મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૯)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૨૯)

નરસિંહ મહેતા

સફલ રજની હવી આજની અભિનવી, પલંગ બેસારી વાહાલે હાસ કીધું,
કર દર્પણ ધરી વદન અવિલોકતાં પ્રેમનું ચુંબન ગાલિ દીધું.

કુસુમચા હાર તે કંઠ ભૂષણ ધરી, ભુજ ભીડી ભૂધરે હૃદયા સાથે.
સુરતસંગ્રામમાં સુભટ સાથે ભડી, જીત્યો યદુનાથ કર બેહુ બાથે.

મદનના સેન-શું માન ઘણું, જૂધ જીત્યું રણ હાથ આવ્યું,
ચૌદ ભુવન તણો નાથ મેં વશ કર્યો, અજિત જીત્યા તણું બિરદ કાહાવ્યું.

જ્યમ ગજયુવતી માતંગ મદગલિતા, સુંદરીસેજ હરિસિંહ આવ્યો,
નારસિંયાચો સ્વામી સુભટ સુરાસુર [સરાસર?], કેસરી કાન સાહી નચાવ્યો