્તે, નદી-તળાવના આરેઓવારે આખા ગામનાં સુખદુઃખ ભેળાં થાય; ગામચોતરે ને પાદરપાળિયે સમૂહ-મહેફિલો મંડાય ને સહજ રીતે પરસ્પર સમાન ભાવ અનુભવાય. આ આખી જીવનરીતિ બદલાતાં પ્રકૃતિવિમુખતા ને વિષમતા આવી જેમણે સંવેદનશીલ વ્યક્તિમાં ગત જીવનની પ્રકૃતિસખ્યની ઝંખનાને જાગ્રત કરી. આ ઝંખના ભાઈ મણિલાલને હાથે ‘પહેલો વરસાદ’, ‘વૈશાખ’, ‘સીમ-સીમાડો સાદ પાડતાં’, ‘સ્વજન-તરુવરો’ ને ‘પતંગિયાં રમાડતી કેડીઓ’ જેવા નિબંધો લખાવે છે. પાદરનાં ને પાસેનાં વડ, મહુડો, શીમળો, કણજી, બાવળ આદિ સાથેના પોતાના લીલાછમ સંબંધો સંભારતાં તેઓ એમની ભ્રષ્ટ થયેલી વનસ્પતિનો પુનઃ સંયોગ ઝંખે છે. વૃક્ષોમાં અનલંકૃત વર્ણનો પણ અહીં લેખકના એમની સાથેના ગાઢ સ્નેહસંબંધે કરીને એક નિર્મળ શોભા ધારણ કરે છે. મનુષ્ય અને પ્રકૃતિના એ સહિયારા જીવનપ્રવર્તનની સુષમાના અનુરાગી લેખક થયેલા વિચ્છેદને વ્યથાની વાણીમાં પ્રગટ કરે છે ને વાછરું જેમ એની માતા પાસે જવા તલસે એવો તલસાટ વ્યક્ત કરે છે : “પેલાં વ્હાલાં ને ખોળે રમેલાં એ સ્વજનો — તરુસ્વજનો હવે નથી રહ્યાં… એની છાયા વિના જીવતરના આ આકરા ઉત્તાપ કદી શમવાના નથી. અરે, આજે તો આ સ્મરણો પણ એ તરુજનોનો છાંયડો ઝંખે છે એમનેય થાક લાગ્યો છે.” (સ્વજન-તરુવરો)

ભાઈ મણિલાલ મહી-પાનમ કાંઠાના માણસ, ખેડૂતના દીકરા. આપણા વિવિધવર્ણી, વિવિધવ્યવસાયી સમાજમાં પ્રજાસમૂહોને પોતપોતાની જીવનરીતિ છે. એમના વટવહેવાર જુદા, દેવદેવતાઓ જુદા, રહેણીકરણી જુદી, બોલવા-વિચારવાની લઢણો જુદી. લેખકે એમના કેટલાક નિબંધોમાં આ વૈવિધ્યની થોડી વાનગી પીરસી છે — મોઢામાં સવાદ રહી જાય એવી. ‘બરોબરીનાં રૈયે’, ‘ઘર માથે મોત’, ‘લગ્નગીતો અને ફટાણાં’, ‘મેળો’, ‘ફુલેકું’ જેવા નિબંધો સમાજના વિશિષ્ટ વર્ગની તરેહ તરેહની જીવનપ્રકૃતિોનો હેવાલ આપી તેનામાં રહેલા સૌન્દર્યતત્ત્વને સ્ફુટ કરી આપે છે. ‘બરોબરીનાં રૈયે’ ને ‘લગ્નગીતો અને ફટાણાં’ સામાજિક-ધાર્મિક વિધિવિધાનો ને તેમાં નિહિત આનંદોલ્લાસનો અચ્છો ચિતાર આપે છે. નાગરતા ને સંસ્કારિતાના આપણા નવા ખ્યાલોએ આપણાં તળપદાં ગીતોનાં મુક્ત ઉલ્લાસ ને રંગવૈવિધ્ય ઝાંખાં કરી નાખ્યાં છે એ હકીકત ઉપર અફસોસ વ્યક્ત કરી લેખક એમને સાચવી રાખવાની હિમાયત કરે છે. ત્યારે સૂરમાં સૂર પુરાવી આપણે પણ કહીએ કે એ સહજ આનંદ ને સ્વ-છંદ ઉપર સુધરેલા કહેવાતા જીવનની કૃતકતાનો કૃત્રિમતાનો ઓછાયો ન પડો. ‘મેળો’માં લેખકે પોતાને સામેલ કરીને મેળાના દૃઢ ને સર્વસાધારણ વર્ણનને આત્મલક્ષિતાથી વિશિષ્ટ કર્યું છે. એનો આરંભ જ કવિતાના કલરવથી થાય છે. “શ્રાવણનાં વાદળાં માથે ઝળૂંબતાં હોય, ઉતાવળી વાદળીઓ વળી ફરફર વેરતી, સરવડાં વરસાવતી સામેના ડુંગરો પરથી ઊતરી આવીને પેલીપાના ડુંગરો ચઢી જવા દોડતી હોય, વાદળીઓ વચાળે સંતાકૂકડી રમતો સૂરજ લીલછાઈ કૂણી સીમમાં તડકી-છાંયડીની ગતિમય ભાત રચતો હોય ત્યારે શેઢાનાં ઘાસ વચાળેથી જતી સેંથી જેવી કેડીઓ ઉપર મેળામાં જતી ગ્રામકન્યાઓના ઉત્સાહઘેલા પગ છમ છમ ઝાંઝરી ખખડાવતા ચાલતા હોય.” ‘ઘર માથે મોત’ થોડો બધાથી જુદો પડતો નિબંધ છે. એમાં આલેખેલા પ્રસંગમાં વહેમ ને અંધશ્રદ્ધાની વાત તો આવે છે, પણ તે ગૌણભાવે, એમાં અંધશ્રદ્ધાના અનિષ્ટના નિવારણની હિમાયત નથી, બીમાર સ્વજનની વ્યથાના એક લાચાર સાક્ષીની કેફિયત છે. ગ્રામજીવન-વ્યવસ્થામાં સચવાઈ રહેલા સંબંધો ને લાગણીઓની એ કરુણ કથા છે. ‘ભૂતના વારસદારો’માં ભૂતપ્રેતની દુનિયાના તાદૃશ ચિતાર સાથે ગ્રામમાનસમાં વહેમો અંગે આવેલા પરિવર્તનની પણ નોંધ લેવાઈ છે. ‘અવે તો ગામમાં વીજરીય આઈ જઈ સે. પણ અજીય કૂવો, પાદર, વડ, તળાવ ને નદીનો ઢાળ તો સે જ. ભૂવાય બધા તો મટી જ્યા નથી, ને દોરાધાગાય થાય સે… પણ ભૂવાં અવે ઝાઝાં અડફેટે ચઢતાં જ નઈ… એય ક્યાંક પલક વાર ઊતરી પડ્યાં અશે? કે પસે અવે મરનારા બધા અવગતે નઈ જતાં ઓય? રાંમ જાણે!’

ભાઈ મણિલાલ આપણા નવનિબંધકારોમાંના મોખરાના નિબંધકાર છે. એમણે આ પહેલાં પણ નિબંધસંગ્રહો પ્રગટ કર્યા છે ને તે સારી રીતે આવકારાયા પણ છે. આલેખનનો એમનો ખાસ ઇલાકો તે ગ્રામજીવન, કૃષિજીવન ને પ્રકૃતિલીલા. એમાં એમની સિદ્ધિ નોંધપાત્ર છે. આ સિદ્ધિ માટે ધન્યવાદ આપતાં એમને એકબે બાબતો અંગે સાવધાન રહેવાનું કહેવાનું પણ મન થાય છે. સમાન વસ્તુવિષય વિશે એક ચોક્કસ મિજાજમાં જ કલાકૃતિ રચવાની હોય ત્યારે જાગ્રત કલાકારે નિરૂપણરીતિ ને અભિવ્યક્તિતરેહમાં વિવિધતા સાધવાના નુસખા અજમાવવા જોઈએ, અન્યથા એકસાથે એ બધી રચનાઓ વાંચતાં વાચકને એમાં કથન-વર્ણનની એકવિધતાનો અનુભવ થાય. વળી એક બીજી વાત પરત્વે પણ હું એમનું ધ્યાન ખેંચું, અહીં કેટલીક વાર એક વિષયના નિરૂપણમાં બીજા વિષયનો પ્રવેશ થઈ જાય છે ને એમ પુનરાવર્તનનો દોષ થાય છે. ‘નેળિયું’ સ્વતંત્ર લેખ ઉપરાંત ઘરગામ વિશેના લેખમાં પણ એની એ જ રીતે ડોકાય છે તો પાદરનાં વર્ણનોમાં ખળું, ઝાંયણી પણ ફરી ઉલ્લેખાય છે. આ બધું સહેલાઈથી ટાળી શકાય એવું છે એટલે એને બહુ મહત્ત્વ આપવાનું ન હોય.

ભાઈ મણિલાલના આ નિબંધો એમના ગ્રામ-કૃષિ-વન્ય જીવનના રસના અને એમની નિબંધકલાના સાચા પરિચાયક બની રહે છે. એમાં ते हि नो दिवसा गताःનો વિષાદ છે તો तस्मिन्नेव प्रदेशे, तस्मिन्नेव काले वर्तेનો વિસ્મયાનંદ પણ અનુભવાય છે. ધન્યવાદ…


— જયન્ત પાઠક


દિવાળી ૨૦૫૫ ૭-૧૧-૧૯૯૯