મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૩૮)
દયારામ
એક વર્યો ગોપીનજવલ્લભ, નહિ સ્વામી બીજો,
નહીં સ્વામી બીજો રે, મારે નહીં સ્વામી બીજો.
અવર કોઈનું કામ ન મારે, રીઝો કે ખીજો!
કૃષ્ણ કરે તે પ્રમાણ, કારજ વણસો કે સીજો!
પાણ જાય પણ અન્ય કૃાતમાં મન રખે ભીંજો. એક.
સુખીદુ:ખી જેમ ગમે તેમ રાખે, એના ગુણ ગાઉં,
વિનામૂલનો ઘરનો ગુલામ વેચે ત્યાં વેચાઉં,
એ જ ગમ્યો, એથી મન માન્યું, બીજો નવ ચાહું,
એના અતિ અવતાર, હું કોઈનો દાસ ન કહેવાઉં. એક.
કૃષ્ણવિના શિર અવર નમે તો છેદનનો દંડ,
નંદકુવરવણ નામ જપે તો જીહ્વા કરું શતખંડ,
અવર દેવની આશ કર્યે અઘ ભજે, વળી બ્રહ્માંડ
અન્ય અમરદર્શને દોડે પગ તો પાડું પિંડ. એક.
હું ચાતક, જળ સ્વાતિશ્રીજી, હું જખ, હરિ વારિ,
હું હારીલ, કાઠી હરિ, દૃઢવત ધારી તે ધારી,
અનન્ય પતિવ્રત જેને નહીં તે કહીએ વ્યભિચારી,
શ્રીગુરુદેવ! નભાવજો, કહે દયો, સદા ટેક મારી. એક.