મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૨૪)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૨૪)

દયારામ

મનજી! મુસાફર રે! ચાલો નિજ દેશ ભણી!
મુલક ઘણા જોયા રે! મુસાફરી થઈ છે ઘણી!

સ્વપુર જવાનો પંથ આવ્યો છે. રખે ભૂલતા ભાઈ!
ફરીને મારગ મળવો છે નહીં, એવી તો છે અવળાઈ,
સમઝીને ચાલો સૂધા રે! ના જાશો ડાબા કે જમણી.          મનજી!

વચ્ચે ફાંસીઆ વાટ મારવાને બેઠા છે બેચાર,
માટે વળાવા રાખો બેત્રણેક ત્યારે તેનો નહીં ભાર,
મળ્યો છે એક ભેદુ રે! બતાવી ગતિ સહુ તે તણી.          મનજી!

માલ વહોરો તો વહોરો શેઠનાનામનો, થાય ના ક્યહું અટકાવ,
આપણો કરતાં જોખમ આવે ને ફાવે દાણીનો દાવ,
એટલા સારુ જો! ના થાવું વહોરતના ધણી.          મનજી!

જોજો, જગતથકી જાવું છે, કરજો સંભાળીને કામ,
દાસ દયાને એમ ગમે છે–હાવાં જઈએ પોતાને ધામ,
સૂઝે છે હાવાં એવું રે! અવધ થઈ છે આપણી!          મનજી!