મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૨
સમયસુંદર
ખંડ ૨: ઢાલ પાંચમી
[રામ-લક્ષ્મણ વનમાં જવા તૈયાર થાય છે ત્યારે સાથે જવા સીતા વિનવે છે]
લક્ષ્મણ રામ બે મિલી રે, હિવ ચાલ્યા વનવાસો
સીતા પાણિ પૂંઠિ ચલી રે, સમજાવઈ રામ તાસો રે ૧
રામ દેસઉટઈ જાય, હિયડઈ દુ:ખ ન માયો રે
સાથિ સીતા ચલી, જાણી સરીરની છાયો રે ૨
અમ્હે વનવાસે નીસર્યારે, તાત તણે આદેશ
તૂં સુકુમાલ છઈ અતિ ઘણું રે, કિમ દુ:ખ સહિસિ કીલેસોરે ૩
ભૂખ તૃષા સહિવી તિહારે, સહિવા તાવડ સીત
વન અટવી ભમિવઉ વલી રે, ન કો તિહાં આપણૌ મીતો રે ૪
તે ભણી ઈહાં બેઠી રહે રે, અમ્હે જાવા પરદેસ
પ્રસ્તાવઈ આવી કરી રે, આપણઈ પાસિ રાખેસોરે ૫
સીતા કહઈ પ્રીતમ સુણઉ રે, તુમ્હે કહઉ તે તૌ સાચ
પણિ વિરહઉ ન ખમી સકુંરે, એકલડી પલ કાચો રે ૬
ઘર મનુષ્ય ભસ્યઉ તસ્યઉ રે, પણિ સૂનઉ બિણ કંત
પ્રીતમ સૂઁ અટવી ભલીરે, નયણે પ્રીયૂ નિરખંતો રે ૭
જોબન જાયઈ કુલ દિઈરે, પ્રીયુસૂં વિન્રમ પ્રેમ
પંચદિહાડા સ્વાદ નારે, તે આવઈ વલિ કેમોરે ૮
કંત વિહુણિ કામનિ રે, પગિ પગિ પામઈ દોપ
સાચઉ પણિ માનઈ નહિ રે, જલ બલિ તે પાયઈ કોસોરે ૯
વર બાલાપણઈ દીહડા રે, જિહા મનિ રાગનઈ રોસ
જોવન ભરિયાં માણસારે, પગિ પગિ લાગઈ છઈ દોસોરે ૧૦
ભઈ પ્રીતમ નિશ્ચય કિયઉરે, હું આવિસિ તમ સાથિ
નહિ તરિ છોડિસિ પ્રાણ હુંરે, મુક્ત જીવિત તુમ હાથો રે ૧૧
પાલી ન રહઈ પદમિની રે, સીતા લીધી સાથિ
સૂર વીર મહા સાહસી રે, નીસર્યા સહુ તજી આથો રે ૧૨