મંગલમ્/ગીત ગગનનાં ગાશું

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગીત ગગનનાં ગાશું



ગીત ગગનનાં ગાશું

અમે ગીત ગગનનાં ગાશું
રે! અમે ગીત મગનમાં ગાશું
કલકલ કૂજન સૂણી પૂછશો તમે
અરે છે આ શું? — અમે…

સૂર્ય-ચંદ્રને દિયો હોલવી, ઠારો નવલખ તારા
હથેળી આડી રાખી રોકો, વરસંતી જલધારા
અમે સૂર સરિતમાં ન્હાશું. — અમે…

જુઓ રાત-દિન વિહંગ કોડે કર્યા કરે કલશોર
સાંજ સવારે કોકિલ બુલબુલ,
મોડી રાતે મોર હા…
જંપ્યા વિણ ગાયે જાશું. — અમે…

પંખી માત્રને મુનિવ્રત આપો, ચૂપ કરી દો ઝરણાં
પૂરો બેડીમાં હૃદય હૃદય પર
નર્તન્તાં પ્રભુચરણા હા…
ઉર મૂકી મોકળાં ગાશું. — અમે…

પ્રચંડ જનકોલાહલ વીંધી ઝમે બ્રહ્મરવ ઝીણા
જંપી જાય જગ ત્યારે ગાજે,
તિમિરની અનહદ વીણા હા…
એ રહસ્ય સ્વર કૈં લ્હાશું. — અમે…

બાળક હાલરડાં માગે ને યૌવન રસભર પ્યાલા
પ્રૌઢ ભજન ભણકાર ચહે એ, આપે કોઈ મતવાલા
અમે દિલ દિલને કંઈ પાશું. — અમે…

— ઉમાશંકર જોષી