મંગલમ્/મોસમ આવી
Jump to navigation
Jump to search
મોસમ આવી
સોનાવરણી સીમ બની, મેહુલિયે કીધી મહેર રે,
ભાઈ! મોસમ આવી મહેનતની (૨)
નદીયુંનાં જલ નીતર્યાં, લોકોમાં લીલાલ્હેર રે,
ભાઈ! મોસમ આવી મહેનતની (૨)
લીલો કંચન બાજરો ને ઊજળો દૂધ કપાસ રે,
જુવાર લોથે લૂમેઝૂમે ને હૈયામાં ઉલ્લાસ રે,
ભાઈ! મોસમ આવી મહેનતની (૨)
ઊંચે ઊજળા આભમાં કુંજડીના કિલ્લોલ રે,
વાતા મીઠા વાયરા ને લેતા મોલ હિલ્લોલ રે,
ભાઈ! મોસમ આવી મહેનતની (૨)
લીંપી ગૂંપી ખળાં કરો ને ઢગલે ઢગલા ધાન રે,
રળનાર તો માનવી ને દેનારો ભગવાન રે.
ભાઈ! મોસમ આવી મહેનતની (૨)
— નાથાલાલ દવે