મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ચતુરચાલીશી પદ ૩૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ ૩૮

વિશ્વનાથ

(રાગ દેશાખી)
હું અલગી નથી રે, તમથી અધક્ષણ માહારા નાથ,
અતી દોહલો જાણો છો, જાદવ સાસરડાંનો સાથ.          હું અલગી ૧

ત્રીભુવનમાં ત્રીકમજી તમને, તાપ નહી કોહોથી,
ઉતર એક અમ્હે ન દેવાએ માણસના મોહોથી.          હું અલગી ૨

દુતીનું શું કામ દયાનીધ્ય, કાન પડે કડું,
મન એક આપણ બે જનનું, તો ગોપ્ય રહે રૂડું.          હું અલગી ૩

વીલંબ એક પલનો નહી પાડું, વંશ સુણી કાને,
કારજ અન્ય કરું નવ સુઝે, શામ તણી સાને.          હું અલગી ૪
વચન એક આપોજી મુજને, આંગણડે આવી,
મુરલી માહારૂ મન ઠારવા, દનપ્રતે વાહાવી.          હું અલગી ૫

કેહેત કુડુ રખે રસીકવર, મન માંહે માનો,
આજ પછી જે સમે કરો, તે દુતીથી છાનો.          હું અલગી ૬

અંગ વિષે અવીલોકન કરતાં, વારૂ શા માટે?
જાની સરખો જોતો હીંડે, વૃંદાવનની વાટે.          હું અલગી ૭