મંગલમ્/ચાલ્યા પૈદલ વિનોબા
Jump to navigation
Jump to search
ચાલ્યા પૈદલ વિનોબા
ચાલ્યા પૈદલ વિનોબા ગામ ગામડે રે;
એને બાપુના મંત્ર બધા આવડે રે…ચાલ્યા૦
પહેલાં આવી વસ્યા’તા સાબર કાંઠડે રે;
ત્યાંથી નાલવાડી, ત્યાંથી પરમ ધામડે રે…ચાલ્યા૦
ગીતા ગાય ને ખેતી કરે છે પાવડે રે;
મુખે વેદમંત્ર કૂવો ખોદે બાવડે રે…ચાલ્યા૦
એ તો અંતરથી આર્તનાદ સાંભળે રે;
ધામ છોડ, સંત આવ અમ ગામડે રે…ચાલ્યા૦
અમે ભૂમિના જીવ, ભૂમિ ના મળે રે;
અમે કામનાં ભૂખ્યાં ને કામ ના મળે રે…ચાલ્યા૦
એણે તાણ્યો કાચા તે સૂતર તાંતણે રે,
એણે ભેખ લીધો ભૂમિહીન કારણે રે…ચાલ્યા૦
ફરે ગામ ગામ, ફરે બાર-બારણે રે,
ટહેલ નાખે દરિદ્ર-હરિ કારણે રે…ચાલ્યા૦
એનો પ્રેમ જોઈ પ્રેમ જગે પાંગરે રે;
એનું જ્ઞાન જોઈ જ્ઞાનગંગા ઊતરે રે…ચાલ્યા૦
એના પગમાં ભૂમિનાં દાન પાથરે રે;
થયો આનંદ આનંદ ગામ ગામડે રે…ચાલ્યા૦
— બબલભાઈ મહેતા