મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૫૭.રાજે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫૭.રાજે

રાજે (૧૮મી સદી પૂર્વાર્ધ):
આ મુસ્લિમ કવિની મોટા ભાગની કવિતા કૃષ્ણચરિત્રને વિષય કરતી પ્રેમલક્ષણાભક્તિની છે. એમનાં દોઢસો જેટલાં પદોમાં થાળ, આરતી, ગરબી એવું સ્વરૂપવૈવિધ્ય તથા રાગઢાળોનું અને રચનાશૈલીનું વૈવિધ્ય તેમજ ભાષા-માધુર્ય, ભાવાર્દ્રતા અને કલ્પનાની ચમત્કૃતિ પણ નોંધપાત્ર છે. આ ઉપરાંત કૃષ્ણવિષયક કેટલીક આખ્યાનાત્મક કૃતિઓમાં, પ્લવંગમ છંદમાં રચાયેલી જ્ઞાનવૈરાગ્યલક્ષી ૫૦ ‘જ્ઞાનચુરાસ’માં તથા ‘બારમાસા’માં કવિનું સર્જકકૌશલ વરતાય છે.
૫ પદો


. મોહનજી તમો મોરલા
મોહનજી તમો મોરલા, હું વારી રે; કાંઈ અમો ઢળકતી ઢેલ,
આશ તમારી રે.
જ્યાં જ્યાં ટહુકા તમે કરો, હું વારી રે; ત્યાં અમો માંડીએ કાન,
આશ તમારી રે.
મોરપીંછ અમો માવજી, હું વારી રે; વહાલા વન વન વેર્યાં કાંથ
આશ તમારી રે.
પૂઠે પલાયાં આવીએ, હું વારી રે; તમો નાઠા ન ફરો નાથ,
આશ તમારી રે.
મોરલીએ મનડાં હર્યાં, હું વારી રે; વિસાર્યો ઘર-વહેવાર,
આશ તમારી રે.
સંગ સદા લગી રાખજો, હું વારી રે; રાજેના રસિયા નાથ,
આશ તમારી રે.


અણીયાલી સી આંખમાં
અણીયાલી સી આંખમાં કૈં કાંમણ રે,
તે વેધાં તંનમંનપ્રાંણ સી સીખાંમણ રે.

એના વાંસલડીના વેણમાં કૈં કાંમણ રે,
તે સાંભળતાં સૂધ જાએ સી સીખાંમણ રે.

એની મીટલડીની મીટમાં કૈં કાંમણ રે,
તે ચોરી લે છે ચંત સી સીખાંમણ રે.

એ સમજાવાની સાંનમાં કૈં કાંમણ રે,
તેહેમાં તાંણી લે છે મંન સી સીખાંમણ રે.

એના ગાઆ ના ગુણ ગ્રામમાં કૈં કાંમણ રે.
રાજેના રસીઆ નાથ સી સીખાંમણ રે.
 

તાહારાં નૈણની બલહાર
(રાગ: મલાર, ચાલ હૂસની)
તાહારાં નૈણુની બલહાર
મોહન, મીટડલી ન માર!
લોચન તાહારાં લાગણાં રે, પડે કાલજ પાર,
લોટપોટ થઆં સખી, સૂ કહે વીસ્તાર?          મોહન

એ આંખડીઓ બરછીની અણીઓ પેપણ ખાંડા-ધાર,
ચાલતાં ચંત પીઆરાં વેધે એહેવુ એ નાર ધાર.          મોહન

જોઈ જોઈને જાએ તારે વારણે વ્રીજનાર,
રાજેના પ્રભુ અંતરજાંમી, અમને સાંખે દ્વાર.          મોહન


 તમે છાંના આવુ ઘેર
તમે છાંના આવુ ઘેર કે, મારા છેલ-છબીલા રે,
સીદ દેખાડુ સાંમજી, તમે લોકને લીલા રે?          તમે

તમે મધરાતે માહારાજ, કે આવે મંદીર માહારે રે,
બારણૂ બેક ઊઘાડૂ રાખસ કાજ તમારે રે. તમે

વાહાલપણાની વાત તે વાહાલા, હુએ એકાંતે રે,
પ્રગટ કરી પરસીધ જગતને ચઢવૂ દાંતે રે.          તમે

પરગટની પરસીધ ચાલે તે ચંતા લાગે રે,
લાખ લોકાં મલતા મલુ તાંહાં દાઝ ન ભાગે રે.          તમે

જે સમઝી કરી એંકાતે વાહાલા, કોઈ ન જાંણે રે,
રાજેના પ્રભૂ અંતરજાંમી, જેમ વખાંણે રે. તમે


રંગીલી આ રજની રૂડી
રંગીલી આ રજની રૂડી રે,
રમતાં રંગ રંગીલા સાથે દૂધ ગીઆં ઊડી રે,          રંગીલી

લોક-લાજ ને કુલ-મૂરજાદા તે નાખી ગૂડી રે,
અબલા એમ ઓપે જેમ કર કંચન-ચૂડી રે.          રંગીલી

આહાવા રસમાં જે નહી નાહે તેહેની મત બૂડૂ રે,
રાજેના પ્રભૂ અંતરજાંમી વાહાલ ધરે વહૂડી રે.          રંગીલી