મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કાદંબરી કડવું ૧
રમણ સોની
શ્રી ગુરુ ગણપતિ બ્રહ્મસુતાનિ પ્રથમિ કરૂં પ્રણામ,
વિઘન-રહિત જેણિ ગૂઢ ગ્રંથનૂં પૂરણ થાઈ કામ. ૧
ભોજરાયનિ ભુવનિ મહાકવિ પ્રસિદ્ધ પંડિત બાણ,
કાદંબરી-કથા કરિ ઉત્તમ, પ્રીછિ જે અતિજાણ. ૨
અને ઉપમા, કઠિણ, સંસ્કૃત ગદ્ય, પદ્ય કયહીંએક,
સાહિત્ય સકલ તણી ચાતુરી તેહ-માંહાં રચી વિવેક. ૩
અતિ પંડિત હુઈ તે પ્રીછી; તેહનું નહીં ઉપાય,
મુગધ રસિક સાંભલવા ઈછિ, પણિ પ્રીછી નવિ જાય. ૪
તેહ્નિ પ્રીછવા કારણિ કીધો ભાલણિ ભાખાબંધ;
સકલ ઉપમા કહી ન જાઈ, કિંચિત કથા-સમંધ. ૫
રજોગુણિ શરજિ નિ પાલિ સત્ત્વવૃત્તિ સંસાર,
પ્રેમિ પ્રણમૂં તે અજનિ, જે તમિ કરિ સંહાર. ૬
વાછયાયન-કુલિ કુબેર નામિ વિપ્ર હૌઔ માહા મુંનિ;
વિપ્રવંદિત યેહનાં પદપંકજ સ્પર્શ કરિ પાવનં. ૭
પુરોડાશ પાવન મુખ યેહનૂં, સોમે કરી સુવાસ,
શ્રુતિ શાંતિ કલ્મષ જોઈ કીધું સરસ્વતી સુવાસ. ૮
મંદિરિ જેહનિ શુક સારિકા ભણિ યજૂ રિચ સામ,
બટુક બાલ શંકિત તે સાથિ ગાઈ ગ્રહીનિ ગ્રામ. ૯
ઉદધિથી જયમ ઈંદુ ઊપનુ, વિનતાથી દ્વિજરાજ,
તિમ તેથી સુત અર્થપતિ એક પ્રગટ હૌઉ શુભકાજ. ૧૦
અનેક યજ્ઞ કરયા શુભ તેણિ યૂપયુક્ત (સુ) વિધાન;
ચિત્રભાનુ સુત (તેહનુ) સુંદર, શ્રુતિ શાસ્રનૂં જ્ઞાન. ૧૧
મખ માંડી કીધા બહુ તેણિ, જયશ જગિ હવૂં વખાણ,
કુલભૂષણ કૂંઅર બહુ તેણિ, (તેહનુ) બુદ્ધિસાગર તે બાણ ૧૨
તેણિ એહ કથા કવિ બાંધી રસિક રંજવા રીતિ,
ચંપકમાલાની પરિ કુહુને મનનિ ન કરિ પ્રીતિ? ૧૩