મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૧૯)
Jump to navigation
Jump to search
પદ (૧૯)
મારો ગરબો
મારો ગરબો રે રમે રાજને દરબાર
રમતો ભમતો રે ગ્યો છે કુંભારીને બાર;
અલી કુંભારીની નાર!
તું તો સૂતી હોય તો જાગ!
મારે ગરબે રે રૂડાં કોડિયાં મેલાવ!
મારો ગરબો રમે રાજને દરબાર,
રમતો ભમતો રે ગ્યો છે સોનીડાને બાર;
અલી સોનીડાની નાર!
તું તો સૂતી હોય તો જાગ!
મારે ગરબે રે રૂડાં જાળિયાં મેલાવ!
મારો ગરબો રે રમે રાજને દરબાર,
રમતો ભમતો રે ગ્યો છે ઘાંચીડાને બાર,
અલી ઘાંચીડાની નાર!
તું તો સૂતી હોય તો જાગ!
મારે ગરબે રે રૂડાં દિવેલ પુરાવ,
મારો ગરબો રે રમે રાજને દરબાર.