મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૨૧)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ (૨૧)

માનેતીની આંખ
મેંદી તે વાવી માળવે,
એનો રંગ ગિયો ગુજરાત
મેંદી રંગ લાગ્યો રે.

નાનો દેરીડો લાડકો ને
કાંઈ લાવ્યો મેંદીનો છોડ. –મેંદી રંગ લાગ્યો રે.
વાટી ઘૂંટીને ભર્યા વાટકા,
ભાભી, રંગો તમારા હાથ. –મેંદી રંગ લાગ્યો રે.

હાથ રંગીને, દેરી, શું રે કરું,
એનો જોનારો પરદેશ. –મેંદી રંગ લાગ્યો રે.

લાખ ટકા આલું રોકડા,
કોઈ જાવ જો દરિયાપાર. ઠ્ઠ–મેંદી રંગ લાગ્યો રે.

શોક્યના સાયબાને જઈ એટલું કે’જો
તારી બેની પરણે, ઘરે આવ્ય. –મેંદી રંગ લાગ્યો રે.

બેની પરણે તો ભલે પરણે,
એની ઝાઝા દી રોકજો જાન. –મેંદી રંગ લાગ્યો રે.

શોક્યના સાયબાને જઈ એટલું કે’જો
તારો વીરો પરણે ઘરે આવ્ય. –મેંદી રંગ લાગ્યો રે.

વીરો પરણે તો ભલે પરણે,
એની જોડેરી જોડજો જાન. –મેંદી રંગ લાગ્યો રે.

શોક્યના સાયબાને જઈ એટલું કે’જો
તારી માડી મરે ઘરે આવ્ય. –મેંદી રંગ લાગ્યો રે.

માડી મરે તો ભલે મરે,
એને બાળજો બોરડી હેઠ. –મેંદી રંગ લાગ્યો રે.
શોક્યના સાયબાને જઈ એટલું કે’જો
તારી માનેતીની ઊઠી આંખ. –મેંદી રંગ લાગ્યો રે.

હાલો સિપાઈઓ, હાલો ભાઈબંધીઓ
હવે હલકે બાંધો હથિયાર. –મેંદી રંગ લાગ્યો રે.