મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૦૩.રણછોડજી દિવાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦૩.રણછોડજી દિવાન

રણછોડજી દિવાન (૧૯મી પૂર્વાર્ધ)
નાગર કવિ. સૌરાષ્ટ્રમાં દિવાનપદે. વ્રજ-ગુજરાતીમાં ભક્તિકાવ્યોની રચના સંસ્કૃત, વ્રજ, ફારસીના જાણકાર. ચંડિકા સ્તુતિ, ગરબા તથા આખ્યાનોની રચના
૧ પદ

ચંડિકા સ્તુતિ

મહિષ માર્યો માહેશ્વરી, પ્રગટ્યો સુર આનંદ,
શક્રાદય સુરગણ મળી, સ્તુતિ કરે નરિયંદ;

શક્રાદય સુરગણ મળી, અંબાના ગુણ ગાય;
જગજનની ગિરિનંદની, ભયભંજની માય.

રૂપ અનોપમ માતનું, વાણીથિ ન કહેવાય;
સુંદરતા ત્રેલોકમાં, તેથી છબી શરસાય.

વસ્ર ધર્યાં માયે જરકસી, જાણે પ્રાતદિનેશ;
કમળકોશ માંહી ચંચળા, શોભે યથા સુવેશ.

કેશપાશ રવિનંદિની,ગંગ કુસુમની માળ;
સેંથો સિંદૂર સરસ્વતી, વેણી ત્રિવેણી વિશાળ.

શરદિન્દુ સરખું વદન છે, દંત દાડીમ બીજ;
મંદ મંદ મંજાુલ હસે, જાણે ઝબૂકે છે વીજ.

ચપલાયતન માની આંખડી, પંકજ પાંખડી માન;
કિર–ચંચૂ જ ેવિ નાસિકા, કંઠ કંબૂ સમાન.          શક્રા.

પીન પયોધર ઓપતાં, જાણે કંચન-કુંભ;
બલિહારી ભુજદંડની, ભાંજ્યા દૈત્યના દંભ.

કંઠાભ્રણ હીરે જડ્યાં, ઝાલ ઝુમણું તાંત;
કંકણ સોહે જડાવવાં, ઝુમખ મોતીની પાંત.

રુમઝુમ ફરે મા ફૂદડી, શોભે અપરંપાર;
દેવાંગના રંગ રંગના, અંગ અંગના શણગાર.

વળી વળી પાડે તાળિઓ, લટકાળી સુરનાર;
કટિમેખળા ક્ષુદ્રઘંટિકા, ઝાંઝરનો ઝમકાર.

ચાચરમાં ગરબે રમે, ગાય મધુરાં ગીત;
ચંગ મૃદંગ મધુરાં વાજે, નાચે ગત સંગીત.

ઘૂઘરી પાયે ઘમઘમે, નેપૂરના રણકાર;
પડછંદા પડે ગગનમાં, શેષ સહે નહિ ભાર.

સુંદરતા, લાવણ્યતા, વાણીથી નવ કહેવાય;
સાગરનીર ગંભીર જેમ, ગાગરમાં ન સમાય.

ચંડ પરાક્રમ ચંડિકા, કીધો દૈત્યનો નાશ;
ચરણને શરણે આવી રહ્યાં, જાણે દાસના દાસ.

ચક્ર-ગદા-શર-ચાપથિ, કાતી ખડગ કટાર;
રક્ષા કરો નિજ શસ્રથી, નોધારાનાં આધાર.
પાહિ પાહિ પરમેશ્વરી, પાહિ જગદાધાર;
પાહિ પાહિ મહિષમર્દની, પાહિ શ્રી જનોદ્ધાર."

પ્રસન્ન થઈને દેવી કહે, "માગો સુર વરદાન;"
દેવ કહે, "સુણો અંબિકા, એ દુ:ખ વિપિન કૃશાન.

કષ્ટ સમે સુરસાથને, થાજો તમે રે સહાય;"
તથાસ્તુ કહીને થયાં, અંતર્ધ્યાન ઉમાય.