મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૧૫)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૧૫)

દયારામ

લોચનમનનો રે! કે ઝઘડો લોચનમનનો!
રસિયા તે જનનો રે! કે ઝઘડો લોચનમનનો!
પ્રીત પ્રથમ કોણે કરી નંદકુંવરની સાથે?
મને કહે, ‘લોચન! તેં કરી,’ લોચન કહે, ‘તારે હાથ.’          ઝઘડો

‘નટવર નિરખ્યા નેન! તેં, સુખ આવ્યું તુજ ભાગ;
પછી બંધાવ્યું મુજને, લગન લગાડી આગ!          ઝઘડો

સૂણ ચક્ષુ! હું પાંગળું, તું મારું વાહન;’
નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મન.          ઝઘડો

‘ભલું કરાવ્યું મેં તને — સુંદરવરસંજોગ.
મને તજી તું નિત મળે, હું રહું દુ:ખવિજોગ!’          ઝઘડો

‘વનમાં વ્હાલાજી કને હુંય વસું છું નેન!
પણ તુંને નવ મેળવે, હું નવ ભોગવું ચેન!’          ઝઘડો

‘ચેન નથી મન! ક્યમ તને ભેટે શ્યામશરીર?
દુ:ખ મારું જાણે જગત, રાતદિવસ વહે નીર!’          ઝઘડો

મન કહે, ‘ધીખું ક્દે, ધુમ પ્રગટ ત્યાં હોય.
તે તુજને લાગે રે નેન! તેહથકી તું રોય.’          ઝઘડો
એ બેઉ આવ્યાં બુદ્ધિ કને, તેણે ચૂકવ્યો ન્યાય:
‘મન! લોચનનો પ્રાણ તું, લોચન! તું મનકાય.          ઝઘડો

સુખથી સુખ, દુ:ખ દુ:ખથી, મનલોચન! એ રીત.
દયાપ્રીતમ શ્રીકૃષ્ણશું બેઉ વડેથી પ્રીત.’          ઝઘડો