મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૩.લાવણ્યસમય-વિમલપ્રબંધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૩.લાવણ્યસમય - વિમલપ્રબંધ

લાવણ્યસમય(૧૫મી ઉત્તરાર્ધ–૧૬મી પૂર્વાર્ધ) આ જૈન સાધુ કવિએ મોટા પ્રમાણમાં પ્રબંધ, રાસ, ચરિત્ર વગેરે નાનીમોટી કથાકૃતિઓ લખી છે. એમાં વિમલપ્રબંધ, નેમિ-રંગ-રત્નાકર-છંદ મહત્ત્વની છે.

‘વિમલપ્રબંધ-માંથી

આરંભ સરસ્વતીસ્તવન

ચઉપઈ
સરસતી વરસતી વાણીસાર, કહઇ કવિયણ મઝુ તસુ આધાર;
સરસતી વિણ જે બોલ્યા બોલ, તે પ્રામાણિ નવિ ચડઇ નિટોલ.

નવઇ ખંડ જોજ્યો નિરમલા, વિમલકીર્તિગુણ ગંગાજલા;
નીનગ લહર વીર વિખ્યાત, ગાઇસુ વિમલમંત્રી અવદાત.

બ્રહ્માની બેટી સરસતી, ગૌરવર્ણ ચાલઇ ગજગતિ;
કમલ કમંડલ વીણા સાથિ, પુસ્તક પરઠિઉં જિમણઇ હાથિ.

ઉરિ મોટઉ મિક્તાફલ-હાર, પાયે નેઉર રણઝણકાર;
કાને કુંડલ વેણીદંડ, લીલા મોહિઉ જિણઇ બ્રહ્માંડ.

રતન-જડત રૂડી રાખડી, લોચન જસ્યાં કમલપાંખડી;
નિર્મલ નાશા તિલનું ફૂલ, દંત તણઉ કુણ કરસિ મૂલ.

રાતા અધર તે વિદ્રુમ રોલ, જાણે જીહ અમીનું ઘોલ;
ચંદલડઇ જીતુ મયંક, કટિ ઝીણઉ લાખીણઉ લંક.

ઉન્નત પીન પયોધર કુંભ, સદલી સાથલ કદલી-થંભ;
ફાલી ચોલી સવિ શણગાર, જાણે વીજ તણઉ ઝબકાર.

વાહની હંસ વિશ્વવિખ્યાત, તે સરસતી ત્રિભુવનની માત;
વિણ સરસતી નવિ કહીઇ જાણ, સરસતી વિણ નહિ વેદ પુરાણ.

વિનય વિવેક વડા આચાર, લક્ષણ લગન લોક-વિવહાર;
માઇ અંક ન એકુ કલા, સરસતી વિણ થાઇ આકુલા.

આગઇ સિદ્ધ અનંતા થયા, સરસતી-બલિ તે સિદ્ધિ ગયા;
સરસતી વિણ નવિ લાધાં જ્ઞાન, વિણ સરસતી નવિ કહનઇ માન.

સરસતી મુક્તિ તણઉં છઇ બીજ, કૂડઉં હૂઇ તુ આપું ધીજ;
છય દરશણ પાખંડ છન્નૂવઇ તે સઘલાં સરસતીનઇ કવઇ.

જેહને વયણે સરસતી-વાસ, તે ખાઈ ગિરુઆના ગ્રાસ;
જેહનઇ સરસતી સુપનિ મલી, તે મૂરખથી જાઇ ટલી.

સરસતી માનઇ મોટા રાય, સરસતી વિણ નાણઉં ન કહાઇ;
માંહિ લક્ષ્મી હુઇ ખરી, તુહઇ સરસતી જો સિરિ ધરી.


ભરહ-ભેદ પિંગલની વાણી, તર્ક છંદ જોતિષની ખાણિ;
ધર્મ્મકર્મ બોલ્યાં સંસારિ, તે સવિ સરસતીનઇ આધારિ.

તું ભારતી તુંહ જિ ભગવતી, તું પદમા તું પદમાવતી;
તું યોગિણી તું જ્વાલામુખી, તાહરઇ તેજઇ ત્રિભોવન સુખી.